માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને સંતુલિત સમન્વય થકી માનવજીવન સુખી અને સફળ બને છે. આ સમન્વયમાં આવતા વ્યવધાનને આપણે વ્યાધિ-રોગ તરીકે ઓળખીએ છીએ. શરીર, મન, બુદ્ધિ અને આત્મા એક જ અસ્તિત્વનાં સ્થૂળથી, સૂક્ષ્મથી, સૂક્ષ્મતમ સ્વરૂપ છે.

મનુષ્યનું મન અખૂટ શક્તિનો ભંડાર છે. શરીર અને મનનું સ્વાસ્થ્ય એકમેક પર નિર્ભર છે. દુર્બળ શરીર સશક્ત મન થકી જલ્દી સ્વસ્થ થઈ જાય છે. સ્વસ્થ મન શરીરને સ્વસ્થ રાખે છે અને સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે- આ બેઉ વાતોને પ્રમાણિત કરતાં અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણન છે કે સ્વજનોના મોહથી વિષાદ પામી ક્ષુબ્ધ થયેલ મનને કારણે અર્જુનનું શરીર પણ શિથિલ થઈ જાય છે અને ગાંડીવ ધનુષ હાથમાં ધાર્યું રહેતું નથી. શરીરનાં વ્યાધિ અને દુર્બળતા ક્યારેક મનને પણ અસ્વસ્થ કરી દે છે અને દુર્બળ, ભયગ્રસ્ત, શોકાતુર મન શરીરની રોગપ્રતિકારક શક્તિને ક્ષીણ કરે છે. આ હકીકતોને ઉજાગર કરતાં અનેક ઉદાહરણ હાલ જગતને સંકટગ્રસ્ત કરી રહેલી કોરોના મહામારી દરમ્યાન જોવા મળ્યાં છે.

સ્વસ્થ મન પ્રસન્ન અને શાંત હોય છે. ભય, ભ્રમ, વહેમ જેવા ક્લેશ સ્વસ્થ મનને પ્રભાવિત નથી કરતાં. વિચાર, કલ્પના અને ઇચ્છા દરેક મનમાં સ્વાભાવિક રીતે ઊપજે છે. સાથે જ મન સ્મૃતિ અથવા યાદોનો અખૂટ અને સતત ભરાતો રહેતો સંગ્રહ છે. સુખ અને દુ:ખ, પરિસ્થિતિ અને સ્મૃતિ પ્રત્યે મનની સહજ પ્રતિક્રિયાઓ છે. સુખની લાલસા અને દુ:ખનો ભય જ્યારે વિકૃત સ્વરૂપ ધારણ કરે, ત્યારે મન અસ્વસ્થ બને છે. આજના સમાજજીવનમાં વ્યાપ્ત વિષમતા અને આધુનિક જીવન શૈલીની વિડંબનાઓ માનમનને સતત વિષાદ અને અવસાદ તરફ ધકેલતાં નજરે પડે છે. સુખ-દુ:ખ અથવા આઘાત જ્યારે અસહ્ય બની જાય ત્યારે કેટલીક માનસિક વ્યાધિઓ ઊભી થતી હોય છે, જેમાં ઔષધિની સાથે સાથે અથવા અમુક સંજોગોમાં, ઔષધિ વગર પણ મનને સ્વસ્થ અને સશક્ત બનાવે એવી વૈકલ્પિક સારવાર દ્વારા સ્વાસ્થ્ય-લાભ થતો હોય છે. યોગ, એક્યુપ્રેશર, સુજોગ થેરાપી, એરોમા થેરાપી અને સંગીત તેમજ અન્ય કલાઓ દ્વારા અપાતી સારવાર આવી વૈકલ્પિક સારવાર પદ્ધતિનાં ઉદાહરણ છે. પાશ્ચાત્ય પદ્ધતિમાં વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ (એટલે કે પરામર્શન અથવા પરામર્શ દ્વારા સારવાર) પ્રચલિત છે. જ્યારે પરિવાર, મિત્ર- વર્તુળ, સ્નેહીજન …. બધાં જ કોઈ કારણસર મનની સમસ્યાઓ દૂર ના કરી શકે, અથવા દુર્ભાગ્યવશ જ્યારે ક્યારેક એવા પોતાના કહેવાતા લોકો / પોતાનાં કાર્યક્ષેત્રને પ્રભાવિત કરતા લોકો જ સમસ્યાઓનું કારણ બની જાય, ત્યારે તટસ્થ અને નિષ્ણાત કાઉન્સેલરની મદદ લાભદાયી થઈ શકે છે. પરંતુ જ્યારે પીડિત વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે એમ ન હોય, જેવું કે એમ્નેસિયા (યાદશક્તિ જતી રહેવી), ડિમેન્શિયા, એલ્ઝાયમર્સ ડિઝીઝ, ઓટિઝમ જેવા માનસિક / ચેતાતંત્ર સંબંધિત (ન્યૂરોલોજિકલ) રોગોમાં થાય છે, ત્યારે સંગીત થકી સારવાર ખૂબ લાભદાયી રહે છે. આ ઉપરાંત જ્યારે કોઈ (રોગી) -ને એંગ્ઝાયટિ ડિસ-ઓર્ડર (અતિશય ગભરાઈ જવું) થાય છે, જેમાં પેનિક, ફોબિયા (ભયનો અતિરેક), પોસ્ટ-ટ્રોમા સ્ટ્રેસ ડિસ-ઓર્ડર (ભયાનક અકસ્માત અથવા જીવલેણ બીમારીથી પીડિત રહ્યા હોવાને કારણે માનસિક તાણ-રોગથી પીડાવું) વગેરેનો સમાવેશ થાય છે, ત્યારે પણ સંગીત દ્વારા મન અને જ્ઞાનતંતુઓને શાંત કરી શકાય છે. USA જેવાં પાશ્ચાત્ય દેશોમાં કેન્સર જેવા અસાધ્ય રોગોથી પીડિત એવા રોગીઓ માટે, કે જેઓ છ મહિનાથી વધુ જીવે એવી શક્યતાઓ નહિવત્ હોય, સંગીત અને અન્ય વૈકલ્પિક સારવાર દ્વારા તેઓ જીવનનો શક્ય બને તેટલો સુખદ અંત પામે એવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેને હોસ્પાઇસ (hospice) કહેવામાં આવે છે. મરણોન્મુખ વ્યક્તિની પીડા અને સંતાપ ઓછો કરવાના આવા પ્રયાસ ખરેખર સરાહનીય છે.

ભારતીય સંસ્કૃતિ માનવજીવનને પરિપૂર્ણ અને સાર્થક બનાવવાનાં શોધ-કાર્યોની અનેકાનેક ગૌરવ-ગાથાઓથી સુવાસિત છે. જીવન કર્મ-જ્ઞાન-ભક્તિનો અનેરો ઉત્સવ બને એવું અદ્‌ભુત જીવનદર્શન ભારતભૂમિ પર પાંગર્યું અને પૂર્ણપણે વિકસિત થયું. ઉપચાર કરતાં નિવારણ ઉત્તમ (Prevention is better than cure), એ સિદ્ધાંત યોગ તથા આયુર્વેદના મૂળભૂત દર્શનમાં સમાહિત છે. તેથી પ્રકૃતિ સાથે સુમેળ રહે એવી જીવનશૈલી આપણે ત્યાં વિકસી, જેમાં વિજ્ઞાન અને કલાનો સુંદર સમન્વય થયો. સંગીતની વાત કરીએ તો પ્રેમ, લગ્ન, પારિવારિક જીવન, તેમજ સામાજિક સંબંધો, સંતાનના આગમનનો આનંદ, જન્મ, બાળપણ, યુવા અવસ્થા, દેશ-સમાજ પ્રત્યે ભાવના અને આદર્શ, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, વૈરાગ્ય, સંન્યાસ, મરણ, દરેક ઋતુ, તહેવાર અને પ્રસંગને આવરી લે, એમ જીવનની દરેક અવસ્થાની પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ભૂમિકા અને એમાં રહેલા ભાવો, સુખ-દુ:ખ, આનંદ, જ્ઞાન-બોધ-ટકોર, વગેરેને વર્ણવતી લોકસંગીત, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત રચનાઓ ભારતના દરેક પ્રદેશમાં પ્રચલિત છે. જીવનમાં સંગીતનો એટલો સહજ અને સુંદર સમાવેશ કરાયો છે કે નિરોગી અને સંતુલિત વિકાસ થતો રહે. મન અને ચૈતન્યને પરિષ્કૃત-સ્વસ્થ રાખી, ઉન્નતિ તરફ દોરે એવું કલાનું દર્શન અને પ્રચલન સમાજને સ્વસ્થ અને પ્રગતિશીલ બનાવે છે, અને એ જ્યાં સમસ્યા હોય, ત્યાં એનું સુયોગ્ય નિરાકરણ લાવવાને પણ સક્ષમ છે.

આપણે સંગીતને ધ્વનિની કળા તરીકે જાણીએ અને માણીએ છીએ, પણ આ એક ખૂબ સીમિત જાણકારી અને ઓળખ છે. વાસ્તવમાં, સંગીત સૃષ્ટિની મૂળભૂત ભાષા છે. સંશોધન પ્રમાણિત કરે છે કે ઉત્ક્રાંતિ અને સભ્યતાના વિકાસની પ્રક્રિયામાં સંગીતની ભૂમિકા સૃષ્ટિની મૂળભૂત ભાષાની રહી છે, વાણીની પુરોગામી અવસ્થા સ્વરૂપે. સંશોધન અનુસાર, મનુષ્યના કાનના ભીતરી ભાગમાં રહેલા સિલિયા તરીકે ઓળખાતા હજારો સૂક્ષ્મ વાળ મહદ્ અંશે ધ્વનિના ઊંચી કંપનસંખ્યા ધરાવતા સાંગીતિક ધ્વનિ તરંગો થકી જ આંદોલિત થાય છે. આથી પુરવાર થાય છે કે મૂળભૂત રીતે માનવજાતિ સંગીત થકી જ બોલ-ચાલનો વ્યવહાર કરવાને અભ્યસ્ત છે. હજી આજના આ માહિતી અને સંદેશ વ્યવહારની ક્રાંતિના યુગમાં પણ હિમાલયની તળેટીમાં (અને આધુનિક જગતથી અળગા રહેલા કેટલાક અન્ય પ્રદેશોમાં) વાસ કરતી અમુક પ્રજાતિઓમાં ભાષાનું અસ્તિત્વ નથી. એ લોકો ધ્વનિ અને લહેકા થકી જ વાતચીત કરે છે. માનવ ચેતાતંત્રની ગળાની ઉપરના ભાગે આવેલી તમામ નસો, જેમને ક્રેનિયલ નર્વ્સ કહેવામાં આવે છે, તે કાન સાથે જોડાએલી છે. સંગીત એ નસોને સક્રિય કરી ચેતાતંત્ર સંબંધિત સમસ્યાઓમાં કારગત સાબિત થાય છે.

કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાતને સમજીએ :

* હાલના કોરોના સંકટમાં રાજકોટમાં વસતા ૮૦ વર્ષીય તુલસીદાસભાઈને ૧૫ એપ્રિલના રોજ કોરોના થતાં તેઓનાં ફેફસાં ૫૦%થી વધુ પ્રભાવિત થયાં અને તેમની યાદદાસ્ત જતી રહી. તેઓ પરિવારજનોને પણ ઓળખી નહોતા શકતા. એમનાં દીકરી ભાનુબેને એમને રફીનાં ગીતો સંભળાવીને સાજા કર્યા, જે તેઓ પોતે પણ યુવાવસ્થામાં કાર્યક્રમોમાં રજૂ કરતા હતા (દિવ્ય ભાસ્કર, તા. ૩૧-૦૫-૨૦૨૧).

* રોઝ નામનાં એક વૃદ્ધા એલ્ઝાઇમરનો શિકાર બન્યાં. તેઓ એકાદ શબ્દથી વધારે બોલી શકતાં નહોતાં, તેમની આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિઓથી અજાણ રહેતાં અને તેમને પોતાની શારીરિક અવસ્થા અને આવશ્યકતાઓનું ભાન રહેતું નહીં. તેથી તેમને નર્સિંગ હોમમાં રાખવામાં આવ્યાં. એમના નર્સિંગ હોમમાં સમૂહમાં તેમજ વ્યક્તિગત રીતે મ્યુઝિક થેરાપી દ્વારા સારવાર અપાતી. સંગીત દ્વારા રોઝ અને એમની સાથે રહેતા એલ્ઝાઇમરના રોગીઓ પ્રફુલ્લિત અને હળવા રહેતા, જે એ લોકોને અસહાય અને એકલા થઈ ગયેલા જોઈને દુ:ખી થતા પરિવારજનો માટે રાહત અને ખુશીની વાત હતી.

* જો ઓલ્ટમેન નામના અમેરિકન નૌકાદળના પૂર્વસૈનિકને ડાયાબિટીસને લીધે ડિમેશિયા થઈ ગયો. એમના પરિવારે એલેસ્સેન્ડ્રો રિકીઇયારેલી નામક મ્યુઝિક થેરાપિસ્ટની મદદ લીધી. પોતાના જીવનના શેષ દિવસોમાં જો ઓલ્ટમેન માટે બહારની દુનિયા સાથે એક માત્ર સંપર્ક એલેસ્સેન્ડ્રો અને એ. બેઉનાં સંગીતવર્ગ જ હતો. પરિવાર માટે એ દરમ્યાન એ લોકોનું સંગીત સાંભળ્યું હોવાનો સંતોષ અને જોને સંભળાવવા માટે કરેલા બેઉનાં રેકોડિંગની સ્મૃતિઓ વડીલના અંતિમ દિવસોની મહામૂલી મૂડી રૂપે રહી.

* ઓટિઝમ એક એવો માનસિક રોગ છે જેમાં પૂરતા વિકાસના અભાવે બાળક વાતચીત કરી અભિવ્યક્તિ કરવામાં, સાથી બાળકો સાથે હળી-મળીને રમવામાં અને નિશાળે જઈ સામાન્ય અભ્યાસ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આવાં બાળકોને સંગીત દ્વારા શિક્ષણ આપી એમનો આત્મવિશ્વાસ વિકસાવી સ્વનિર્ભર બનાવવામાં આવે છે. સમૂહમાં સંગીત ગાતાં-વગાડતાં શીખવીને સમૂહમાં કાર્ય કરવાની ક્ષમતા વિકસિત કરવામાં આવે છે, જેથી તેઓ મોટાં થઈને વધુમાં વધુ સામાન્ય અને સુખી જીવન જીવી શકે છે. ટેમેરા નોરીસનો દીકરો વિલિયમ ઓટિઝમ હોવા છતાં, ૪ વર્ષની વયથી મ્યુઝિક થેરાપી દ્વારા સામાન્ય જીવન જીવવા સક્ષમ બન્યો, એવું અમેરિકન મ્યુઝિક થેરાપી એસોસીએશનને મળેલ એક પ્રમાણપત્ર સૂચવે છે.

ઉત્તરહિન્દુસ્તાની તેમજ કર્ણાટકી સંગીતમાં પ્રચલિત રાગો વિવિધ રોગોની સારવારમાં ઉપયોગી થાય છે. હિન્દુસ્તાની સંગીતના રાગોનાં ઉદાહરણ જોઈએ.
* રાગ પૂરીયા ધનાશ્રી મીઠી, ઊંડી, અને સ્થિર મનોદશા પ્રેરે છે. આ રાગ એસિડિટીની સારવારમાં ઉપયોગી છે.
* રાગ બાગેશ્રી સ્થિર, ઊંડી અને શાતાભરી મનોદશા પ્રેરે છે અને ડાયાબિટીસ તેમજ હાઇપર-ટેન્શનના દર્દીઓને રાહત અને સ્વાસ્થ્ય-લાભ આપે છે.
* રાગ દરબારી કાનડા તણાવને દૂર કરવામાં ઉપયોગી થાય છે. કહેવાય છે કે અકબરને તાણ-યુક્ત દિનચર્યાથી રાહત મળે એ માટે જ તાનસેને ખાસ આ રાગની રચના કરી હતી.
* રાગ તોડી અને રાગ આહીર ભૈરવ પણ ટેન્શન દૂર કરવાની અદ્‌ભુત ક્ષમતા ધરાવે છે.
કર્ણાટકી સંગીતના રાગોનાં ઉદાહરણ છે.
* રાગ ભૈરવી એંગ્ઝાયટિ, રક્તચાપ, ચર્મરોગ અને એલર્જીથી રાહત અપાવે છે.
* રાગ હંસધ્વનિને સર્વરોગહારિણી કહેવામાં આવે છે. આ રાગ ઊર્જા અને ચૈતન્ય પ્રદાન કરે છે.
* રાગ કોકીલમ પથરી થતી અટકાવે છે અને બળતરા, અનિદ્રા તેમજ એંગ્ઝાયટિને દૂર કરે છે.
* રાગ નીલંબરી અનિદ્રા મટાડે છે.

કલા મન અને ચૈતન્યનો આહાર છે. ભારતમાં કલા-સાધના થકી મોક્ષ-પ્રાપ્તિની પરંપરા રહી છે. સંગીત સાધનાને નાદ-યોગ કહેવામાં આવે છે. સંગીતના કર્ણપ્રિય ધ્વનિતરંગો કાનમાં ઘોળાઈને માનવમન અને ચેતનની અનંતતામાં ગુંજારવ કરે છે. સંગીત અસ્તિત્વની અનુભૂતિને ઊંડી, વિસ્તૃત અને સમૃદ્ધ બનાવે છે. સ્વસ્થ સમાજ એ કહેવાય કે જેમાં લોકો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે સક્ષમ હોય. એવા સમાજના નિર્માણમાં સારા સ્વાસ્થ્યને જાળવી રાખવું અને અસ્વસ્થતા સત્વરે દૂર થઈ શકે, એ બેઉ બાબતો આવશ્યક છે. આ બેઉ આવશ્યકતાઓને પૂરી કરવા, પહોંચી વળવા સંગીત જેવી દિવ્ય કલાની સશક્ત, અનિવાર્ય ભૂમિકા છે એ વાત પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકાય.

Total Views: 629

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.