સ્વામી વિવેકાનંદની એ એક મહાન ઉક્તિ છે કે તમારે જો વિચાર જ કરવા હોય તો, સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માટે માની લેવું! અમે નિર્બળ છીએ, એમ વારંવાર કહ્યા કરવાથી આપણે નિર્બળ જ બનતા જઈએ છીએ.

આજનો માનવી વિચાર બદલે તો ભવિષ્ય બદલાઈ જશે. પરિવર્તન શબ્દનો અર્થ જ કંઈક નવું કરવાનું સૂચન કરે છે. માનવીની પ્રગતિના પાયામાં જ પરિવર્તન છે. નવું વિચારવાની ક્ષમતા એ આપણી બુદ્ધિમત્તાનું માપ છે. આપણામાં કંઈક છે, તેના કરતાં કંઈક નવું બનાવવાનો વિશેષ વિચાર હોવો જોઈએ. જેમ કે માણસ શારીરિક રીતે સક્ષમ હોય અને બૌદ્ધિક મંદતા ધરાવતો હોય તો શારીરિક ક્ષમતાનો કોઈ અર્થ રહેતો નથી. કેટલા પ્રમાણમાં કેટલું પરિવર્તન કરે છે એ તો તેની નવીન વિચારશક્તિને અધીન છે. જેમ હાથ-પગ વગરનો માનવ ઊંચાં ઊંચા શિખરો સર કરે છે, તે તો તેની બૌદ્ધિક ક્ષમતાને લીધે જ સર કરી શકે છે.

નવું વિચારવાની ક્ષમતા એ આપણી બુદ્ધિમત્તાનું માપ છે. જેની બુદ્ધિમત્તા વધારે છે, તે બીજમાં પણ વૃક્ષ જોવાની પ્રતિભા ધરાવે છે. જેને પરિવર્તન કરવું છે, તે વાંસના ટુકડાને જોઈને નવો જ વિચાર કરીને અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી શકે છે.

શેરડીને જોઈને તેમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી અને વળી તેમાં નવો વિચાર ઉમેરીને બાયોગેસ અને કાગળ પણ બનાવી શકે છે. આમ પરિવર્તનની ક્ષમતા એ બુદ્ધિમત્તા પર આધારિત છે એમ જોવા મળે છે. એક ચાલતી કીડી ઊંઘી રહેલા બળદ કરતાં વધારે કાર્ય કરે છે. આવાં તો અનેક ઉદાહરણો પ્રકૃતિ પાસેથી પ્રાપ્ત થાય છે.

આવું જ આપણા સમાજમાં મોટા પાયે પરિવર્તન થયેલું જોવા મળે છેે. તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પથદર્શક પયગંબર સ્વામી વિવેકાનંદના નવીન વિચારોએ આપણા રાષ્ટ્રજીવનના પ્રત્યેક પાસાનો સૂક્ષ્મ વિચાર કર્યાે હતો. એમના નવીન વિચારોએ ઘણી વ્યક્તિઓના અંગત જીવનમાં અને સામૂહિક જીવનમાં એક પ્રેરણાસ્રોત જેવું કાર્ય કર્યું છે.

એમના વિચારો મૃતઃપ્રાય આત્માઓને સાહસ-શૌર્યથી કાર્યાન્વિત કરવા પ્રેરે છેે, ડૂબતા પ્રજાજનોમાં નવીન આશાનો સંચાર કરે છે. પ્રચંડ પુરુષાર્થ, સમર્પણ, બલિદાન, પ્રેમ તથા પવિત્રતા જેવી દૈવી સંપદ્ દ્વારા માનવમાંથી કેવી રીતે મહાવિભૂતિમાં પરિવર્તન થાય છે તેની ઝાંખી તેમના વિચારોમાં જોવા મળે છે. મહાન સંઘર્ષ કરીને, પ્રતિકૂળ સંજોગોમાં પણ અસાધારણ મહાન ઇચ્છાશક્તિ દૃઢ નિશ્ચયના અસીમ બળથી આત્મસન્માન અને વ્યક્તિત્વને ગુમાવીને છિન્નભિન્ન થઈ ગયેલ સમાજમાં તે શકવર્તી યુગપરિવર્તન આણે છેે.

તે જન્મથી મળેલ બંધનોને કરે છે પાર,
આનંદના માર્ગે જવાની કોશિશ કરે છે વારંવાર;
સંજોગો સામે આદરે છે યુદ્ધ,
પોતાના અવળા ગ્રહોને સવળા કરવા રહે છે તૈયાર.

મસ્તિષ્કનો આધાર શરીર પર નથી, પરંતુ શરીરનો આધાર મસ્તિષ્ક પર છે. ભમરાના વજનની સરખામણીમાં તેની પાંખો ખૂબ જ નાની હોય છે. વાયુશાસ્ત્રના નિયમ પ્રમાણે ભમરો આટલી નાની પાંખો દ્વારા કદાપિ હવામાં ઊડી ન શકે ૫રંતુ ભમરો પોતાની આ મર્યાદાને જાણતો નથી. તેથી તે અશક્ય બાબતને શક્ય બનાવીને કોઈ પણ જાતની સમસ્યા વગર હવામાં ઊડી શકે છે. આ બાબત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છેે. આપણે પણ આપણી મર્યાદાઓથી અજાણ હોઈએ તોપણ આપણે દુનિયાને દંગ કરી શકીએ છીએ. આપણી શક્તિઓની કોઈ મર્યાદા જ નથી. જે પણ મર્યાદા છે, તે મનુષ્યે પોતે જ પોતા પર લાદી છે.

બુદ્ધિ વિચારશક્તિ અને સંકલનશક્તિનું નિયમન કરે છેે. પરિવર્તનની ક્ષમતા કોઈ પણ ઉંમરે કાર્યાન્વિત થઈ શકે છે. મોઝાર્ટે લોકોને કોન્સટ્‌ર્સ આપવાની શરૂઆત ૬ વર્ષની ઉંમરે કરી હતી, તો માઈકલ એન્જેલોએ તેનું સૌથી પ્રખ્યાત કાર્ય ૮૭ વર્ષની ઉંમરે કર્યું હતું. પીટ ૨૫ વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા હતા. ગોથેએ લેખનકાર્યની શરૂઆત ૧૦ વર્ષની ઉંમરે કરી હતી. લીયો નાર્ડો દ્‌ વીન્ચીએ પ્રખ્યાત ચિત્ર ‘ધ લાસ્ટ સપર’ ૭૭ વર્ષની ઉંમરે બનાવ્યું હતું. ગાંધીજી મહાન શાથી બન્યા? તેમની વાણી કોમળ, બુધ્‍ધિ વિશાળ અને જ્ઞાન સર્વગ્રાહી હતું. તેમનું કાર્યક્ષેત્ર રાજકારણ કે નીતિ પૂરતું મર્યાદિત ન હતું, પણ જીવનના દરેક ક્ષેત્રમાં તેમણે ક્રાન્તિકારી અને મૌલિક વિચારો દર્શાવ્યા હતા.

એક દીવાથી બીજો દીવો પેટાય છે,
એક નાની શી જ્યોત ઘર આખાને અજવાળે છે;
જન્મ કોઈને બાંધી મૂકતો નથી,
જે હિંમત કરે તે તો દીવાલો તોડીને આગળ વધે છે.

આપણે આપણી આસપાસ એવા લોકોને જોઈએ છીએ કે જેઓએ જબરદસ્ત સફળતા મેળવી હોય છે. આ લોકોને જોઈએ છીએ ત્યારે આપણે તેમને નથી જોતા, આપણે તેમના નવા વિચાર, તેમના નવા આવિષ્કાર અને તેમની નવીન સેવાઓને જોઈએ છીએ. ઘણી વાર આપણને પણ નવા વિચાર આવતા હોય છે, જેના દ્વારા આપણે પણ જગતને ઉત્કૃષ્ટ આવિષ્કાર પ્રદાન કરી શકીએ તેમ છીએ. એક મોબાઈલ કંપનીની જાહેરાતમાં પણ આવે છે- An idea can change your life. તમારો એક વિચાર તમારી જીંદગી બદલી શકે છે. બુદ્ધિમત્તા એટલે વિવિધ પરિસ્થિતિઓમાં ખૂબ જ કુનેહપૂર્વક કાર્ય કરવાની કળા. તે વિચારશક્તિ અને સંકલ્પશક્તિનું નિયમન કરે છે.

પાણી ગમે તેટલું ગંદું હોય, ભલે તે તરસ ન છીપાવી શકે પણ આગને જરૂર ઓલવી શકે છે. સફળતા મેળવવી તે એક દિવસની વાત નથી. કોઈ એક દિવસમાં આઈન્સ્ટાઈન બની શકતા નથી, કોઈ એક દિવસમાં શહીદ ભગતસિંહ ન બની શકે, કોઈ એક દિવસમાં ગાંધીજી ન બની શકે, કોઈ એક દિવસમાં અબ્દુલ કલામ ન બની શકે. પરિવર્તની સામે અનેક સમસ્યાઓ આવતી હોય છે. પરિવર્તનની સામે અનેક મુસીબતો આવતી હોય છે. જો કે પરિવર્તનની સામે બધી જ સમસ્યાઓ એક સમાન હોય છે, બધાને માટે સમાન જ હોય છે. તમારા લગાવ માટેની સમજુતી તમને તમારા ધ્યેય સુધી પહોંચવા માટેની પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનું આપણે એક ઉદાહરણ જોઈએ-

જ્યારે વરસાદની શરૂઆત થાય છે ત્યારે મુશળધાર વરસાદ વરસે છે. તે વખતે બધાં પક્ષીઓ માટે વરસાદ એક સમાન હોય છે. ત્યારે બધાં પક્ષીઓ પોતપોતાનું રહેઠાણ શોધે છે. કોઈ પહાડની ગુફામાં બેસી જાય છે, કોઈ વૃક્ષ પર પોતાનો સહારો લે છે, કોઈ પોતાના માળામાં ચાલ્યું જાય છે. પરંતુ એક એવું પક્ષી છે, જેનું નામ ગીધ છે. તેની સાથે પણ આ જ પરેશાની છે.

જ્યારે વરસાદ આવે છે ત્યારે તે પોતાની હાલત પર રડતું નથી, તે કોઈ રહેઠાણ શોધતું નથી. જ્યારે વરસાદની શરૂઆત થાય છે ત્યારે તે વરસાદથી ડરતું નથી. તે વખતે ગીધ પોતાની પાંખો ફેલાવીને ગગનમાં ઊંચે ઉડ્ડયન કરે છે અને વાદળોથી પણ ઉપર ચાલ્યું જાય છે અને વાદળોની ઉપર જઈને બેસી જાય છે. આમ તે વાદળોને પણ પોતાની શક્તિ બતાવી દે છેે.

આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાન મેળવવા ગુરુની જરૂર છે, મંજિલ સુધી પહોંચવા પથદર્શકની જરૂર છે પરંતુ શ્રેષ્ઠતમ જીવન જીવવા અને બુદ્ધિમત્તા વધારવા નવા વિચારો સાથે પરિવર્તન અત્યંત આવશ્યક છે. આવા નૂતન પરિવર્તનની પરિભાષા જ નવા વિચારોને જન્મ માટે પ્રેરણા આપે છે. જો આપણો દેશ પરંપરાવાદી જૂનવાણી વિચારો લઈને ચાલતો હોત અને નૂતન સાંસ્કૃતિક વિચારધારા અપનાવી ન હોત તો આજે આપણો દેશ જે પ્રગતિ સાધી શક્યો છે તે શક્ય ન બન્યું હોત.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ભારતનાં ૫૬૨ જેટલાં રજવાડાંને એકત્રિત કરવાનો વિચાર એક અખંડ ભારતવર્ષને જન્મ આપે છે. ‘નર્મદાના વહી જતા નીરને રોકવું’ એવા એ મહાન વિચારને લઈને જ આપણને નર્મદાનાં જળની પ્રાપ્તિ થઈ છે અને સમગ્ર ગુજરાતને તેણે લીલુંછમ બનાવી દીધું છે. અરુણિમા સિન્હા એકમાત્ર દૃઢ સંકલ્પથી, એક પગ ન હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી શક્યાં. વર્તમાન સમયના યુવાધનને પ્રેરણા મેળવવા માટે શું આ જીવંત ઉદાહરણો પૂરતાં નથી?

આમ જેમ પાણીની તુલનામાં કોઈ પણ ચીજ વધારે નરમ કે લચીલી નથી તેમ છતાં પાણીને કોઈ રોકી શકતું નથી. તેવી જ રીતે જેનામાં બૌદ્ધિક ક્ષમતા વિશાળ હિમાલય જેવી છે તેની પરિવર્તનની ક્ષમતા પણ મહાસાગર જેટલી અગાધ હોય છે. આથી જ સ્વામી વિવેકાનંદ કહે છે કે તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. એવો વિચાર ન કરો કે તમે દરિદ્ર છો અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી મનુષ્યને તૈયાર થતો કોઈ કાળે કોઈએ જોયો છે! મનુષ્ય તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા મનુષ્યની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી, શ્રદ્ધાની શક્તિથી બનેલી છે.

Total Views: 324

2 Comments

  1. Divyen Patel September 16, 2022 at 5:08 am - Reply

    👏👏👏👏👏👏

  2. Praful R PATEL September 6, 2021 at 12:50 pm - Reply

    Very nice
    Very good
    Nice thought

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.