ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન થવી), તિતિક્ષા (સર્વ પ્રકારનાં દુ:ખોમાં સહનશીલતા), શ્રદ્ધા (ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ), અને સમાધાન (ઇષ્ટ દેવતામાં ચિત્તને પરોવવું).

સાધના કરતાં જે કાંઈ દિવ્ય દર્શનો કે અનુભવો થાય તે પોતાના ગુરુ સિવાય બીજા કોઈને કહેવાં નહિ. એ તમારી આધ્‍યાત્મિક સંપત્તિ, તમારી અંતરની વિચારધારા, તમારા અંતરમાં જ ગુપ્ત રાખજો. બીજા પાસે એ બોલતા ફરતા નહિ. એ તમારું પોતાનું ગુપ્ત પવિત્ર ધન, એક માત્ર ભગવાનની સાથે એકાંતમાં ઉપભોગની વસ્તુ.

તે જ પ્રમાણે વળી તમારા દોષો, ત્રુટિઓ અને અનાચારના પ્રસંગો બીજાઓની પાસે બોલતા ફરતા નહિ; તેમ કરવાથી તમારું આત્મ-સન્માન ખોશો અને બીજાઓની સામે નીચા થઈને રહેવું પડશે. પોતાના દોષો, પોતાની દુર્બળતા ભગવાનને જણાવજો અને તેની પાસે પ્રાર્થના કરજો કે, ‘હે પ્રભુ! એ સુધારવાની શક્તિ આપજો.’

ધ્‍યાન કરવા બેસો ત્યારે પ્રથમ તો થોડી વાર સ્થિર બેસીને મન જ્યાં જાય ત્યાં જવા દો. એ વખતે તમારે ધારવું કે હું માત્ર દ્રષ્ટા, સાક્ષી છું. બેઠાં બેઠાં મનની દોડાદોડ, સંતાકૂકડી જોયા કરો. સાથે વિચાર કરો કે, ‘હું દેહ નથી, ઇંદ્રિયો નથી, મન નથી, હું મનથી સંપૂર્ણપણે અલગ છું, મન પણ જડ—જડની એક સૂક્ષ્મ અવસ્થા છે. હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ. જ્યારે પણ કોઈ ખોટો વિચાર મનમાં આવે, કે તરત એને બળપૂર્વક દાબી દેવાનો પ્રયાસ કરવો.

સાધારણ રીતે, આરામ લેતી વખતે ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળે. કામકાજ કરતી વખતે જમણા નસકોરેથી અને ધ્‍યાન કરતી વખતે બેઉ નસકોરેથી શ્વાસ ચાલે. જ્યારે શરીર, મન શાંત થતાં આવે અને બેઉ નસકોરામાંથી સમાનભાવે શ્વાસ નીકળે, ત્યારે સમજવું કે બરાબર ધ્‍યાનને અનુકૂળ અવસ્થા થઈ છે. પરંતુ આ માટે શ્વાસ ઉપર જ બહુ દૃષ્ટિ રાખતા નહિ, અથવા આને જ ધોરણ માની લઈને કામકાજની વ્યવસ્થા ન ગોઠવવી.

Total Views: 410

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.