ગુરુપૂર્ણિમા મહોત્સવ
૨૪મી જુલાઈ, શનિવારના શુભદિને શ્રીમંદિરમાં ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષપૂજાનું આયોજન થયું હતું. સવારે ૫ઃ૦૦ વાગ્યે મંગલ આરતી, સ્તોત્રગાન, વેદપાઠ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર પછી વિશેષ પૂજા, હવન અને વચ્ચે વચ્ચે ભજનકીર્તન દ્વારા શ્રીરામકૃષ્ણદેવની આરાધના થઈ હતી. ભોગઆરતી પછી બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને પેકેટમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતી પૂર્વે શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણ-નામસંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્ર-યજ્ઞ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન તારીખ ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૮૭ દર્દીઓનું નિદાન કરીને તેમાંના ૪૧ દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યાં હતાં.
‘લવ ઇન્ડિયા’ પર રાષ્ટ્રીય વેબિનાર
૧૫મી ઓગસ્ટ, ૨૦૨૧ અને ૭૫મા સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નિવૃત્ત લશ્કરી અધિકારીઓનો ‘લવ ઇન્ડિયા’ વિષય પર ઓનલાઈન રાષ્ટ્રીય વેબિનાર યોજાયો હતો.
વેબિનારના પ્રારંભમાં સ્વામી નિખિલેશ્વરાનંદે સ્વાગત-પ્રવચન કર્યું હતું. કર્નલ પી.પી.વ્યાસે વક્તાઓનો પરિચય આપ્યો હતો. તે પ્રસંગે તેઓએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ પોતાની ટીમ સાથે અત્યંત સ્નેહ અને પ્રેમ સાથે કાર્ય કરતા હતા. આપણે સૌએ પણ રાષ્ટ્રના ઉત્થાન માટે આ રીતે જ કાર્ય કરવું જોઈએ. મેજર જનરલ વિક્રમ દેવ ડોગરાએ વક્તવ્ય ‘Drop the past and walk the present’ એ સૂત્રને કેન્દ્રિત કરીને આપ્યું હતું. તેઓએ કહ્યું કે સ્વયં પર દોષારોપણ કર્યા સિવાય ભાવનાઓને કાર્યાન્વિત કરવાની છે. કેપ્ટન રઘુ રામને પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું કે બીજાઓએ ભારત માટે શું કર્યું છે તેનો વિચાર કરવાને બદલે મારે ભારત માટે શું કરવું છે તે લક્ષમાં રાખવું જોઈએ.મેજર જનરલ ગગનદીપ બક્ષીના વક્તવ્યનો મુખ્ય સૂર એ હતો કે ભારતની આઝાદી ફ્કત અસહકારની ચળવળ કે અહિંસક લડત દ્વારા પ્રાપ્ત થઈ ન હતી પરંતુ અગણિત શહીદોની શહાદતને પણ આભારી છે. લેફ્ટ. જનરલ રાકેશકુમાર શર્માએ જણાવ્યું કે આઝાદીનો આ અમૃત ઉત્સવ છે. ભારતના સર્વાંગી ઉત્કર્ષ માટે સૌ નાગરિકોએ ‘Nation first’ની ભાવના વિકસાવવી જોઈએ અને પરસ્પરના પ્રેમ અને ભાઈચારા દ્વારા ભારતવર્ષને ‘સોને કી ચિડિયા’ બનાવી શકીશું.
વેબિનારનું સંયોજન કર્નલ પી.પી.વ્યાસે કર્યું હતું. વધુમાં સમાપન પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદે કહ્યું હતું કે યુવાવર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ છે. આપણી સ્વદેશભક્તિ કેવી હોવી જોઈએ તે આપણે સ્વામી વિવેકાનંદના સંદેશ દ્વારા શીખી શકીશું. આજના યુવાવર્ગ માટે સ્વામી વિવેકાનંદનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે. સ્વામી વિવેકાનંદના ‘સ્વદેશ ભક્તિ’ અને ‘સ્વદેશમંત્ર’ના સંદેશોને રજૂ કરવામાં આવ્યા હતા.
અંતમાં સ્વામી પ્રભુસેવાનંદ સ્વામીએ આભારવિધિ કર્યો અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
Your Content Goes Here