सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥

     શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી છે; ચાહે તે વેદ હોય, પુરાણ હોય, રામાયણ હોય કે મહાભારત હોય. શાસ્ત્રોની રચનાનો ઉદ્દેશ મૂળભૂત રીતે જનકલ્યાણની ભાવનાનો જ છે. શ્રીમદ્ ભાગવત આનું જ્વલંત ઉદાહરણ છે.
વર્તમાન સમયમાં મનુષ્ય કોરોના સંક્રમણને કારણે ચિંતાગ્રસ્ત છે અને અત્યધિક તણાવમાં છે. અવસાદ, અનિદ્રા, માનસિક અશાંતિ જેવી ચિંતાઓને કારણે તેની આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી છે. આ અવસાદ અને તણાવથી મુક્તિનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે- આધ્યાત્મિક ચિંતન કે જે શ્રીમદ્ ભાગવતના પઠન-પાઠનથી પ્રાપ્ત થઈ શકે છે. તે મનુષ્યને આત્મિક અવલંબન પ્રદાન કરે છે, એની ચિંતાઓનું નિવારણ કરીને તેને આનંદ પ્રદાન કરે છે. તે એક સારા વૈદ્યની જેમ ભગરોગને દૂર કરવાની ઔષધિ છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ તો તેનો ક્ષણિક ઉપચાર કરે છે. પરંતુ આ પાવન પુરાણ આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે. તેનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. આ શાસ્ત્ર સંસારરૂપી દાવાનળથી તપ્ત મનુષ્યો પર શાંતિનું વર્ષણ કરે છે.

શ્રીમદ્ ભાગવતનું અધ્યયન, શ્રવણ તથા મનન કરવાથી આપણને જાણવા મળે છે કે ભાગવતના પ્રત્યેક સંદર્ભ, પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક શ્લોક મનુષ્યની દુઃખનિવૃત્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેના અધ્યયન દ્વારા મનુષ્ય ભગવાનના સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના ભટકતા મનને સ્થિર અને શાંત કરી શકે છે તેમજ પોતાના મનની દુરાવસ્થા પરિવર્તિત કરીને મનની શાંતિ પ્રાપ્ત કરી લે છે. આવો, આ મુદ્દાઓ પર આપણે વિચાર કરીએ.

ભગવાન વેદ વ્યાસે ભગવદ્ ચરિત્રોથી પરિપૂર્ણ શ્રીમદ્ ભાગવત નામના પુરાણની રચના કરતાં પહેલાં વેદનું ચાર ભાગમાં વિભાજન કર્યું હતું, સત્તર પુરાણોની રચના કરી હતી. વળી મહાભારત જેવો પ્રસિદ્ધ કાવ્યગ્રંથ લખ્યો હતો છતાંય વેદ-વેદાંતના પારગામી અને ગીતાની રચના કરનાર ભગવાન વેદ વ્યાસનું ચિત્ત અશાંત હતું. નારદજીએ તેનું કારણ બતાવતાં કહ્યું હતું કે ‘જ્ઞાન, યોગ અને ધર્મને આધારે ભગવાન શ્રીકૃષ્ણની કથાનું તેમજ લીલાઓનું પ્રેમપૂર્વક વર્ણન કરો; એવી કથાની રચના કરો કે એ કથા સાંભળવાથી શ્રોતામાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય જાગે. તથા એવી દિવ્ય કથા કરો કે બધા કૃષ્ણપ્રેમમાં પાગલ બને. આવી કથાની રચનાથી જ તમને શાંતિ મળશે.’

રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવીને સંસારમાં ફસાયેલા લોકો માટે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવત કથાની રચના કરી, ખાસ કરીને સંસારી લોકોની દુઃખનિવૃત્તિ માટે. ઘોર અજ્ઞાનાંધકારથી પર જનાર માટે આધ્યાત્મિક તત્ત્વોને પ્રકાશિત કરનાર આ અદ્વિતીય દીપક છે. કળિયુગના જીવોને કાળરૂપી સર્પના મુખમાંથી છોડાવવા માટે જ કરુણાવશ શ્રી શુકદેવજીએ આનું વર્ણન કર્યું છે.

આ શ્રીમદ્ ભાગવત એ કલ્પતરુનું પાકેલું ફળ છે. શુકદેવજીરૂપી પોપટના મુખ સાથે સંબંધ થઈ જતાં તે પરમાનંદમયી સુધાથી પરિપૂર્ણ બની ગયું છે. તે મૂર્તિમંત રસ છે, જયાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી આ દિવ્ય ભગવદ્‌રસનું નિરંતર પાન કરતા રહેવું જોઈએ. આ ગ્રંથ પૃથ્વી પર દુર્લભ છે. આ કથામૃતના બદલામાં પરીક્ષિતે દેવતાઓએ આપેલ અમૃત પણ સ્વીકાર્યું ન હતું. આ ગ્રંથ તો સ્વર્ગના અમૃતથી પણ શ્રેષ્ઠ છે કેમ કે સ્વર્ગનું અમૃત માત્ર પુણ્યનો ક્ષય કરે છે, પાપનો નહીં. બ્રહ્મલોકમાં પણ આ કથાના આનંદ જેવો કોઈ આનંદ નથી.

મનુષ્યજીવન અલ્પકાલીન છે અને શાસ્ત્રોનો કોઈ પાર નથી. કળિયુગમાં મનુષ્ય અલ્પકાળમાં શ્રીભગવાનની પ્રાપ્તિ કરી શકે છે એ જ શ્રીમદ્ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. આ ગ્રંથ સાત દિવસમાં મુક્તિ પ્રદાન કરાવવાવાળો છે. અનેક જન્મો સુધી સાધન-ભજન કરવા છતાં પણ પ્રાપ્ત ન થનારી મુક્તિ રાજા પરીક્ષિતને માત્ર સાત દિવસમાં જ મળી ગઈ હતી. રાજા પરીક્ષિત શ્રાપગ્રસ્ત થતાં સીધા શ્રી શુકદેવજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો કે મરણાસન્ન વ્યક્તિનું કર્તવ્ય શું છે? શુકદેવજી જીવનના અંતિમ શ્વાસ વખતે પણ વિકારનો વિચાર ન આવે એવો અમોઘ ઉપાય કરવા માગતા હતા એટલા માટે તેઓએ પરીક્ષિત રાજાને કૃષ્ણકથામાં તન્મય કરી દીધા. મહાપુરુષો કૃષ્ણકથાને નિરોધલીલા કહે છે. વર્તમાનકાલીન ભય અને તણાવના વાતાવરણમાં જીવન વ્યતીત કરી રહેલ મનુષ્યોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. મનનો નિરોધ તો ભગવાનમાં જ થાય છે, બીજી કોઈ વસ્તુમાં નહીં.

ભાગવત-માહાત્મ્યમાં આત્મદેવ બ્રાહ્મણની કથા છે. તે બ્રાહ્મણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હતો પરંતુ સંતાનના અભાવે દુઃખી અને તણાવગ્રસ્ત હતો. તે મરવાની ઇચ્છાથી આત્મહત્યા કરવા ગયો ત્યારે તેને એક મહાત્મા મળ્યા. તે મહાત્માએ તે બ્રાહ્મણને ખૂબ સમજાવ્યો, પ્રજાપ્રાપ્તિનો મોહ છોડી દેવા માટે કહ્યું અને જણાવ્યું કે ‘ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં જ આનંદ માણવો જોઈએ. પરમાત્માની કૃપાથી જ પુત્ર-પરિવાર નથી. જીવ માત્ર પોતાનાં સત્કર્મોથી જ પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે છે.’ પરંતુ આત્મદેવના દુરાગ્રહને કારણે મહાત્માએ તેને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. કાળક્રમે તેને પુત્રના પરિણામે દુઃખ ભોગવવાનો અવસર આવ્યો. ધ્યાનપૂર્વક વિચારીએ તો કથાનો મર્મ સમજમાં આવે છે કે મનુષ્ય પોતાના દેહ દ્વારા જ આત્મદેવ થઈ શકે છે, નર જ નારાયણ બની શકે છે, મનુષ્ય બુદ્ધિ દ્વારા પોતાનું તથા બીજાનું કલ્યાણ કરી શકે છે. પરંતુ બુદ્ધિને જયાં સુધી સત્સંગરૂપી મહાત્મા ન મળે ત્યાં સુધી વિવેક જાગ્રત થતો નથી. આત્મશક્તિ સત્સંગથી જ જાગ્રત થાય છે. સત્સંગ વિના જીવનમાં દિવ્યતા પ્રાપ્ત થતી નથી. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. ‘આ સંસાર અસાર છે અને દુઃખરૂપ તથા મોહથી બદ્ધ કરનાર છે. માત્ર ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને સંસારના મોહનો ત્યાગ કર્યા વિના ભક્તિ પ્રાપ્ત થતી નથી.’ ભગવાનમય જીવન જીવવા માટે ધ્યાન-જપ અને શાસ્ત્ર-પાઠની અતિ આવશ્યકતા છે. વર્તમાનમાં પોતાને અસહાય અનુભવનાર મનુષ્યને આ કથા હિંમત અને સામર્થ્ય પ્રદાન કરવાવાળી છે.

ભાગવત કથા સાંભળતાં હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ તૂટે છે, સર્વ સંશયો દૂર થાય છે અને શ્રોતાનાં કર્મો નાશ પામે છે. શ્રીમદ્ ભાગવત પુરાણોમાં તિલક સમાન છે, ભક્તોનું પરમ ધન છે. તેમાં પરમહંસોનું નિર્મળ જ્ઞાન વર્ણવાયું છે.

શ્રીમદ્ ભાગવતની કથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું વર્ધન કરનારી છે. ભક્તિને બે બાળક છે- જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિનો આદર જ્ઞાન અને વૈરાગ્યની સાથે કરવો જોઈએ. ભગવદ્ભક્તોના હૃદયમાં વિરાજમાન ભક્તિદેવી પર કળિયુગની દૃષ્ટિ પડી શકતી નથી, ભલેને કળિયુગ સમગ્ર સંસાર પર પોતાનો પ્રભાવ પાથરે. ભક્ત અત્યંત દુઃખી અને નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે કેમ કે તેની ભક્તિરૂપી દોરીથી બંધાઈને સાક્ષાત્ ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેના હૃદયમાં નિવાસ કરે છે. આ શાસ્ત્રનો આશ્રય લઈને તેનું શ્રવણ કરનાર અને શ્રવણ કરાવનાર બન્નેને શ્રીકૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે તેથી એને છોડીને અન્ય ઉપાયોનું શું પ્રયોજન?

ભાગવતમાં ત્રણ પ્રકારનાં સાધન બતાવવામાં આવ્યાં છે. ધ્યાન, અર્ચન અને નામ. કોઈ એક ઉપાયમાં મન સ્થિર થવાથી મનની શક્તિ વધે છે. જો આ ત્રણેય એકી સાથે બની શકે તો અતિ ઉત્તમ. પરંતુ કોઈ એકનો તો આશ્રય લેવો જ પડશે. આ કળિકાળમાં બીજું તો કંઈ થઈ શકતું નથી. તેથી નામ-સ્મરણનો જ આશ્રય લેવો જોઈએ. દૃષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિગ્રાહ્ય થઈ શકતો નથી. આ સિદ્ધાંતને સમજવા માટે અજામિલનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. માયામાં ફસાયેલ જીવ જ અજામિલ છે. અજામિલે ‘નારાયણ’ ‘નારાયણ’નો જપ કરીને જિહ્વા અને જીવનને પવિત્ર બનાવી લીધાં. ભગવાનના નામ-જપ પાપને ભયને ભસ્મીભૂત કરી દે છે અને ચિત્તની શુદ્ધિ કરે છે.

ભગવદ્-અનુગ્રહનો સદુપયોગ કરવાથી પુષ્ટિ થાય છે. ભગવાન તો જીવો પર અનુગ્રહ કરે છે પરંતુ તે અનુગ્રહનો સદુપયોગ કરવાની રીતિ જીવ જાણતો નથી. પરિણામે જીવ પુષ્ટ નહીં પણ દુષ્ટ બની જાય છે. હિરણ્યકશિપુ દૈત્ય બન્યો અને પ્રહ્‌લાદ દેવ. હિરણ્યકશિપુએ સંપત્તિનો ઉપયોગ ભોગવિલાસ માટે કર્યો તેથી દૈત્ય બન્યો પરંતુ પ્રહ્‌લાદે સમય અને પોતાની શક્તિનો ઉપયોગ પ્રભુની ભક્તિ કરવામાં કર્યો તેથી તે દેવ બની ગયો.

સત્ય, ત્રેતા, દ્વાપર આ ત્રણ યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિનાં સાધન હતાં. પરંતુ કળિકાળમાં તો ભક્તિ જ સર્વોત્કૃષ્ટ સાધન છે. ભગવાન તપ, વેદાધ્યયન, જ્ઞાન અને કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશીભૂત થતા નથી. વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ અને જ્ઞાનચર્ચા વગેરે ઘણાં બધાં સાધનોની કોઈ આવશ્યકતા નથી. એક માત્ર ભક્તિ જ મનુષ્યને તણાવથી મુક્ત કરીને તેના મનને શુદ્ધ કરી દે છે.

કૃષ્ણકથા તો જયાં ઇચ્છો ત્યાં પ્રગટ થઈ શકે છે, ગંગામાં તો સ્નાન કરવા માટે તે સ્થાન પર જવું પડે છે, ભાગીરથી ગંગામાં તો સ્નાન કરવાથી શારીરિક મલિનતા દૂર થાય છે પરંતુ માનસિક મલિનતા તો કૃષ્ણકથા જ દૂર કરી શકે છે. શ્રીકૃષ્ણને પોતાના હૃદયમાં રાખશો અથવા શ્રીકૃષ્ણના હૃદયમાં ભક્તરૂપે બિરાજશો તો મનનો નિરોધ થશે અને મનનો નિરોધ જ મુક્તિ છે.

ભાગવતમાં વર્ણવેલ ‘ધ્રુવચરિત’થી સિદ્ધ થાય છે કે પ્રભુદર્શન માટે એકાંતમાં બેસીને ધ્યાન કરવાની આવશ્યકતા છે. જે ભગવાનનો આશ્રય ગ્રહણ કરે છે તે નિર્ભય બને છે, તેને કાળનો ભય સતાવી શકતો નથી, અટલ નિશ્ચયથી કઠિનતમ કાર્ય પણ સિદ્ધ થાય છે. ભગવાનના કથાશ્રવણનો આનંદ બ્રહ્માનંદથી પણ શ્રેષ્ઠ છે. જો કે ઉપનિષદોમાં વર્ણવવામાં આવ્યું છે કે બ્રહ્માનંદ તો મનુષ્યો, ગંધર્વો, દેવો, ઇન્દ્ર, બૃહસ્પતિ વગેરેના આનંદથી શ્રેષ્ઠ છે પરંતુ બ્રહ્માનંદ તો એક જ વ્યક્તિને આનંદિત કરી શકે છે પણ કથાશ્રવણનો આનંદ બધાને એકી સાથે આનંદ પ્રદાન કરે છે.

જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઇચ્છે છે, જે માનસિકરૂપે અશાંત છે તેના માટે એકમાત્ર સાધન છે- શ્રીહરિના ચરણોની સેવા. જીવાત્મા ક્યારેક સુખી હોય છે, ક્યારેક દુઃખી હોય છે પરંતુ જીવ જયારે ભગવાનના ચરણોનો આશ્રય ગ્રહણ કરે છે ત્યારે તે કૃતાર્થ થાય છે.

શ્રીહરિનું વિસ્મરણ એ જ મહાવિપત્તિ છે અને તેમનું સ્મરણ એ જ મહાસંપત્તિ છે. શ્રીહરિને ભૂલે એટલે જ દુર્ગુણો આવે છે. અંતઃકરણથી શ્રીહરિનું સ્મરણ કરો, હૃદયપૂર્વક ઉપાસના કરો. શ્રીહરિને ભુલાય ત્યારે સૂક્ષ્મ વાસનાઓ જાગે છે અને ત્યારે જ માનસિક શોક પેદા થાય છે. વાસના હોય તો સમજણ અને સ્થિરતા આવતાં નથી અને આવી વિષમ સ્થિતિમાં પરમાનંદ કે બ્રહ્માનંદ ક્યાંથી ટકી શકે? શ્રીમદ્ ભાગવતમાં જ્ઞાન, ભક્તિ તથા વૈરાગ્ય સહિત નિષ્કર્મપણું પ્રગટ કર્યું છે જે કળિકાળમાં સંસારરૂપી રોગનો નાશ કરનાર છે.

સંસારમાર્ગ દારુણ, દુર્ગમ અને ભયંકર છે. મનને વિષયાસક્ત બનાવ્યા વિના શ્રીહરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપી તલવાર લઈને આ સંસારરૂપી વનને પાર કરી શકાય છે. જો મનુષ્ય શુભ સંકલ્પ કરે તો તે નરમાંથી નારાયણ બની શકે છે.

સ્વામી વિવેકાનંદે જ્ઞાનયોગમાં કહ્યું છે કે મનુષ્યના દુઃખનું કારણ છે, પોતાના સ્વરૂપને ન જાણવું તે. તેઓએ ત્રણ પ્રકારના દાનની ચર્ચા કરી છે- અન્નદાન, જીવનદાન અને જ્ઞાનદાન. આમાં જ્ઞાનદાનને જ તેઓએ શ્રેષ્ઠતમ બતાવ્યું છે. જ્ઞાનના અભાવમાં જ આપણે પોતાના સ્વરૂપને ભૂલી જઈએ છીએ અને તણાવ તેમજ અનેક સાંસારિક આધિ-વ્યાધિથી ગ્રસ્ત રહીએ છીએ.

ગોપીઓએ ભગવાન પાસે કંઈ જ માગ્યું ન હતું. કથામૃત-પાન જ ગોપીઓના પ્રાણનો આધાર હતો. તેઓ કહે છે કે-

तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्।
श्रवणमंगलं श्रीमदाततं भूवि गृणन्ति ते भूरिदा जनाः॥

     તમારી લીલાકથા તો અમૃત સ્વરૂપા છે જે શ્રવણ માત્રથી પાપોનો નાશ કરી દે છે. તેનું શ્રવણ મંગળ- આનંદમય છે. આ કથા બધાં પાપ-તાપનું નિવારણ કરે છે. આધિ-વ્યાધિથી ગ્રસ્ત આ શરીરનાં કલંકોને માત્ર કૃષ્ણકથા જ દૂર કરે છે, સાથે ને સાથે શ્રવણ માત્રથી પરમ મંગળ-પરમ કલ્યાણનું દાન પણ કરે છે. તે કથા પરમ સુંદર, પરમ મધુર, પરમ વિસ્તૃત પણ છે. શ્રીકૃષ્ણનું કથામૃત પ્રાણોને વિરહાવસ્થામાં પણ પરમાનંદમાં નિમજ્જ કરી રાખે છે.

મનુષ્યે અવસાદ અને તણાવની ક્ષણોમાં ગભરાવું જોઈએ નહીં. તેણે ભગવદ્ સ્મરણમાં લાગી જવું જોઈએ. ગજેન્દ્ર જ્યારે નિરાધાર થઈ ગયો હતો ત્યારે દુઃખથી દ્રવિત થઈને તેણે પરમાત્માને પોકાર્યા હતા, દ્રૌપદીએ જ્યાં સુધી પોતાની સાડીનો પાલવ પકડી રાખ્યો હતો ત્યાં સુધી શ્રીકૃષ્ણ તેની સહાયતામાં આવ્યા ન હતા. ઈશ્વર સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ ઈચ્છે છે.

નિરાધાર મન સંસારસાગરમાં ડૂબી જાય છે. તેને ભગવદ્ સ્વરૂપ ભગવન્નામના આધારની આવશ્યકતા પડે છે. સંપત્તિના મદમાં વિવેકભ્રષ્ટ થયેલ ઇન્દ્રને દૈત્યો પાસેથી સ્વર્ગનું રાજય પુનઃ પ્રાપ્ત કરવા માટે ભગવાને સમુદ્રમંથન કરીને અમૃત પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી. સંસાર જ સમુદ્ર છે. સંસારસમુદ્રનું મંથન કરીને જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરનાર વ્યક્તિ બધા પ્રકારના ક્લેશ અને તણાવથી મુક્ત બની જાય છે.

મનુષ્યને એ વાતનો દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે આ સંસારની રચના અને પાલન કરનાર કોઈ સર્વવ્યાપક શક્તિ છે, જેને લોકો ઈશ્વર, બ્રહ્મ, પરમાત્મા, શ્રીકૃષ્ણ ઇત્યાદિ વિભિન્ન નામોથી પોકારે છે. ભાગવત કથામાં વર્ણવેલ પરમ ધર્મ અને જ્ઞાન બધાનું કલ્યાણ કરનાર છે અને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપોનું શમન કરનાર છે. પ્રાણીમાત્ર પ્રત્યે દયાનો ભાવ સ્થાપિત કરવા માટે આ ગ્રંથના સેવન સિવાય બીજું કોઈ વિશેષ સાધન નથી. વર્તમાન સમયમાં જ્યારે સંસારનો મોટો ભાગ મહામારીથી આક્રાંત છે ત્યારે મનુષ્યમાત્ર માટે આ કથોપદેશ પરમ કલ્યાણકારી છે.

Total Views: 711

One Comment

  1. Er. Bhupendra Sonigra February 28, 2023 at 7:28 am - Reply

    ખુબ-ખુબ પ્રેરણાદાયી

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.