ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ સાંપ્રદાયિક મતવાદમાં વિશ્વાસ રાખીને એના દ્વારા અનુમોદિત કર્મકાંડનું અનુષ્ઠાન કરતા રહે.
પરંતુ હિંદુઓના ‘ધર્મ’ શબ્દનું તાત્પર્ય આનાથી ક્યાંય અધિક ગંભીર તથા વ્યાપક છે. સંસ્કૃત ભાષાની ‘ધૃ’ ધાતુમાંથી બનેલ ધર્મ શબ્દનો અર્થ થાય છે—જે ધારણ કરી રાખે. વિશ્વની પ્રત્યેક વસ્તુનો પોતાનો એક ધર્મ છે કારણ કે પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ નિશ્ચિત રૂપથી કોઈ ને કોઈ બીજી વસ્તુ ઉપર આધારિત હોય છે. આનાથી સહજ જ સમજી શકાય છે કે બધી વસ્તુઓનું અસ્તિત્વ એના મૂળ સ્વભાવ પર નિર્ભર કરે છે કેમ કે મૂળ સ્વભાવને હટાવી દેવાથી એ વસ્તુના અસ્તિત્વનો જ લોપ થઈ જાય છે. આ કારણે વસ્તુના મૂળ સ્વભાવને જ એનો ધર્મ કહેવામાં આવે છે. જેમ કે અગ્નિનો ધર્મ છે એની દઝાડવાની શક્તિ અને જડ વસ્તુનો ધર્મ છે એનું સ્થાયીપણું. આ રીતે મનુષ્યનો પણ એક સ્વભાવ છે, જે એને વિશ્વના બીજા પદાર્થાે તથા પ્રાણીઓથી અલગ કરે છે. મનુષ્યનો આ મૂળ સ્વભાવ જ એનો ધર્મ અર્થાત્ માનવ-ધર્મ છે. સવાલ ઊઠે છે કે મનુષ્યનો મૂળ સ્વભાવ શું છે? હિંદુઓના મત પ્રમાણે મનુષ્યોમાં ઈશ્વરીય ભાવથી પરિપૂર્ણ થઈ જવાની એક અસાધારણ ક્ષમતા છે. પોતાની આ ક્ષમતાને કારણે મનુષ્ય અન્ય પ્રાણીઓથી અલગ હોવાનો દાવો રાખે છે અને આ કારણે એની આ વિશેષ ક્ષમતા જ માનવ-ધર્મ છે.
મનુષ્યના હૃદયમાં દેવત્વ છુપાયેલું છે, આથી એનું આ રૂપાંતર સહજ જ સંભવ છે. હિંદુ ધર્મ કહે છે કે ઈશ્વર સર્વત્ર વિરાજમાન છે. (ઈશાવાસ્ય ઉપનિષદ-૧) તેઓ આપણા હૃદયમાં પણ છે. (ગીતા- ૧૮.૬૧) સ્વરૂપતઃ તો આપણે ઈશ્વરથી અભિન્ન છીએ પરંતુ આપણું આ સ્વરૂપ હૃદયની ભીતરમાં છુપાયેલું રહે છે. મનના શુદ્ધ ન થવા સુધી આપણને એનો અનુભવ થતો નથી. જેવી રીતે બલ્બ ઉપર ધૂળનો થર જામી જવાથી એની અંદરનો પ્રકાશ દેખાતો નથી, બરાબર એ જ પ્રમાણે મનના મલીન રહેવાથી દિવ્ય-જ્યોતિ દેખાતી નથી- જો કે ઈશ્વર હંમેશાં જ આપણી અંદર-બહાર વ્યાપી રહેલા છે. આથી જેમ પ્રકાશ મેળવવાને માટે બલ્બના કાચને સાફ કરવો જરૂરી છે, બરાબર એ જ રીતે હૃદય-દેવતાને પ્રગટ કરવાને માટે મનને શુદ્ધ કરવું પડે છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, સ્વાર્થીપણું વગેરે માલિનતાઓ જ આપણા અંતર્નિહિત દેવત્વ પરનું આવરણ છે. જ્યાં સુધી મન એના વશમાં રહે છે, ત્યાં સુધી દરેક પગલે આપણી ભૂલો થતી રહે છે અને ઘણી વાર તો આપણું આચરણ પશુઓ જેવું થઈ જાય છે. આ માનસિક દુર્બળતાઓ આપણા દુઃખના ભારને અસહ્ય બનાવી દે છે તથા આપણાં સગાં-સંબંધીઓ અને પાડોશીઓમાંથી અનેકોના મનમાં અશાંતિ પેદા કરે છે.
મનની આ મલિનતાને કારણે પોતાની સહજ અવસ્થામાં આપણે લગભગ પશુની સમાન જ આચરણ કરીએ છીએ. છતાં આપણે લોકો પશુ નથી, કારણ કે આપણામાં ઈશ્વર તરફ આગળ વધવાની ક્ષમતા છે, જે પશુઓમાં નથી. મનની બધી મલિનતાને દૂર કરીને આપણી દિવ્યતાને પ્રકટ કરવાની શક્તિ લઈને મનુષ્ય જન્મ લે છે. આ જ આપણો માનવ-ધર્મ છે. જે લોકો આ માનવ-ધર્મની અવહેલના કરીને કામ-ક્રોધ વગેરેમાં નિમગ્ન રહેવાનું ઇચ્છે છે, તેઓ હજુ પણ મનુષ્ય બની શક્યા નથી- તેઓ હજુ પણ મનુષ્યના રૂપમાં પશુ જ છે, પરંતુ જે લોકો મનને સંપૂર્ણપણે શુદ્ધ-નિર્મળ કરીને એમાં અંતર્નિહિત દેવત્વને પ્રગટ કરે છે, તેઓ જ યથાર્થ મનુષ્ય કે પૂર્ણ માનવ છે.
ખરેખર તો રસ્તો ઘણો લાંબો અને લક્ષ્ય બહુ જ દૂર છે. પ્રચ્છન્ન દેવત્વની પૂર્ણ અભિવ્યક્તિ સહેલાઈથી થતી નથી. એક પગલું ચાલીને પૂરો માર્ગ પાર કરી શકાતો નથી. છતાં પણ એ નક્કી છે કે ધર્મ-પથ પર થોડાક આગળ વધતાં એનાં સારાં પરિણામોનું જ્ઞાન થવા લાગે છે. મનની પવિત્રતા વધવાની સાથે ને સાથે આપણામાં જ્ઞાન, શક્તિ તથા આનંદનું સ્ફુરણ થવા લાગે છે. આ આધ્યાત્મિક ઉન્નતિનો જરા સરીખો સ્વાદ મળતાં જ આપણે હજુ વધારે જ્ઞાન, શક્તિ તથા આનંદ મેળવવાને માટે વ્યગ્ર બની જઈએ છીએ.
કેટલાય જન્મો સુધી આ રીતે ચાલતાં ચાલતાં જ્યારે મન પૂર્ણ પણે શુદ્ધ થઈ જાય છે, ત્યારે વ્યક્તિને ભગવાનનાં દર્શન તથા સ્પર્શ થાય છે તથા એમની સાથે વાતચીત થાય છે. ત્યાં સુધી કે એમની સાથે એકત્વનો બોધ પણ થઈ શકે છે. ખરેખર ત્યારે મનુષ્યને પૂર્ણતાની ઉપલબ્ધિ થાય છે, કારણ કે દિવ્યતા અત્યાર સુધી એનામાં પ્રચ્છન્ન હતી, તે હવે પૂર્ણ રૂપે વ્યક્ત થઈ ઊઠે છે.
જે લોકો સાચેસાચ ઈશ્વરને મેળવી લે છે, તેઓ એમના જ જેવા બની જાય છે. તેઓ પ્રેમ,આનંદ, શક્તિ તથા જ્ઞાનથી પરિપૂર્ણ થઈ જાય છે. તેઓ જડ પ્રકૃતિથી ઉપર ઊઠીને સંપૂર્ણ મુક્ત બની જાય છે. ત્યારે તેઓ ન તો કોઈ વસ્તુથી બંધાય છે અને ન તો વિચલિત થાય છે. કોઈ પણ વિઘ્ન એમના મનની અવિરામ શાંતિનો ભંગ કરી શકતું નથી. એમના માટે અભાવ, દુઃખ, ભય, દ્વન્દ્વ અથવા ક્ષોભનું કોઈ કારણ રહી જતું નથી. એમના મુખ-મંડલ ઉપર હંમેશ દિવ્ય આનંદની આભા વિરાજે છે અને એમના આચાર-વ્યવહારનું અલૌકિક માધુર્ય જોઈને એમને દેવ-માનવના રૂપમાં ઓળખવામાં વાર લાગતી નથી. એમના પૂર્ણ નિસ્વાર્થ હૃદયમાંથી બધાને માટે સમાન રૂપે પ્રેમ પ્રવાહિત થતો રહે છે. જે પણ કોઈ આવા મહાપુરુષના સંપર્કમાં આવે છે, એના હૃદયમાં શક્તિ, પવિત્રતા તથા શાંતિનો સંચાર થઈ જાય છે. વસ્તુતઃ આવા મહાપુરુષોને જ ‘માનવ-જીવનની પૂર્ણતા પ્રાપ્ત’ કહેવામાં આવે છે. આવા લોકોને જ ‘સાચા ધાર્મિક’ અથવા ‘પૂર્ણ માનવ’ કહે છે.
વિભિન્ન યુગો તથા વિભિન્ન દેશોમાં આવા અનેક ઈશ્વર-દ્રષ્ટા દેવ-માનવોનો આવિર્ભાવ થયો છે. તે લોકો જ માનવ-સમાજનાં રત્નો છે. હૃદયની પૂર્ણતાના આવેગમાં તે લોકો પોતપોતાના જીવનની અનુભૂતિઓનો પ્રચાર કરી ગયા છે. જે રસ્તા પર ચાલીને એમને ભગવાનનાં દર્શન થયાં હતાં, એ રસ્તાનું વિવરણ તેઓ પોતાના અનુયાયીઓને આપી ગયા. એમનાં આ ઉપદેશોના આધાર પર જ સંસારના મોટાભાગના ધર્માેનું ગઠન થયું છે.
Your Content Goes Here