રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ સ્તોત્રના રચયિતા શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદ છે. શ્રીમા ત્યારે બેલુરના નીલાંબર મુખર્જીના ઉદ્યાનભવનમાં નિવાસ કરતાં હતાં. શ્રીમાએ આ ભવનમાં ઈ.સ. ૧૮૮૮ના મે માસના મધ્યથી લઈને આૅક્ટોબર સુધી લગભગ છ માસ નિવાસ કર્યાે હતો. સ્વામી અભેદાનંદજીની એવી ઇચ્છા હતી કે તેઓ આ સ્તોત્ર શ્રીમાને ગાઈ સંભળાવે. તે સમયે શ્રીમાના મહિમાથી બહુ ઓછા લોકો પરિચિત હતા. સ્વામી અભેદાનંદજીએ જ્યારે શ્રીમા સમક્ષ પોતાની આ ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીમા એકદમ ચોંકી ઊઠ્યાં અને બોલ્યાં, ‘કયું સ્તોત્ર, કોનું સ્તોત્ર?’ શ્રીમા એકદમ આશ્ચર્યચકિત થઈને બોલ્યાં, ‘બેટા, મારું કેવું સ્તોત્ર?’ પરંતુ પોતાના સંતાનના અટલ આગ્રહથી શ્રીમા એ પ્રસિદ્ધ સ્તોત્ર સાંભળવા લાગ્યાં- ‘પ્રકૃતિં પરમામ્….’ જ્યારે અભેદાનંદ મહારાજે ગાયું, ‘રામકૃષ્ણગતપ્રાણામ્’ ત્યારે જોયું તો એ સાંભળીને શ્રીમા સ્તબ્ધ થઈ ગયાં છે! ‘તન્નામશ્રવણપ્રિયામ્-’નું ઉચ્ચારણ સાંભળતાં જ શ્રીમાનાં બન્ને નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ‘તદ્‌ભાવરંજિતાકારામ્’ના ઉચ્ચારણ પછી સ્વામી અભેદાનંદે જોયું કે શ્રીમા ત્યાં નથી, શ્રીઠાકુર બેઠા છે અથવા શ્રીમા પોતે જ શ્રીઠાકુર બની ગયાં છે. મહારાજ ગોઠણભેર બેસીને તે સ્તોત્ર ગાઈ રહ્યા હતા. તેઓ પણ જાણે આત્મવિસ્મૃત થઈ ગયા. આ સ્તોત્ર સાંભળીને પછીથી શ્રીમાએ પ્રસન્નતાપૂર્વક સ્વામી અભેદાનંદને આશીર્વાદ આપ્યા, ‘તારા કંઠમાં સરસ્વતી બિરાજશે.’ રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં અનેક કેન્દ્રોમાં આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવામાં આવે છે. આ સ્તોત્રની વિશેષતા એ છે કે જેમના મહિમા માટે આ સ્તોત્રની રચના થઈ છે, તેમની સમક્ષ જ તેના રચયિતાએ તેનું ગાન કર્યું હતું. સ્તોત્રના રચયિતા સ્વામી અભેદાનંદજીને વરદાન આપીને શ્રીમાએ આ સ્તોત્રમાં વર્ણવેલ ‘સારદાં ભક્તિવિજ્ઞાનદાત્રીં’ પોતાના આ સ્વરૂપની જાણે કે મૂક સંમતિ આપી દીધી છે. સ્વામી અભેદાનંદજી કહેતા, ‘જે સીતા અને રાધારૂપે આવ્યાં હતાં, એ જ આ યુગમાં શ્રીમા શારદાના રૂપે પ્રગટ થયાં છે. શ્રીમા સરસ્વતી છે. તેઓ જ્ઞાન અને મુક્તિપ્રદાયિની છે.

Total Views: 84
By Published On: December 1, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram