(એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર)
મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ)
‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી સંતે મોટામાં મોટી વિપત્તિ સહન કરતી વેળાએ ઉચ્ચાર્યા હતા અને તેમાં તેમની ભૂલ નહોતી. અસ્તિત્વનું આખુંય રહસ્ય અહીં સમાયેલું છે. સપાટી ઉપર મોજાં ઊછળે અને શમે, તોફાનો પણ ગર્જે, પરંતુ નીચેના ઊંડાણમાં મોજાં પર અનંત નીરવતા, અનંત શાંતિ અને અનંત આનંદનો થર જામેલો હોય. જેઓ શોક કરે છે તેઓ બડભાગી છે, કારણ કે તેમને આશ્વાસન આપવામાં આવશે. શા માટે? કારણ કે આવા શોકના સમયમાં જ્યારે પિતાનાં આક્રંદો કે માતાના વિલાપોની પરવા કર્યા વિના કોઈ આપણા હૃદયને નીચોવી નાખતું હોય છે, જયારે શોક, વિષાદ અને નિરાશાના ભાર તળે આ સંસાર આપણા પગ નીચેથી જાણે સરી જતો હોય તેમ લાગે છે અને નજર પહોંચે ત્યાં સુધી ચોમેર દુઃખ અને અત્યંત નિરાશાના અભેદ્ય આવરણ સિવાય કંઈ દેખાતું જ નથી હોતું, ત્યારે આંતર-ચક્ષુ ખૂલે છે, એકાએક પ્રકાશ આવે છે, સ્વપ્ન ઊડી જાય છે અને અંતઃસ્કુરણાથી આપણે પ્રકૃતિના ભવ્યમાં ભવ્ય રહસ્યની સન્મુખ આવીને ઊભા રહીએ છીએ; એ રહસ્ય છે સત્. હા, બોજો જયારે અનેક નબળી હોડીઓને ડુબાડી દેવા માટે પૂરતો હોય છે, ત્યારે પ્રભાવશાળી, શક્તિશાળી વીર પુરુષને અનંત, નિર્વિશેષ, સદા આનંદમય સત્ની ઝાંખી થાય છે. આ અનંત સત્ જુદા જુદા દેશોમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. સત્ની ઝાંખી થાય ત્યારે જ આ દુઃખની ઊંડી ખીણમાં આત્માને બાંધી રાખનારી બેડીઓ થોડા કાળ માટે જાણે કે તૂટે છે અને તે આત્મા મુક્તપણે ઊંચે ને ઊંચે ચઢે છે અને આખરે પ્રભુનાં ચરણોમાં પહોંચે છે. ‘ત્યારે જ દુષ્ટો પજવતા અટકે છે અને થાકેલાઓ નિરાંત અનુભવે છે.’ ભાઈ! દિવસ-રાત પરમાત્માને સંભારવાનું ભૂલો નહીં; દિવસ-રાત રટણ કરતા અટકો નહીં કે: ‘હે પ્રભુ! તારી ઇચ્છા હોય તે પ્રમાણે જ થાઓ.’ ‘આપણો અધિકાર કારણ પૂછવાનો નથી.’ પણ માત્ર કાર્ય કરી જવાનો અને જીવન હોમી દેવાનો છે.
હે પ્રભુ! તારા નામનો જય હો! અને તારું જ ધાર્યું થાઓ. હે પ્રભો! અમે જાણીએ છીએ કે અમારે તો તારી જ ઇચ્છાને આધીન રહેવાનું છે. પ્રભો! અમે જાણીએ છીએ કે જે લપડાક પડે છે તે માતાની છે. ‘આત્મા બધું સહન કરવા તૈયાર છે, પણ શરીર નબળું છે.’ હે પ્રેમાળ પિતા! તું અમને તારી ઇચ્છાને શાંતિથી આધીન થવાનું શીખવે છે, પણ હૃદયની વેદના તેની સામે ઝઝૂમે છે. અમને શક્તિ આપ. તેં તારી નજર સમક્ષ તારા સમગ્ર કુટુંબનો વિનાશ થતો અદબ વાળીને જોયો હતો. હે પ્રભો! હે મહાન ગુરુ! આવ. તેં જ શીખવ્યું છે કે સૈનિકે તો હુકમને તાબે થવાનું છે, કંઈ જ બોલવાનું નથી. હે પ્રભો, હે અર્જુનના સારથિ! આવ. અર્જુનને જેમ એક વખત ઉપદેશ આપ્યો હતો તેમ મને પણ આપ કે તારામાં આત્મસમર્પણ એ જ આ જીવનનું સર્વોચ્ચ ધ્યેય અને લક્ષ્ય છે. પ્રભો! મને શક્તિ આપ કે પ્રાચીન, મહાનમાં મહાન સંતોની સાથે હું પણ દૃઢતા અને સમર્પણની ભાવના સાથે ઉચ્ચારી શકું કે ‘ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ!’
પ્રભુ તમને શાંતિ આપો એવી દિનરાત પ્રાર્થના કરતો- વિવેકાનંદ.
One Comment
Leave A Comment
Your Content Goes Here
Jai Swamiji!
Strength, Strength, Strength! What an re-assuring message from our Master.