(શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ તેઓ વ્યવહારુ પણ હતા. સ્વામી ગંભીરાનંદ દ્વારા લિખિત શ્રીમાના જીવનચરિતમાંથી કેટલાક ઉદાહરણ અમે આપીએ છીએ. -સં)

કર્તવ્ય ને પ્રસંગ પ્રમાણે માતાજી રૂઢિ-રિવાજો ને જૂની ટેવો છોડી દઈ નિર્ભયતાપૂર્વક આવી પડેલ કામ સંભાળી લેવામાં કેટલાં સમર્થ હતાં તેનાં અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. આ રીતે જૂની ટેવો વગેરેમાં ફેરફાર કરવાનું ઘણી વાર ઠાકુરના ઉપદેશને પરિણામે થતું, તો કેટલીક વાર માતાજી પોતાની મેળે જ જરૂર પ્રમાણે પરિવર્તન કરતાં; કારણ કે, શ્રીરામકૃષ્ણ પ્રસન્ન રહે એ જ એમના જીવનનો ઉદ્દેશ હતો. પણ અહીં યાદ રાખવું જોઈએ કે આ બધી વાતો સામાન્ય લોકાચાર પૂરતી જ હતી. મૌલિક ભાવરાજ્યમાં તો એ બન્ને હૃદયો એકસરખો તાલ આપતાં; જેને લીધે એકબીજાથી તદ્દન સ્વતંત્ર હોવા છતાં પણ તેઓ એક જ મીઠો સૂર રેલાવતાં. આ ક્ષેત્રમાં માતાજીને પ્રસન્ન કરવાની જરૂર ન રહેતી અને શ્રીરામકૃષ્ણને કંઈ કહેવાપણું રહેતું નહીં. આ બાબતમાં અમુક અંશે ઉપર કહેવામાં આવ્યું છે. હવે એ વિષે વધુ ચર્ચા કરીશું.

કોલકાતાથી થોડે દૂર ગંગાને કિનારે આવેલા પાણિહાટિમાં દર વર્ષે મે-જૂન મહિનામાં વૈષ્ણવોનો દંડ મહોત્સવ યોજાતો. અંગ્રેજી ભણેલા યુવકો ઠાકુર પાસે આવવા માંડ્યા તે પહેલાં અનેક વાર તેઓ આ ઉત્સવમાં ગયા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષાેથી ત્યાં જવાનું બન્યું ન હતું. ૧૮૯૫નો આ ઉત્સવ નજીક આવતો હતો. તે વર્ષે ઠાકુરે પોતાના યુવક શિષ્યોને કહ્યું: ‘આ ઉત્સવમાં દિવ્ય આનંદનો મેળો ભરાશે, ને હરિનામનું બજાર ભરાશે. તમે સૌ બંગાળી નવયુવાનોએ તો કોઈ દિવસ આવો ઉત્સવ જોયો નહીં હોય. ચાલો, આપણે બધાં જ ત્યાં જઈએ ને જોઈએ.’ તેથી ઉત્સવને દિવસે બે હોડીઓ ભાડે કરી લગભગ પચીસ ભક્તો સવારે નવ વાગ્યે દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. ઓવારા ઉપર ઠાકુર માટે ત્રીજી હોડી નાંગરેલી હતી. વહેલી સવારે કેટલીક સ્ત્રીભક્તો દક્ષિણેશ્વર આવી માતાજી સાથે સૌને માટે ભોજન તૈયાર કરતી હતી. ઠાકુરે જમી લીધા પછી માતાજીએ એક સ્ત્રીભક્તને એમની પાસે મોકલી પુછાવ્યું કેઃ ‘શું એમની સાથે પોતે જઈ શકશે?’ ઉત્તરમાં ઠાકુર બોલ્યાઃ ‘તમે તો બધાં જાઓ છો. એમની ઇચ્છા હોય તો ભલે આવે.’ એ સાંભળી માતાજી બોલ્યાંઃ ‘ઘણા લોકો સાથે જાય છે. ત્યાં પણ ખૂબ ભીડ જામશે. આટલી ભીડમાં મારાથી હોડીમાંથી ઊતરીને ઉત્સવ જોવાનું મુશ્કેલ થશે એટલે હું નથી આવતી.’ એમની રજા લઈ બીજી સ્ત્રીભક્તો ઠાકુરની હોડીમાં બેસી ઉત્સવ જોવા રવાના થઈ. ઉત્સવમાં ભક્તો સાથે ભજન-કીર્તન કરી, સૌની સાથે ઠાકુર રાત્રે સાડા આઠ વાગ્યે દક્ષિણેશ્વર પાછા ફર્યા. સ્ત્રીભક્તોએ માતાજી જોડે જ રાત ગાળી અને બીજે દિવસે દક્ષિણેશ્વરના મંદિરના સ્થાપનાદિનનો ઉત્સવ હોવાથી તે જોયા પછી જ કોલકાતા પાછા ફરવાનું નક્કી કર્યું. પાણિહાટિના ઉત્સવમાં માતાજી ન ગયાં એનો ઉલ્લેખ કરીને રાતે ભોજન કરતાં ઠાકુર બોલ્યાઃ ‘એ સાથે ન આવ્યાં તે સારું કર્યું. મને વારંવાર ભાવસમાધિ આવી જતી; તેને લીધે એ મોટા જનસમુદાયના લોકો મારી સામે ધારી ધારીને જોયા કરતા. જો તેઓ પણ સાથે હોત તો લોકો મશ્કરી કરતા કે હંસ અને હંસી આવ્યાં છે! એ ખૂબ બુદ્ધિમાન છે.’ માતાજીને કાને આ વાત પહોંચી ત્યારે એમણે કહ્યુંઃ ‘જે રીતે એમણે મને સવારે અનુમતિ આપી તેના ઉપરથી હું સમજી ગઈ કે તેમની ઇચ્છા નથી. હું સાથે જાઉં એમ એ ઇચ્છતા હોત તો કહેવડાવત કે ‘હા, જરૂર આવશે.’ પણ એમ ન કહીને જ્યારે નક્કી કરવાનો ભાર મારી ઉપર નાખીને એમણે ‘એની ઇચ્છા હોય તો ભલે આવે’ એમ કહેવડાવ્યું, એટલે મેં નક્કી કર્યું કે જવાનો સંકલ્પ છોડી દેવો જ સારો.’

એ રાતે વાતો કરતાં માતાજીની હૈયાસૂઝની વાત નીકળી ત્યારે ઠાકુરે સ્ત્રીભક્તોને એ બીજો દાખલો પણ આપ્યો હતો. એમણે કહ્યુંઃ ‘મારવાડી ભક્ત લક્ષ્મીનારાયણ જ્યારે મને દસ હજાર રૂપિયા આપવા આવ્યો ત્યારે મને એવું થયું કે જાણે મારા પર કોઈ કરવત ચલાવી રહ્યું છે. જગદંબાને કહ્યુંઃ ‘મા! મા! આટલા સમય પછી ફરીથી મને લલચાવવા આવી?’ પછી એમના (માતાજીના) મનનું વલણ જાણવા મેં એમને બોલાવીને પૂછયુંઃ ‘જુઓ, આ રૂપિયા દેવા માગે છે. મારાથી તે લેવાય નહીં, એમ કહ્યું. તો હવે તમારા નામે આપવા માગે છે. તમે લો તો શું વાંધો? શું કહો છો?’ સાંભળતાં જ એમણે કહ્યુંઃ ‘તે કેમ બને? રૂપિયા લેવાશે નહીં, જો હું લઉં તો તમે જ લીધા ગણાય કારણ કે જો હું રાખું તો તેમાંથી તમારી સેવા અને બીજા જરૂરી ખર્ચ કર્યા વગર રહી ન શકું. એટલે હકીકતે એ તમે જ લીધા ગણાય! લોકો તમારા ત્યાગને લીધે તમારા પર શ્રદ્ધાભક્તિ રાખે છે. એટલે કોઈ પણ રીતે એ રૂપિયા સ્વીકારાય જ નહીં.’ તેમની આ વાત સાંભળીને મને નિરાંત થઈ.’

***

માતાજીના જીવનની સાથે ભૈરવી બ્રાહ્મણી યોગેશ્વરીનો વિશેષ સંબંધ બંધાયો હતો… એ સિવાય બીજી એક ભૈરવીની વાત પણ જાણવા મળે છે. એક દિવસ ઠાકુરે માતાજીને કહ્યુંઃ ‘આજે એક ભૈરવી આવશે. એને માટે એક લૂગડું રંગાવીને રાખજો. એને આપવું પડશે.’ તે દિવસે મા-કાલીનો મધ્યાહ્નનો ભોગ પૂરો થતાં આ ભૈરવી આવ્યાં અને ઠાકુર સાથે ઘણી વાતો કરી અને થોડા દિવસ માટે દક્ષિણેશ્વરમાં રહી પણ ગયાં. તેઓ ઘણા ઉગ્ર સ્વભાવનાં હતાં છતાં તેટલાં જ માયાળુ હોવાથી માતાજીની સંભાળ પણ રાખતાં. કોઈ વાર બીક બતાવીને કહેતાં કેઃ ‘તું મારે માટે પાણીમાં ભીંજવેલો વાસી ભાત રાખજે, નહીં તો ત્રિશૂળથી તને મારી નાખીશ.’ આ સાંભળી માતાજીને બીક લાગતી. પણ ઠાકુર એમને સમજાવતાઃ ‘તમે ડરશો નહીં. એ સાચી ભૈરવી છે એટલે જરા ક્રોધી છે.’ ભૈરવી કોઈ કોઈ વાર એટલી બધી ભિક્ષા માગી લાવતાં કે સાત-આઠ દિવસ એને ચાલતું. કાલી મંદિરના ખજાનચી એને કહેતાઃ ‘મા, તમે શા માટે બહાર ભિક્ષા માગવા જાઓ છો? અહીંથી જ લઈ જઈ શકો છો.’ ભૈરવી તેને જવાબ આપતાંઃ ‘તું તો મારો કાલનેમિ મામો (રાવણના મામા) છો. તારી વાત પર વિશ્વાસ કેવો?’

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.