‘કેમ છે હવે તમારી તબિયત?’ મેં સામાન્ય રીતે માંદા રહેતા મારા એક પરિચિત સજ્જનને પૂછયું.

‘ઠીક છે, ચાલ્યા જ કરે છે એ તો! નરમગરમ. હંમેશ માંદો છું એમ કહેતાંયે હવે તો મને શરમ લાગે છે,’ એમણે જવાબ દીધો.

‘એમાં શરમાવાનું કંઈ પણ કારણ નથી,’ મેં કહ્યું. ઘણા માણસો માંદા પડવું અથવા માંદા રહેવું એ શરમાવા જેવું છે એમ માનતા હોય એમ લાગે છે. પરંતુ એ વિષયના મારા લાંબા અનુભવથી મને પ્રતીત થયું છે કે માંદા રહેવું એ શરમાવા જેવું નથી, એટલું જ નહિ પણ એથી ઊલટું એ તો જગત પર ઉપકાર કરવા જેવું છે.

આયુષ્યને લંબાવવાના ઉપાયોની અનેક વિદ્વાનો અને વૈદ્યો શોધખોળ કરી રહયા છે; પરંતુ એની ચાવી હજી સુધી કોઈને જડી નથી. કોઈ પથ્ય-ખોરાક પર ભાર મૂકે છે, કોઈ ખૂબ ખાવાનો આગ્રહ કરે છે, કેટલાક ચાલચાલ કર્યા કરવું એને જ ઉત્તમ ગણે છે, તો કેટલાક પરિશ્રમ ન કરતાં આરામ લેવાની સલાહ આપે છે પણ આયુષ્યની દોરી લંબાવવાનો ઉપાય એક જ છેઃ હંમેશાં માંદા રહેવું.

આરોગ્ય અને માંદગીને તો પરસ્પર વિરોધ છે, એ ખરી વાત; પણ આયુષ્યને અને માંદગીને ખાસ વિરોધ નથી. એથી તો વૈદ્ય-ડૉક્ટરોનું ગાડું ચાલે છે. માંદા રહેવું એ શબ્દમાં જ રહેવાનો-જીવવાનો-ભાવ આવે છે. માંદા પડવાનું નહિ પણ માંદા રહેવાનું.

‘શીતળાથી બચવા માટે એની રસી નીરોગી શરીરમાં શા માટે દાખલ કરવી જોઈએ? તંદુરસ્ત શરીરમાં રોગનાં જંતુ દાખલ કરવાં એ શું લાભકારક છે?’ એમ મેં મારા એક ડૉક્ટર મિત્રને પૂછ્યું હતું. એમણે જવાબ દીધો, ‘રોગનાં જંતુ શરીરમાં દાખલ કરીએ એટલે શરીરમાં રહેતાં જંતુઓને તેની સામે થતાં આવડે છે. અને રોગના આક્રમણ સામે એ રીતે ટેવાવાથી એ ઘણો સારો બચાવ કરે છે. આ જ કારણથી ખરાબ હવાપાણીવાળા સ્થળમાં રહેતા મનુષ્યોને રોગના ઉપદ્રવ થતા નથી.’

એક સુપ્રસિદ્ધ અંગ્રેજ લેખકના એક પુસ્તકમાં એવી વાત આવે છે કે, આ દુનિયાના કેટલાક મનુષ્યો સ્વર્ગ સમી કોઈ બીજી દુનિયામાં જઈ ચડે છે. ત્યાંના મનુષ્યોએ પોતાની સૃષ્ટિમાંથી સર્વ રોગો અને તેમનાં ઉદ્ભવક જંતુઓનો સમૂળ સંહાર કરી નાખ્યો હતો પણ રોગનાં જંતુથી ભરેલા શરીરવાળા આપણી દુનિયાના મનુષ્યો ત્યાં ગયા, એટલે તે સ્વર્ગની દુનિયાના મનુષ્યોને તેમનો ચેપ લાગ્યો ને થોડી જ વારમાં તેઓ મૃત્યુને શરણે થવા માંડ્યા. આ દુનિયાના મનુષ્યોને તો પોતે માંદા છે એમ લાગતું નહોતું, પરંતુ એમના શરીરમાં ગુપ્ત રીતે રહેલાં રોગનાં જંતુઓ, જંતુઓથી કેવળ અસ્પૃષ્ટ એવા સંપૂર્ણ નિરામય શરીરમાં પ્રવેશ કરતાં તેનાથી એની સામે લડી શકાયું નહિ. આ રીતે રોગનો સામનો સફળતાપૂર્વક કરવા માટે તે તે રોગનાં થોડાં જંતુઓ પણ આપણા શરીરમાં અવારનવાર પ્રવેશ કરી જાય એ આવશ્યક છે, એમ ડૉકટરો પણ માને છે. આથી ચાલુ માંદો રહેતો મનુષ્ય રોગનાં જંતુની સામે થવાના વિષયમાં એટલો બધો પારવધો થાય છે કે, એ જંતુઓ એના શરીરને કાંઈ પણ હાનિ કરી શકતાં નથી, ઊલટું ઘણી વાર એક રોગનાં જંતુઓ બીજા રોગને શરીર પર આક્રમણ કરતાં ડૉક્ટરોનાં ઇન્જેકશન કે વૈદ્યની દવાની માત્રા કરતાંયે વધારે સચોટતાથી અને સફળતાથી અટકાવે છે.

ખોરાકની પેઠે રોગના વિષયમાં પણ વૈવિધ્ય હોય તેમ સારું. જુદી જુદી જાતના રોગો આવતા જાય તેમ તેમ એ સર્વ પ્રકારના રોગો સામે થવાનું બળ કેળવાતું જાય અને એ રીતે બધા નહિ, પણ ઘણા રોગોને હઠાવતાં આપણા શરીરને આવડી જાય.

અસલ આપણા લોકો બહુ માંદા નહોતા રહેતા. હમણાં હમણાં પશ્ચિમના સંપર્કને લીધે આપણે આવા માયકાંગલા થઈ ગયા છીએ એમ કહેવામાં આવે છે, તે ખરી રીતે જોતાં તદ્દન ખોટું છે. પશ્ચિમ પાસેથી આપણે ઘણી વસ્તુ ગ્રહણ કરી છે એ ખરું, પણ ધર્મ, આહારવિહાર અને આરોગ્ય-અનારોગ્યના વિષયમાં તો આપણે એમના ગુરુ થવાને યોગ્ય છીએ એની એ લોકોથી પણ ના પડાય એમ નથી.

પશ્ચિમના લોકો આપણા લોકો કરતાં અસલથી જ ઓછા માંદા રહે છે, તો એમની પાસેથી આપણે માંદગીની લહાણી મેળવી જ શી રીતે શકીએ? ગરીબ તે ધનાઢ્યને વળી દાન શું કરી શકવાનો હતો? અંગ્રેજો એકબીજાને મળે છે, ત્યારે હવામાન કે દિવસની વાતથી જ વાર્તાલાપનો આરંભ કરે છે. આપણે એકબીજાને મળીએ છીએ, ત્યારે ‘કેમ છે? તબિયત કેમ ચાલે છે?’ એવા પ્રશ્નો પૂછીએ છીએ. આ ઉપરથી માલૂમ પડે છે કે, પશ્ચિમના પ્રદેશમાં જેમ ઋતુના કાંઈ નિયમ નથી, તેમ આપણે ત્યાં આરોગ્ય પણ અનિયમિત પ્રકારનું હોય છે.

જ્યારે દુનિયાના બીજા દેશો ભૂતડાકણના વહેમો માની ભૂવા વગેરેના ઉપાયો અજમાવતા, ત્યારે આપણે ત્યાં આયુર્વેદનું શાસ્ત્ર સંપૂર્ણ કલાએ ખીલ્યું હતું. આજે અનેક રોગો-કહેવાતા નવા રોગો આવતા જાય છે. એ જ દર્શાવે છે કે, આપણે ત્યાં અસલથી એ રોગો હતા, નહિ તો પ્રાચીન પુસ્તકોમાં એનો ઉલ્લેખ શી રીતે થઈ શકત?

આપણે ત્યાં વ્રતાદિકના બહુ કઠિન અને શાશ્વત નિયમો છે. મહિનામાં ઉપવાસ કરવાના જેટલા દિવસો હોય છે તેટલા ભોજન કરવાના આવતા નથી. અને વ્રત-ઉપવાસાદિકનો હેતુ દેહદમન કરવાનો નથી હોતો; પણ એથી આરોગ્યને લાભ થાય છે એમ ધર્મવેત્તાઓ કહે છે. આપણે શરીર-સ્વાસ્થ્ય માટે આટઆટલા ઉપવાસોનું સેવન કરવું પડતું, એ હકીકત પરથી આપણે પ્રાચીન કાળથી માંદા રહેતા, એમ સિદ્ધ નથી થતું?

આપણો તૃતીયાશ્રમ – વાનપ્રસ્થાશ્રમ – હવાફેરના સિદ્ધાંત પર રચાયેલો છે. સર્વ કર્મનો ત્યાગ કરી વનમાં જવું એ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે નહોતું. લાંબી માંદગીને અંતે આરામ લેવાની અને કોઈક ખુલ્લા પ્રદેશમાં હવાફેર માટે જવાની આજે પણ ડૉક્ટરો સલાહ આપે છે. આપણા ડાહ્યા ઋષિમુનિઓએ વાનપ્રસ્થાશ્રમની રચના જ માણસને આરામ મળે અને હવાફેરનો લાભ લઈ શકે એ હેતુથી કરી હતી. આમ દરેક માણસને (શૂદ્ર સિવાય, કારણ કે મજૂરોને સારી હવા માફક આવતી નથી એ જાણીતું છે.) હવાફેર કરવાની જરૂર પડતી જ નથી એ શું સિદ્ધ કરે છે?

આમ અનેક દૃષ્ટિએ માંદા રહેવું એ તો આપણી પરાપૂર્વથી ચાલી આવતી પવિત્ર ને ધાર્મિક પ્રણાલિકા છે, એમ સિદ્ધ કરી શકાય. પૂર્વજોને પગલે ચાલવામાં નાનમ નથી: શરમાવાની જરાય જરૂર નથી; અને સ્થૂલ દૃષ્ટિએ પણ માંદા રહેવાથી આપણે અનેક વ્યક્તિઓ પર ઉપકાર કરી શકીએ છીએ.

‘હું તો હંમેશનો માંદો, જયાં જાઉં ત્યાં ભારરૂપ થઈ પડું. દુનિયામાં કોઈનું કશું ભલું કરી શકું એમ નથી’ એમ માની, સદાતુર (હંમેશનો માંદો) મનુષ્ય નિરાશ થાય છે.

પરંતુ વસ્તુતઃ એણે નિરાશ થવાની જરાય જરૂર નથી. ‘હું દુનિયામાં ભારરૂપ છું’ એવું જ્ઞાન થવું એ હજારો જન્મના પુણ્યના પરિપાકનું ફળ છે. માંદો અને સાજો, ગરીબ અને તવંગર સર્વ કોઈ દુનિયા પર ભારરૂપ હોય છે, પણ તે કોઈ જાણતા હોતા નથી. અને માંદો મનુષ્ય તો સુકાઈ સુકાઈને એટલો હલકો થઈ ગયો હોય છે કે, એનો ભાર તો પૃથ્વીને લાગતો પણ નથી. દુનિયામાં કોઈનું ભલું કરવાની વૃત્તિ થાય એ પણ બહુ મોટી વાત છે. સામાન્ય રીતે પોતાનું ભલું કરીને જ મનુષ્ય ઇતિકર્તવ્યતા માને છે.

વળી આ માત્ર મનનું સમાધાન કરવાની વાતો નથી. માંદો માણસ તો ખરેખર દુનિયાના મનુષ્યોનું ભલું કરે છે. માણસો માંદા ન રહેતા હોય તો વૈદ્ય-ડૉક્ટરોનું શું થાય? સહકુટુંબ એમને ભૂખે મરવું પડે કે નહિ? વૈદ્ય ને ડૉકટર ઉપરાંત દવા બનાવનારાઓ, વેચનારાઓ, કંપાઉન્ડરો, ઓસડિયાં ઘૂંટનારાઓ વગેરે અનેકાનેક મનુષ્યોની રોજીનું સાધન માંદા મનુષ્ય સિવાય બીજું કોણ હોઈ શકે? ‘હું ભલે ભૂખ્યો રહું છું, પણ અનેક મનુષ્યોને રોટલો મારે લીધે મળે છે,’ એમ માની માંદા માણસે તો રાજી રહેવું જોઈએ.

વિજ્ઞાનની શાખા-પ્રશાખા આજે આટઆટલી ખીલી છે, તેમાં માંદા માણસોનો બહુ મોટો ફાળો છે. રોગી અને તેમના ઉપચાર વિશે આજ નવી નવી શોધો થઈ રહી છે, તે રોગીઓ ન હોત તો કયાંથી થાત?

શારીરિક શિક્ષામાંથી અને નીરસ શિક્ષણ પદ્ધતિથી બચી જતાં બાળકો દક્ષિણામૂર્તિ, વિદ્યાર્થી ભવન, શ્રી નાનાભાઈ, ગિજુભાઈ તથા હરભાઈ ત્રિવેદી, એ સૌ (એમને કદાચ ખબર નહીં હોય)પણ માંદા માણસોના ઋણી છે. હિસ્ટીરિયા અને ઉન્માદના રોગીઓનું નિદાન કરતાં કરતાં જ આજનું માનસશાસ્ત્ર વિકસ્યું છે. એ માનસશાસ્ત્રને પરિણામે બાળકોને કેવી રીતે કેળવવાં જોઈએ તે તરફ ચિંતકોનું ધ્યાન ખેંચાયું અને તેને પરિણામે શિક્ષણપ્રથા સંબંધે અવનવા પ્રયોગા થવા માંડ્યા. અભિનવ માનવશાસ્ત્ર, નૂતન શિક્ષણશાસ્ત્ર ઇત્યાદિ જગત પર મહા ઉપકાર કરનારાં જે નવીન શાસ્ત્રો આજે અસ્તિત્વમાં આવ્યાં છે, તેના મૂળમાં માંદા માણસો જ રહેલા છે, એની ઘણાને ખબરેય નહિ હોય.

અને બધા જ માણસો કોઈને કોઈ રીતે માંદાં હોય છે. શારીરિક દૃષ્ટિએ તંદુરસ્ત જણાતા મનુષ્યોનાં મન અનેકાનેક રોગથી ભરેલાં ઘણી વાર જોવામાં આવે છે. તન અને મનની તંદુરસ્તીવાળા ઘણા આધ્યાત્મિક દૃષ્ટિએ રોગી કહી શકાય એવા હોય છે. આમ બધા જ મનુષ્યો, કોઈ ને કોઈ રીતે માંદા રહેતા હોય ત્યાં શરીર જેવી સ્થૂળ અને પામર, અને જેના પર આપણો કોઈ અંકુશ નથી એવી બાબતમાં માંદા રહેનારા મનુષ્યોએ કોઈ પણ પ્રકારની શરમ રાખવાનું, કોઈ પણ જાતનો સંકોચ રાખવાનું કાંઈ પણ કારણ નથી! (‘હાસ્યતરંગ’ પુસ્તકમાંથી સાભાર)

Total Views: 721

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.