कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥

‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો ક્યાંથી?’

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप।।

‘હે પૃથાપુત્ર! આ કાયરતાને આશ્રય ન આપ. એ તને શોભતું નથી. હે પરંતપ! હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાને તું ત્યજી દે અને ઊઠ! ઊભો થા.’

આ બે શ્લોકોમાં આપણને એ માનસિક ટૉનિક પ્રાપ્ત થાય છે કે જે શ્રીકૃષ્ણે અર્જુનને પિવડાવ્યું હતું અને કોઈપણ બીજા ઉપદેશને પ્રભાવી બનાવતાં પહેલાં આ માનસિક ટૉનિક પિવડાવવું આવશ્યક છે. જયારે કોઈપણ વ્યક્તિ શોકસંતપ્ત હોય છે અને એની સ્નાયુઓની શક્તિ તૂટી ચૂકી હોય છે ત્યારે ગમે તેટલા ઉપદેશ કે સલાહ એના પર કામિયાબ થતા નથી તો પછી દર્શનની તો વાત જ શું કરવી! ચરમશાંતિ આવશ્યક છે, માત્ર નિષ્ક્રિય શાંતિ નહિ; પરંતુ જે સક્રિય શાંતિ હોય એની જરૂર છે. ગીતાના સંપૂર્ણ ઉપદેશનો ભાવ આપણે આ બેમાંના પછીના શ્લોકમાં મેળવી શકીએ. સ્વામી વિવેકાનંદે પોતાના ગીતા પર વિચાર’માં કહ્યું: ‘જે કોઈ આ પહેલો શ્લોક વાંચે છે क्लैब्यं … परन्तप- તો એને સંપૂર્ણ ગીતાપાઠનો લાભ મળે છે. એનું કારણ એ છે કે આ શ્લોકમાં જ પૂરેપૂરી ગીતાનો સંદેશ રહેલો છે. આ કેવળ અર્જુનને માટે જ નથી પરંતુ જે લોકો કિંકર્તવ્યવિમૂઢ છે એવા બધાને જાગ્રત કરવા માટે આ શિક્ષણબોધ આપે છે. આપણને વારંવાર જગાડવાની જરૂર પડે છે, કારણ કે મનમાં સર્વદા તંદ્રા અને નિદ્રિત થઈ જવાની પ્રવૃત્તિ થતી રહે છે, પરંતુ એની સાથે જ મનમાં પોતાને ઉઠાડીને – જગાડીને જીવનના યુદ્ધમાં લગાડવાની સામર્થ્યની પ્રવૃત્તિ પણ થતી છે. આ સામર્થ્ય આપનારી શક્તિ વ્યાવહારિક રૂપે અધિકાંશ લોકોમાં સુષુત જ રહે છે, પરંતુ આ સામર્થ્યને વિકસાવવું પડશે જ. જો આપણે આ સામર્થ્ય જગાડવાનું પોતાની મેળે ન કરી શકીએ તો એના માટે આપણને કોઈ બીજાની આવશ્યકતા પડશે; કોઈ એક મહાન આચાર્ય, એક ધર્મગ્રંથ કે એક આદર્શ આપણા માટે આ કાર્ય સંપન્ન કરાવી શકે. અર્જુનની બાબતમાં શ્રીકૃષ્ણે આ ભૂમિકા અદા કરી છે. આપણને પણ એને માટે કોઈ મહાન વ્યક્તિની આવશ્યકતા પડે છે. વેદાંત કહે છે કે પ્રત્યેક વ્યક્તિની ભીતર અનંત સંસાધન રહેલું છે; એણે આ સંસાધનોનો ઉપયોગ કરવો જ પડશે; અને એક મહાન શિક્ષકમાં પણ આ શક્તિ હોય છે જેના દ્વારા તે પોતાની ભીતર અને બીજાની ભીતર પણ સંભાવિત ક્ષમતા પ્રગટ કરી દે છે. એક મહાન ગુરુ અને આચાર્યના સ્પર્શમાત્રથી આપણામાં એવી મહાન ઊર્જા અને શક્તિઓ પ્રગટવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વથી આપણે પહેલાં જ્ઞાત ન હતા. नैतत्त्वय्युपपद्यते – ‘આ તને શોભતું નથી.’ આ શબ્દો દ્વારા શ્રીકૃષ્ણે જાદુઈ સ્પર્શ આપ્યો.

Total Views: 657

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.