કાંચન અને સાધક

પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો થઈ ગયો છે, જાણે એના પર કાળી શાહી છંટાઈ ગઈ છે. આ બધું ઓફિસના કામને કારણે છે. એણે હિસાબ લખવાના હોય છે ને એવી બીજી સેંકડો બાબતો કરવાની હોય છે.’

પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર અહીં આવતો. કેટલાક સમય પછી એ આવતો બંધ થયો અને અમને એનું કારણ જાણવા નહીં મળ્યું. એક વખત અમે હોડીમાં કોન્નગર ગયા. હોડીમાંથી ઊતરતાં અમે જોયું કે, મોટા માણસોની ફેશન પ્રમાણે ગંગાકાંઠે બેસી એ ખુલ્લી હવા માણી રહ્યો હતો. મને જોઈને મોટપના ભાવથી એ બોલ્યો, ‘કાં ઠાકુર ! કેમ ચાલે છે !’ એના લહેકાનો ફેરફાર તુરત મારા ધ્યાનમાં આવ્યો અને, મારી સાથે હૃદય હતો તેને મેં કહ્યું, ‘હૃદય, આ માણસને ચોક્કસ કંઈ પૈસો મળ્યો હોવો જોઈએ. એનામાં થયેલો ફેરફાર જોયો ને !’ અને હૃદય ખડખડાટ હસી ઊઠ્યો.

પૈસો માત્ર રોટલો આપી શકે. એને તમારું એક માત્ર ધ્યેય નહીં માનો. કેટલાક લોકો પોતાના ધનનો અને સત્તાનો ગર્વ કરે છે, કેટલાક નામ અને કીર્તિનો અને સમાજમાં પોતાના મોભાનો ગર્વ કરે છે; પણ આ બધું ચાર દિનની ચાંદની છે. મૃત્યુ વખતે કોઈ સાથે નથી આવતું. પૈસાનો ગર્વ કરવા જેવું કંઈ છે જ નહીં. તમે કહો કે, ‘હું પૈસાદાર છું.’, તો તમારા કરતાં ક્યાંય વધારે પૈસાદાર માણસો બીજા હોવાના અને એની સરખામણીમાં તમે ભિખારી જેવા દેખાવાના. સંધ્યાકાળ પછી આગિયા દેખાવા લાગે તે એમ માને કે ‘અમે જગતને અજવાળીએ છીએ.’ પણ તારાઓ ચળકવા લાગે ત્યારે આગિયાઓનું અભિમાન ગળી જાય. પછી તારા વિચારવા લાગે, ‘વિશ્વને અમે અજવાળીએ છીએ.’ પણ થોડી વાર પછી ચંદ્ર દેખાવા લાગે ને એમની રૂપેરી ચાંદની તારાઓનો ગર્વ ઉતારે અને દુ:ખથી એ ઝાંખા પડી જાય. એટલે ચંદ્રને ગર્વ થાય અને માનવા લાગે કે જગતને એ અજવાળે છે અને સૌંદર્યે મઢે છે. પણ થોડી વારમાં, ઉષાકાળ ક્ષિતિજ પર સૂર્યના આગમનની છડી પોકારે છે. હવે ચાંદો ક્યાં રહ્યો !

-શ્રીરામકૃષ્ણની અમૃતવાણી પૃ ૧૯-૨૦

Total Views: 319
By Published On: September 1, 2021Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram