ગતાંકથી આગળ…

મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨, વિજયાદશમીના દિવસે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણદેવને સંભળાવતાં કહે છે, ‘માની પ્રાપ્તિ કરી શકાય; જો મા દુર્ગાને કોઈ હૃદયમંદિરમાં લાવી શકે તો લક્ષ્મી, સરસ્વતી, કાર્તિક, ગણેશ, એની મેળે આવે. લક્ષ્મી એટલે ઐશ્વર્ય, સરસ્વતી એટલે જ્ઞાન, કાર્તિક એટલે શૌર્ય, ગણેશ એટલે સિદ્ધિ. એ બધાં એની મેળે આવી જાય, જો મા આવે તો.’

મહાલયા:

આ દિવસે દેવીનાં નેત્રો તૈયાર કરવામાં (રંગવામાં) આવે છે. આને ‘ચોક્ખૂ દાન’-ચક્ષુદાન કહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી ધરતી પર પધારે છે. પ્રતિમા બનાવવાનું કાર્ય કૃષ્ણ-જન્માષ્ટમી, રથયાત્રા કે ઊલટી રથયાત્રાના દિવસે શરૂ થાય છે. પ્રતિમાના ઉપયોગ માટેના વાંસ-લાકડાના માળખાની પૂજા કરવામાં આવે છે જેને ‘કાઠોમા-પૂજા’ કહે છે. દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ વાંસના માળખાને આગલા વર્ષ માટે રાખી મૂકવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને મહામાયા એ બન્નેયે એક સાથે જન્મ ધારણ કર્યાે હતો એટલા માટે તે દિવસથી દુર્ગા-પ્રતિમા બનાવવાનો શુભારંભ થાય છે. સંન્યાસી દુર્ગાપૂજા કરી શકતા નથી તેથી બ્રહ્મચારી પૂજા કરે છે અને ‘કાઠોમા પૂજા’ કરે છે તે જ સાધારણ રીતે દુર્ગાપૂજા કરે છે.

રામકૃષ્ણ મઠમાં દુર્ગાપૂજા વિશુદ્ધ સિદ્ધાંત પંચાંગ મુજબ છ દિવસ થાય છે, જેની પંચમીથી શરૂઆત થઈને દશમીના દિવસે વિસર્જન બાદ શાંતિજળ સાથે સમાપ્તિ થાય છે.

આગમની ભજન:

મા દુર્ગાના પોતાના પિયર પધારવાના નિમિત્તે તેમના સ્વાગતમાં ભજન ગાવાની પ્રથા છે જેને ‘આગમની ભજન’ કહેવામાં આવે છે. તે ભજનોમાં પુત્રી સાસરેથી પિયર આવતાં તેના પ્રત્યેના પ્રેમની ઝલક જોવા મળે છે. તે ભજનોમાં રહેલી કોમળ ભાવનાને કારણે સ્વામી વિવેકાનંદને તે વિશેષરૂપે પ્રિય હતાં. તેમને ‘ગિરિગણેશ આમાર શુભકારી’ જેવાં ભજન અત્યંત પસંદ હતાં. દુર્ગાપૂજાના કેટલાક દિવસ પહેલાંથી જ બંગાળના આધ્યાત્મિક લોકગીત ગાયકો કે જેમને ‘બાઉલ’ કહે છે, તેઓ ઘેર ઘેર જઈને શિવ-પાર્વતીની ગાથા સાથે જોડાયેલ આગમની ભજનો લોકોને સંભળાવે છે. ઉમા(પાર્વતીને ઉમા, ગૌરી પણ કહેવામાં આવે છે) કે જેનો વિવાહ ભિખારી શિવજી સાથે થયો છે. ઉમાનાં માતા મૈના પોતાની પુત્રીની ચિંતા કરે છે અને તેને ત્રણ દિવસ માટે પિયર બોલાવે છે. ઉમાના પોતાના પિયર આવવાના અવસરને દુર્ગાપૂજાના રૂપમાં ઉજવવામાં આવે છે. ઉમાના પિયર આવવાના ઉપલક્ષમાં રચાયેલાં ભજનોને આગમની ગીત કહે છે. આ ભજનોનું ગાન મહાલયા(અમાવસ્યા)થી શરૂ થાય છે. એક વખત શ્રીમા શારદાદેવીના બારણે એક બાઉલ આગમની ભજન ગાઈ રહ્યો હતો. શ્રીમા બારણા પાસે બેસીને તે સાંભળી રહ્યાં હતાં. ભજનનો ભાવાર્થ હતો, ‘હે મારા પતિદેવ ગિરિ! જાઓ, મારી પુત્રી ગૌરીને સાસરેથી અહીં લઈ આવો. મેં નારદજી પાસેથી સાંભળ્યું છે કે તે ‘મા, મા’ કહીને રડી રહી છે. આપણો જમાઈ ભાંગનો નશાખોર ભિખારી છે અને આપણી પુત્રી ગૌરી સોના જેવી છે. તેના પતિએ પોતાની પત્નીનાં વસ્ત્રો અને આભૂષણો વેચી દીધાં છે.’… ભજન સમાપ્ત થયું. સેવકે તેને ચાર પૈસા આપીને વિદાય કર્યાે. શ્રીમા તે જગ્યાએ નિઃસ્તબ્ધ બેસી રહ્યાં. ઘણો સમય વીતી ગયો. સેવકે બોલાવવા છતાં પણ તેઓ શાંત બેસી રહ્યાં અને થોડા વખત પછી બોલ્યાં, ‘ચાલો, પાછા જઈએ, હવે બધું નીરસ લાગે છે.’ થોડા વખત પછી શ્રીમાનો તે ભાવ થોડો શાંત થયો. સંભવતઃ તે ભજને શ્રીમાને પોતાના સ્વરૂપનું સ્મરણ કરાવ્યું હતું.

પહેલાં બેલુર મઠમાં સાધુ-બ્રહ્મચારી દરરોજ જન્માષ્ટમીથી આગમની ગીત ગાતા હતા, પરંતુ પાછળથી શ્રાદ્ધપક્ષના પ્રારંભથી આવાં ગીત ગાવાનો પ્રારંભ થયો.

ચંડીપાઠ:

નવરાત્રીમાં રોજ સવારે ચંડીપૂજાની સાથે ચંડીપાઠ કરવામાં આવે છે. શક્તિ-સંચય માટે માર્કંડેય પુરાણ અંતર્ગતના ૭૦૦ શ્લોકનું સસ્વર પઠન કરવામાં આવે છે, જેને દેવીપાઠ અથવા ચંડીપાઠ કહે છે. એને દુર્ગાસપ્તશતી અથવા દેવીમાહાત્મ્ય પણ કહેવાય છે. આ ૭૦૦ શ્લોકોમાં મા દુર્ગાના મહિષાસુર નામના અસુર પરના વિજયની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં ચંડીહોમ કરીને અગ્નિમાં ૭૦૦ આહુતિ આપવામાં આવે છે.

પંચમી:

દુર્ગાનું બોધન બેલુર મઠમાં સંધ્યા આરતી પછી કરવામાં આવે છે. બોધનનો અર્થ છે ‘જગાડવું’. હિન્દુ પૌરાણિક કથા અનુસાર દેવી-દેવતા દક્ષિણાયન કાળમાં છ માસ માટે (શ્રાવણથી પોષ સુધી) નિદ્રાવસ્થામાં રહે છે. શારદીય દુર્ગાપૂજા આ સમયગાળામાં આવે છે એટલા માટે દેવીને પહેલાં જગાડવાં પડે છે, એ જ બોધન છે. દુર્ગાપૂજાનો સર્વપ્રથમ ભાગ છે ‘બોધન’-દેવીને જગાડવાં. આ પૂજામાં બિલ્વ વૃક્ષ (બે ફળ એક જ શાખામાં લાગેલાં હોવાં જોઈએ, જેને સપ્તમીના દિવસે કાપીને નવપત્રિકા સાથે બાંધવામાં આવે છે.)ની નીચે તાંબાનો એક ઘટ સ્થાપિત કરવામાં આવે છે. આજકાલ બિલ્વવૃક્ષની એક ડાળી લાવીને તેની સમીપ ઘટ સ્થાપિત કરાય છે. શરતકાળ દેવીપૂજા માટે શુભ સમય નથી. આ સમયે મા નિદ્રિત અવસ્થામાં હોય છે. (આપણા છ માસ એટલે માનો એક દિવસ કે રાત. મહા માસથી અષાઢ, એ છ મહિના ઉત્તરાયન અને શ્રાવણથી પોષ આ છ મહિના દક્ષિણાયન હોય છે. ઉત્તરાયન સમયે દેવતાઓ જાગ્રત હોય છે અને દક્ષિણાયન કાળમાં તેઓ નિદ્રાધીન હોય છે. શરતકાળ દક્ષિણાયનમાં આવે છે અને ત્યારે દેવતાઓ નિદ્રિત હોય છે. જે કંઈ પણ હોય, હાલમાં વાસંતી પૂજા કરતાં શારદીય પૂજાનું જ પ્રચલન અધિક છે.) આ સમયગાળામાં જો પૂજા કરવી હોય તો દેવીને જગાડવાં પડશે. જો કે દુર્ગાદેવીને અસમયે નિદ્રામાંથી જગાડવામાં આવે છે, એટલા માટે એને ‘અકાલ બોધન’ પણ કહે છે.

ભગવાન શ્રીરામચંદ્રે પણ રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં જે દુર્ગાપૂજા કરી હતી, તે પણ અસમયની હતી. એટલા માટે તેમને અકાલ બોધન કરવું પડ્યું હતું. બ્રહ્માજીએ અન્યાન્ય દેવતાઓ સાથે હાથ જોડીને દેવીની પ્રાર્થના કરી હતી. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવીએ તેમની સમક્ષ કુમારીના રૂપમાં આવિર્ભૂત થઈને કહ્યું હતું, ‘તમે લોકો આવતીકાલે બિલ્વવૃક્ષ નીચે દેવીનું બોધન કરો, તમારી પ્રાર્થનાથી તે જાગશે. તે દેવીની યથાવિધિ પૂજા-અર્ચના કરવાથી શ્રીરામચંદ્રનું કાર્ય સિદ્ધ થશે.’ દેવીની આજ્ઞા અનુસાર બ્રહ્માજી અન્ય દેવો સાથે સ્વર્ગલોકમાંથી મર્ત્યલોકમાં આવ્યા. ત્યાં તેમણે એક અત્યંત દુર્ગમ, નિર્જન સ્થળે એક બિલ્વવૃક્ષની ડાળી પર લીલાંછમ પાંદડાં વચ્ચે સૂતેલી પરમ સુંદરી એક બાલિકા-મૂર્તિને જોઈ. તે બાલિકા જગજ્જનની મહાદેવી હતાં. બ્રહ્માજી દેવો સાથે દેવીના ચરણોમાં નતમસ્તક થઈને દેવીના બોધનનો સ્તવપાઠ કરવા લાગ્યા.

ॐ रावणस्य वधार्थाय रामस्यानुग्रहाय च।
अकाले ब्रह्मणा बोधो देव्यास्त्वयि कृतः पुरा।।

અર્થાત્ રાવણના વધ માટે અને શ્રીરામ પર અનુગ્રહ કરવા માટે બ્રહ્માજીએ પ્રાચીન કાળમાં દેવીનું અકાલ બોધન કર્યું હતું.

શ્રીરામચંદ્રજીએ મહિષાસુરમર્દિનીની પૂજા ૧૦૮ ભૂરાં કમળ અર્પિત કરીને તથા ૧૦૮ દીપક પ્રગટાવીને કરી હતી. બૃહદ્ધર્મ પુરાણ અનુસાર રાવણ-વંશના નાશ માટેની પ્રાર્થનાને કારણે દેવી બિલ્વવૃક્ષની ડાળી પર આવિર્ભૂત થયાં હતાં. એટલા માટે દેવીનું બોધન બિલ્વવૃક્ષ નીચે કરવામાં આવે છે.

દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવીએ કહ્યું, ‘સપ્તમી તિથિના દિવસે હું રામચંદ્રનાં ધનુષ-બાણમાં પ્રવેશ કરીશ. અષ્ટમીના દિવસે રામ-રાવણનું મહાયુદ્ધ થશે. અષ્ટમી અને નવમીની સંધિના સમયે રાવણનાં દશ મસ્તકોનો નાશ થશે. તે દશ મસ્તક પુનઃ ધડ સાથે જોડાઈ જશે. પછી નવમીની બપોર પછી રાવણ મૃત્યુ પામશે. દશમીના દિવસે રામચંદ્ર વિજયોત્સવ કરશે.’ દેવીની કૃપાથી શ્રીરામચંદ્રે રાવણનો વધ કર્યાે અને દેવી સીતાને મુક્ત કરાવ્યાં. મોટું વિઘ્ન ટળ્યું એટલા માટે કહે છે ‘મહાષ્ટમી’ અને મહાસંપદની પ્રાપ્તિ થઈ, સીતાની મુક્તિ થઈ એટલે કહે છે ‘મહાનવમી’. શ્રીરામચંદ્રના દુર્ગાેત્સવનું સ્મરણ કરીને આપણી શારદીય દુર્ગાપૂજા થાય છે.

શ્રીરામચંદ્રે દુર્ગાપૂજા રાવણ-વધ અને સીતાદેવીની મુક્તિ માટે કરી હતી. પરંતુ આપણા જીવનમાં એની શી ઉપયોગિતા છે? જે સાધક છે, તેની સાધના જ યુદ્ધ છે; વિષય-બંધન જ તેની મોટી સમસ્યા છે અને મુક્તિલાભ જ તેની મહાસંપત્તિ છે. મુક્તિપ્રાપ્તિ માટે જ સાધક જગજ્જનનીની પૂજા કરે છે. દેવીની આરાધનાથી દશાનનનો વધ થયો. પ્રેમ-ભક્તિરૂપિણી સીતાનો ઉદ્ધાર થયો મહાનવમીના દિવસે. દશમીના દિવસે આ સત્યાનુભૂતિને હૃદયના અતિગુહ્ય એવા ચિત્તદર્પણમાં કલંકહીન-દાગવિહીન કરીને સાધક વિશ્વમાનવને ભાઈ કહીને આલિંગન કરે છે.

શાલિગ્રામ શિલા (નારાયણ શિલા):

બેલુર મઠની નજીક એક જગન્નાથ મંદિર છે, જ્યાંથી પંચમીના દિવસે શાલિગ્રામ શિલા ઢોલ-નગારાં, કાંસાના ઘંટ વગાડતાં વગાડતાં લાવવામાં આવે છે. દુર્ગાપૂજાની સાથે સાથે શાલિગ્રામ શિલાની પણ પૂજા દરરોજ થાય છે. આ દુર્ગાપૂજાનું મહત્ત્વપૂર્ણ અંગ છે. દશમીના દિવસે ભોગ-પૂજાદિ પછી વાજતેગાજતે ધામધૂમપૂર્વક શાલિગ્રામ શિલા પુનઃ જગન્નાથ મંદિર પાછી લઈ જવાય છે. નારાયણ આ પૂજાના સાક્ષી-દેવતા છે એટલે એમને દુર્ગાપૂજા માટે લાવવામાં આવે છે તથા તેમની પૂજા બ્રહ્મચારી પૂજક કરે છે. બેલુર મઠમાં આવેલ શ્રીમાના મંદિરમાં જે શિવલિંગની નિત્યપૂજા થાય છે તેને આ સમયે દુર્ગાપૂજાના મંડપમાં લાવવામાં આવે છે. તેની પણ દરરોજ ભોગ આદિ સાથે પૂજા થાય છે અને દશમીના દિવસે ભોગ-પૂજાદિ પછી તેને પણ ફરી પાછું પહોંચાડી દેવામાં આવે છે.

ષષ્ઠી:

આ દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે પૂજાનો વિધિવત્ પ્રારંભ થાય છે. કલ્પારંભ (ઘટ સ્થાપના અને પૂજાનો સંકલ્પ), અધિવાસ અને આમંત્રણ (દેવીનું બિલ્વવૃક્ષ પરથી પ્રતિમામાં આવવા માટે આવાહન કરાય છે.), આ બધાં તે દિવસની પૂજાનાં વિશેષ અંગ છે. બિલ્વવૃક્ષની ડાળી પાસે ઘટ-સ્થાપન, પૂજાનો સંકલ્પ, મા દુર્ગાને જાગ્રત કરવાં, પીઠ-પૂજા, પીઠ-શક્તિપૂજા, છવ્વીસ અધિવાસ માંગલિક દ્રવ્યોને સ્પર્શ કરવો, વિઘ્નનાશ માટે લાલ રંગના દોરાને પૂજા-વેદીની ચોતરફ લપેટવો, મા દુર્ગાને આમંત્રિત કરવાં અને પૂજા પછી આરતી; આ બધું ષષ્ઠીના દિવસે થાય છે. સંન્યાસીઓ માટે દુર્ગાપૂજાનું વિધાન નથી એટલા માટે પૂજાનો સંકલ્પ શ્રીમા શારદાદેવીના નામે પૂજારી બ્રહ્મચારી કરે છે. તે પૂજક પૂજા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય ત્યાં સુધી દુર્ગાનામનો જપ કરવાનો પણ સંકલ્પ લે છે.

સપ્તમી:

બેલુર મઠમાં સપ્તમીના દિવસે નવપત્રિકા (બિલ્વવૃક્ષ જેવાં નવ મંગલકારી વૃક્ષ)ને શ્રીમા શારદાદેવીના સમાધિ મંદિર પાસેના ગંગાઘાટ પર વાજતે-ગાજતે લઈ જઈને સ્નાન કરાવવામાં આવે છે. તેમના સ્નાન પછી દુર્ગાપ્રતિમા પાસે (ગણેશજીની જમણી બાજુએ તેને સ્થાપિત કરે છે એટલા માટે પ્રચલિત ભાષામાં ‘કોલા બહુ’-ગણેશજીનાં પત્ની-કહે છે.) તેમની પ્રતિષ્ઠાપના કરીને અભિમંત્રિત કરવામાં આવે છે. એવી જ રીતે દુર્ગાપ્રતિમાને એક ચાંદીના દર્પણમાં દેખાતા પ્રતિબિંબના આધાર પર સ્નાન કરાવીને સંપન્ન કરવામાં આવે છે. ત્યાર પછી દેવીની સપરિવાર વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. ષોડશોપચાર પૂજા પછી અન્નભોગ તથા આરતીથી સપ્તમી-પૂજા સમાપ્ત થાય છે.

અષ્ટમી:

સપ્તમીની જેમ અષ્ટમીના દિવસે મહાસ્નાન તથા ષોડશોપચાર પૂજા પછી નવ ઘડામાં વિવિધ રંગની ધજા રાખીને નવદુર્ગા(નવશક્તિ-નવચંડિકા)ની સ્થાપના અને આવાહન કરવામાં આવે છે. અન્નભોગ તથા આરતીની સાથે અષ્ટમીની પૂજા સમાપ્ત થાય છે. અષ્ટમી-પૂજાનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે – કુમારીપૂજા અને સંધિપૂજા.

કુમારી-પૂજા:

હિન્દુ શાસ્ત્રો મુજબ મા કાલી દ્વારા કોલાસુર રાક્ષસના વધના ઉપલક્ષમાં કુમારીપૂજા કરાય છે. યોગિનીતંત્ર, કુલાર્ણવતંત્ર, દેવીપુરાણ વગેરેમાં કુમારીપૂજાનું વિધાન છે. તે પૂજા એક દિવસ અથવા તો ત્રણ દિવસ કરી શકાય છે. આમ એક કુંવારી બાલિકાની પૂજા કરવામાં આવે છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા કે માતૃભાવ ઘણો જ શુદ્ધ હોય છે. કુંવારી બાલિકામાં દૈવીભાવનો પ્રકાશ જોવો અથવા તેની જનનીના રૂપે પૂજા કરવી તેમાં શુદ્ધ સત્ત્વભાવનો એક સાર્થક પ્રયાસ છે. પવિત્ર હૃદયવાળી કુંવારી બાલિકાના હૃદયમાં જગન્માતા સ્વયં વિશેષ રૂપે અવતરિત થાય છે, એટલા માટે કુમારીપૂજા કરવામાં આવે છે. ઠાકુર આવી બાલિકાઓમાં દેવીની અભિવ્યક્તિ જોઈને તેમની સમક્ષ નતમસ્તક થતા હતા.

સ્વામીજીએ જ્યારે પ્રથમ વાર બેલુર મઠમાં દુર્ગાપૂજા કરાવડાવી હતી ત્યારે તેઓએ પણ નવ બાલિકાઓના માધ્યમથી કુમારીપૂજા કરી હતી. જેવી રીતે દેવી-પ્રતિમાની પૂજા થાય છે, તેવી જ રીતે કુમારીની પણ પૂજા તથા આરતી થાય છે.આજકાલ માત્ર એક જ કુમારીની પૂજા થાય છે. કુંવારી કન્યાનું ચયન કરતી વખતે નાત-જાત કે ધર્મનો વિચાર કરવામાં આવતો નથી. એક વર્ષથી સોળ વર્ષની ઉંમરની કુમારીની પસંદગી કરાય છે. એક વર્ષની કુમારીને સંધ્યા, બે વર્ષની કુમારીને સરસ્વતી, એમ ત્રિધામૂર્તિ, કાલિકા, શુભગા, પાર્વતી અથવા ઉમા, માલિની, કુંજીકા, કાલસંદર્ભા, અપરાજિતા, રુદ્રાણી, ભૈરવી, મહાલક્ષ્મી, પીઠનાયિકા, ક્ષેત્રજ્ઞા, સોળ વર્ષની કુમારીને અન્નદા કે અંબિકા કહે છે.

બૃહદ્ધર્મપુરાણ અનુસાર દેવી ચંડિકા એક કુમારી કન્યાના રૂપમાં દેવતાઓ સમક્ષ આવિર્ભૂત થયાં હતાં. કુમારીપૂજાના ધ્યાનમંત્રમાં છે-कन्यारूपेण देवानामग्रतो दर्शनं ददौ। મહાષ્ટમીના દિવસે કુમારીપૂજા થાય છે, પરંતુ તંત્રસાર મુજબ મહાનવમીના દિવસે પણ કુમારીપૂજા કરવામાં આવે છે. કુમારીપૂજા વિના હોમ વગેરે કર્મનાં ફળ પૂર્ણપણે મળતાં નથી.

સંધિપૂજા:

મહાષ્ટમીની અંતિમ ચોવીસ મિનિટ અને મહાનવમીની પ્રારંભની ચોવીસ મિનિટ, આ જે અડતાળીસ મિનિટ છે, તે સંધિકાળ છે, એમાં જે પૂજા થાય છે તેને સંધિપૂજા કહે છે. આ સમય ઘણો જ પવિત્ર મનાય છે અને તે દુર્ગાપૂજાનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. આ પૂજાનો લાભ આખા વર્ષની પૂજા બરાબર થાય છે. આ સમયે માની ચામુંડાના રૂપમાં પૂજા કરાય છે અને તેને પશુબલિ આપવાની પ્રથા છે. સ્વામીજી પણ તેવું કરવા માગતા હતા પરંતુ શ્રીમાએ તેમ કરવાની મના કરી. ત્યારથી શ્રીમાના આદેશ અનુસાર નવમીના દિવસે સફેદ કોળું, શેરડી અને કાકડી કાપીને તેનો બલિ આપવામાં આવે છે અને સંધિપૂજા વખતે એક કોળું કાપીને બલિ ચઢાવાય છે. સંધિપૂજામાં દેવીને ૧૦૮ દીપની માળા અર્પણ કરાય છે. સંધિકાળ જપ-ધ્યાન માટે લાભદાયક હોય છે.

શ્રીદુર્ગાપૂજનના અવસર પર વિશેષ કરીને ‘સંધિપૂજન’ વખતે શ્રીરામકૃષ્ણદેવ શ્રીજગદંબાના ભાવાવેશમાં આવીને નિઃસ્તબ્ધ થઈ જતા હતા. એટલે સુધી કે તેઓ ક્યારેક ક્યારેક વર-અભય-મુદ્રાધારી પણ બની જતા હતા. કલકત્તામાં જ્યારે તેઓ શ્યામપુકુરમાં અવસ્થાન કરતા હતા, ત્યારે આપણને એવાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે.

ઓરડામાં બેઠેલા ડાૅક્ટર મહેન્દ્રલાલ સરકાર વગેરે મુખ્ય લોકો સાથે વાર્તાલાપ કરતાં કરતાં શ્રીદુર્ગાપૂજાના સંધિક્ષણમાં એકાએક તેમને આવા પ્રકારનો ભાવાવેશ થઈ ગયો! તે સમયે હાસ્ય-છટાથી સમુલ્લસિત તેમનું જ્યોતિર્મય મુખમંડલ તથા તે પહેલાંનો રોગને કારણે બનેલ શ્યામ ચહેરો જોઈને એવું કોણ કહી શકતું હતું કે આ એ જ વ્યક્તિ છે! એ કહેવું કોના માટે શક્ય હતું કે તેઓ રોગગ્રસ્ત છે!

ઈ.સ.૧૮૮૫માં કલકત્તાની શ્યામપુકુરવાટીમાં સ્વાસ્થ્ય-સુધાર માટે શ્રીરામકૃષ્ણદેવ નિવાસ કરતા હતા, ત્યારે તેમને સંધિકાળમાં સમાધિ થઈ હતી અને જગજ્જનનીના ત્રીજા નેત્રનું અદ્‌ભુત દર્શન પણ થયું હતું. ભક્ત સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં દુર્ગાપૂજાનું આયોજન થયું હતું. શારીરિક અસ્વસ્થતાને કારણે ઠાકુર તેમના ઘેર દુર્ગાપૂજા માટે જઈ શક્યા ન હતા. (ક્રમશઃ)

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.