ભૂમિકા
હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ ચૂક્યા હતા. અત્યારે ભારતમાં હિંદુઓની સંખ્યા લગભગ ૮૫ કરોડ છે.)ભારતમાં રહે છે અને ‘હિંદુ’ નામથી સુપરિચિત છે.
બહુ પ્રાચીન કાળથી જ ભારત હિંદુ ધર્મની માતૃભૂમિ રહ્યું છે. કેટલા સમયથી- એ કંઈ નિશ્ચિતરૂપે કહી શકાતું નથી. કેટલાક વિદ્વાનોનો મત છે કે આ સમય વીસ હજાર વર્ષાેનો છે જ્યારે કેટલાક લોકો એને ત્રણ હજાર વર્ષાેથી વધારેનો માનતા નથી. અસ્તુ, એ તો અસંદિગ્ધરૂપે કહી શકાય છે કે હિંદુ ધર્મ હજારો વર્ષાેનો જૂનો છે અને વળી સંસારના મુખ્ય ધર્માેમાં સર્વાધિક પ્રાચીન છે.
પ્રાચીન કાળમાં આ ધર્મ આર્ય ધર્મના નામથી પ્રચલિત હતો અને એના અનુયાયીઓ આર્ય કહેવાતા હતા. ભારતવર્ષમાં એનું આદિ નિવાસસ્થાન હાલનું પંજાબ હતું. હજુ સુધી કોઈ નિશ્ચિતરૂપે એ કહેવામાં સક્ષમ બની શક્યું નથી કે પંજાબમાં તે ક્યાંથી આવ્યો હતો. એનો મૂળ દેશ નિર્ધારિત કરવા માટે વિદ્વાનોએ વિવિધ અનુમાનો લગાવ્યાં છે, તદનુસાર ઉત્તર ધ્રુવ, મધ્ય એશિયાનો વિસ્તૃત ભાગ, ભૂમધ્ય સાગરનો કિનારો વગેરે પ્રદેશોને એની આદિ ભૂમિ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદનો નિશ્ચિત મત હતો કે આર્યાે ભારતની બહારના કોઈ સ્થળેથી આવ્યા નથી.
આર્યાે પંજાબથી ચાલીને ધીરે ધીરે સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા અને આ કારણે આ ભાગને આર્યાવર્ત કહેવામાં આવ્યો. કાળક્રમે તેમણે વિન્ધ્યાચલના પહાડોને ઓળંગીને દક્ષિણ ભારતમાં પોતાના ધર્મ અને સંસ્કૃતિનો વિસ્તાર કર્યાે. આ અભિયાનના શ્રીગણેશ મહર્ષિ અગત્સ્ય નામના આર્ય-ઋષિએ કર્યા હતા.
આપણાં મનમા જિજ્ઞાસા થઈ શકે છે કે આર્યાેને ‘હિંદુ’ કેવી રીતે કહેવામાં આવ્યા. ‘હિંદુ’ નામની ઉત્પત્તિનો ઇતિહાસ બહુ મનોરંજક છે. પંજાબમાં રહેતા આર્યાેની નિવાસભૂમિની પશ્ચિમ તરફની સીમાનું નિર્ધારણ સિંધુ નદીથી થતું હતું. આ નદીને પેલે પાર ઈરાની (પારસી) લોકોનો દેશ હતો. એ લોકો સિંધુ નદીના નામ પર જ એની પૂર્વ દિશામાં રહેનારા ભારતવાસીઓને પણ સિંધુ કહેતા હતા; પણ ઈરાનીઓ દ્વારા સિંધુ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ ન કરી શકવાને કારણે ‘સિંધુ’ને માટે ‘હિંદુ’ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો, જેને ત્યાર પછીથી આર્યાેએ પણ પોતાને માટે અપનાવી લીધો.
‘હિંદુ’ શબ્દ અતિ પ્રાચીન છે. જયારે હિંદુઓ ભારતમાં ફેલાઈ ગયા, ત્યારે સમગ્ર દેશ ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાવા લાગ્યો.
હિન્દુસ્તાન અનેક સાધુ-સંતો, ઋષિ-મુનિઓ તથા અવતારોની જન્મભૂમિ રહ્યો છે. હજારો વર્ષાેથી એ ખાસ કરીને ધર્મભૂમિના રૂપમાં જ વિદ્યમાન છે. ધર્મનો પાવન સ્પર્શ પામીને એની નદીઓ, પર્વતો, ઝરણા, સમુદ્ર તથા શહેરો તીર્થાેમાં રૂપાંતરિત થઈ ગયાં છે. ચારે બાજુએ પથરાયેલાં આ પાવન તીર્થાેએ આ હિંદુ ભૂમિને ખરેખર પુણ્યભૂમિ બનાવી દીધી છે. યુગ યુગાંતરથી અગણિત યાત્રીઓ દૂર દૂરથી આ પાવન તીર્થાેનાં દર્શનાર્થે ઊમટી રહ્યા છે. અને આ રીતે ચિરકાળથી જ ધર્મ અહીંના નિવાસીઓના જીવનની મૂળ પ્રેરણાશક્તિ બની રહ્યું છે.
હિંદુઓના ધર્મે જ એમની ગૌરવશાળી સંસ્કૃતિને જન્મ આપ્યો છે. અતિ પ્રાચીનકાળથી જ હિંદુઓએ ઉચ્ચ કોટિનાં ચિત્રો, મૂર્તિઓ, ભવનો, સંગીત તથા કાવ્યનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત એમણે વ્યાકરણ, નિરુક્ત, તર્ક, દર્શન, રાજનીતિ, જ્યોતિષ, ઔષધિ તથા શલ્ય ચિકિત્સા વગેરે જુદા જુદા વિષયો પર અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો લખ્યા. તેઓએ રસાયણશાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું અને યાંત્રિકીકરણ, સિંચાઈ, આગબોટ -નિર્માણ તથા કલા અને શિલ્પનાં અન્ય અનેક ક્ષેત્રોમાં તેઓ પોતાની અદ્ભુત નિપુણતાનું પ્રમાણ મૂકી ગયા. અને આ બધાના મૂળમાં ધર્મ હતો, આ બધાની પાછળ રહેલ વિચાર તથા આદર્શ ખાસ કરીને હિંદુ ઋષિઓ દ્વારા પ્રેરિત હતા.
કાળાન્તરે હિંદુઓએ આ મહાન ધર્મમાંથી જૈન અને બૌદ્ધ નામની બે સશક્ત શાખાઓ ઉદ્ભવી. હિંદુ ધર્મ પોતાની બૌદ્ધ શાખાની સાથે ભારતીય સીમાની બહાર પણ પ્રચારિત થવા લાગ્યો. શ્રીલંકા, બ્રહ્મદેશ, સ્યામ, કંબોડીયા, મલાયા, જાવા, બાલી, સુમાત્રા, ચીન, કોરિયા, જાપાન, અફઘાનિસ્તાન તથા તુર્કીસ્તાન- આ બધા દેશો આમાંના કોઈ એક અથવા બન્ને ધર્માેના પ્રભાવ હેઠળ આવ્યા. વિદ્વાનોએ દૂર દૂરના ઉત્તર અમેરિકાના મેક્સિકો ક્ષેત્રમાં પણ હિંદુ સભ્યતાના અવશેષો શોધી કાઢ્યા છે. આ વિદેશીઓએ ઉત્કૃષ્ટ હિંદુ સંસ્કૃતિનો આદરથી સ્વીકાર કર્યાે હતો. હિંદુઓએ ક્યારેય કપટ અથવા બળથી અન્ય દેશો પર પોતાનો ધર્મ લાદ્યો નથી. શાંતિ, પ્રેમ, સહાનુભૂતિ તથા સેવા જ એમનો મૂળ મંત્ર હતો. તેઓ જ્યાં પણ ગયા, એમણે ત્યાંના મૂળ રહેવાસીઓની સભ્યતાને ઉન્નત કરી.
એમાં કોઈ સંદેહ નથી કે હિન્દુસ્તાન જ સંપૂર્ણ પ્રાચીન સભ્યતાની માતૃભૂમિ રહ્યું છે. આ વાતનાં જ અનેકો પ્રમાણો મળ્યાં છે કે હિંદુઓની વિચારધારા પ્રાચીન સભ્યતાની જન્મભૂમિ પ્રાચીન યુનાન સુધી પહોંચી ગઈ હતી. (The Legacy of India, Edited by G.T.Garratt, pg. 1-24).
હજારો વર્ષાેની આ મહાયાત્રા દરમ્યાન હિંદુ ધર્મ આકાર-પ્રકારમાં વિસ્તૃત થતો રહ્યો છે. હવે એની અંદર વૈષ્ણવ, શાક્ત, શૈવ, સૌર, ગાણપત્ય વગેરે અસંખ્ય સંપ્રદાયોને માટે પણ સ્થાન છે. વળી આમાંય દરેક સંપ્રદાયમાં પણ અનેક જુદા જુદા પંથને સ્થાન છે. આ ઉપરાંત જૈન, બૌદ્ધ, શીખ, આર્યસમાજ વગેરે પણ હિંદુ ધર્મમાંથી જ ઉદ્ભવ્યા છે.
છેલ્લા થોડાક સમયથી હિંદુઓનો પ્રાચીન ધર્મ દૂરના પાશ્ચાત્ય દેશોમાં પોતાનો સંદેશ ફેલાવી રહ્યો છે. યુરોપ અને અમેરિકાના ઘણા બધા લોકો હિંદુ જીવનદર્શનનું સન્માન કરવાનું શીખી રહ્યા છે. આમાંના થોડાક લોકોએ તો હિંદુઓના આદર્શાે તથા વિચારોને સુધ્ધાં અપનાવવાનું શરૂ કરી દીધું છે.
ખરેખર જ હિંદુઓનો મહાન ધર્મ વિશ્વકલ્યાણની એક પ્રબળ શક્તિ છે. આ કારણે આ ધર્મની પૂર્વ- ઉપલબ્ધિઓનો ઇતિહાસ આટલો ગરિમામય છે અને આ કારણે હિંદુઓ પોતાના ધર્મના હજુ પણ વધારે ઉજ્જવળ ભવિષ્યના વિષયમાં દૃઢ વિશ્વાસી છે.
હવે પછીના અધ્યાયોમાં આ ધર્મનાં મૂળભૂત તત્ત્વો પર સંક્ષેપમાં વિચાર કરવામાં આવશે.
Your Content Goes Here