છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી નહીં. એક દલાલે એક મહિના પહેલાં પૈસા માગ્યા હતા પરંતુ પછીથી ના કહ્યું. કોઈએ કહ્યું ‘જો કોઈને ગીર ગાય લેવી હોય તો તે રાજકોટ- જુનાગઢમાં મળી શકે છે.’

રાજકોટ આશ્રમના શ્રી જગન્નાથ મહારાજ પરિચિત હતા. તેમની સાથે વાત કરી. અગિયાર કલાકની મુસાફરી પછી, અમે ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ અમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પહોંચ્યાં. બીજા દિવસે સવારે શ્રીરામકૃષ્ણ આશ્રમના બે ભક્ત શ્રી જયેશભાઈ અને શ્રી ભરતભાઈ અમારી સાથે ગાય બતાવવા આવ્યા. અમે હરિકૃપા ગોશાળામાં ગાયો જોવા ગયા. અચાનક વરસાદ શરૂ થયો અને હું ત્યાં બાજુમાં ખુરશી પર બેસી ગઈ. ગૌશાળાના માલિક શ્રી લક્ષ્મણભાઈ વાત કરવા આવ્યા. મેં તેમને અમારા લેપા ક્ષેત્રમાં અમારા સંગઠનના કાર્ય વિશેની માહિતી આપી.

પરંતુ તેઓ બીજી જ રીતે વિચારતા હશે. તેમણે મને કહ્યું, ‘અમારી ગૌશાળાની પાછળ એક કબાડીની દુકાન છે. તેઓ મેટલ સ્ક્રેપનો વેપાર પણ કરે છે. તેમની પાસે પિત્તળની બે મૂર્તિઓ છે. ન તો તે દુકાનદારને કે ન તો કોઈને ખબર છે કે તે મૂર્તિઓનો માલિક કોણ છે. તેમાંની એક કદાચ શ્રી રાધામાતાની મૂર્તિ હશે. શું તમે તે મૂર્તિઓ જોવા માગો છો?’ બે-ત્રણ વાર તેમણે તે મૂર્તિઓ બતાવવાની જિદ્દ કરી.

અમે એક ગાય ખરીદવા ગયા હતા અને તે મને કબાડીની દુકાને જવાનું કહી રહ્યો હતો. આજ સુધી હું ક્યારેય કોઈ કબાડીની દુકાનમાં ગઈ ન હતી. તેમના આગ્રહથી હું મારા સહાયક – દિગ્વિજય, ગોલૂ, શિવમ્ અને અમારા બંને માર્ગદર્શક ત્યાં ગયા. દરવાજાની પાછળ ઘણો બધો ભંગારનો સામાન હતો. બાજુમાં જ શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીની પિત્તળની ખૂબ જ સુંદર મૂર્તિઓ હતી, જે સવા બે ફૂટની, બેઠેલ સ્થિતિમાં હતી. ખૂબ જ સુંદર મૂર્તિઓ છે. મૂર્તિ પર ધૂળ જામી હતી, બન્ને મૂર્તિ કાળી પડી ગઈ હતી. જ્યારે મેં શ્રીમા શારદા અને શ્રીઠાકુર આવી સ્થિતિમાં જોયાં ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયાં. આ કબાડીની દુકાન પર આટલી સુંદર મૂર્તિ કેવી રીતે આવી?

જ્યારે મેં દુકાનદારને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, ‘ત્રણ વર્ષ પહેલાં, આ મૂર્તિઓ વિદેશથી જહાજ દ્વારા ગુજરાતની જામનગર બંદરે ભંગારના સામાનમાં આવી હતી. અમે તે સામાન ખરીદ્યો ત્યારથી તે મૂર્તિઓ અહીં છે.’ મેં દુકાનદારને પૂછ્યું, ‘હું મૂર્તિ ખરીદવા માગું છું. શું તમે મને આપશો?’ દુકાનદારે જવાબ આપ્યો, ‘પિત્તળના ભંગારના ભાવે આપીશ- જોખવી પડશે.’ તેના એ શબ્દો ‘ભંગારના ભાવે’ સાંભળી મને ખૂબ દુઃખ થયું. તેણે બન્ને મૂર્તિઓનું વજન કર્યું- ૧૦૨ કિલો થયું.

ગાય ખરીદવા માટે અમારી પાસે થોડાક જ રૂપિયા હતા. એટલે સમિતિના સભ્યોને પૂછ્યા સિવાય આટલો મોટો ખર્ચ કઈ રીતે કરી શકાય? મારા મનમાં વિચાર આવ્યો, ‘સમિતિ વળી શું? ‘હું’ ‘મારું’ પેન્શન મૂર્તિઓ ખરીદવામાં વાપરીશ. અત્યારે ગાય ખરીદવા માટે જે પૈસા છે તેમાંથી આ મૂર્તિઓ ખરીદીશ. રસ્તામાં એટીએમ પરથી પૈસા મેળવી લઈશ.’ મને એક પળ માટે ‘મારા પોતાના’ પૈસા યાદ આવ્યા. જો કે ઠાકુર પોતાના ભક્તોનું ‘હું – મારું’ આસાનીથી દૂર કરી દે છેે. અમે બે-ચાર સ્થળે ગાય જોવા જઈ રહ્યા હતા. રસ્તામાં અમે એક હોટેલમાં ચા પીવા માટે રોકાયા. વરસાદ હોવાથી હું ગાડીમાં જ બેસી રહી. અમારા કાર્યકર અને માર્ગદર્શક હોટલમાં ચા પીવા ગયા. હોટલ માલિકની સાથે વાતચિત દરમિયાન નર્મદાલયના કાર્ય વિશે વાતચીત થઈ. તેમણે દિગ્વિજયને કહ્યું, ‘મારી ગૌશાળા પાસે જ છે ચાલો, ત્યાં ગાય જોઈ આવીએ! જો કે હું ગાય વેચતો નથી.’ મંડળી ગૌશાળા જોવા ગઈ. કોણ જાણે કે ગૌશાળાના માલિકે શું વિચાર્યું હશે? તેમણે કહ્યું, ‘હું નર્મદાલયના બાળકો માટે એક ગાયનું દાન કરવા માગું છું.’ જ્યારે દિગ્વિજયે મને આ વાત કહી ત્યારે મારી આંખો ફરી ભરાઈ આવી. અપરિચિત ક્ષેત્રમાં આવું દાન કોણ કરે? ગાય ખરીદવા માટેના પૈસાથી મૂર્તિઓ ખરીદાઈ, શું ઠાકુર એટલા માટે જ આ બધી લીલા રચી રહ્યા છે? અથવા તો આ મારો ‘અહં’ છોડાવવા માટે આ બધું કરી રહ્યા હતા? રાજકોટની અમારી યાત્રાનો હેતુ ખરેખર શો હતો? માત્ર ગાય ખરીદીનો કે શ્રીઠાકુર અને શ્રીમાની પ્રાપ્તિ? કે પછી આ મૂર્તિઓ નર્મદાલય આવવા ઇચ્છતી હતી?

આ બધું સમજણથી પર છે….!

Total Views: 417

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.