મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને ત્યારે મન પણ એવું ભાંગી પડે છે કે કોઈકવાર તો આત્મહત્યાના વિચારો તરફ દોડે છે અને ત્યારે જીવનમાંથી રસ ઊડી જાય છે. આવા સમયે શું કરવું? આવા સમયે મનને પાછું રસ્તા ઉપર લઈ આવવા માટે ઘણા ઉપાયો અજમાવી શકાય છે. ઘણા લોકોએ આ ઉપાયો અજમાવીને નવું જીવન પ્રાપ્ત કર્યાનાં દૃષ્ટાંતો પણ જોવા મળે છે. એમાંના મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે.
વિશ્વાસુ સ્વજન કે સાચા સલાહકાર પાસે જવું:
કટોકટીના સમયે કોઈપણ ઉતાવળિયું પગલું ભરતાં પહેલાં પોતાને જેના ઉપર અત્યંત ભરોસો હોય એવાં પોતાના નજીકનાં સ્વજન પાસે ચાલ્યા જવું, નહીંતર કોઈ સાચા માર્ગદર્શક કે સલાહકાર પાસે જઈને પોતાની બધી મૂંઝવણ રજૂ કરી દેવી. પશ્ચિમના દેશોમાં તો લોકો મનોચિકિત્સકો પાસે જાય છે અને તેમની સલાહ લે છે. પણ આપણે ત્યાં લોકો હજુ મનોચિકિત્સકો પાસે જતાં અચકાય છે. તેથી પોતાનાં સ્વજન પાસે જઈને હૃદય ઠાલવી દેવું એ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ આગળ પોતાનું દુઃખ કહી દેવાથી જ મન હળવું થઈ જાય છે. અને અર્ધી સમસ્યા તો આપોઆપ ઓછી થઈ જાય છે. અને પછી આ સમસ્યામાં મારા કોઈ સહાયક છે, એ ભાવના મનમાં આવતાં સમસ્યા એટલી જટિલ જણાતી નથી. ધીમે ધીમે સમસ્યા પણ હલ થઈ જાય છે અને મન પણ સ્વસ્થ થવા લાગે છે.
ક્યારેક તો મનનો બળવો એટલો જોરદાર હોય છે કે તે ક્યાંય જવા કે કોઈ પાસે ખાલી થવા પણ તૈયાર થતું નથી. બસ, ‘જીવ કાઢી નાખવા’ જ તત્પર બની ગયું હોય છે. તો તેવે વખતે જેને અત્યંત ચાહતા હોઈએ, કે જે વ્યક્તિ શ્રદ્ધાપાત્ર હોય, જે વ્યક્તિ પોતાને ઉત્કટ પ્રેમ કરતી હોય, તેનું સ્મરણ કરવું. પોતાના આત્મઘાતી પગલાંથી એને કેટલું બધું દુઃખ થશે, એનો વિચાર કરો. એવી વ્યક્તિનું સતત સ્મરણ કરવાથી પણ મનમાં શાંતિ આવવા લાગશે અને મન થોડું હળવું થતાં પછી તે સ્વસ્થતાથી વિચારી શકશે.
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકના લેખક મહેન્દ્રનાથ ગુપ્ત કુટુંબીજનોના કડવાશભર્યા કલહ – કંકાસથી ત્રાસીને જીવનનો અંત આણવા વિચારી રહ્યા હતા. બસ, હવે તો આત્મહત્યા એ જ એક ઉપાય છે, એમ માનીને એક અંધારી રાત્રે તેમણે ઘર છોડ્યું અને નિરુદ્દેશ અહીં તહીં ભટકતા રહ્યા. પ્રભાતે પોતાની બહેનને ત્યાં વરાહનગરમાં આરામ કર્યો. પછી પોતાના ભાણેજને લઈને એક બાગમાંથી બીજા બાગમાં લટાર મારતાં મારતાં તેઓ દક્ષિણેશ્વરમાં કાલીમંદિરે આવી પહોંચ્યા. ત્યાં શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશતાં જ તેમને લાગ્યું કે જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવતકથાનું વિવરણ કરી રહ્યા છે. ઓરડામાં હાજર ૨હેલા ભક્તો સાથે વાર્તાલાપ કરતા શ્રીરામકૃષ્ણના શબ્દોની તેમના મન ઉપર જાદુઈ અસર થઈ. તેમના મન ઉપરથી હતાશાનાં વાદળો દૂર થઈ ગયાં. તેમને ખાતરી થઈ ગઈ કે ‘ભગવાન તેમને બચાવી રહ્યા છે. હવે શા માટે દુનિયા છોડી દેવી જોઈએ?’ તેમને ગુરુ સાક્ષાત્ મળી ગયા. આપઘાતનો વિચાર કાયમ માટે ટળી ગયો. પછી તો શ્રીરામકૃષ્ણની સાથે તેમનો એવો અતૂટ સંબંધ સ્થપાયો કે તેમનું સમગ્ર જીવન સદંતર બદલાઈ ગયું. શ્રીરામકૃષ્ણના સઘળા વાર્તાલાપો તેઓ પોતાની ડાયરીમાં રોજેરોજ લખતા હતા, જે પાછળથી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ રૂપે પ્રકાશિત થયા. આ કથામૃતે હજારો લોકોના જીવનમાં શાંતિનું સ્થાપન કર્યું છે. અનેકોને આત્મહત્યામાંથી બચાવ્યા છે. અસંખ્ય દુઃખી લોકોને નવજીવન બક્ષ્યું છે. આધ્યાત્મિક જીવનના અભિપ્સુઓને અમરતાનો રાહ ચીંધ્યો છે.
સુપ્રસિદ્ધ ફ્રેન્ચ ગાયિકા માદામ કાલ્વેના જીવનમાં પણ આવું જ બન્યું હતું. ૧૮૯૪માં શિકાગોમાં તેમને જીવનનો સહુથી મોટો આઘાત લાગ્યો. તેમની એકની એક દીકરી બળી જવાથી મૃત્યુ પામી. આ અસહ્ય દુઃખનો આઘાત તેઓ જીરવી શકતાં ન હતાં. તેમણે ત્રણ ત્રણવાર આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા. પણ ત્રણેય વાર તેમનાં પગલાં તેમને સ્વામી વિવેકાનંદના નિવાસ તરફ લઈ ગયાં. અનિચ્છાએ કોઈ અદૃશ્ય પ્રેરણાથી તેઓએ સ્વામીજીની મુલાકાત માગી અને તેમને નવા આનંદમય જીવનની પ્રાપ્તિ થઈ. એ વિશે તેમના જ શબ્દોમાં જોઈએઃ
‘તે સમયે હું તન અને મનથી ભાંગી પડી હતી. આવી સ્થિતિમાં આવી પડેલા મારા કેટલાક મિત્રોને સ્વામીજી સહાયભૂત થયા હતા, એટલે મેં પણ તેમને મળવાનો નિર્ણય કર્યો.
મુલાકાતનો સમય માગી હું તેમના નિવાસે ગઈ, ત્યારે તુરત જ મને તેમના અભ્યાસ ખંડમાં લઈ જવામાં આવી. તેમની પાસે જાઉં તે પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે તેઓ મારી સાથે વાત શરૂ ન કરે, મને સંબોધે નહીં ત્યાં સુધી મારે મૌન રહેવું. તેથી તેમના ખંડમાં મેં પ્રવેશ કર્યો, ત્યારે એક ક્ષણ હું મૌન ઊભી રહી. એ બેઠા હતા. ધ્યાનસ્થ હતા. તેમનો ભગવો અંચળો જમીન પર સીધો પડ્યો હતો. પાઘડીથી સુશોભિત તેમનું મસ્તક સહેજ નમેલું હતું. આંખો જમીન ઉપર ખોડાયેલી હતી. થોડા વિરામ પછી, ઊંચે જોયા વિના તેમણે વાત શરૂ કરી.
તેમણે કહ્યું, ‘દીકરી! તું તો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છોને કાંઈ! સ્વસ્થ થા. સ્વસ્થ થવું આવશ્યક છે.’
પછી તદ્દન સ્વસ્થ અવાજમાં વિક્ષિપ્ત થયા વિના અને તદ્દન અસંગ રહીને, આ માણસે મારા ગુહ્ય પ્રશ્નો અને ચિંતાઓ વિશે વાત કરવા માંડી. મારા ખૂબ જ અંગત મિત્રોને પણ જેની ખબર નથી એમ હું માનતી હતી, તેવી બાબતો વિશે તેમણે વાત કરી. કેટલું અદ્ભુત!
છેવટે મેં પ્રશ્ન કર્યો, ‘આપે આ બધું કેવી રીતે જાણ્યું?’
‘મારા વિશે આ બધું આપને કોણે કહ્યું?’ હું જાણે નાનું બાળક હોઉં અને મૂર્ખાઈભર્યો પ્રશ્ન પૂછી બેઠી હોઉં, એમ તેમણે મારા પ્રત્યે શાંત સ્મિતથી જોયું.
તેમણે ધીમેથી જવાબ આપ્યો, ‘મને કોઈએ વાત નથી કરી. એની જરૂર હોય તેમ તને લાગે છે? હું ખુલ્લું પુસ્તક વાંચતો હોઉં એમ તારું ભીતરનું મન વાંચી શકું છું.’
છેવટે મારે વિદાય લેવાનો વખત થયો. હું ઊભી થઈ ત્યારે તેમણે ફરી કહ્યું, ‘ફરી પ્રસન્ન અને સુખી બની જા. સ્વાસ્થ્ય સુધાર. તારી શાંત પળોમાં તારાં દુઃખ-દર્દને વિચાર મા. તેનો વિચાર ન કર. તારાં સંવેદનોનું કોઈ ને કોઈ પ્રકારની બાહ્ય અભિવ્યક્તિમાં રૂપાંતર કર. તારા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે તેની જરૂર છે. તારી કળા માટે તેની જરૂર છે.’
મેં વિદાય લીધી. હું તેમની વાણી અને વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત થઈ હતી. એમણે જાણે મારા મનને બધી ગૂંથોમાંથી મુક્ત કર્યું હતું અને તેના સ્થાને તેમના સ્પષ્ટ અને શાંતિદાયક વિચારો ગોઠવી દીધા. હું ફરી આનંદિત અને પ્રફુલ્લિત બની ગઈ.
આ રીતે કોઈ સંત-મહાત્મા કે સિદ્ધ પુરુષના આશ્રયે જવાથી મનમાં ચાલતાં તોફાનને તેઓ શાંત કરી દઈને વિચારોને યોગ્ય દિશામાં એવી રીતે વાળી દે છે કે જીવનનો નીચાણ તરફ વહેતો પ્રવાહ ઊર્ધ્વગામી બની જાય છે. આજે પણ જીવનની કટોકટીમાંથી ઉગારી લેવા માટે, સાચો માર્ગ બતાવવા માટે સાધુ-સંતો વિદ્યમાન છે. મોટાં શહેરોમાં તો ઘણી સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહી છે. ઘણી જગ્યાએ તો આત્મહત્યા કરતાં પહેલાં તાત્કાલિક ફોન કરો એવી તત્કાળ સેવા પણ ઉપલબ્ધ હોય છે. આથી કટોકટી જીવનનો અંત લાવી દે, તે પહેલાં કટોકટીમાંથી બહાર નીકળવા બાહ્ય સહાયનો આશરો લેવો અનિવાર્ય છે.
તે વાતાવરણમાંથી બહાર નીકળી જવું:
જયારે હવા વગરની બંધ ઓરડીમાં કોઈને પૂરી દેવામાં આવે તો તે ગમે તેમ કરીને બહાર નીકળવા પ્રયત્ન કરશે અને બારીબારણાં તોડીને પણ તે બહાર ખુલ્લામાં ચાલ્યો જશે. એ જ રીતે સંજોગોની ભીંસ એવી હોય કે માણસ ગૂંગળામણ અનુભવે, ત્યારે ખુલ્લામાં ચાલ્યા જવું જોઈએ. જયારે મનમાં ભારે વિમાસણ ચાલી રહી હોય, ‘આ પાર કે પેલે પાર’નો નિકાલ લાવવા મન તત્પર હોય ત્યારે એ સ્થળને તાત્કાલિક છોડીને બહાર નીકળી જવું જોઈએ. જો થોડા દિવસ પણ બહાર રહી શકાય તો ઘણું જ ઉત્તમ છે. તીર્થયાત્રાએ ચાલ્યા જવું, અથવા કોઈ પ્રેમાળ સ્વજનને ત્યાં બેચાર દિવસ રહી આવવું. નહીં તો કોઈ દેવસ્થાનમાં કે નદીકિનારે ચાલ્યા જવું, બેચાર દિવસનું સ્થળાંતર પણ મનની સ્થિતિને બદલી નાખવા પર્યાપ્ત બની રહે છે. જો બહાર જઈ શકાય તેવી સ્થિતિ ન હોય તો પોતાના જ ગામમાં, નદીકિનારે કે ખુલ્લા મેદાનમાં – બસ, થોડો વખત શાંતિથી બેસી રહેવું. મનમાં કોઈ જ વિચાર ન કરવા. પ્રકૃતિના સાન્નિધ્યમાં બેસવાથી પ્રકૃતિમાં રહેલી શાંતિનું અવતરણ થાય છે. કોઈ વૃક્ષની નીચે બેસવાથી પણ શીતળતા અને તાજગી મળે છે. બેચાર કલાક પણ આ રીતે બહાર જતા રહેવાથી મન ઉપર સવાર થયેલું ભૂત ભાગી જાય છે અને પછી સ્વસ્થ ચિત્તે વિચાર કરવાથી, એવું જણાય છે કે તેણે પોતે પરિસ્થિતિને જેટલી વિકટ માની લીધી હતી, એટલી વિકટ પરિસ્થિતિ નથી. બધાંનો ઉકેલ લાવી શકાશે. આમ હિંમત આવી જાય છે.
સદ્ગ્રંથોનું વાચન:
જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે ચારે બાજુથી મુશ્કેલીઓનો મારો થવા લાગે છે. તે સમયે તાત્કાલિક કોઈ માર્ગદર્શક પાસે જવા જેવી પણ પરિસ્થિતિ હોતી નથી કે બહાર પણ નીકળી શકાય તેમ નથી હોતું. તો ત્યારે શું કરવું? એ સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ભાગવત, ઉપનિષદ – એવા કોઈ પણ સદ્ગ્રંથો પાસે જવું. આ સગ્રંથો એ કંઈ નિર્જીવ પુસ્તકો નથી. પણ તે મહાન જ્ઞાનના વાહકો છે. વળી આ સદ્ગ્રંથો જેમણે લખ્યા છે, તેમની સૂક્ષ્મ ચેતનાને તેઓ ધારણ કરે છે. સદ્ગ્રંથોનું માત્ર એક પાનું પણ વાંચવાથી એના સર્જકોની મહાન ચેતનાના સૂક્ષ્મ સાન્નિધ્યમાં આપણે મુકાઈ જઈએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચતાં સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ સૂક્ષ્મ રીતે આપણે પહોંચી જઈએ છીએ અને ગીતામાંથી પરિસ્થિતિના ઉકેલ માટે ઉપયુક્ત વાણી આપણને ભગવાન શ્રીકૃષ્ણ આપે છે. ગીતાનો એકાદ શ્લોક, શ્રીરામકૃષ્ણ કથામૃતનો એકાદ પ્રસંગ પણ હતાશામાંથી ઊંચે લઈ જવા માટે પર્યાપ્ત થઈ જાય છે. સદ્ગ્રંથોનું વાચન કર્યા પછી આપણને ખબર પણ ન પડે તે રીતે મનની પરિસ્થિતિ બદલાઈ જાય છે. સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્રો સમાં વાક્યોનું એક બહુ જ નાનકડું પુસ્તક છે, ‘શક્તિદાયી વિચાર.’ આમાંનાં વાક્યોમાં થાકેલા, હારેલા, નિરાશ થઈ ગયેલા, જીવન જીવવાની ઇચ્છા ગુમાવી દીધેલા મનુષ્યોમાં પ્રચંડ તાકાત જાગૃત કરવાની પ્રબળ શક્તિ રહેલી છે. કટોકટીના સમયે આવાં પુસ્તકોનાં એકાદ – બે વાક્યો પણ જીવનમાં શક્તિનો સંચાર કરી દે છે. દા.ત. ‘આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે, નિર્બળતા સતત તાણ છે, યાતના છે, મૃત્યુ છે.’
‘નબળાઈનું ચિંતન કર્યા કરવું, એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી. પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. મનુષ્યની અંદર પ્રથમથી જ જે બળ રહેલું છે, તેના પ્રત્યે તેને સભાન બનાવો.’
‘લક્ષ્યે પહોંચવાનો એક માત્ર માર્ગ આ જ છે કે પોતાની જાતને તેમજ બીજા સર્વ કોઈને કહેવું કે આપણે દિવ્ય છીએ. જેમ જેમ આપણે આનું રટણ કરતા જઈશું, તેમ તેમ શક્તિ આવતી જશે. પ્રથમ જે લથડિયાં ખાતો હશે, તે વધુ ને વધુ બળવાન બનતો જશે. અવાજનું જોર વધશે અને અંતે સત્ય આપણા હૃદયનો કબજો લઈ લેશે. આપણી નાડીઓમાં સત્ય વહેવા લાગશે, આપણાં શરીરોમાં સત્ય ઓતપ્રોત થઈ જશે.’
‘જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ છે, તે તમારી પોતાની અંદર જ છે, માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.’ ‘ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.’ ‘તમારી સામે અનંત ભાવિ પડેલું છે. હંમેશાં યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો તે તમારા માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે. વળી જેમ ખરાબ વિચારો અને ખરાબ કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવા તૈયાર હોય છે, તેમ બીજી બાજુ પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો ને સત્કાર્યો મારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે.’
સંતો, મહાત્માઓ અને મહાપુરુષોના જીવનના અનુભવોમાંથી પ્રગટેલી આવી જ્ઞાનધારા મનુષ્યના મન ઉપર ઘેરાયેલી સર્વ પ્રકારની મલિનતાઓને ધોઈ નાખે છે, તેમજ મનને સ્વચ્છ, પવિત્ર અને વિશુદ્ધ બનાવી દે છે. એવા વિશુદ્ધ મનમાં પછી વ્યક્તિને પોતાના સાચા જીવનકાર્યનું જ્ઞાન થાય છે.
લશ્કરમાં કામ કરતો એક યુવાન મનથી સાવ ભાંગી પડ્યો હતો. ભારત- પાકિસ્તાનના યુદ્ધમાં તેના બધા સાથીદારો માર્યા ગયા હતા. વળી તે જે જીપને ચલાવી રહ્યો હતો, તેના ઉપર પણ બોમ્બ પડ્યો અને તે માંડ બચ્યો. પણ તેનું મન સાવ ઉદાસ થઈ ગયું. જીવનમાંથી હવે તેને રસ ઊડી ગયો. એક રાત્રે તે દિલ્હી રેલ્વે સ્ટેશનમાં ચાલતી ગાડીએ પાટા ઉપર કૂદીને આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યો હતો. પણ કોઈ રીતે તે રાત્રે પોતાના વિચારનો અમલ કરી શક્યો નહીં. હવે તેણે બીજા દિવસ ઉપર તે છોડ્યું. બીજે દિવસે તે છાપું લેવા કોઈ સ્ટેશનની દુકાને ગયો. ત્યાં બુકસ્ટોલ ઉપર તેણે સ્વામી વિવેકાનંદના સુંદર ફોટાવાળું પુસ્તક જોયું. તેણે તે ખરીદી લીધું. તે પુસ્તક વાંચતાં તેના આત્મહત્યાના વિચારો ચાલ્યા ગયા. તેને નવું જીવન મળી ગયું. તેને તેના જીવનનો સાચો અર્થ મળ્યો. બીજાંઓને પ્રેમ કરવો, બીજાંઓની સેવા કરવી – એ જીવનનું પ્રયોજન તેને સમજાઈ ગયું. તેણે પછી સૈન્યમાંથી નિવૃત્તિ લઈ લીધી. તે મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નામના પોતાના ગામમાં પાછો આવ્યો. અનેક વિપરીત સંજોગોની વચ્ચે પણ તેણે હવે સેવાકાર્યો શરૂ કરી દીધાં. ધીમે ધીમે આખું ગામ બદલાઈ ગયું. એની આશ્ચર્યકારક સફળતાથી પ્રભાવિત થઈને તેને મહારાષ્ટ્રનાં ૩૦૦ ગામડાંઓના વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. એ યુવાન તે અણ્ણા હજારે, આજે મહારાષ્ટ્રના અસંખ્ય ગ્રામજનોના ઉદ્ધારક તરીકે પૂજાઈ રહ્યા છે.
કેરાલામાં – તિરુવનંતપુરમ્માં એન.સી.સી.ના એક મેજર ભયાનક માનસિક હતાશામાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓનું લગ્નજીવન ખૂબ દુ:ખી હતું. તેઓ વારંવાર કહ્યા કરતા, ‘ક્યારે મારી જાતને ગોળી મારી દઈશ, એ કહી શકતો નથી.’ તેમની આવી માનસિક દુર્દશાની વાત તેમના કર્નલે શ્રીરામકૃષ્ણ મિશન તિરુવનંતપુરમ્ના એક સંન્યાસીને જણાવી. એ સંન્યાસીએ તે કર્નલને કહ્યું, ‘મેજરને કહેજો કે પહેલાં આ પુસ્તક વાંચી લે, પછી તેને જેમ ઇચ્છા થાય તેમ કરે,’ એમ કહી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું પુસ્તક ભેટ મોકલાવ્યું. પછી થોડા મહિના પછી એ કર્નલ જ્યારે સ્વામીજીને મળ્યા ત્યારે તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપના પુસ્તકે તો જાદુ કર્યો. મારા જુનિયરને બચાવી લીધો. એ હવે એમ કહે છે કે ‘આખી દુનિયા કહે તો પણ હું આત્મહત્યા જેવું પાપ નહીં કરું?’
આ છે સદ્ગ્રંથોનો પ્રભાવ. તે મનની સ્થિતિને જ સમૂળગી બદલી નાખે છે. એથી માત્ર જીવનની કટોકટીના સમયમાં જ નહીં પણ દરરોજ જેઓ આવા સદ્ગ્રંથોનું નિયમિત વાંચન કરે છે, તેમના જીવનમાં કટોકટી આવતી નથી. એટલે કે ગમે તેવી મુશ્કેલીઓ તેમને ખળભળાવી શકતી નથી.
કટોકટીના સમયના અન્ય ઉપાયો:
કટોકટીના સમયે પ્રાર્થના, નામસ્મરણ અને ધ્યાન કરવાથી પણ મનમાં પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આવે છે, આંતરિક સ્થિતિ બદલાઈ જાય છે. આથી કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવા કરતાં ચૂપચાપ ભગવાનનું નામ લેવું એ સરળમાં સરળ ઉપાય છે.
આ ઉપરાંત બીજા ગૌણ ઉપાયો પણ છે, જેનો આ બધા ઉપાયોની સાથે સાથે અમલ કરવાથી મનની સ્થિતિમાં ખૂબ ઝડપથી બદલાવ આવે છે. એ ઉપાયોમાં એક તો છે, મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં બતાવેલો ઉપાય –
‘वितर्कबाधने प्रतिपक्षभावनम्’ (२/३३)
એટલે કે પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું. જો આત્મહત્યાના વિચારો આવતા હોય તો જીવન કેવું સુંદર છે, મૂલ્યવાન છે, પ્રેમભર્યું છે, આવા વિચારો કરવાથી નકારાત્મક વિચારોનું જોર ઓછું થઈ જાય છે. નિરાશાના વિચારોને આશાસ્પદ વિચારોથી, નકારાત્મક વિચારોને વિધેયાત્મક વિચારોથી દૂર કરી શકાય છે. જો નકારાત્મક વિચારો પીછો છોડતા ન હોય તો મનને મનગમતી વસ્તુઓમાં પરોવી દેવું. એ માટે ભજન – સંગીત કે સુગમ – સંગીત એકાગ્ર થઈને સાંભળવું. આપણા સંગીતની સુરાવલિઓમાં મનને શાંત કરી દેવાની અદ્ભુત શક્તિ રહેલી છે.
આ ઉપરાંત જેનું મન ખૂબ વિષાદથી ભરાઈ ગયું હોય અને જેને ક્યાંય ચેન પડતું ન હોય, તેવી વ્યક્તિને બળજબરીથી પણ સારી વસ્તુઓ ખવડાવી દેવાથી તેનું મન શાંત થાય છે. આવેગ ઓછો થાય છે. જ્યારે વ્યક્તિ ભાવનાઓના અતિરેકમાં ડૂબેલી હોય, ત્યારે તે મનોમય કોષમાં હોય છે. અને આ કોષમાં તેનું મન આવેગમાં વહી રહ્યું હોવાથી નિયંત્રિત હોતું નથી. આ મનને જો સૂચનો દ્વારા વિજ્ઞાનમય કોષમાં લઈ જવામાં આવે તો મનની સ્થિતિ બદલાઈ જાય છે. પણ એ તો સિદ્ધ યોગીઓ જ કરી શકે. એવા યોગીપુરુષોને તો આવો પ્રશ્ન જ હોતો નથી. પરંતુ સામાન્ય મનુષ્યોના મનના સ્તરને બદલી શકાતું નથી. આથી જો એમને ભરપેટ ભોજન જમાડવામાં આવે તો ચેતના અન્નમય કોષમાં આવે છે અને ભાવનો અતિરેક દૂર થતાં પછી તે સ્વસ્થ રીતે વિચારી શકે છે.
આ રીતે આ બધા મુખ્ય અને ગૌણ ઉપાયો દ્વારા કટોકટીની સ્થિતિમાં મનને સ્વસ્થ કરી શકાય છે. પણ એક વખત કટોકટી પાર કરી એટલે ફરીવાર જીવનમાં નહીં આવે, તેવું તો બનતું નથી. કટોકટીઓ અને મુશકેલીઓ તો આવતી જ હોય છે. પણ મનની સ્થિતિ એવી હોવી જોઈએ કે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ શાંતિ ન ગુમાવે. એવી મનની સ્થિતિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ?
કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ વિધેયાત્મક વલણ અપનાવવું જોઈએ. જયારે બધું જ ગુમાવી દેવામાં આવ્યું હોય છે, ત્યારે કશુંક તો બચી જ ગયું હોય છે. જે બચી ગયું હોય છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી હચમચી નહીં જવાય. ગ્લાસ અર્ધો ખાલી છે, એમ જોવાને બદલે અર્ધો ભરેલો તો છે, આટલો જ તફાવત દૃષ્ટિમાં કરવાની જરૂર છે. એથી મનને આગળ વધવાની શક્તિ અને હિંમત મળે છે.
તે ઉપરાંત કટોકટીના સમયે વ્યક્તિએ પોતાની આત્મશ્રદ્ધા જાગૃત કરવી જોઈએ. દરેક વ્યક્તિની અંદર દિવ્યતા સુપ્તપણે રહેલી છે. તેને જાગૃત કરવી એ મનુષ્યનું ધ્યેય છે. સ્વામી વિવેકાનંદનું આ વાક્ય પ્રત્યેક કટોકટીમાંથી મનુષ્યને ઉગારી લેવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. કેમ કે અંદર રહેલી દિવ્યશક્તિને જાગૃત કર્યા પછી કોઈ જ સમસ્યા માનવીને ક્ષુબ્ધ કરી શકતી નથી. આથી મનુષ્યે હંમેશાં યાદ રાખવું જોઈએ કે પોતાની અંદર મહાન શક્તિ રહેલી છે. એ શક્તિથી અજાણ હોવાને લઈને જ તેને પરિસ્થિતિનો સામનો કરવાનો ભય લાગે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ સિંહના બચ્ચાની વાર્તા કહે છે:
એક સિંહણ જંગલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રસ્તામાં ઘેટાનું ટોળું જઈ રહ્યું હતું. સિંહણે રસ્તો પાર કરવા છલાંગ લગાવી, ત્યારે તેના પેટમાં રહેલું બચ્ચું પડી ગયું. સિંહણ રસ્તાની સામે પાર પડી અને મરી ગઈ. આ બચ્ચું ઘેટાનાં ટોળામાં મોટું થવા લાગ્યું. તે ઘેટાંની જેમ જ ઘાસ ખાવા લાગ્યું, બેં બેં કરવા લાગ્યું. એકવાર એક સિંહ ત્યાંથી પસાર થતો હતો. તેણે ઘેટાંના ટોળામાં નાનકડા સિંહને બેં બેં કરતો જોયો અને તેને આશ્ચર્ય થયું. તે તેની પાસે ગયો અને કહ્યું, ‘તું સિંહ છો, છતાં ઘેટાંની જેમ કેમ બેં બેં કરે છે?’ ત્યારે એ નાના સિંહે બેં બેં કરતાં કહ્યું, ‘હું તો ઘેટું છું. સિંહ નથી.’ મોટા સિંહે તેને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, છતાં તે નાનો સિંહ માન્યો નહીં. પછી મોટો સિંહ તેને તળાવને કાંઠે લઈ આવ્યો અને કહ્યું, ‘મૂરખ, આ પાણીમાં તારો પડછાયો જો. તારો ચહેરો ઘેટા જેવો છે કે મારા જેવો? – સિંહ જેવો છે?’ નાના સિંહે જયારે પોતાનો ચહેરો જોયો ત્યારે તેના અજ્ઞાનનો પડદો દૂર થયો અને તેને સમજાયું કે તે ઘેટું નથી પણ સિંહ છે, અને તેણે પછી સિંહની જેમ ગર્જના કરી. તે નીડર બની ગયો. જંગલનો રાજા બની ગયો.
આ વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે જયારે આપણે આપણી આંતરિક શક્તિને ઓળખીશું અને મિથ્યા ભ્રમને ખંખેરી દઈશું, ત્યારે જ સિંહનું બળ અનુભવીશું. સ્વામી વિવેકાનંદના આ શબ્દોમાં નિર્બળતા, હતાશા, નિરાશા, ચિંતાને હટાવીને મનુષ્યની અંદર રહેલી અનંત શક્તિને જાગૃત કરવાનું પ્રચંડ સામર્થ્ય રહેલું છે. તેઓ કહે છે, ‘તમે તો ઈશ્વરના સંતાન છો. અક્ષય સુખના અધિકારી છો. પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ, પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ, તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહ! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ એવા ભ્રમને ખંખેરી નાંખો, તમે તો અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો. તમે જડ પદાર્થ નથી, શરીર નથી, જડ પદાર્થ તમારો દાસ છે. તમે એના દાસ નથી.’ મનુષ્યની અંદર રહેલી આત્મશક્તિને જાગૃત કરવા સ્વામી વિવેકાનંદ આહ્વાન આપે છે. આત્મશક્તિ પછી હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાંને વિખેરીને મનુષ્યને ચિરશાંતિના પ્રદેશમાં લઈ જાય છે.
Your Content Goes Here