સૂક્ષ્મ વાસનાઓ:

ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા આચરણમાં અધિક સાવધાન નહીં હોઈએ, તો તે કોઈ દિવસે ઊઠશે અને સારી રીતે અંકુરિત થઈને ઘણી જ સમસ્યા પેદા કરશે. ભગવદ્‌ -સાક્ષાત્કારના પહેલાં સુધી, વધારે પડતો સંયમ ભલે રાખવામાં આવ્યો હોય, પણ વાસનાઓ અને પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે નષ્ટ થતી નથી. તે ફક્ત નિરુદ્ધ રહે છે. આથી સાક્ષાત્કારના પહેલાં આપણે ક્યારેય સુરક્ષિત હોતા નથી, અને જો આપણે આપણા સમગ્ર આચરણ તથા લોકોની સાથે સંબંધ અને વ્યવહારમાં વધુ સાવધાની ન રાખીએ તો આપણે એક દિવસ જરૂર લપસી જઈશું. મહાન સંયમી હોવા છતાં પણ ભક્તે ક્યારેય વધારે સાહસિક ન બનવું જોઈએ. અને આવી વ્યક્તિને માટે પણ આચરણનું એક વિધાનપાલન કરવાને માટે નિયમ હોવા જોઈએ, જેનાથી તે અસાવધાનીઓ અથવા ખરાબ સંગને કારણે કોઈ બુરાઈથી પતિત બની ન જાય.

ભગવદ્‌ગીતામાં કહેવામાં આવ્યું છે, રસ સહેલાઈથી છૂટતો નથી. (ભગવદ્‌ગીતા, ૨.૫૯) અને ખરેખર, મહાનતમ સંયમી પુરુષમાં પણ ઇન્દ્રિયવિષયોનો રસ બીજના રૂપમાં, પ્રત્યક્ષ અતીન્દ્રિય અનુભૂતિની જ્વાળામાં પૂરી રીતે ભસ્મ ન થાય ત્યાં સુધી પડેલો રહે છે. એના પછી વાસનાની પ્રતીતિ જેવું હોય છે, પણ બળેલી દોરડીની જેમ વધારે બંધનનું કારણ બનતી નથી. આવા પુરુષની ચેતનામાં વિદ્યમાન ભાવ અને વિચાર સંપૂર્ણ પરિવર્તિત થઈ ગયેલાં હોય છે અને તે વાસનાઓથી વધારે પ્રભાવિત થતો નથી.

એ જાણતા હોવા છતાં કે બીજ ફરીથી અંકુરિત થઈ શકે છે. આપણે હતોત્સાહ બનવું જોઈએ નહીં. એનાથી આપણને આપણા કાર્યની વિશાળતાનો બોધ થવો જોઈએ. આપણે આપણી જાતને કહેવું જોઈએઃ કાર્ય એટલું કઠિન છે, આથી મારામાં વધારેમાં વધારે નિશ્ચય, એકનિષ્ઠા અને સજાગતા હોવાં જોઈએ. આપણે મુશ્કેલીને ન તો વધારવી જોઈએ અને ન તો ઓછી કરવી જોઈએ. યથાર્થવાદી બનો અને પોતાના પ્રત્યે કઠોર બનો.

ક્યારેક સ્વપ્નમાં અચાનક આપણને એક ભયાનક ચિત્ર જોવા મળે છે, જે મનની કોઈ તિરાડમાં આટલા સમય સુધી છુપાયેલું પડ્યું હતું. ક્યારેક ધ્યાનના સમયે બિભત્સ રૂપ આવે છે અને મનમાં ઊઠીને આપણને ભયભીત કરી દે છે. આપણા મનના ઊંડાણમાં એટલી ગંદકી અને કચરો છે તથા એ કોઈક દિવસે ઊભરાશે, સપાટી ઉપર આવશે અને આપણને નીચેની તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. આપણે એનાથી નિરાશ ન થવું જોઈએ, પણ આપણે એનો સહજતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ, અને પોતાની સાધના કરતું રહેવું જોઈએ. મહાન સંયમી વ્યક્તિ, જેને હજુ સુધી ઉચ્ચતમ અનુભૂતિ થઈ નથી, એણે પણ સદા સાવધાન રહેવું જોઈએ, કેમ કે કોઈ અસાવધાનીપૂર્વક કરવામાં આવેલ સંગ દ્વારા, કોઈ શબ્દ અથવા દૃશ્યના દ્વારા સૂક્ષ્મતમ રૂપમાં સમસ્યા કોઈ પણ ક્ષણે પેદા થઈ શકે છે. હંમેશાં સાવધાન અને સજાગ રહો. આપણે મોટા ભાગે સર્વપ્રથમ અત્યંત સૂક્ષ્મરૂપે પ્રભાવિત થઈએ છીએ, પછી એ વધતું જ જાય છે. મોટું થઈને વિશાળ આકાર ધારણ કરી લે છે અને અંતમાં આપણે તણાઈ જઈએ છીએ. આમ કોઈ પણ ક્ષણે, જ્યારે આપણે સમુચિત સાવધાન અને સજાગ ન હોઈએ, ત્યારે બની શકે છે.

ખરેખરી સાવધાન અને પૂર્ણ સજાગ વ્યક્તિ સૂક્ષ્મતમ વાસનાઓના ઊઠતા એક નાના અંશ પર પણ નજર રાખે છે અને માનસિક સ્તર પર એને પૂર્ણરૂપે ઊભી ન થવા દઈને, એને કારણાવસ્થામાં જ નષ્ટ કરી દે છે. આપણે બધાએ વાસનાઓને એની કારણાવસ્થામાં જ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ આપણે ખરેખર સજાગ અને વિવેકી બન્યા વિના કરી શકીએ નહીં. વાસ્તવમાં સજાગ હોવાથી ખતરાને એની કારણાવસ્થામાં ઓળખીને આપણે એને ત્યાં જ નષ્ટ કરી શકીશું. તીવ્ર ભગવદ્‌ ભક્તિ હોવાથી તથા ભગવાનનું નિરંતર સ્મરણ કરવાથી જ આમ શક્ય છે. આવું કરવાથી આપણું મન પૂર્ણરૂપે સજાગ બની જાય છે. શ્રીરામકૃષ્ણનાં દિવ્ય સહધર્મિણી પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા શારદાદેવી કહેતાં હતાં, ‘જે વ્યક્તિ નિરંતર ઇષ્ટનું ચિંતન કરતી હોય, એની પાસે અનિષ્ટ કેવી રીતે આવી શકે?’

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.