અહંકાર જીતવો કઠણ

ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની અને અહંકારી લોકોનાં હૃદયમાંથી એ સરી પડે છે.

અહંકાર મનુષ્યને એટલો હાનિકારક છે કે, એને દૂર ન હટાવાય ત્યાં સુધી, એને માટે મોક્ષ નથી. અહંકારથી કેટલી હાનિ થાય છે તે માટે વાછડાને જુઓ. જનમતાં વેંત એ ‘હમ્મા, હમ્મા’-‘હું, હું’ એમ બોલવા ગાંગરે છે. પરિણામે, એ મોટો થાય છે ત્યારે, એ બળદ હોય તો એને હળે જોડવામાં આવે, ગાડે જોડાઈ મોટું વજન ખેંચવું પડે; ગાય હોય તો, એને ખૂંટે બંધાય અને કેટલીક વાર, ખાવા માટે એને મારી નાખવામાં પણ આવે. પણ આ બધી શિક્ષા છતાં, એ પશુ એનો અહંકાર છોડે નહીં; કારણ કે એના ચામડામાંથી બનતા ઢોલ પર દાંડી પડે તો એ ‘હમ્મ્’, ‘હું’ જ અવાજ કરે. પિંજારો એના આંતરડાની તાંત બનાવે નહીં ત્યાં સુધી એ પ્રાણી નમ્ર બનતું નથી કારણ કે તે પછી જ પિંજાતી વખતે એ ‘તું, તું’ અવાજ કરવા લાગે છે. આમ, ‘હું’ જવો જોઈએ અને ‘તું’ આવવો જોઈએ; પણ આધ્યાત્મિક જાગ્રતિ વિના આ સિદ્ધિ આવે નહીં. તમારું ‘હું-પણું’ નાશ પામશે પછી જ તમારી મુક્તિ થશે અને, તમે ભગવાનમાં ભળી જશો. માનવી મોક્ષ ક્યારે પામે? એનો અહંકાર મૃત્યુ પામે ત્યારે.

તમારામાંથી અહં નાશ પામે ત્યારે, ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન છે, ‘તું અને ‘સારું’ એ સત્ય જ્ઞાન છે. સાચો ભક્ત હંમેશાં કહેશે, ‘હે પ્રભુ, તું જ કર્તા છો, તું જ બધું કરે છે. હું તો માત્ર તારા હાથનું સાધન છું. તું જે કરાવે છે તે જ હું કરું છું. આ બધો વૈભવ તારો છે. આ ઘર અને આ કુટુંબ તારાં છે, મારાં નહીં; તું કહે એ પ્રમાણે રહેવાનો જ મારો અધિકાર છે.’

બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેક વાર ઉટકો તોય ગંધ જાય નહીં. અહંકાર-અજ્ઞાનનું એવું વલણ છે કે એ કદી સંપૂર્ણપણે નાશ પામતું નથી, ભલે તમે ગમે તેટલું મથો.

-શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ. ૨૪

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.