ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે પરંતુ તે દુર્બાેધ છે, જ્યારે પુરાણોમાં સમસ્ત વેદાર્થ સહિત બધાં જ અંગોનું નિરૂપણ સહજબોધ્ય સ્વરૂપે હૃદયંગમ કરાવવાનો પ્રયત્ન કરાયો છે.

મુખ્ય અઢાર પુરાણો છે, ઉપપુરાણો પણ અઢાર છે. પુરાણો પૈકીનું એક છે વરાહપુરાણ. તેનું નામ વરાહ અવતારને અનુલક્ષીને પડ્યું છે. તેમાં ભગવાન વરાહના ધર્માેપદેશોની અગણિત કથાઓ છે. તેમાંની એક કથાનું અત્રે આલેખન કરાયું છે.

પ્રાચીન કાળની વાત છે. અશ્વશિરા નામનો એક પરમ ધાર્મિક રાજા હતો. તેણે એક વખત અશ્વમેધ યજ્ઞ કર્યાે જેમાં ભગવાન નારાયણના યજનને અંતે પ્રચુર દક્ષિણા વહેંચી. યજ્ઞ સમાપ્તિ પછી રાજા પુરોહિતો સાથે બેઠા હતા. તેટલામાં ભગવાન કપિલદેવ અને યોગીરાજ જૈગીષવ્ય યજ્ઞભૂમિમાં પધાર્યા. રાજા અશ્વશિરાએ યથોચિત પાદ્ય-અર્ધ્ય ઇત્યાદિ દ્વારા બંનેનો સમુચિત સત્કાર કર્યાે અને આસન પર બિરાજિત કર્યા. ત્યાર બાદ રાજાએ એ બંનેને પ્રશ્ન કર્યાે, ‘તમે બંને મારા એ સંશયનું સમાધાન કરો કે હું ભગવાન નારાયણનું આરાધન કેવી રીતે કરું?તમે કૃપાવશ સ્વેચ્છાથી દર્શનલાભ આપ્યો છે. તમે શ્રેષ્ઠ બ્રાહ્મણદેવતા છો.’

બંને ઋષિવરે કહ્યું, ‘ હે રાજા,! તમે નારાયણ કોને કહો છો? અમે બંને નારાયણ તો તમારી સમક્ષ પ્રત્યક્ષરૂપે વિદ્યમાન છીએ.’

રાજાએ જવાબ આપ્યો, ‘ અરે આશ્ચર્ય છે, તમે બંને બ્રાહ્મણદેવતા છો. તપશ્ચર્યા કરવાથી તમે સિદ્ધિ પામ્યા છો અને તમારાં પાપ પણ નષ્ટ થયાં છે. પરંતુ અમે બંને નારાયણ છીએ એવું તમે કઈ રીતે કહી શકો છો? ભગવાન નારાયણ તો દેવતાઓના પણ દેવતા છે. તેઓ શંખ,ચક્ર,ગદા,પદ્મધારી છે. તેઓ પીતાંબર ધારણ કરીને પક્ષીરાજ ગરુડ પર વિહાર કરે છે. ભલા, સંસારમાં તેમની સમોવડિયું કોણ બની શકે?’

કપિલ અને જૈગીષવ્ય કઠોર વ્રતધારી હતા. તેઓ રાજાની વાણી સાંભળીને હાસ્યપૂર્વક બોલ્યા, ‘હે રાજા! ભલે, હવે તમે ભગવાન વિષ્ણુનાં દર્શન કરો.’ આમ કહીને કપિલ તત્ક્ષણ સ્વયં વિષ્ણુ બની ગયા અને જૈગીષવ્ય બન્યા ગરુડજી. ગરુડવાહન ભગવાન વિષ્ણુનું દર્શન કરીને રાજા અશ્વશિરા નતમસ્તક કહેવા લાગ્યા, ‘ભગવાન વિષ્ણુની નાભિમાંથી ઉત્પન્ન થયેલ કમળ પર તો બ્રહ્માજી વિરાજિત હોય છે.’

બંને ઋષિવર મુનિશ્રેષ્ઠ હતા. રાજાનો ઉત્તર સાંભળીને યોગમાયાનો આશ્રય લઈ કપિલ પદ્મનાભ વિષ્ણુ અને જૈગીષવ્ય જગસ્રષ્ટા બ્રહ્માના રૂપમાં પ્રગટ થયા. નારાયણના શ્રીવિગ્રહમાથી તેજસ્વી રુદ્ર પ્રગટિત થયું. રાજા આ બધું નિરખીને આશ્ચર્યમાં ડૂબી ગયા. રાજા મનોમન વિચારવા લાગ્યા કે ગમે તેમ હોય , આ યોગીજનોની માયાની નિષ્પત્તિ છે, કેમ કે પરમેશ્વર તો આટલા સહજગમ્ય નથી. રાજા આમ વિચારતા હતા તેવામાં જ તેમની રાજસભામાં તેમજ રાજભવનની ચોમેર અસંખ્ય વાઘ, શિયાળ, સિંહ, હરણ, ઘોડા, ગાય, હાથી, સાપ, પક્ષીગણ, મચ્છર, ભમરા વગેરે જાતભાતનાં ગ્રામ્ય અને પશુ-પંખી, જીવજંતુ ભમવા લાગ્યાં. રાજા તો આ વિસ્મયકારી દૃશ્ય નિહાળીને દિગ્મૂઢ થઈ ગયા અને દ્વિધામાં મુકાઈ ગયા. તેમણે જાણ્યું કે નક્કી, આ તો બંને ઋષિજનોનું માહાત્મય છે, અન્ય કંઈ નહીં.

રાજા હતપ્રભ થઈ ગયા અને વિનમ્રપણે ઋષિજનોને પૂછ્યું, ‘હે ઋષિવર! આ શો પ્રપંચ છે?’ ઋષિજન બોલ્યા, ‘હે રાજા! તમારો પ્રશ્ન છે કે ભગવાન શ્રીહરિનું આરાધન કેવી રીતે કરવું અને તેમની પ્રાપ્તિનું શાસ્ત્રોક્ત વિધાન શું છે? ’ તેના ઉત્તર સ્વરૂપે અમે આ દૃશ્ય-પ્રપંચ રચ્યો છે. હે રાજા! સાંભળો શ્રીહરિની સૃષ્ટિ ત્રિગુણાત્મિકા એકમેવ છે. તેઓ પોતાની ઇચ્છાનુસાર અનેક રૂપ ધારણ કરે છે. તે સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મ જ્યારે પોતાની અનંત તેજોરાશિને આત્મસાત્‌ કરીને સૌમ્યરૂપમાં અવસ્થિત હોય છે, ત્યારે મનુષ્યોને તેની ઝાંખી સુલભ હોતી નથી. તે જગત-પ્રભુનારાયણ જ બધાના દેહમાં વિરાજમાન છે. ભક્તિનો ઉદય થતાં પોતાના દેહમાં જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જગત્પ્રભુ શ્રીહરિ કોઈ સ્થાન વિશેષમાં જ વિરાજિત છે, એવું નથી. તે તો સર્વવ્યાપી પરમ સતા છે એ ઉદ્દેશ્યથી જ અમારા પ્રભાવવશ તમારી સમક્ષ આ દૃશ્ય નિર્મિત થયું હતું. આનું પ્રયોજન છે- ‘પરમાત્માની સર્વવ્યાપકતા અંગે તમારી નિષ્ઠા્વા દૃઢતર થાય.’ હે! રાજા, રાજસભામાં ઉપસ્થિત આ મંત્રીગણ અને સેવક-વૃંદ-બધામાં શ્રીહરિ સ્વયં વિરાજમાન છે. હે રાજા! અમે તમને જે પશુ-પંખી, જીવજંતુ ઇત્યાદિના સમૂહ બતાવ્યા તે બધા વિષ્ણુનાં રૂપ છે. આ ભાવના દૃઢીભૂત કરવાની આવશ્યકતા છે, કેમ કે ભગવાન શ્રીહરિ તો બધામાં વ્યાપત છે. તેમના સમાન અન્ય કોઈ નથી, એ મનોભાવ સહિત તેમની સેવા કરવી જોઈએ. આમ અમે તમારી સમક્ષ યથાર્થ જ્ઞાન પ્રગટ કર્યું, હવે તમે પરિપૂર્ણ ભાવનાસહ પરમગુરુ શ્રી હરિનું સ્મરણ કરો.’

પુરાણકથાના તાત્પર્યને અનુરૂપ શ્રી રામકૃષ્ણદેવનો ઉપદેશ ‘શ્રી રામકૃષ્ણકથામૃત’ માં જોવા મળે છે.

શ્રીરામકૃષ્ણ (વૈષ્ણવ ભક્તને) – ‘તમે’ અને ‘તમારું’ એનું નામ જ્ઞાન, ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન.

‘હે ઈશ્વર, તમે સર્વ કંઈના કર્તા અને હું અકર્તા, એ જ્ઞાન. હે ઈશ્વર! આ બધું તમારું, દેહ, મન, ઘરબાર, સ્ત્રી-પુત્ર, જીવ, જગત, એ બધું તમારું, મારું કશું નહિ; એનું નામ જ્ઞાન. જે અજ્ઞાની છે, તે કહેશે કે ‘ઈશ્વર ત્યાં ત્યાં, બહુ દૂર.’ જે જ્ઞાની, તે જાણે કે ઈશ્વર અહીં અહીં, અતિ નજીક, હૃદયમાં, અંતર્યામીરૂપે. તેમજ વળી એ પોતે જ આ બધાં સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.’

વળી શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા(૬.૩૦-૩૧)માં પણ આને લગતા શ્લોક જોવા મળે છે.-

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।।

‘જે માણસ સઘળાં ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળાં ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદૃશ્ય નથી હોતો.’

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते।।

‘જે માણસ એકાત્મભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મારૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છેે.’
સ્વામી વિવેકાનંદ ‘જ્ઞાનયોગ’ પરનાં પ્રવચનોમાં પણ આ જ સૂર રેલાવે છે- ‘બધા આત્માઓનો આત્મા એવો પરમાત્મા સર્વભૂતો દ્વારા પ્રકાશી રહ્યો છે….એ પુરુષ છે, એ સ્ત્રી છે, ગાય છે, શ્વાન છે, એ બધા ભૂતોમાં છે…..એ સર્વત્ર છે.’(ગ્રંથમાળા ભાગ ૨-૨૨૯)
વળી સ્વામી વિવેકાનંદ ‘સર્વત્ર રહેલો ઈશ્વર’ એ વિશેના પ્રવચનમાં કહે છે- ‘વેદાંત કહે છે કે સર્વમાં ઈશ્વરને જોઈને કામ કરો અને સર્વમાં તે વસી રહ્યો છે તેમ જાણો.’

Total Views: 473

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.