છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે કોરોના બેહદ પ્રસરી ગયો છે, પળેપળ વધી રહ્યો છે! અત્યારે તો સરકાર અને વહીવટની અણઘડતા કહો કે મૂઢતા કહો, ઑક્સિજન, દવાઓ, રસી… આ બધાની પણ અછત વધી રહી છે. પ્રજા ઑક્સિજન વિના ગૂંગળાય છે. કેટલાક તો શહીદ પણ થાય છે. કોર્ટો સરકારને ખૂબ ધમકાવે છે, પણ સરકારોને તો ચૂંટણીઓમાં જ રસ છે અને ફરિયાદ કરો તો તરત પોતાની પ્રશંસા કરવા લાગી જાય છે. જે પૈસા દવાઓ વગેરેમાં વપરાવા જોઈએ, તે સરકારની વાહવાહ કરવા જાહેરાતોમાં વેડફાઈ જાય છે. પ્રજા ચારે તરફથી ભીંસાય છે. કોની પાસે ફરિયાદ કરવી તે તેને સમજ નથી પડતી. માટે ચૂપચાપ હેરાન થયા કરે છે – અનાથની જેમ! અને હકીકતે અનાથ જ છે!

આ બધાના પરિણામે અથવા તો કોરોનાની તકલીફો વિશે માહિતી મળે છે ત્યારે પ્રજાનો ભય વધી જાય છે, મોટા ભાગના વ્યક્ત પણ નથી કરી શકતા. વડીલોની હાલત તો વધારે ખરાબ છે. તેમણે તો કુટુંબીજનોને જાળવવાનાં છે, બાળકોને હિંમત આપવાની છે અને તે માટે પોતે પણ હિંમત પકડી રાખવાની છે. એટલે તેઓ તો જબ્બર તાણથી પીડાય છે. બીજાને સાચવવા જતાં તેઓ પોતે ક્યારેક કોરોનામાં ફસાઈ જાય છે. મહાભારતમાં ઘટોત્કચે કૌરવોની સેનાને જેમ આકાશમાંથી ગૂંગળાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ અત્યારે કોરોનારૂપી ઘટોત્કચ એમ જ કરે છે. અને પાછો ઓછો થવાનું નામ જ નથી લેતો.

મુખ્ય ભય છે ‘માંદા પડવાનો’, આઇસોલેટ થવાનો. શરીરને કઈ તકલીફ પડશે તેની કલ્પના વ્યક્તિને થથરાવે છે. સાથે એકલતા પણ હેરાન કરશે, તેની ટેવ પણ નથી. એટલે આઇસોલેશન-એકાંતવાસ-વધારે થથરાવે છે. તેથી વર્તમાનમાં બધાનું સમગ્ર ધ્યાન શરીરને સાચવવા તરફ છે. બધા શરીર-કેન્દ્રિત થઈ ગયા છે. આમ પણ બધા શરીરકેન્દ્રિત જ હોય છે, પણ તે તો શરીરમાંથી આનંદ મેળવવા અને શરીરને શણગારવાના સંદર્ભમાં હોય છે.

આમ ચોવીસે કલાક શરીર-કેન્દ્રિત હોવાથી શરીરની પાર પણ કંઈ હોઈ શકે તેની તેને કલ્પના જ નથી હોતી. આરોગ્યની કલ્પના પણ શરીર આધારિત હોય છે. યોગ, દવાઓ, કસરતો વગેરે બધું શરીર-કેન્દ્રિત જ હોય છે. પરિણામે વ્યક્તિ શરીરથી બહાર કશું જ નથી એમ માને છે અને શરીરને વળગી રહે છે. શરીર જરા પણ બગડે કે દોડાદોડ કરી નાખે છે.

પણ જાણવાની જરૂર એ છે કે માણસ માત્ર શરીર જ નથી. શરીર તેના વ્યકિતત્વનો ચોથો હિસ્સો છે. વ્યકિતનું વ્યકિતત્વ કુલ ચાર સ્તર ધરાવે છે. સૌથી પ્રથમ સ્થૂળ શરીર છે. નેવું ટકા લોકો માત્ર તેને જ ઓળખે છે. પણ તેના પર ‘મન’ છે. તે સૂક્ષ્મ છે. તેના પર બુદ્ધિ છે. તે સૂક્ષ્મતર છે. અને સૌથી ઉપર ‘ચેતના’ અથવા તો જૂની ભાષામાં આત્મા છે. તે સૂક્ષ્મતમ છે. આ ત્રણ નિરાકાર છે. તે અનુભવી શકાય છે, પણ જોઈ શકાતાં નથી, સ્પર્શી શકાતાં નથી. માટે મોટા ભાગની વ્યકિતઓ તેને જાણતી નથી. તે માત્ર શરીરને જ ઓળખે છે. પણ હકીકતે ચેતના મૂળ છે. તે વિચારવા બુદ્ધિનો ઉપયોગ કરે છે. કલ્પના વગેરે કરવા મનનો ઉપયોગ કરે છે અને આ ત્રણે પોતે તો અવ્યક્ત છે, માટે વિચાર કે કલ્પનાને આધારે કામ કરવા શરીરનો ઉપયોગ કરે છે. મનુષ્યનું શરીર કેવળ આ ત્રણનું વાહન છે. માત્ર વાહન! માણસ માત્ર એક યંત્ર છે જે મન-બુદ્ધિ-ચેતનાના કહેવા પ્રમાણે કામ કરે છે.

આ જો સમજાઈ જાય તો શરીર પરનું વળગણ ઓછું થઈ જાય અને તો ભય પણ ઓછો થઈ જાય. મન-બુદ્ધિની મદદ લેવામાં આવે તો રોગ થતો અટકી પણ શકે, થાય તો ઓછો થાય અને ઝડપથી મટી પણ શકે. અને જો ચેતનાની સભાનતા હોય તો તો કદાચ અંતકાળ આવે તોપણ વ્યકિત ચેતનાના આનંદમાં એટલી મસ્ત રહે કે તટસ્થતાથી અંતને જોઈ શકે. અલબત્ત, આ વિરલાઓમાં હોય, પણ દરેક માટે શક્યતા છે.

એટલે કેળવણી આપવાની છે મન-બુદ્ધિની મદદથી ચેતનાનો આનંદ શોધવાની, તેમાં સ્થિર થવાની. આ માટે ચોવીસે કલાક ‘ચેતના-સ્મરણ’ રહે તો જ શકય બને. મોટા ભાગે જાતે તે શકય નથી. તે માટે વ્યકિતને સતત પ્રેરણા જોઈએ. સતત સત્સંગ કરવો જોઈએ. પણ એવા લોકો તો સરળતાથી મળે નહીં. કદાચ મળે તો પ્રભાવિત ન કરે, કારણ કે પોતે જે બોલતા હોય તેનાથી ઊલટું જ તેમનું જીવન હોય. એટલે કેવળ ‘વાચન’ દ્વારા જ આવો સત્સંગ કરી શકાય અને આ વાચન પણ એવું હોવું જોઈએ અને તે એવી પ્રેરણા આપવાની શકિત ધરાવતું હોવું જોઈએ કે વ્યકિત તેના ધક્કાથી શરીરથી પાર જઈ શકે, ચેતનાનો જ વિચાર કરી શકે અને તેના મનમાં એક જાતની પ્રેરણા રહ્યા કરે કે તેનું મન ભયથી ઉપર ઊઠી શકે છે અને સ્થિર રહી શકે છે.

આવું કોઈ વાચન છે? અત્યારે ધગધગતી પ્રેરણા આપી શકે ખરું? કોરો ઉપદેશ નહીં કે કોઈ આશ્વાસન નહીં, પણ તીવ્ર પ્રેરણા? વ્યકિત હલબલી ઊઠે, ઊભી થઈ જાય, તેનું મન પ્રેરણાથી એટલી હદે ભરાઈ જાય, છલકાઈ જાય કે તે આવા ભયંકર સમયમાં પણ આનંદમાં રહે, સ્વસ્થ રહે, બીજાને પણ સ્વસ્થ રાખી શકે, છે કોઈ એવું વાચન?

આપણા સદ્ભાગ્યે બે વાચન એવાં છે. એક છે. ‘ઉપનિષદો’. આપણાં એકસો બાર જેટલાં ઉપનિષદો કેવળ આત્માની જ વાતો કરે છે. આત્માના આનંદના ઓડકાર જ ખાય છે. પણ ઉપનિષદો અઘરાં છે. જાતે ભાગ્યે જ સમજાય. કારણ એ છે કે ઋષિઓ પોતાની અનુભૂતિઓની વાત કરે છે. આ તો તો જ સમજાય જેને પોતાને આવી અનુભૂતિ થઈ હોય! એટલે નવ્વાણું ટકા માટે તે ઉત્તમ હોવા છતાં સમજવાં અશકય!

પણ આપણું બીજું સદ્ભાગ્ય એ છે કે બહુ જ થોડા સમય પહેલાં-એક સદી પહેલાં-આપણે ત્યાં આ ઉપનિષદોને ખૂબ જ સરળતાથી સમજાવનાર પ્રગટ્યા હતા. બહું થોડું જીવ્યા અને તેમાં પણ માત્ર દસ વર્ષ જ સક્રિય કામ કરી શકયા, પણ આ ટૂંકા સમયમાં આવનાર બધી સદીઓના લોકો માટે ઉપનિષદો સરળ કરતા ગયા. માત્ર સરળ જ નહીં, તેની આધુનિક સંદર્ભમાં સમજ ઊભી કરતા ગયા. અને વધારે સદ્ભાગ્ય એ છે કે ભલે તે અંગ્રેજીમાં કે બંગાળીમાં બોલ્યા હતા, પણ આજે તેમની વાતો વિશ્વની બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે, પુસ્તકરૂપે અને નેટ પર પણ. તેનો જો ઉપયોગ કરીએ તો ચેતના-સ્મરણ વધી જાય અને સ્વસ્થતા પણ વધી જાય.

એ હતા સ્વામી વિવેકાનંદ. માત્ર ઓગણચાલીસ વર્ષ જ જીવ્યા, પણ આવનાર સદીઓ માટે વિચાર અને પ્રેરણાનું ભાથું આપતા ગયા. તેમનાં લખાણોના અને પ્રવચનોના નવ ભાગ છે. તેનું દરેક પાનું ધગધગતું છે. થોડી પણ સજાગતાથી થોડો પણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, તો સમગ્ર વ્યકિતત્વ પ્રેરણાથી છલકાઈ જશે. શરીરગ્રસ્ત વ્યકિતત્વ સડસડાટ કરતું મન-બુદ્ધિ-ચેતના તરફ આગળ વધવા લાગશે. ઓછામાં ઓછું શરીરનું વળગણ તો અવશ્ય ઘટશે જ.

વિવેકાનંદના શબ્દે શબ્દ પ્રેરણારૂપ છે. અહીં આપણે ચેતના-સ્મરણ કેમ થાય તેવા થોડા શબ્દો જાણીએ. આપણને કોઈ પૂછે કે આપણે કોણ છીએ? તો આપણે જવાબ આપીશું કે ફલાણું નામ, સ્ત્રી કે પુરુષ, ફલાણો વ્યવસાય, ગરીબ કે ધનવાન વગેરે. પણ વિવેકાનંદને આપણે પૂછીએ કે આપણે કોણ છીએ-તો? શું જવાબ મળે?

સ્વામી વિવેકાનંદ સમગ્ર વિશ્વની માનવજાતને ઉચ્ચ સ્વરે ગર્જના કરતાં કહે છે કે

‘દરેક વ્યકિત અપ્રગટરૂપે ઈશ્વર છે.’

શું? હું ઈશ્વર? છગનીયો, ભગલો? મણિબહેન, ઈભલો, જયોર્જ, સાદો ક્લાર્ક, પટાવાળો કે પછી પ્રધાન? બધા ઈશ્વર? શું આ શકય છે? દૈનિક અનુભવથી લાગતું તો નથી. અનુભવ કહે છે કે મોટા ભાગના તો લાચાર છે. ઈશ્વર માનવાથી તરત દવા નથી મળવાની કે ઑક્સિજનનો બાટલો નથી મળવાનો કે હૉસ્પિટલમાં બેડ નથી મળી જવાનું… છતાં સ્વામીજી કહે છે કે- ‘હા, આ બધાની વચ્ચે પણ બેટા, તું ઈશ્વર છે.’ સ્વામીજી કહે છે કે ‘બાહ્ય પરિસ્થિતિ ગમે તે હોય, વ્યકિત ગમે તેટલી લાચાર દેખાતી હોય, પણ જો તેનું મન આ ઐશ્વર્યના ખ્યાલથી છલકાતું હશે, ઊભરાતું હશે, તો કટોકટીમાં પણ તે શાંત રહેશે. શરીરની તકલીફો વચ્ચે પણ તે ચેતનાના ચિંતનમાં સ્થિર રહેશે.’ તેથી આ ખ્યાલ માત્ર તેને સ્વસ્થ રાખશે. શરીર પરથી ધ્યાન ખસવાથી મનની સ્વસ્થતા વધશે.

પણ હા, સ્વામીજી કહે છે, તે ‘અપ્રગટ’ ઈશ્વર છે. તેને જગાડવો પડે, અને જગાડવા માટે શરીર ચિંતન બદલે, સ્વસ્થ હોય ત્યારથી જ, ચેતનાનું સતત સ્મરણ રાખવું પડે. સાધના આ જ કરવાની છે. ધર્મસ્થાનમાં જવાની, પાઠપૂજા કરવાની, કોઈ વિધિઓ કરવાની જરૂર નથી. માત્ર પળેપળ એટલું જ સ્મરણ રાખ્યા કરવાનું છે કે હું મૂળે ચેતના છું, ચેતના નિરાકાર, અનંત શકિતશાળી, વ્યાપક છે. એટલે હું પણ એવો જ છું. શરીરનો ઉપયોગ ચોક્કસ કરવાનો છે, પણ હું શરીર નથી તે યાદ રાખવાનું છે. તો શરીર પરથી ક્રમશઃ મન-બુદ્ધિ ઉપર ઊઠતાં જશે અને શરીરનું વળગણ ઓછું થતું જશે. આપોઆપ પીડા વગેરે ઓછા થશે. આ અનુભવની બાબત છે! તે સાધનાને અંતે જ થશે. એટલે જ વિવેકાનંદે પોતાની વાતોમાં કેવળ મનુષ્યનું જ ગૌરવ ગાયું છે. કેવાં અદ્‌ભુત વાકયો છે?

‘આહા! જો તમે તમારી જાતને જાણતા હો તો! તમે તો આત્મા છો. પરમાત્મા છો. હું તમને મનુષ્ય કહી બોલાવું છું ત્યારે મને લાગે છે કે ખરેખર, હું ઈશ્વરની નિંદા કરી રહ્યો છું.’ ‘તમારામાં રહેલી દિવ્યતા પ્રગટ કરો એટલે તેની આસપાસ બધું સુંદર રીતે ગોઠવાઈ જશે.’

‘માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ.’

‘અમે એ ઈશ્વરની પૂજા કરીએ છીએ જે અજ્ઞાનમાં ‘મનુષ્ય’ કહેવાય છે?’ ‘આજના બુદ્ધ ગઈ કાલે અમીબા હતા અને આજનું અમીબા આવતી કાલના બુદ્ધ છે.’ (એટલે કે આજના મહાન માણસ ગઈ કાલે સામાન્ય જ હતા. અને આજનો સામાન્ય માણસ પણ, ઈચ્છે તો આવતી કાલે મહાન બની શકે છે.)

‘મનુષ્ય એટલે સતત સર્જાતો ઈશ્વર.’

‘તમે પરમાત્માનાં સંતાન છો. શાશ્વત સુખના ભાગીદાર છો. પવિત્ર અને પૂર્ણ છો. પૃથ્વી પરના દેવતાઓ! તમે પાપી? કોઈ પણ મનુષ્યને પાપી એમ કહેવું એ જ પાપ છે. તમે તો અમર આત્મા છો. મુકત, શાશ્વત, શુદ્ધ, બુદ્ધ છો. પ્રકૃતિ તમારી દાસી છે. તમે પ્રકૃતિને આધીન નથી.’ ‘ઈશ્વરને પૂજવામાં આપણે સદા આપણા આત્માની જ પૂજા કરતા હોઈએ છીએ.’

આવાં તો સેંકડો વાકયો તેમના ગ્રંથોમાં વેરાયેલાં પડ્યાં છે. સ્વામી વિવેકાનંદનું ચરિત્ર અને બધું ન વંચાય તો તેમનાં આ પુસ્તકો- ‘સ્વામી વિવેકાનંદના પત્રો’, ‘ દિવ્ય વાણી’, ‘વ્યવહારુ વેદાંત’, ‘ભારતમાં આપેલાં ભાષણો’- વંચાશે તોપણ જીવન પ્રત્યેનું વલણ બદલાઈ જશે, આત્મસ્થ થઈ જવાશે.

એક વાર તો આ પુસ્તકોને સ્પર્શ કરો!

Total Views: 527

One Comment

  1. Er. Bhupendra Sonigra February 25, 2023 at 12:10 pm - Reply

    બહુજ સરસ અને પ્રેરણાદાયી લેખ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.