સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે. દરરોજ ઓછામાં ઓછા બે કલાક સ્વાધ્યાય કરો. પોતાના ગુરુના નિર્દેશોનું મન-પ્રાણ અને નિષ્ઠાપૂર્વક પાલન કરો.

દુઃખ અને કષ્ટ ઉપસ્થિત થતાં સક્રિય સેવા કરવાને બદલે આપણે તેના વિશે વિચારતા થઈ જઈએ છીએ. આવા પ્રસંગે આપણામાં આત્મનિયંત્રણ વિશેષ હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણી પાસે રડવા માટેનો સમય નથી. આપણે કંઈક કરવું જોઈએ. આ જ સાચી વીરતા છે. મુસીબતો અંગે વિચારતા રહીને બેસી ન રહો. એથી તો વાત વધુ વણસે છે. મુસીબતના પ્રસંગે સંતુલિત રહીને શાંતિથી તેના પર વિજય મેળવવાનો પ્રયત્ન કરો. પોતાની ચંચળતાને દૂર કરો. યથાસંભવ તેને નિયંત્રિત કરો. વ્યાધિ, માનસિક ચંચળતા, જડતા એ બધાં વિઘ્નો છે. આવી અવસ્થાઓ વચ્ચે પણ આપણે સાધના બંધ કરવી જોઈએ નહીં.

સંસાર કરતાં ભગવાન સાથે વધુ જોડાયેલા રહો, તમને બળ મળશે. આ સૌથી ઉત્કૃષ્ટ વ્યાવહારિક ઉપાય છે. આપણે આંતરિક સમતોલન, આંતરિક સમરસતા વગેરે જોઈએ. આપણે પોતા પ્રત્યેનો તથા સંસાર પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો જોઈએ. યથાર્થ દૃષ્ટિકોણ કેળવો તથા મૃત્યુ તેમજ દુઃખથી ઉપરવટ જાઓ. આપણે આશા રાખીએ છીએ કે થોડા દિવસ પછી સૂર્ય ફરી પાછો ચમકશે, આવી જૂઠી આશા આપણી દુર્બળતાને મળેલી છૂટ છે. જીવનમાંનાં દુઃખ-કષ્ટ વાસ્તવમાં આપણાં સહાયક હોય છે. પરાજયને વિજયમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરો. સંસારને વળગી રહેવાથી આપણે તેનાથી પર થઈ શકીશું નહીં.

ભક્તમાં શૂરવીર જેવો ઉત્સાહ હોવો જોઈએ. વળી તેનામાં સામર્થ્યની સાથે સહાનુભૂતિ અને દયા પણ હોવાં જોઈએ. કઠોરતા અને નિષ્ફળતા એ તો દુર્બળતાનાં લક્ષણ ગણાય છે, શૂરવીરનાં નહીં. સાચી બળવાન વ્યક્તિ દયાળુ અને સહાનુભૂતિવાળી હોય છે. ઈશ્વર પર ભરોસો રાખો. તેમની સાથે તાદાત્મ્ય કેળવી રાખો અને સાથે સાથે જીવનની યથાર્થતાનો સામનો કરો. અપ્રભાવિત રહેવાનું શીખો. નિરાશા તો જીવન પ્રત્યેના ભૂલભરેલા દૃષ્ટિકોણને કારણે ઊપજે છે. આપણે સતત સંઘર્ષોનો સામનો કરવા, તેના માધ્યમથી પ્રગતિ કરવા અને અંતે તેનાથી ઉપરવટ ઊઠવા માટે કૃતનિશ્ચય થવું જોઈએ.

આવી રીતે આપણી વિશેષ પ્રગતિ સધાય છે. પહેલાં તો આપણો એક સાચો માનસિક દૃષ્ટિકોણ, બૌદ્ધિક દૃષ્ટિકોણ હોવો જોઈએ અને ત્યાર પછી તેને વ્યાવહારિક રૂપ આપવું અને આપણી સમગ્ર ચેતનાનું એક અંગ બનાવવું જોઈએ.

Total Views: 483

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.