(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ લખ્યો હતો. આ લેખનો એક અંશ અહીં પ્રસ્તુત છે.-સં.)

સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જો માણસમાં ‘માન’ અને ‘હોંશ’ આ બે હોય તો જ એ સાચો ‘માણસ’ કહેવાય. તેઓ કહેતા, જેનામાં આધ્યાત્મિક બોધનો અંકુર ફૂટ્યો છે એને જ માણસ કહેવાય. ગુરુના પદચિહ્નો અનુસરી સ્વામીજી પણ ભાર દઈને કહે છે, બધી જ શિક્ષા, બધા જ પ્રશિક્ષણનું ઉદ્દેશ્ય હોવું જોઈએ ‘મનુષ્ય-ઘડતર’. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની દુર્દશા જોઈ સ્વામીજી કહેતા, ‘તમામ કેળવણી કે શિક્ષણનો આદર્શ… મનુષ્ય બનાવવાનો હોવો જોઈએ. પણ તેમ કરવાને બદલે આપણે હંમેશાં બહારનો ચળકાટ વધારવાની કોશિશ કરીએ છીએ. જો અંદર કંઈ સત્ત્વ ન હોય તો બહારના ચળકાટનો શો અર્થ છે? દરેક શિક્ષણનું ધ્યેય માણસનો વિકાસ કરવાનું હોવું જોઈએ.’1

સ્વામીજીના મતે આ પ્રચલિત વ્યવસ્થાની ખામી પૂર્ણ કરવા માટે આપણે આપણા વિશેની સીમિત ધારણાનું પરિવર્તન કરવાની જરૂર છે. મનુષ્ય ‘દેહ’ અને ‘મન’ એ બેનો સરવાળો માત્ર નથી, એ તો આ બેથી પણ વિશેષ કંઈક છે. વેદાંતદર્શન અનુસાર આપણા પાંચ કોષ છે—અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, અને આનંદમય કોષ.

આજની શિક્ષા ગમે તેટલી અસરકારક હોય એ પહેલા ચાર કોષ જ સ્પર્શ કરી શકશે, પાંચમાં આનંદમય કોષ સુધી ક્યારેય પહોંચી શકશે નહીં. અપરાવિદ્યા (વ્યવહારિક અને વૈજ્ઞાનિક શિક્ષણ), કૌશલ્ય વિકાસ, અને નૈતિક મૂલ્યબોધ દ્વારા પ્રથમ ચાર કોષની ઉન્નતિ સંભવ છે, પણ આનંદમય કોષની ઉન્નતિ માટે પરાવિદ્યા એટલે આધ્યાત્મિક સાધનાની આવશ્યકતા છે. આનંદમય કોષ જ આનંદ, જ્ઞાન, અને શક્તિનો આધાર છે અને આનંદમય કોષ જ આગળના ચાર કોષને કાર્યક્ષમ કરી શકે છે.

આજની શિક્ષણ-વ્યવસ્થા નૈતિક મૂલ્યબોધ અને આધ્યાત્મિક સાધનાની અવહેલના કરે છે. ફળ સ્વરૂપે વિદ્યાર્થીનું મન ઉચ્ચતર આદર્શ પ્રતિ ધાવિત થતું નથી. તેની અંતર્હિત સંભાવનાઓનો અનંત ભંડાર પણ પ્રકાશ પામતો નથી. જ્ઞાન, શાંતિ, નિ:સ્વાર્થપરતા, લોકો પ્રત્યે લાગણી, તથા અન્ય ગુણાવલી જ્યારે કોઈ મનુષ્યમાં પ્રકાશ પામે ત્યારે જ તે મનુષ્ય ઇન્દ્રિયપરાયણતા કરતાં ઉચ્ચતર સોપાને ઊઠે છે.

આજના શિક્ષણમાં જ્ઞાનનો ભંડાર છે, પણ પ્રજ્ઞાનું તેજ નથી. અનંત વિક્રમ છે, પણ વિચારનું વિશ્લેષણ નથી. માટે જ આજનું શિક્ષણ યુવાઓને વિપદમાં ફેંકી શકે છે. માનવ-સભ્યતાની ક્ષિતિજ ઉપર ઝંઝાવાતનો આ એક અણસાર દેખાઈ રહ્યો છે.

સ્વામીજી કહે છે, ‘બુદ્ધિને સંસ્કારી બનાવવામાં આવી છે પરિણામે વિજ્ઞાનની સેંકડો શોધખોળો થઈ છે; આટલું જ સારું તેમાંથી પ્રાપ્ત થયું છે અને તેની અસર એ થઈ છે કે ગણ્યાગાંઠ્યા માણસોએ ઘણાને ગુલામ બનાવ્યા છે. કૃત્રિમ જરૂરિયાતો ઊભી થઈ છે; અને પાસે પૈસા હોય કે નહિ, તો પણ દરેક ગરીબ માણસ એ જરૂરિયાતો સંતોષવા ઇચ્છે છે; અને જ્યારે એ તેમ કરી શકતો નથી ત્યારે તે તેની મથામણમાં પડે છે અને તેમાં જ તે મૃત્યુ પામે છે.’2

શિક્ષણજગતની આ વિષમતાને સમતોલ કરવા માટે સ્વામીજીનું નિદાન છે, આધ્યાત્મિક અને નૈતિક સંસ્કૃતિનો શુભારંભ. સ્વામીજીના મતાનુસાર શિક્ષણના પ્રાણનો પ્રાણ છે ધર્મ.

માટે જ ‘ધર્મ’ શબ્દને તેઓ કોઈ વિશેષ ધર્મ—જેમ કે હિંદુ ધર્મ કે બૌદ્ધ ધર્મના અર્થમાં વાપરતા નથી. તેઓ ધર્મનો અર્થ કરે છે એ સનાતન ચિરંતન સત્યો અને આદર્શસમૂહો કે જે વિશ્વના બધા જ ધર્મોનો પાયો છે. આ આદર્શસમૂહો જ હૃદયગ્રાહી છે અને એમનામાં જ મનુષ્યની ઉન્નતિ કરવાની ક્ષમતા છે. આ સાથે જ આપણે કેળવવાં જોઈએ ઉદાર મત અને માનસિક શક્તિ. નૈતિક મૂલ્યબોધની વ્યાવહારિકતા સંબંધે સ્વામીજીએ એકવાર કહ્યું હતું, ‘નીતિનો અર્થ નિરપેક્ષ સત્તા સાથે દૃષ્ટાનો સમન્વય સાધીને તેને મજબૂત બનાવવાનો છે કે જેથી કરીને સાન્ત પ્રકૃતિ તેના ઉપર પ્રભુત્વ ધરાવતી અટકી જાય.’3

માટે શિક્ષણને અસરકારક અને ફલપ્રદ બનાવવા માટે તેના મૂળમાં ધર્મ અર્થાત્‌ અધ્યાત્મ વિજ્ઞાન હોવું જ જોઈએ, પણ ધર્મઝનૂન ક્યારેય નહીં.

સ્વામીજીની શિક્ષણ વ્યવસ્થાના મૂળમાં છે ચારિત્ર્યગઠન. નોકરી મેળવવા માટેની આજની શિક્ષાનો ભપકો સ્વામીજીની શિક્ષણ વ્યવસ્થામાં નથી. આપણું મન જ આપણા અસ્તિત્વને ઘડે કે ભાંગે. આ વિષયે સ્વામીજી કહે છે, ‘આપણાં શરીર લોઢાના ગઠ્ઠા જેવાં છે; આપણો દરેક વિચાર તેના પર પડતા હથોડાના હળવા ઘા રૂપ છે, જેના વડે આપણે જેવું શરીર બનાવવા ઇચ્છીએ તેવું તે બનાવે છે.’4

માટે જ સ્વામીજીના શિક્ષણચિંતનનું મૂળ લક્ષ્ય છે મનુષ્ય-ઘડતર અને ચારિત્ર્ય-ઘડતરનો સમન્વય.

આપણું પ્રત્યેક કાર્ય અને પ્રત્યેક વિચાર આપણા મન ઉપર એક છાપ છોડી દે છે. એનો બહિર્પ્રકાશ કદાચ ન થાય પણ મનમાં ને મનમાં તો એ કાર્ય કરતી જ રહે છે. મનમાં અંકિત આ બધી છાપોનો સમૂહ જ છે આપણું ચારિત્ર્ય. સમયકાળે આ બધી છાપ ભેગી થઈ અભ્યાસ (ટેવ) માં પરિણમે છે. અભ્યાસ આપણી શક્તિને અનેકગણી વધારી દે. કારણ કે ચારિત્ર્ય એ અભ્યાસસમૂહની પુનરાવૃત્તિ માત્ર છે. માટે જ હકારાત્મક અભ્યાસસમૂહની કેળવણી અને પુનરાવૃત્તિ આપણા ચારિત્ર્યને સુગઠિત કરી શકે છે.

Footnotes

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 1, પૃ.399
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 2, પૃ.51
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 2, પૃ.533
  4. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 3, પૃ.264
Total Views: 640

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.