સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી.

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી તુરીયાનંદને બીજી વાર અમેરિકા જતી વખતે સ્વામી વિવેકાનંદે પોતાની સાથે જવા માટે અનુરોધ કર્યાે, જેથી તેઓ અમેરિકામાં તેમના સહાયક તરીકે કાર્ય કરી શકે. પહેલાં તો સ્વામી તુરીયાનંદે ભારત છોડીને ત્યાં જવા માટેનો અસ્વીકાર કર્યાે, પરંતુ છેલ્લે જ્યારે સ્વામીજીએ તેમને વિનંતી કરીને કહ્યંુ કે, ‘હરિભાઈ, હું એકલો એકલો કામ કરીને મરી રહ્યો છું, તમે શું થોડી પણ મદદ નહીં કરો?’ ત્યારે તેઓ જવા માટે સહમત થયા.

૧૮૯૯ની સાલની આખરમાં સ્વામી વિવેકાનંદ કેલીફાેર્નિયા આવ્યા અને લાેસ એન્જેલસ શહેરમાં પ્રવચન આપ્યું. ક્યારેક ક્યારેક તેઓ મિડ બહેનોના ઘેર રહેતા. મિસિસ એલિસ હેન્સબ્રો તેઓમાંનાં એક હતાં. સ્વામીજીના કાર્યમાં સહાયતા કરવા માટે તેઓ તેમની સાથે સાન્ફ્રાન્સિસ્કો આવ્યાં. ડાે. બી.કે.મિલ્સના પ્રેસ્બિટેરિયન ચર્ચમાં સ્વામીજીનાં કેટલાંક પ્રવચનો થયાં. આ બધાં પ્રવચનોને ખૂબ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો તેમજ સ્વામીજીએ આેકલેન્ડ, આલામેડા તથા સાન્ફ્રાન્સિસ્કોમાં એક પછી એક અનેક પ્રવચનો આપ્યાં. મુખ્યત્વે તેઓ આલામેડાના ‘હોમ ઓફ ટ્રુથ’માં રહેતા. સાન્ફ્રાન્સિસ્કોમાં એક નાનંુ જૂથ તૈયાર થયું. તેઓએ ત્યાં રહેવા માટે સ્વામીજીને વિનંતી કરી, પરંતુ ત્યારે સ્વામીજી ભારત પાછા આવવા માટે ખૂબ જ ઉત્સુક હતા. તેઓએ કહ્યું, ‘હું એક એવા હિંદુ સંન્યાસીને તમારી પાસે મોકલીશ, જેનું જીવન જોઈને તમે જાણી શકશો કે તેઓ મારા ઉપદેશોની પ્રત્યક્ષ મૂર્તિ છે.’ તેઓએ સ્વામી તુરીયાનંદને અનુલક્ષીને જ આ વાત કહી હતી. તુરીયાનંદજી ત્યારે ન્યૂયોર્કમાં સ્વામી અભેદાનંદજીને મદદ કરતા હતા.

સ્વામી તુરીયાનંદ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે વાતચીત દરમ્યાન સ્વામીજીનું આ કથન તેમને કહ્યું. તેઓએ જવાબ આપ્યો, ‘હું તો એક નાની નાવ છું. વધુમાં વધુ બે-ત્રણ વ્યક્તિને પાર કરાવી શકું પરંતુ સ્વામીજી તો છે એક વિરાટ જહાજ, જેઓ આ વિશાળ સંસાર-સમુદ્રમાં હજાર હજાર લોકોના કર્ણધાર બની શકે.’

સ્વામી તુરીયાનંદને ડેટ્રોઈટમાં મૂકીને વિદાય લેતી વખતે સ્વામી વિવેકાનંદ તેમને જે છેલ્લો ઉપદેશ આપી ગયા હતા તે વાત તેમણે અમને કહી, ‘ભારતને ભૂલી જાઓ. આ જગ્યાએ આશ્રમ ઊભો કરો, બાકીનું જગદંબા પૂરંુ કરશે.’ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદે કહ્યું હતું કે તેઓ સ્વામીજીની એક વાત અમલમાં મૂકી ન શક્યા-‘ભારતને ભૂલી જવાની’.

સ્વામી તુરીયાનંદે સાન્ફ્રાન્સિસ્કોેમાં કેટલાંક પ્રવચનો આપ્યાં. તે સમયમાં સવારે તેઓ ધ્યાન માટે શિક્ષણ આપતા. પૂર્વનિશ્ચિત યોજનાના ક્યા પાસાને પહેલાં કાર્ય પરિણત કરવું તે માટે બધા સાથે ત્યારે વિશેષ ચર્ચા-વિચારણા થતી. શહેરમાંથી વધારે લોકો જે જગ્યાએ આવી શકે તે રીતે એક કેન્દ્ર સ્થાપવું કે કેટલાક ખૂબ નિષ્ઠાવાન અને આગ્રહશીલ ધાર્મિકલાભની ઇચ્છાવાળા લોકોના હિત માટે શહેરથી દૂર એક આશ્રમ શરૂ કરવો? સ્વામી તુરીયાનંદે ધ્યાનપૂર્વક બધી રીતની ચર્ચા સાંભળીને નક્કી કર્યું કે સૌ પ્રથમ આશ્રમ જ થવો જોઈએ. તેઓએ કહ્યું, ‘જગદંબા પ્રસન્ન થયાં છે.’ તેથી નક્કી થયું કે મિસ બૂક અને મિસ લિડિયા બેલ (Lydia Bell) આશ્રમ સ્થાપવા માટેની સંભવિત જગ્યાએ થોડા દિવસ પહેલાં જશે અને જરૂરી બધી વ્યવસ્થા કરી રાખશે. (મિસ મીની સી. બુક (Minnie C. Booke) સન એન્ટેનિયા વેલીમાં એક ટુકડો જમીન સ્વામી વિવેકાનંદને એક આશ્રમ સ્થાપવા માટે આપવા માગતાં હતાં.)

નાની ઉંમરે આરોગ્યની ખૂબ જ હાનિને કારણે બધા પ્રકારની સામાન્ય કાર્યક્ષમતાથી વંચિત થઈને હું ત્રેવીસ વર્ષની ઉંમરે એક રીતે અકર્મણ્ય થઈ (Disabled) ગયો હતો. શરીર એકદમ કૃશ હતું. પરંતુ આ બધી અયોગ્યતા હોવા છતાં મેં આશ્રમમાં જવા માટે સ્વામી તુરીયાનંદ પાસે અનુમતિ માગી. મારી સામે સ્નેહયુક્ત નજરે જોઈને મને પૂછ્યું, ‘તું શા માટે જવા માગે છે?’

મેં કહ્યું, ‘માખણ થવા માટે.’ તેઓએ ખૂબ જ ખુશ થઈને જવાબ આપ્યો, ‘તું જઈ શકે, તારી મા જો તને સંમતિ આપે. તથા જો દૃઢતાથી પ્રયત્ન કરીશ તો ‘માખણ’ થઈ શકીશ.’ પહેલાં એક પ્રવચનમાં સ્વામી તુરીયાનંદે આત્માનુભૂતિના પ્રવચન સમયે અમને કહ્યું હતું, ‘દૂધની અંદર જેમ માખણ છે પરંતુ મંથન (વલોવીએ) ન કરીએ તો મળે નહીં, તેવી રીતે પ્રત્યેક મનુષ્યમાં જે આત્મા રહેલો છે તેને ધ્યાનની સહાયથી પ્રત્યક્ષ કરવો જોઈએ.’ ‘માખણ થવું’ એટલે હું આત્મજ્ઞાનલાભ કરવા માટે કહેવા માગતો હતો.

અત્યારે થોડા કલાકોમાં જ મોટરમાં સાન્ફ્રાન્સિસ્કોથી શાંતિ આશ્રમ જઈ શકાય છે પરંતુ હું ૧૯૦૦ની સાલની વાત કરું છું ત્યારે સાન હોસે (San Jose) રેલગાડીમાં જવું પડતું, ત્યાર બાદ ચાર ઘોડાની ગાડીમાં માઉન્ટ હેમિલ્ટન સુધી- ત્યાંથી વીસ માઈલ સાંકડા પર્વત રસ્તે પોતાના વાહનમાં સન એન્ટેનિયા વેલીએ પહોંચવું પડતું.

એક દિવસ અમારા જૂથે બપોર સુધીમાં સાન્ફ્રાન્સિસ્કો છોડ્યંુ. રાત્રિ સાન હોસેની નાની હોટલમાં વિતાવીને સવારે ચાર વાગ્યે પહાડ તરફ રવાના થયા. સમૂહના બધા ખૂબ ઉત્સાહ અને આનંદપ્રિય હતા. પૂરા મન-પ્રાણથી ભ્રમણનો આનંદ લઈ રહ્યા હતા. જેટલા આગળ જતા હતા તેટલું રસ્તાનું દૃશ્ય વિભિન્ન રીતે મનોરમ્ય થતું જતું હતું. સુદૃશ્ય ગ્રામીણ વિસ્તારની અંદર થઈને લાંબા રસ્તે જઈ રહ્યા હતા. ક્યાંક આશ્રયસ્થાન, ક્યાંક ફળોના બગીચા; તેની વચ્ચે થઈને અમે આગળ જતા હતા. બે વાર રસ્તમાં ઘોડા બદલાવવા પડ્યા. બપોરે બે વાગ્યે માઉન્ટ હેમિલ્ટનના શિખર પર રહેલ લેક ઓબ્ઝર્વેટરી પહોંચી શક્યા. અહીંયાં આશા-નિરાશાની એક પ્રચંડ દ્વિધા અમારી રાહ જોઈ રહી હતી. અમારા સમૂહમાં નવ વ્યક્તિ હતી; સાથે તંબુ, ખાદ્યસામગ્રી તથા બીજી ઘણી ચીજવસ્તુઓ હતી. પરંતુ જોયું તો અમારા માટે ચાર ખચ્ચર ખેંચે તેવી બે સીટવાળી નાની ગાડી હતી. ગાડી ચલાવનાર મિ. પલ ગારબાર સન એન્ટેનિયા વેલીના મોટા ભાગની જમીનના માલિક હતા. તેણે સમજાવી દીધું કે તેની ગાડીમાં નાની એક પોટલી પણ નહીં લઈ જઈ શકો. પહાડની બીજી બાજુના અમારા ગંતવ્યસ્થાન તરફ જોઈને સ્વામી તુરીયાનંદ ખૂબ જ ચિંતાતુર દેખાતા હતા. તેમને નિરાશ થતા જોઈ મિસિસ એગ્નેસ સ્ટેન્લી આગળ આવ્યાં અને તેમના ખોળામાં પોતાના પૈસાની થેલી રાખી ફરિયાદના સૂરમાં કહ્યું, ‘એક બાળકે જે વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ, તમારામાં જોઉં છું તેટલાનો પણ અભાવ છે.’ તુરીયાનંદજીએ અત્યંત આનંદિત થઈને જવાબ આપ્યો, ‘તમે મારાં જગદંબા, તમારું નામ આપ્યું ‘શ્રદ્ધા’, હવે તમને સૌ આ નામે બોલાવશે’

લેક ઓબ્ઝર્વેટરીથી કોઈ ભાડાની ગાડી મળવી શક્ય નહોતી પરંતુ તેઓએ બે ઘોડા ભાડે આપ્યા. તેથી સમૂહની બે વ્યક્તિ- એક હતાં મિસિસ સ્ટેન્લી અને બીજી એક વ્યક્તિ ડાે. એમ.એચ. લોગાન ઘોડા પર ચડ્યાં. બીચારા મિ. જર્જ રુસ્વાક ચડ્યા તેની સાયકલ પર (સાયકલ સામાન સાથે જવાની વાત હતી). સમૂહના બાકી થોડા લોકો કોઈ પણ રીતે પહેલાં કહેલ ગાડીમાં ચડી ગયા.

સ્વામી તુરીયાનંદ, ચાલક તથા બે મહિલાઓ સીટ પર બેઠાં, બાકીના અમે ત્રણ ગાડીની ફર્શ પર બેઠા. બે વ્યકિતને બન્ને બાજુ હાથથી પકડીને વચ્ચે હું બેઠો હતો. તે બન્ને વ્યક્તિએ ગાડીની બન્ને બાજુ સખત(ટાઈટ) પકડી રાખી હતી. નીચેની બાજુ ઊતરતી વખતે થોડું સારંુ લાગતંુ હતુ, પરંતુ ઉપર ચડતી વખતે પાસેના બન્નેને મારે જોરથી પકડી રાખવા પડતા હતા. સાંકડો રસ્તો ધૂળથી ભરપૂર, વચ્ચે વચ્ચે મોટા ખાડા, બિનખેતીવાળો વનવિસ્તાર. પરંતુ ચારેય બાજુ અગાધ સૌન્દર્ય. ખૂબ જ ગરમી લાગતી હતી. રસ્તામાં પાણી પણ નહોતું. અત્યંત ગંભીરભાવે શાંતિથી સ્વામી તુરીયાનંદજી બેઠા હતા. ખૂબ જ ઓછી વાતચીત થતી હતી. બપોરના અંતે મિસિસ સ્ટેન્લી ગરમીથી મૂર્છિત થઈને ઘોડા પરથી પડી ગયાં. તેઓ થોડી વાર સુધી તો ખૂબ તણાવયુક્ત રહ્યાં, છેલ્લે તેમને ચેતના આવી. સ્વામી તુરીયાનંદજીએ તેમને ગાડીમાં બેસાડવા કહ્યું અને તેઓ પોતે તો સાથેના ઘોડા પર બેઠા. બદામી રંગના એક ઘોડા પર સીધા બેઠેલા ગેરુવા રંગનો રેશમી સૂટ પહેરેલ સ્વામી તુરીયાનંદને આગળ રાખીને અમે સૌ આગળના ગંતવ્ય સ્થાને પહોંચ્યા.

જગ્યાએ પહોંચતાં અમારી ખુશીનો અંત નહોતો, પરંતુ આવતાંવેંત જ બીજી એક સમસ્યા ઊભી થઈ. થોડાંક વર્ષાેથી મિસ બૂક તેમના નિર્જન નિવાસસ્થાનમાં નહોતાં આવ્યાં. અનેક વસ્તુઓ વેરવિખેર ફેલાયેલી હતી. મિ. ગારબારની મદદથી બન્ને મહિલાઓ આખી તળેટી ફરીને અમે સૌ થોડી જરૂરી વસ્તુઓ ભેગી કરીને લઈ આવ્યાં. કેટલીક નકામી કેબિનમાં આ જરૂરી વસ્તુઓનો બધો સામાન ભેગો કર્યાે. રાત્રીના જમવાનું ભાત અને (લાલ ખાંડ) બન્યું. જમીને અમે સૌ ધૂણીની ચારેય બાજુ બેઠા. સ્વામી તુરીયાનંદના સુમધુર ગંભીર સ્વરમાં સંસ્કૃત મંત્રો સાંભળતાં સાંભળતાં અમે બધાં દુઃખ અને થાક ભૂલી ગયાં. મંત્રનો ભાવાર્થ ઃ

‘જે પરમપુરુષ, જેમણે આ વિરાટ વિશ્વનું સર્જન કરેલ છે, તેમની જ્યોતિર્મય સત્તાનું આપણે ધ્યાન કરીએ. તેઓ આપણા અંતરને પ્રકાશિત કરે.’

ગંભીર શાંતિનો અમે અનુભવ કરવા લાગ્યા.શીતળ વાયુ મંદ મંદ વહેતો હતો. ગાઢ કાળી રાત્રી. તેજસ્વી તારાઓ જાણે અમારી ઉપર ઝૂકી પડ્યા હતા. ભૂતકાળની કરુણ ક્ષણો પાછળ છોડી તથા મૂઢ આમોદ-પ્રમોદની ક્ષણો બધી જાણે અસ્પષ્ટ સ્વપ્નની જેમ સંપૂર્ણપણે કોઈ ચિહ્ન રાખ્યા વગર અદૃશ્ય થઈ ગઈ છે અને આ મુહૂર્તથી જ જાણે અમારા નૂતન જીવનનો આરંભ થયો.

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.