શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. સંધ્યા આરતી પૂર્વે શ્યામનામ સંકીર્તનનું આયોજન પણ કરાયું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન

શુક્રવાર, ૧૦.૦૯.૨૦૨૧ ના ​​રોજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા આશ્રમ પરિસરમાં

નિ:શુલ્ક નેત્ર-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૨(બાવન) દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી અને જરૂરિયાતમંદ ઓછી આવક ધરાવતા ૨૧ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનાં ઓપરેશન કરી આપવામાં આવ્યાં હતાં. શિવાનંદ આઇ હોસ્પિટલ, વિરનગર, ના સહયોગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

‘ઈન્ટરફેઈથ હાર્મની એન્ડ પીસ’ અંગેનો વેબિનાર

૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સ્વામી વિવેકાનંદ અને ઈન્ટરફેઈથ હાર્મની એન્ડ પીસ’ એ અંગેનો વેબિનાર યોજવામાં આવ્યો હતો. સ્વામી શંકરેશાનંદના વૈદિક ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ધર્મક્ષેત્રે પ્રવર્તમાન ધર્મઝનૂન, કટ્ટરતા અને ધાર્મિક કટ્ટરતાવાદના નિર્મૂલન માટે આવા પરિસંવાદોની ઉપાદેયતાનો ખ્યાલ આપ્યો હતો.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદજી મહારાજે પોતાના માંગલિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદનો સંદેશ ધાર્મિક સમભાવ અને શાંતિનો હતો તેમજ સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમના મહાસમન્વયકારી હતા.

શિકાગો વિશ્વ ધર્મપરિષદના ચેર પર્સન, શ્રી નીતિન અજમેરાએ જૈન ધર્મના ઉપદેશોનું વિવેચન કર્યું હતું અને જણાવ્યું હતું કે જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીની મુલાકાત ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથે થઈ હતી.

શિકાગો વિશ્વ ધર્મપરિષદના વાઈસ ચેર પર્સન અને જરથોસ્તી ધર્મનાં પ્રતિનિધિ ડો. ડોલી દસ્તૂરે ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મપરિષદ અંગે માહિતી આપી. વિજ્ઞાન, ઔદ્યોગિક વિકાસ અને ભારતમાં સંશોધન સંસ્થાની સ્થાપના અંગે સ્વામી વિવેકાનંદ અને શ્રી જમશેદજી ટાટા વચ્ચે થયેલ ચર્ચાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

વિવેકાનંદ વેદાંત સોસાયટી ઓફ શિકાગોના મિનિસ્ટર-ઇન-ચાર્જ સ્વામી ઇષ્ટાત્માનંદજી મહારાજે ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કેવી પરિસ્થિતિમાં કર્યું હતું તેની વિસ્તૃત માહિતી આપી હતી.

યુનેસ્કોના કાયમી ભારતીય પ્રતિનિધિ શ્રી વિશાલ શર્માએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ પ્રકારના પરિસંવાદ અને વેબિનાર સ્વામી વિવેકાનંદે બતાવેલા શાંતિના પથ પર ચાલવા માટે નૂતનશક્તિ અને પ્રેરણાના સ્રોત છે.

રામકૃષ્ણ વેદાંત સેન્ટર, યુકેના મિનિસ્ટર-ઇન-ચાર્જ સ્વામી સર્વસ્થાનંદે પોતાના વક્તવ્યમાં કહ્યું કે સ્વામી વિવેકાનંદે ધર્મ-સંવાદિતાનો સિદ્ધાંત સમજાવ્યો હતો. આપણે તે સિદ્ધાંતને સ્વીકૃતિ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ભાવનાના પરિપ્રેક્ષ્યમાં આત્મસાત્‌ કરવાનો છે અને વિવિધતામાં એકતા નિહાળવાની છે.

મુંબઈના આર્કબિશપ અને કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ કાર્ડીનલ ઓસ્વાલ્ડ ગ્રેસિઅસે ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ ભાષણનો એક અંશ ટાંક્યો હતો અને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદે અંતઃપ્રેરણાથી અનુભૂતિ કરી હતી કે બધા ધર્મોમાં એકરૂપતા છે, જ્યારે હાલમાં આપણે ધર્મોનો ઉપયોગ એકતાના બદલે વિભાજનના સાધન તરીકે કરીએ છીએ.

વેદાંત સોસાયટી, ન્યૂયોર્કના મિનિસ્ટર-ઇન-ચાર્જ સ્વામી સર્વપ્રિયાનંદે સમજાવ્યું કે સ્વામી વિવેકાનંદનો તમામ ધર્મોને સ્વીકારવાનો ઉપદેશ કેવી રીતે કાર્ય કરે છે. તેમણે ઉમેર્યું કે તમામ ધર્મોનું અંતિમ સત્ય તો એક જ છે પરંતુ આપણે તેને અલગ અલગ નામોથી ઓળખીએ છીએ.

કેનેડાના ગ્રીન હોપ ફાઉન્ડેશનના સ્થાપક-પ્રમુખ અને વિશ્વ ધર્મપરિસદના સૌથી નાના ટ્રસ્ટી કેહે્‌કશન બસુએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે શાંતિ અને સંવાદિતાની ઉદ્‌ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં આપણે સંગઠિત અને સુદૃઢ બનવાની જરૂર છે.

વર્લ્ડ પીસ કાઉન્સીલ(ઇન્ડિયા ચેપ્ટર)ના પ્રમુખ અને સૂફી પાર્લ્યામેન્ટના સંસ્થાપક સેક્રેટરી જનરલ ડો. સામી બુબેરેએ કહ્યું કે તેઓ સ્વામી વિવેકાનંદના વિશ્વશાંતિ અને આંતરધર્મસંવાદિતાના સંદેશથી ખૂબ પ્રભાવિત છે અને કહ્યું કે કુરાનના ઉપદેશો જણાવે છે કે સમગ્ર માનવજાત ભગવાનના પરિવારનો હિસ્સો છે.

શીખ સમુદાયનાં બીબી કિરણજોત કૌર અને SGPC, અમૃતસરનાં વરિષ્ઠ સદસ્યાએ પોતાના વક્તવ્યમાં સમજાવ્યું કે જ્યાં સુધી ધાર્મિક લોકો ન સમજે કે ધર્મ ફક્ત પૂજાસ્થળ, ઘરની ચાર દીવાલો સુધી મર્યાદિત નથી, પરંતુ ધર્મ તો માનવીના આંતરિક જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ અને જો ધર્મ વ્યક્તિના દરેક વિચાર અને ક્રિયામાં કાર્યાન્વિત નહીં થાય તો આપણું વિશ્વશાંતિનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહેશે.

શિકાગો વિશ્વ ધર્મપરિષદના એમ્બેસેડર, વડોદરાના ડો. જયેશ શાહે એ વિચાર પર ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી રાષ્ટ્રો અને લોકો તેમની સ્વાર્થી ઇચ્છાઓનો ત્યાગ કરશે નહીં ત્યાં સુધી વિશ્વમાં શાંતિ નથી. તેઓએ જણાવ્યું હતું કે આવા પરિસંવાદ પૂર્વ આપણે સૌએ મુકતમનના બનવું ખૂબ જ આવશ્યક છે.

વેદાંત સોસાયટી ઓફ પ્રોવિડન્સ, યુ.એસ.એ.ના મિનિસ્ટર-ઇન-ચાર્જ સ્વામી યોગાત્માનંદે જણાવ્યું હતું કે આપણે સ્વામી વિવેકાનંદના સંદેશને ભૂલવો જોઈએ નહીં. સ્વામી વિવેકાનંદના ઉપદેશનું સારતત્ત્વ હતું કે ધર્મ માત્ર સિદ્ધાંતો અને વિધિઓમાં સીમાબદ્ધ નથી. પરંતુ ધર્મમાં આત્મસાક્ષાત્કારને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ.

આભારદર્શન સ્વામી મેધાજાનંદ દ્વારા કરવામાં આવ્યું હતું.

વેબિનારના ઉપસંહારમાં સ્વામી નિખિલેશ્વરાનંદે ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ ભાષણનો એક અંશ ઉદ્ધૃત કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અતિવૃષ્ટિ રાહતકાર્ય

કુદરતી આપત્તિઓમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તાજેતરના અણધાર્યા વરસાદના કારણે સર્જાયેલી જળ હોનારતના પગલે જામનગર જિલ્લાના અલિયાબાડા ખાતે રાહત કામગીરી હાથ ધરાઈ હતી. રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકોની ટીમ ૧૪ તથા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલાં પહોંચી ત્યારે ઠેર ઠેર કાદવ-કીચડ હતો. લોકોએ સડી ગયેલું અનાજ ફેંકી દેવું પડયું હતું.અસરગ્રસ્ત વિસ્તારમાં જમીન પર બેસી શકાય એવું પણ નહોતું તેથી શેત્રંજી તરીકે ૩૫૦ નંગ પ્લાસ્ટીકની તાલપત્રી, બધું પૂર્વવત્ થાય ત્યાં સુધી ભોજન માટે ૨૦૦ ફૂડ પેકેટ અને ૩૫૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા લોકોને પહેરવા માટેનાં વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું .

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.