સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં પાક લેવા માટે ખેડવું, બિયારણ તેમજ ખાતર નાખવું, નિંદામણ કાઢવું, વરસાદની રાહ જોવી-વરસાદ મોડો થાય તો પાણ પાવું વગેરે. જ્યારે મોલ બેસે છે ત્યારે ખેડૂત આનંદિત થાય અને ઉપજ આવે ત્યારે હૃદય આનંદથી ઝૂમી ઊઠે છે. આજ બાબત આપણાં સંતાન પ્રતિ હોય છે. સંતાનરૂપી પાક જ્યારે સમાજમાં ખ્યાતિ પામે ત્યારે મા-બાપનું હૈયું હર્ષથી ખીલી ઊઠે છે. આના માટે બાલ્યકાળથી સંસ્કાર-સિંચન જ શ્રેષ્ઠ છે. સંસ્કાર એટલે કેળવણી. તેનો પ્રતાપ માનવીના જીવનમાં ચોક્કસ પ્રસ્થાપિત થાય છે. સામાન્યતઃ એવી માન્યતા હોય છે કે કેળવણી અને સંસ્કાર શાળામાંથી જ પ્રાપ્ત થાય પણ તે માન્યતા સત્યથી વેગળી છે. સંસ્કારનો પાયો તો માત્ર ને માત્ર ઘર જ છે. માટે ઘરનું વાતાવરણ સંસ્કારી રાખવું જરૂરી અને આવશ્યક છે. માટે ઘરમાં હંમેશાં સારું અને ધાર્મિક સાહિત્ય રાખો, તો બાળક વાંચવા પ્રેરાય જ. વળી ઘરમાં ખોટું બોલવું, વાતે વાતે એક બીજા માટે બીનજરૂરી ટીકાત્મક વાતો કરવી, આવી બાબતો કુમળી વયના બાળકોના માનસ પર તરત અસર કરતી હોય છે. આપણી રહેણીકહેણી, વાતચીત, રીતરસમ વગેરે બાળકના સંસ્કારમાં ઊતરતાં જ હોય છે. ઘણા લોકો ફોન પર બીનજરૂરી ખોટું બોલે, કારણ વગર બનાવટ કરે, કોઈ તાત્પર્ય ન હોવા છતાં તથ્ય વગરની મોટી મોટી વાતો કરે- આવી છેતરવાની પ્રવૃત્તિઓ કદી ન કરવી કારણ કે પરિવારમાં આવી પ્રવૃત્તિ કરશો તો તેની અસર નાના બાળકો ઉપર ચોક્કસ થશે જ. આ પરિવારનું આજનું બાળક આવતીકાલના આપના પરિવારની મોભાદાર વ્યક્તિ બનવાની જ છે. આમ તેના ભવિષ્ય પર જે અસર થઈ તેને જ સંસ્કાર કહેવાય.
આપણા પરિવારમાંથી સુસંસ્કાર મેળવેલ વ્યક્તિ સમાજ, પરિવાર, કુટુંબ, સમગ્ર રાષ્ટ્રમાં દીપી ઊઠવી જોઈએ. હંમેશાં યાદ રાખજો કે જો પાયો મજબૂત હોય તો જ ઇમારત મજબૂત રહેશે. બાળકોને હંમેશાં એવું શિક્ષણ આપવું કે તેઓ વડીલોને માન આપે, વડીલોની માનમર્યાદા રાખે, ખોટું ન બોલે, ખરાબ કે કટુવાણી ન બોલે. પરિવારના દરેક સભ્યે ટી.વી.માં આવતા સંસ્કારી કાર્યક્રમ નિહાળવા. ભોજન પણ માનવીના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. સુંદરતા માટે ખોટા ખર્ચા કે ઠઠારો જરૂરી નથી, પરિવારમાં સાદાઈને પ્રાધાન્ય મળે તેવી વાતો કરવી. માભો તો સાદાઈમાં પણ પડે, જો સંસ્કાર હોય તો.
બાળકોને કાયમ સમજાવવા કે ખોટી લાલચ-લોભમાં કદી ન સપડાવું. સાથે એ પણ શિખવાડવું કે લુચ્ચા કે તકવાદી માણસોથી દૂર રહેવું, છેતરપિંડી દ્વારા કદી કોઈ કાર્ય ન કરવું. આવું બધુ જીવનમાં ઉતારવાથી બાળકનો આત્મવિશ્વાસ આવા ઉચ્ચ સંસ્કાર થકી ટકી રહેશે.
એટલું ચોક્કસ છે કે બાળકના સંસ્કારમાં ઘરનું વાતાવરણ, રહેણીકહેણી અને રીતરિવાજ અગત્યનો ભાગ ભજવે છે. માટે ઘરનું વાતાવરણ શુદ્ધ, ધર્મમય અને નીતિમય રાખવાથી આવનારી પેઢી ચોક્કસ સંસ્કારી અને સમાજમાં નામ ઉજ્જવળ કરનારી બનશે જ.
Your Content Goes Here