અહંકારનાં અનિષ્ટો
આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ રીતે, હૃદય ઉપર અહંકાર છવાઈ જાય ત્યારે, ઈશ્વર ત્યાં પ્રકાશી શકતો નથી. વાદળાંની માફક અહંકાર ઈશ્વરને આપણી દૃષ્ટિથી આચ્છાદિત રાખે છે. ગુરુકૃપાથી એ વાદળ હટી જાય તો, પૂર્ણ પ્રભા સાથે ઈશ્વરનું દર્શન કરી શકાય છે. જેમ કે, તમે ચિત્રમાં જુઓ છો કે શ્રીરામચંદ્ર ભગવાન છે તે લક્ષ્મણ (જીવ)થી બેત્રણ ડગલાં જ આગળ છે પણ, માયારૂપી સીતા બંનેની વચ્ચે હોવાથી લક્ષ્મણને રામ દેખાતા નથી.
આપણે આમ બંધનમાં શા માટે છીએ? ઈશ્વરને આપણે કેમ જોઈ શકતા નથી?
કેમ કે જીવનો અહંકાર પોતે જ માયા છે. પ્રકાશને ઢાંકી રાખનાર આવરણ એ જ છે. ‘હું’ ના મરણની સાથે બધાં દુઃખ દૂર થાય છે. ઈશ્વરની કૃપાથી, પોતે કર્તા નથી એ જ્ઞાન માણસને મળે તો, એ જરૂર જીવનમુક્ત થાય છે અને પછી, એ અભયને પામે છે.
મારી આગળ આ કપડું રાખું તો તમે મને જરાય જોઈ શકશો નહીં, ભલે ને હું પહેલાંના જેટલો જ તમારી પાસે હોઉં. એ જ રીતે, બીજા કોઈ પદાર્થ કરતાં ઈશ્વર તમારી વધારે સમીપ છે તે છતાં, અહંકારના આવરણને લઈને તમે એને જોઈ શકતા નથી. જ્યાં લગી અહંકાર છે ત્યાં લગી, જ્ઞાન કે મોક્ષ શક્ય નથી; અને જન્મમરણના ફેરાનો અંત આવતો નથી.
હાંડલીમાં ઠંડા પાણીમાં રાખેલાં દાળ, ચોખા કે બટેટાંને ચૂલે ન ચડાવ્યાં હોય ત્યાં સુધી તમે અડી શકો છો. જીવને પણ એ જ વાત લાગુ પડે છે. આ દેહ હાંડલી છે; ધન, વિદ્યા, જ્ઞાતિ, કુળ, સત્તા અને સ્થાન ચોખા, દાળ અને બટેટાં જેવાં છે. અહંકાર ચૂલામાંના અગ્નિ જેવો છે. અહંકાર જીવને ગર્વથી તપાવે છે.
-શ્રીરામકૃષ્ણની અમૃતવાણી પૃ-૨૧
Your Content Goes Here