જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ કહ્યું, ‘દીકરા, તારા હાથ અને હોઠ અટકી જશે અને તારું મન એકલું રટ્યા કરશે. આખરે તારું મન જ તારો ગુરુ થશે.’
એક વાર વારાણસીમાં પૂજ્ય માનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો. તે દિવસે પોતાના કોઈ સગાના મૃત્યુનું સ્મરણ કરીને સ્વામી કેશવાનંદનાં મા રોતાં હતાં. એ જોઈ મા બોલ્યાં, ‘શરમા, શરમા! આજના દિવસે રડવાનું! આજ તો આનંદનો દિવસ છે.’
કોઆલપાડામાં રથયાત્રાને દિવસે મારા એક ગુરુભાઈએ માને કહ્યું, ‘મા, મારું મન ચંચળ છે. કોઈ રીતેય હું એને સ્થિર નથી કરી શકતો.’ માએ જવાબ આપ્યો, ‘આંધી વાદળોને હટાવી દે તેમ એમના પાવક નામથી સાંસારિકતાનું વાદળ હટી જશે.’
તે દિવસે મારા મનની નિર્બળતાની વાત મેં માને કહી. એમણે ઉત્તર આપ્યો, ‘વાસનાથી કોઈ તદ્દન મુક્ત થઈ શકે એમ તું માને છે? દેહ રહે ત્યાં સુધી એક યા બીજા રૂપમાં એ રહે જ. પણ હું તને કહું કે મંત્રેલા સાપ જેવી એ થઈ જશે.’
એક વાર કહે, ‘શા માટે ડરવું? હંમેશાં યાદ રાખો કે તમારી પાછળ એક વ્યક્તિ છે.’ એમણે આગળ કહ્યું, ‘ જ્યાં સુધી આ (અર્થાત્, પોતાનું) શરીર છે, ત્યાં સુધી તમારા દિવસ આનંદથી પસાર કરો.’
એક વાર, વાતચીત દરમિયાન, માએ કહ્યું, ‘ઘાસ અને વાંસ સિવાય દરેકે અહીં આવવું પડશે.’ મારી સમજ પ્રમાણે, એનો અર્થ એ છે કે સાવ નમાલા હશે તે જ બાકી રહેશે, તેમને બાદ કરતાં સૌ શ્રીરામકૃષ્ણના વિચારો સ્વીકારશે. આવી જ વાત માએ સ્વામી કેશવાનંદને અને સ્વામી વિદ્યાનંદને કરી હતી.
એક મહિલા ભક્તે માને પૂછ્યું, ‘મા, ઘણા લોકો શિવપૂજન કરે છે. અમે પણ એમ કરી શકીએ ખરાં?’ જવાબમાં મા બોલ્યાં, ‘દુર્ગા, કાલી અને બીજાઓની પૂજા મેં તને આપેલા મંત્ર વડે કરી શકાય. પણ કોઈ ઇચ્છે તો એ ચોક્કસ પૂજાવિધિ શીખીને કરી શકે. તારે એની જરૂર નથી; તને એ બોજારૂપ થશે.’
શ્રીરામકૃષ્ણને ધરાવવાના પ્રસાદ બાબત કોઈએ એક વાર માને કહ્યું, ‘મા, નૈવેદ્ય ધરાવવાનો કોઈ મંત્ર હું જાણતી નથી.’ એટલે મા કહે, ‘ભક્તિમાં એટલા બધા ઉપચારની જરૂર નથી. ઇષ્ટમંત્ર વડે બધું જ કરી શકાય.’
(શ્રીમાતૃચરણે પુસ્તકમાંથી)
Your Content Goes Here