પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની પૂજા કરી હતી. તેઓ જ (રામકૃષ્ણ સંઘનું) કેન્દ્રબિંદુ છે- શાંત, શક્તિમયી, માનવીય ઐશ્વર્યથી પૂર્ણ અને પરમ અંતર્દૃષ્ટિનાં અધિકારિણી છે. તેઓ આ નવા ધર્મસંઘનાં મહિમામયી માતા મેરી છે.

ગીતા(૧૮.૬૬)માં કહ્યું છે- ‘બધા ધર્માે ત્યજી દઈને તું માત્ર મારે શરણે આવ, સઘળાં પાપમાંથી હું તને મુક્તિ અપાવીશ, શોક કર મા.’ મને આ વાક્યના અદ્‌ભુત રૂપાંતરણની વાત ત્યારે જ સમજાઈ, જ્યારે મેં મઠમાં ગંગાના ઘાટ પર બેઠેલા બે યુવાન સંન્યાસી, ફણી(પછીથી સ્વામી ભવેશાનંદ) અને ગોપાલ-ચૈતન્ય(રામમય, પછીથી સ્વામી ગૌરીશ્વરાનંદ)ના મુખેથી શ્રીમા શારદાદેવીની જીવનકથા સાંભળી. શારદાદેવીએ દીક્ષા આપતી વખતે એ બન્નેના મસ્તક પર ગંગાજળ છાંટતાં કહ્યું હતું-

‘તમારા પૂર્વ જન્મનાં અને આ જન્મનાં બધાંય પાપોનો નાશ થાઓ.’ આનો અર્થ એ થાય કે ગુરુ શિષ્યનાં બધાં પાપોનો ભાર પોતાના પર લઈ લે છે. આ ઘટનામાં શારદાદેવી એવાં જ ગુરુ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે હિન્દુ ધર્મમાં પણ બીજાનાં પાપો ગ્રહણ કરવાની વાત છે. જોયું કે આ બન્ને યુવાન સંન્યાસીઓનાં મન, પ્રાણ તથા જીવન આજે પણ એવાં ઉજ્જવળ છે કે તેમના સંસ્પર્શથી બીજાઓની અંદર પણ એ જ આનંદનું સંચારણ થાય છે. જ્યાં સુધી યાદ છે, ફણીએ ૧૯૧૬માં પહેલી વાર શ્રીમાનાં દર્શન કર્યાં અને તેમની પાસેથી દીક્ષા લીધી. તે દિવસે દીક્ષા આપતા પહેલાં જ શ્રીમાને ભોજન પીરસી દેવાયું હતું. પણ શ્રીમા તેને છોડીને ફણીને લઈને પૂજાઘરમાં ગયાં અને બધાએ આશ્ચર્યચકિત થઈને જોયું કે દશ મિનિટ સુધી દીક્ષાનું અનુષ્ઠાન ચાલ્યું.

બીજા અઠવાડિયે ફણી સ્વૈચ્છિક રીતે જ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેવા માટે સૈન્યમાં ભરતી થઈ ત્રીસ બીજા છાત્ર-સૈનિકોને સાથે લઈ કરાચી ચાલ્યો ગયો. અને ત્યાંથી તે ઈરાન ગયો. દીક્ષા લેતી વખતે સૈન્યમાં જોડાવાની વાત ફણીએ વિચારી પણ ન હતી. પાછળથી બધાને અનુભવ થયો કે મા શારદાદેવીએ પહેલેથી જ જાણી લીધું હતું કે ફણી સૈન્યમાં જોડાશે. (અર્થાત્ શ્રીમા દિવ્યદૃષ્ટિ સંપન્ન હતાં.)

શ્રીમાનું પ્રથમ દર્શન કરતી વખતે ગોપાલ-ચૈતન્યની ઉંમર ૧૪ વર્ષની હતી. તે જયરામવાટીથી બે માઈલ દૂર રહેતો હતો. પછીથી તેના ઘરના લોકોએ તેને શારદાદેવીને મળવાની મનાઈ કરી. એટલા માટે તે બીજા ગામમાં પોતાના એક શિક્ષકને મળવા(તેમને મળવામાં તેના ઘરના લોકોને કોઈ વિરોધ ન હતો) જઈને, ચક્કર મારીને દર અઠવાડિયે શ્રીમાને મળવા આવતો. આ કારણે તેને દર વખતે ૧૪ માઈલ પગપાળા ચાલવું પડતું.

એક દિવસ તેને વિસ્મયમાં મૂકીને તેના પિતાએ ૧૨ રૂપિયા આપીને કહ્યંુ, ‘આ રાખ, અને તારી ઇચ્છા મુજબ વાપરજે.’ (આ પહેલાં તેને પોતાની માતા પાસેથી એક-બે પૈસા કરતાં વધુ કંઈ મળ્યું ન હતું અને પિતા પાસેથી તો કદાપિ કંઈ જ મળ્યું ન હતું.) હવેથી તે બધા પૈસા પૂરા થયા ત્યાં સુધી દર અઠવાડિયે મા શારદાદેવી માટે ચારથી આઠ આના સુધીનાં ફળ-મીઠાઈ ખરીદીને લઈ જઈ શકતો હતો. ત્યાર પછી બધા પૈસા પૂરા થઈ જતાં તેને મા પાસે જવામાં સંકોચ થવા લાગ્યો. થોડા દિવસો સુધી મા શારદાદેવી ગોપાલને તેના ગામથી થોડો થોડો સામાન લાવવા માટે દર અઠવાડિયે પૈસા આપવા લાગ્યાં. ગોપાલ-ચૈતન્યનું ગામ મા શારદાદેવીના ગામ કરતાં મોટું હતું. હવે તે કંઈક લઈ જવા સમર્થ થયો હોવાથી ઘણો ખુશ હતો. ક્યારેક કોઈ વિશેષ ઉત્સવ કે ખાવા-પીવાની વ્યવસ્થા થતાં તેને મા શારદાદેવી સોમવારની સવારની શાળાએ જવા ન દેતાં અને કહેતાં, ‘તારા શિક્ષક મોડું થવાથી તને કંઈ જ નહીં કહે.’ અને ખરેખર એમ જ બનતું.

શ્રીરામકૃષ્ણના માત્ર મુઠ્ઠીભર શિષ્યો છે અને સ્વામીજીના માત્ર સો જેટલા જ શિષ્યો છે, જ્યારે શારદાદેવીના શિષ્યોની સંખ્યા હજારોમાં છે, કારણ કે સ્વામી વિવેકાનંદના દેહત્યાગ પછી વીસ વર્ષ (વસ્તુતઃ ૧૮ વર્ષ)થી વધુ વર્ષ સુધી શ્રીમા જીવિત રહ્યાં. પોતાના પરિવારજનોના કારણે શ્રીમાને ખૂબ તકલીફ પડતી હતી. તેમની ભત્રીજી રાધુ ખૂબ ક્રોધી સ્વભાવની હતી. તે માની સાથે જ સૂતી અને તેમને ખૂબ કષ્ટ આપતી. શારદાદેવીએ આ ભત્રીજીનાં લગ્ન કરાવ્યાં, પણ તેના પતિએ તેનો ત્યાગ કર્યાે. અંતે તે છોકરી અપંગ થઈ ગઈ અને તેના માટે ઊભું રહેવું પણ મુશ્કેલ બની ગયું. તે છોકરી(હવે મહિલા કહેવું જ ઉચિત છે) હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ઘર-ગૃહસ્થી વચ્ચે યથાર્થ જીવન જીવ્યાં છતાં જે મહાન નારી પોતાના જીવનકાળમાં વાસ્તવિકરૂપે પૂજિત થયાં તેમના વિશે જાણીને મારા આનંદ અને વિસ્મયની સીમા ન રહી. અત્યારે જયરામવાટીમાં તેમના નામનું એક અત્યંત સુંદર મંદિર બની રહ્યું છે, જે બેલુર મઠમાં આવેલ સ્વામીજીના સમાધિમંદિર કરતાં ઘણું મોટું છે. ત્રણ સાધુ અને બ્રહ્મચારી તેમની સેવા-પૂજામાં નિયુક્ત છે. ત્યાંથી થોડા માઈલ દૂર- કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણના જન્મસ્થાનમાં હજુ સુધી મંદિર નથી બન્યું. (પરંતુ તેના માટે દાન આવી ગયું છે.) ગોપાલે જણાવ્યું કે મા શારદાએ તેને વ્યવસ્થિત રીતે કામ કરવાનું શીખવ્યું છે, જેથી કરીને કામ અસ્તવ્યસ્ત ન થાય. એક વાર ગ્રામજનોના ભોજન માટે શ્રીમાએ ગોપાલને એક હરોળમાં આઠ આસન પાથરવાનું કહ્યું. ગોપાલે તે મુજબ જ કર્યું. શ્રીમાએ તેને આસન બરાબર રીતે પાથરવાનું કહ્યું. બીજી વખતે પણ જ્યારે તે આસન બરાબર ગોઠવી ન શક્યો, ત્યારે તેમણે પોતે જ આસન વ્યવસ્થિત ગોઠવી દીધાં. શ્રીમા અત્યંત ધ્યાન રાખતાં કે દરેક પતરાળું બરાબર ધોવાયું છે અને ત્યાર પછી સ્વચ્છ કપડાથી લૂંછેલું છે કે નહીં, જેથી રોટલી પતરાળા સાથે ચોંટી ન જાય. એક દિવસ ગોપાલ બાગમાં ખોદકામ કરવાનું ભૂલી ગયો હતો. તેણે આવીને જોયું કે મા શારદાદેવી પોતે જ ખોદકામ કરી રહ્યાં છે. ગોપાલે વાંધો ઉઠાવ્યો ત્યારે મા શારદાદેવીએ કહ્યું, ‘મારા આ બે હાથ બધાં કામ કરી શકે છે.’ એવું કોઈ પણ કામ ન હતું, જે શ્રીમા કરતાં ન હોય કે કરી શકતાં ન હોય.

૨૧ જુલાઈ,(૨૦મી જુલાઈની રાત્રે ૧ઃ૩૦ કલાકે શ્રીમા મહાસામાધિમાં લીન થયાં હતાં) ૧૯૨૦નો દિવસ. તે નિર્ભીક, શાંત, તેજસ્વી જીવનનો દીપક ઓલવાઈ ગયો છે- અને આધુનિક હિન્દુ નારીઓ આગામી ત્રણ હજાર વર્ષ દરમિયાન જે મહિમામય અવસ્થામાં ઉન્નત થશે, તેનો આદર્શ તેઓ મૂકી ગયાં છે. મારા માટે એમનું જીવન અસીમ ઉત્સાહનું જીવન છે- જેણે અમને બધાને તે શરણદાયક સહાનુભૂતિપૂર્ણ જીવન સમક્ષ એકત્રિત કર્યાં છે; જે નવાં પ્રયોજનો મુજબ આત્મબોધથી પૂર્ણ, સરળ પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત, નવા નવા આદર્શાેનાં ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યું છે. અરે, તેમના જીવનના આધારે અમારામાંની પ્રત્યેક વ્યક્તિ કેવું અદ્‌ભુત દૃષ્ટાંત પ્રસ્તુત કરી શકે છે! તેઓ આદર્શનાં નવાં નવાં દૃષ્ટાંતોનું સર્જન કરી ગયાં છે- ચોક્કસ આપણે પણ એવું જ કરવું પડશે- તેમના નહીં પણ આપણા પોતાના જીવનના ઉદાહરણ દ્વારા. બીજા કોઈ પણ ઉપાય દ્વારા જગતની સમસ્યાઓનું સમાધાન થઈ શકશે નહીં.

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.