એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા અનુચિત ઉપાયથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી એ ચોરી છે.

પવિત્રતા – અપરિગ્રહ. સાધકોએ વધારે વસ્તુથી પોતાનો બોજ વધારવો જોઈએ નહીં. એણે સંગ્રહવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. જે વસ્તુની તમને જરૂરિયાત નથી, તે બીજાને આપી દો. કદાચ બીજા પાસેથી ભેટ લેવાનું જરૂરી હોય, તો એને એના બદલામાં બીજું કંઈક આપો. જો તમારી પાસે આપવાને માટે પૈસા ન હોય, તો પ્રેમ, સેવા, જ્ઞાન આપો.

‘નિયમ’ની સાથે પણ પાંચ વિધાન છે. પ્રથમ છે શૌચ- પવિત્રતા, અર્થાત્‌ દેહ અને મન બન્નેની પવિત્રતા. દેહ ભગવાનનું મંદિર છે, આથી એને સાફ રાખવું જોઈએ. બીજો નિયમ છે સંતોષ. ભૌતિક પરિસ્થિતિમાં સંતોષ કરવો જોઈએ. તમે તમારી સાધના પ્રત્યે ભલે અસંતુષ્ટ હો પરંતુ પોતાની સમસ્યાઓને માટે વાતાવરણને દોષ ન દો. હંમેશાં ફરિયાદ કરનારા તથા અસંતોષ પ્રગટ કરનારા પોતાની શક્તિ અને સમય જ નષ્ટ કરે છે. બીનજરૂરી અસંતોષ પેદા ન કરો. આના પછી છે તપ – ઇન્દ્રિયનિગ્રહ. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયભોગોમાં રત રહેનાર વ્યક્તિનું મન શાંત રહી શકતું નથી. વ્યાસ કહે છે કે અસંયમી વ્યક્તિને માટે યોગ અસંભવ છે. (પતંજલયોગ સૂત્રનું ભાષ્ય, ૨.૧) આના પછી છે સ્વાધ્યાય. આનો અર્થ કેવળ પુસ્તકોનું અધ્યયન જ નથી, પણ પોતાના મનનું અધ્યયન પણ છે. છેલ્લે છે ઈશ્વર -પ્રણિધાન. – પરમાત્મા પ્રત્યે આત્મસમર્પણ, જે સૂક્ષ્મતમ અપવિત્રતા એટલે કે અહંકારને દૂર કરે છે. મહત્ત્વપૂર્ણ યાદ રાખવા જેવી વાત આ છે – સાધનાના આગળના ચરણ અર્થાત્‌ આસનનો અભ્યાસ શરૂ કરવાના પહેલાં સમગ્ર નૈતિક અનુશાસનનું પાલન કરી લેવું જોઈએ. આધ્યાત્મિક જીવનના આચાર્ય પવિત્રતા અને અનાશક્તિને આટલું વધારે મહત્ત્વ આપે છે.

પવિત્રતાને માટે પ્રાર્થના કરો:

ચિત્તની વાસ્તવિક શાંતિને માટે પવિત્રતા આવશ્યક છે. સારા અને પૂર્ણરૂપના વિચારોથી જ, જે શરીર અને સંસારને લગતા ન હોય, મન શાંત થઈ શકે છે. પ્રાચીન ભારતીય ઉપનિષદ કહે છે ઃ ‘આપણે બ્રહ્મની શાંત મન અને એકાગ્ર ચિત્તથી ઉપાસના કરવી. આ મનને શાંત કરવું એ બધા સાધકોને માટે અત્યંત આવશ્યક છે. સાધક માટે આધ્યાત્મિક જીવનમાં એ ધ્યાનની પૂર્વભૂમિકા છે.

ચિત્તશુદ્ધિને માટે સંઘર્ષ કરતી વખતે આપણે ભગવાન પાસેથી સહાયતા માંગવી જોઈએ. આપણે એમની પાસેથી પૂર્ણ ચિત્તશુદ્ધિને માટે પ્રાર્થના કરવી જોઈએ. પોતાના આધ્યાત્મિક કલ્યાણને માટે જ નહીં, પણ બીજાઓને માટે પણ પ્રાર્થના કરવી બહુ લાભપ્રદ થાય છે.

પવિત્રતા, એકાગ્રતા, શાંતિ, એકનિષ્ઠા અને પોતાના ખુદના આધ્યાત્મિક કલ્યાણને માટે પ્રાર્થના કરો, અને બીજાં બધાં પ્રાણીઓના આધ્યાત્મિક કલ્યાણને માટે પ્રાર્થના કરો, જેથી તેઓ પણ પવિત્ર, શાંત, એકાગ્ર અને ઉચ્ચતર જીવનને માટે સમર્પિત થાય. બીજાઓને માટે પ્રાર્થના કરવાથી આપણા સ્નાયુઓ પર શાંતિકર પ્રભાવ પડે છે. એથી આપણું મન ઉદાર બને છે. આથી સ્વામી વિવેકાનંદે ધ્યાનને માટે બેસતી વખતે તુરંત ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી દિશાઓમાં, બધાં પ્રાણીઓને માટે પ્રેમના વિચારોને ફેલાવવાનો ઉપદેશ આપ્યો છે. આ ઘણું જ લાભકારી થાય છે.

દરરોજ આપણે બીજાઓના કલ્યાણને માટે પ્રાર્થના કરવાનો નિશ્ચય કરી લેવો જોઈએ. જો આવી એકાગ્રતાની સાથે એવી પ્રાર્થના કરવામાં આવે, તો તે બીજાનું ભલું કરશે. આ જ નહીં, એ ઉચ્ચતર જીવન માટે સંઘર્ષ કરી રહેલાં તથા મહાન તકલીફ તથા પીડાથી દુઃખી થઈ રહેલાં આપણાં સાથીઓ પ્રત્યે આપણા દ્વારા પ્રેમની ભાવનાનો સંચાર પણ કરે છે.

ચિત્તની શુદ્ધિ તથા શાંતિને માટે તથા એને પરમાત્મા પર એકાગ્ર કરવાને માટે હૃદયની ઉદારતા અને નિષ્કામ ભાવના અત્યંત આવશ્યક છે. આથી બીજાઓને માટે પ્રાર્થના કરવાથી આપણે પોતે જ ભગવાનની વધુને વધુ નજીક પહોંચીએ છીએ.

ભૂતકાળનું ચિંતન કરો નહીં:

ભૂતકાળ ચાહે ગમે તેવો રહ્યો હોય, એનું ચિંતન પૂર્ણપણે ત્યાગી દેવું જોઈએ. જે કરવામાં આવ્યું છે, તે હંમેશને માટે થઈ ગયું છે, એને ભૂસી શકાતું નથી. આથી પવિત્રતાનું ચિંતન કરો, ભવિષ્યમાં તમે શું કરશો એનું ચિંતન કરો, નહીં કે ભૂતકાળમાં જે કર્યું હતું, એનું ચિંતન. જે પોતાને પવિત્ર વિચારે છે, તે પવિત્ર બની જાય છે. ભૂતકાળને યથા સંભવ ભૂલવાનો પ્રયત્ન કરો. શ્રેષ્ઠતર અને પવિત્રતર સંબધો અને સંસ્કારોને પુરાણા સંબંધોને સંસ્કારોના સ્થાન સુધી લઈ જઈને એને ખતમ કરવાનો પ્રયત્ન કરો.

સ્વામી વિવેકાનંદ કહેતા હતા ઃ શું તમે મેલને મેલથી ધોવાનો પ્રયત્ન કરશો ? શું પાપનો ઇલાજ પાપ છે, શું દુર્બળતાનો ઇલાજ દુર્બળતા છે? ના.

અપવિત્રતાના વિચારથી તમે પવિત્ર બની શકતા નથી ઃ પોતાને પાપી છો એવું વિચારીને તમે પાપથી મુક્ત થઈ શકતા નથી. આ ખોટી માનસિકતા છે અને એનું પરિણામ બિલકુલ ઊલટું હશે. જો આપણે પાપ અને અપવિત્રતા ઉપર બહુ વધારે વિચાર કરતાં રહીશું, તો આપણે આ સત્યને ભૂલી જઈશું કે આધ્યાત્મિક પ્રયાસો દ્વારા આપણને કંઈક ઉપલબ્ધિ થઈ શકે છે. હંમેશાં સકારાત્મક પદ્ધતિ અપનાવો. ‘હું કેવો પાપી છું, હું કેટલો અપવિત્ર છું’ – આમ વિચારવાને બદલે, આવું વિચારો- ‘પવિત્રતા મારો વાસ્તવિક સ્વભાવ અને જન્મસિદ્ધ અધિકાર છે. હું સ્વરૂપતઃ મુક્ત જ છું. પવિત્રતા અને દિવ્યતા મારો સ્વભાવ છે.’

સમસ્ત અપવિત્રતાનાં મૂળ કારણોને દૂર કરવાં જોઈએ – ફક્ત એનાં બાહ્ય રૂપોને નહીં. આવું કરવાને માટે આપણે અનેક આંતરિક દ્વન્દ્વોનો સામનો કરવો પડે છે. પરંતુ ડરો નહીં. નિરોધ અને મનોગ્રંથિઓનું નિર્માણ પોતાની રીતે ખરાબ નથી. તે થોડા સમયને માટે પૂર્ણ ઉદાત્તીકરણની સીડીઓના રૂપમાં અનિવાર્ય છે, જે ઘણા સમય પછી થાય છે. મનોગ્રંથિઓને લઈને આટલો દેકારો શા માટે?

આપણે ગમે તે કરીએ, ગ્રંથિઓ બનશે જ. ભોગપિપાસા એક પ્રકારની ગ્રંથિ પેદા કરે છે અને નિગ્રહ બીજા પ્રકારની. આથી આપણે એવા રસ્તાને પસંદ કરવાનો છે, જે આપણને કોઈ ઉચ્ચતર અને સકારાત્મક અવસ્થા સુધી લઈ જઈ શકે, જે આપણને વધુમાં વધુ મુક્ત કરે અને જીવનનું ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહાયક હોય. આપણે ગમે તે કરીએ, સાપેક્ષ સ્તર પર આપણે નિરંતર ગ્રંથિઓ બનાવી રહ્યા છીએ. આધ્યાત્મિક જગતના પણ નિયમો હોય છે, પાલન કરવાને માટે ફક્ત ભૌતિક નિયમો જ નથી. આ વિષયમાં વ્યક્તિએ પોતાનો માર્ગ પોતે જ પસંદ કરવો જોઈએ.

દરેક પ્રારંભિક સાધકે કોઈ પણ રૂપમાં એની સામે ઉપસ્થિત થઈ રહેલાં હાનિકારક સંવેદનોથી દૂર રહેવાની સાવધાની રાખવી જોઈએ. એક કોમળ છોડને વાડ કરીને સુરક્ષિત રાખવો પડે છે. કોઈ પણ કિંમતે આધ્યાત્મિક જીવનયાપન કરવું જોઈએ અને એને માટે ઇચ્છાશક્તિ અને એકાગ્રતાનો મહાન વિકાસ કરવો પડે છે. આ દુર્બળ અને મંદ ગતિ લોકોને માટે નથી. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું છે-

કદાચ તમને તમારા પુરાણોનાં તેત્રીસ કોટિ દેવતાઓમાં વિશ્વાસ હોય, પણ પોતાનામાં વિશ્વાસ ન હોય, તો તમે મુક્ત થઈ શકતા નથી. પાપનો બોધ થોડાક મનોસ્થિતિઓવાળા માટે સારો બની શકે છે, પરંતુ આ ત્યારે કે જયારે તે ઉચ્ચતર પ્રયાસનું પ્રેરક બને. એને આપણે કોઈક આધ્યાત્મિક દિશામાં વાળવું જોઈએ. પણ અપવિત્રતાની આ બધી પોપડીઓને દૂર કરવાનો વધુ સારો ઉપાય પોતાની અંતર્નિહિત હંમેશ વિદ્યમાન પવિત્રતાનું ચિન્તન કરવાનો છે, જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે. જો આપણી ટેવો આપણો ‘દ્વિતીય’ સ્વભાવ છે તો વિશુદ્ધ આત્મા આપણો ‘પ્રથમ’ સ્વભાવ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આપણે બધા આપણા પોતાના પૂર્વજો છીએ અને આપણે તે જ પાક લણીએ છીએ જે આપણે વાવેલો છે. પણ પૂર્વજન્મ સૌથી મહત્ત્વપૂર્ણ વાત નથી. આપણે આ જ જીવનમાં પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી આધ્યાત્મિક જીવનમાં પૂર્વજન્મને બહુ વધારે મહત્ત્વ આપવું જોઈએ નહીં. જો આપણો વર્તમાન જન્મ આપણાં પૂર્વ કર્માેનું પરિણામ છે, તો એનો અર્થ એ થયો કે આપણે આપણા હાલના પ્રયાસો દ્વારા ભવિષ્યને બદલી શકીએ છીએ. કર્મ અને ભાગ્યનો અર્થ ક્યારેય એક થતો નથી. કર્મ-સિદ્ધાંત પુરુષાર્થનો સિદ્ધાંત છે, સ્વપ્રયત્નનો માર્ગ છે, આળસુપણું અને નિયતિવાદનો ક્યારેય નહીં. આથી આપણાં શાસ્ત્રો આપણે આપણા આચાર-વિચારોમાં નિયતિવાદને બદલે તીવ્ર સાધના ઉપર ભાર દેવો જોઈએ.

આપણે જાણીએ છીએ કે સાધના દ્વારા પવિત્ર હૃદય સત્યનું પ્રતિબિંબક બની જાય છે, એ પ્રમાણે પવિત્ર, ચિંતનશીલ મન પણ. પવિત્ર મન ક્રમશઃ ઉચ્ચતર જીવનના ભાવો પ્રત્યે સજાગ બની જાય છે. મન જેટલું પવિત્ર બનશે, એટલું જ તે જાગૃત બનશે, અને સત્યને સ્પષ્ટ રૂપમાં પ્રગટ કરશે. ઉચ્ચતમ અનુભૂતિમાં મન અને હૃદય બંને ચરમ સત્યમાં વિલીન થઈ જાય છે.

જ્યાં સુધી આપણે આપણા મનમાં રાખેલાં ખોટાં પૂતળાં અને ઢીંગલીઓ સાથે ચોંટેલા રહીશું, ત્યાં સુધી ભગવાનને માટે ઊંડી અને આંતરિક વ્યાકુળતા સંભવ નથી, ભલેને આપણે એનો ગમે તેટલો દેખાડો કેમ ન કરીએ. ત્યારે તે બધું માત્ર ખાલી વિશ્વાસ બની રહે છે. પરંતુ બધાનાં પ્રત્યેકના જીવનમાં એક એવો સમય આવી શકે છે, જયારે તે રમકડાં પોતાનું આકર્ષણ ગુમાવી દે છે. ફક્ત ત્યારે જ આધ્યાત્મિક જીવનને માટે સાચી અને ઊંડી વ્યાકુળતા જાગૃત થાય છે, ત્યારે બધી જ સાંસારિક વસ્તુઓ સ્વાદ રહિત બની જાય છે.

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.