સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના કેટલાક એડલરની પદ્ધતિ અને કાર્લ યુંગની શિક્ષાપ્રણાલીને સ્વીકારે છે. ધર્મ કોઈ સંઘર્ષ કે તણાવનું કારણ નથી એવું માનતા ઘણા અમેરિકન મનોચિકિત્સકો પર એક યા બીજી રીતે યુંગની અસર માલૂમ પડે છે. યુંગનું માનવું છે કે તણાવ એ મનુષ્યના દ્વિમુખી સ્વભાવની ઉત્પત્તિ છે – પુરુષપ્રધાન અને સ્ત્રીપ્રધાન, બહિર્મુખી અને અંતર્મુખી – પરંતુ તેને એવું લાગે છે કે તણાવને દૂર કરવા વિકૃતિથી પીડાતી વ્યક્તિઓ વચ્ચે સુમેળ અને તે માટેની તાલીમ જરૂરી છે. જર્મન મનોવિશ્લેષક કેરન હર્ની જયારે મનુષ્ય સંઘર્ષ અને તાણને કારણે નિરાશ નથી થતો એવું ભારપૂર્વક કહે છે ત્યારે તે આપણા મંતવ્ય પ્રમાણે સાચી દિશામાં આગળ જાય છે. રોજરની અનિર્દેશાત્મક સલાહ અને તદનુસાર તેની આંતર્દૃષ્ટિ પણ મદદરૂપ જણાય છે. અમેરિકાના કેટલાક મનોચિકિત્સકો યુંગ અને હર્નીની પદ્ધતિને અનુસરે છે જયારે મોટાભાગના આધ્યાત્મિક સલાહકારો અને સામાજિક કાર્યકર્તાઓ રોજરની પદ્ધતિને અનુસરે છે.

આ બધી જ પદ્ધતિઓ ઉપયોગી છે પરંતુ આપણે સંઘર્ષ અને તણાવને દૂર કરવા હજુ વધુ ઊંડે જવું પડશે.આ બંને પદ્ધતિઓ-heterognosis અથવા autognosis-નું માત્ર જ્ઞાન પ્રશ્નનો ઉકેલ નહિ લાવી શકે. આપણે જીવનની સાચી ફિલસૂફીને જાણવી પડશે. જ્યાં સુધી આપણે આપણા જીવનના મૂળભૂત ઉદ્દેશને ન સમજીએ ત્યાં સુધી આપણે તણાવમુક્ત નહિ થઈ શકીએ. જેના પર આપણે સતત ભાર મૂકીએ છીએ તે છે આધ્યાત્મિક સંસ્કૃતિ- ઈશ્વર વિષેનું જ્ઞાન, મનુષ્યમાં અભિપ્રેત દિવ્યતાનું પ્રકટીકરણ. આપણે ઇન્દ્રિયસુખોની પ્રાપ્તિને બદલે આપણા સાચા સ્વરૂપને, સ્વને અથવા ઈશ્વરને જાણવા પર વધુ ભાર મૂકવો જોઈએ. આ સીમિત અસ્તિત્વ ધરાવતું જીવન મનુષ્યના અસીમ મૂળભૂત રૂપને સંતોષી નથી શકતું. મૂળભૂત રીતે આ અસીમતા આપણામાં જ નિહિત છે. ‘જુઓ, હું હંમેશાં તમારી સાથે જ છું.’ પરિણામ રૂપે દિવ્યતાની અનુપસ્થિતિથી હંમેશાં અસંતોષ જ રહેશે. સૌથી ધનવાન વ્યક્તિ પણ તેની સંપત્તિથી સંતુષ્ટ નથી હોતી. સંપત્તિવાન, સમર્થ અને પદસ્થ વ્યક્તિઓ પણ પોતાના આંતરિક સ્વભાવથી અસંતુષ્ટ હોઈ દુઃખી હોય છે. જ્યાં સુધી તેઓ સત્ય અને ઈશ્વરનો અનુભવ ન કરે ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવશે નહિ.

અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે: શું આધ્યાત્મિક લોકો સંતુષ્ટ હોય છે? આપણે કહી શકીએ કે જો તેઓ ખરેખર જ આધ્યાત્મિક છે તો તેઓ સંતુષ્ટ હોય છે. જો તેઓને આંતરિક જીવનનો જરા સરખો પણ અનુભવ હોય, આ વિલક્ષણ વિશ્વની પશ્ચાદ્ભુમાં રહેલ તે સત્યનો સહેજ પણ આભાસ જો તેમને હોય તો તે સંતુષ્ટ હોઈ શકે છે. તે ઇન્દ્રિયોના સંતોષને બદલે ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધિને પ્રાપ્ત કરવાને વધુ પ્રાધાન્ય આપે છે. અહીં એ નોંધવું રસપ્રદ છે કે જો એ મનુષ્યને તે સંવેદનાનો આભાસ ન થયો હોય તોપણ કેટલોક આધ્યાત્મિક અભ્યાસ અને અનુશાસનિક પ્રક્રિયામાંથી પસાર થયા પછી નોંધપાત્ર રીતે તે સંતોષ પ્રાપ્ત કરી શકે છે. સ્વામી બ્રહ્માનંદજી તેમના શિષ્યોને વારંવાર કહેતા કે ઈશ્વર-સાક્ષાત્કાર એ આધ્યાત્મિક સાધનાઓથી પ્રાપ્ત થતા આનંદની સમકક્ષ છે. જો તમે આ મથામણ બે કે ત્રણ વર્ષ સુધી ચાલુ રાખો તો તમને પોતાનામાં અનિર્વચનીય આનંદનો અનુભવ થશે તમારું મન શાંત અને વિનમ્ર બનશે. શરૂઆતમાં ધ્યાન મુશ્કેલ અને શુષ્ક લાગશે પરંતુ નિયમિત લેવાતી દવાની જેમ તે માટે મંડ્યા રહેશો તો તમને તેમાંથી શાશ્વત, શુદ્ધ અને નિર્ભેળ આનંદ પ્રાપ્ત થશે.

થોડા સમય માટે આધ્યાત્મિક આદર્શોને ખંતપૂર્વક અનુસરશો તો તમે તમારા ચિત્તમાં તૃપ્તિનો અનુભવ કરશો. અસ્વસ્થતા અને તણાવ ધીમે ધીમે દૂર થઈ જશે. સફળતા કે નિષ્ફળતાનો વિચાર કર્યા વિના, તેની સામે જોયા વિના તમારી આધ્યાત્મિક સાધનાને પ્રબળ બનાવતા રહો. જેમ મહાન સ્વામીજી કહે છે તેમ બે કે ત્રણ વર્ષમાં તમે અનુભવશો કે તમારું ચિત્ત શાંત બન્યું છે. આધ્યાત્મિક અનુભવોની સાથે તમને મળશે અસીમ, નિર્ભેળ અને વિશુદ્ધ પરિતોષ અને આનંદ. આવો આધ્યાત્મિક આનંદ કોઈ વિષયો પર આધાર નથી રાખતો, તે કોઈ વ્યક્તિ પર પણ આધાર નથી રાખતો, કે તે ધન, સામર્થ્ય કે પદના ભોગવટાથી પણ અનુબંધિત નથી હોતો. આવા અનુભવો ચિત્તને પરિવર્તિત કરી ઉન્નત કરે છે. સંઘર્ષપૂર્ણ પ્રેરણા સમતોલ બને છે અને તણાવ આપમેળે દૂર થાય છે. જૈવિક સ્તર પરની કોઈપણ અમર્યાદ વાસનાઓ માનવીય વૃત્તિઓની સાથે ધીમે ધીમે એકરાગ થશે અને ચિત્તમાં એક પરિપૂર્ણ સ્થિરતા આવશે.

Total Views: 675

2 Comments

  1. Shakti Kishorbhai Gohel February 12, 2023 at 10:49 am - Reply

    🙏😇

  2. Er. Bhupendra Sonigra January 28, 2023 at 9:14 am - Reply

    Very realistic article

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.