લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા. શૈક્ષણિક કોઈ ઉપલબ્ધિ ન હોવા છતાં તેમના સંસ્કાર જ્વલંત અને શુદ્ધ હતા. તેમનો વ્યવહાર સરળ અને વાણી ગામઠી હતી. ઠાકુરે પ્રથમ દૃષ્ટિએ જ તેમને પોતાના અંતરંગરૂપે સ્વીકારી લીધા હતા. અહીં તેઓ દક્ષિણેશ્વરના એ પવિત્ર દિવસો પોતાના શિષ્યો સમક્ષ યાદ કરે છે. તેઓની સરળ ભાષા, ઠાકુર ઉપર અસીમ શ્રદ્ધા, તથા પોતાના ગુરુભાઈઓ ઉપર પ્રીતિ આ યાદોમાં છલકાઈ આવે છે.
શ્રીરામકૃષ્ણદેવ પોતાના ત્યાગી શિષ્યોને પહેલાંથી જ સંન્યાસવ્રત ધારણ કરવા માટે તૈયાર કરી રહ્યા હતા. ભિક્ષા કરવી એ અહંકાર-નિર્મૂલન માટે સંન્યાસીની એક મોટી સાધના છે. માટે જ શ્રીરામકૃષ્ણદેવ તેઓને ભિક્ષા કરવા માટે ઉત્સાહિત કરતા. – સં.
***
ઠાકુર – સ્વામીજીને આદર્શ કરીને ચાલો. શ્રીશ્રીમા ઠાકુરની મહાશક્તિ છે. એમની અંદરમાં જ બધા દેવતાઓ છે. શ્રીશ્રીમાએ પોતે કહ્યું છે અને એમણે જોયું પણ છે. પાછો સંદેહ શેનો? આવો આદર્શ બીજે ક્યાંથી મળે? સાંગોપાંગ (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાં) એ એક જ શક્તિ વિભિન્ન રૂપે લીલા કરે છે. બધી જ ઇષ્ટની લીલા, આ બધા તો લોકશિક્ષક છે. કોણ સમજશે? જે સમજશે એ જ આનંદ માણશે. માને (શ્રીમા શારદાદેવીને) ચિરદિન માની (જન્મદાત્રી માની) જેમ જ જોતાે. મા, આપણી જ મા. એમાં શું કોઈ સંદેહ છે? આપણા ઠાકુર આપણા જ પિતા—યથા સર્વસ્વ. બીજો કોઈ ભય હતો નહીં. પિતા અને માની સાથે જેમ નાનું બાળક રહે તેમ જ હું રહેતો. સાધન-ભજન કરતો, ખાવાના સમયે ખાતો. વધુ ધ્યાન કરવાથી મને ભોળવીને પાછો વાળી લાવતા.
ઠાકુર મા કાલીનાં પ્રસાદીફળ યોગીનને (સ્વામી યોગાનંદને) રોજ રાખી મૂકવા કહેતા. યોગીને વિચાર્યું— ઠાકુર ગમે એ હોય, છેવટે તો ભટ્ટાચાર્ય બામણ, (પૂજાવિધિ કરનાર બ્રાહ્મણ કે જેની નજર દક્ષિણા ઉપર જ હોય.) એમના સંસ્કાર ક્યાં જવાના છે? યોગીનના મનમાં જેવી આ વાત આવી કે ઠાકુર ફળ-ટળની માયા છોડી શક્યા નથી તેવા જ ઠાકુર બોલ્યા, ‘બામણો એમની અવિદ્યા માટે લઈ જાય. તમે ખાઓ તો પણ સાર્થક.’ (કાલીવાડીના બીજા બ્રાહ્મણો મા કાલીનો પ્રસાદ પરસ્ત્રી માટે લઈ જતા. જો પ્રસાદ ઠાકુર પાસે આવે તો તેમના ત્યાગી શિષ્યો ખાય અને પ્રસાદ સાર્થક થાય.) યોગીનના મનમાં અફસોસ થયો—ખોટેખોટો એમની ઉપર સંશય કર્યો, તેઓ તો અમારા માટે જ પ્રસાદ રાખે છે.
ઠાકુરે મને અને રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ને ભિક્ષા કરવાનું કહ્યું. તેઓ હંમેશાં કહેતા—ભિક્ષાનું અન્ન ખૂબ પવિત્ર. હું અને રાખાલ મહારાજ એક દિવસે ભિક્ષા કરવા નીકળ્યા. જવાના સમયે ઠાકુરે કહી દીધું હતું—કોઈ ગાળો આપે, કોઈ આશીર્વાદ આપે, કે કોઈ પૈસા આપે, પણ તમે બધું જ સ્વીકારી લેજો.
પહેલાં જ એક ભાઈ અમને ભિક્ષા કરતા જોઈને ઝઘડવા આવ્યો હતો. એણે કહ્યું—આવા સાંઢ જેવા છોકરાઓ (તંદુરસ્ત અને સક્ષમ) પાછી ભિક્ષા કરો છો? કામ કરીને ખાઈ શકતા નથી? રાખાલ મહારાજ ભય પામી ગયા હતા. મેં કહ્યું—ઠાકુરે તો પહેલેથી જ આમ થશે એવું કહી દીધું હતું; ભય શેનો પામે છે?
ત્યાર બાદ એક સ્ત્રી અમને જોઈને બોલી—તમે શેના દુ:ખે ભિક્ષા કરો છો, બેટા? તમને અભાવ શેનો? ત્યારે અમે બધી વાત કહી. ત્યારે તેણે ખુશી થઈને અમને એક સિક્કો આપ્યો અને સૂર્યનારાયણ તરફ જોઈને અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું—તમે જે માટે નીકળ્યા છો, ભગવાન તમારી એ આશા પૂર્ણ કરે.
અને અનેકે ધાન, રૂપિયા બધું આપ્યું. અમે એ બધું લાવીને ઠાકુરની પાસે રાખ્યું. ઠાકુરે પ્રશ્ન કર્યો—તમે કેવી રીતે ભિક્ષા કરી? ત્યારે અમે બધું વિવરણ આપ્યું. એ સ્ત્રીની વાત સાંભળીને કહ્યું, ‘એ સાચું જ કહે છે; જુઓ મારી સાથે સૂર્યનારાયણનો યોગ છે. એક દિવસ મને ખૂબ માથું દુ:ખતું હતું. એકાએક એક વ્યક્તિએ આવીને કહ્યું—તમારી એ માથાની બિમારી નથી, સૂર્યનારાયણ સાથે તમારો યોગ છે. એમ કહીને એ જતો રહ્યો. ત્યારે મેં હૃદયને (ઠાકુરનો ભાણેજ, જેણે ઠાકુરના સાધનકાળ દરમિયાન ઠાકુરની સયત્ને સેવા કરી હતી) કહ્યું—જો તો એ ભાઈ ક્યાં ગયા? હૃદય ફાટક સુધી જઈને આવ્યો અને કહ્યું—જોવા મળ્યા નહીં તો!’ ત્યાર બાદ ઠાકુરે કહ્યું—આ બધી દૈવી ઘટનાઓ છે.
એક દિવસ રવિવાર હતો. ઠાકુરે સ્વામીજીને અને ભવનાથને ભોજન રાંધવાનું કહ્યું. ઠાકુર ઊભા ઊભા જોવા લાગ્યા. તેઓ ખૂબ ખુશ હતા. જ્યારે ભોજન રંધાઈ ગયું અને પંગત બેસશે એ સમયે એક બાઉલ (કીર્તનકાર. એ લોકોનાં ચરિત્ર હંમેશાં સારાં ન રહેતાં.) ઉપસ્થિત થયો. ઠાકુરે કહ્યું—અત્યારે મેળ નહીં પડે, જો ભોજન વધશે તો પછીથી મળશે. બાઉલ ગુસ્સો કરીને જતો રહ્યો. સ્વામીજીના મનમાં થયું, આટલું બધું તો ભોજન રાંધ્યું છે, કેમ એને ખાવા ન આપ્યું? કેવા કંજૂસ? ઠાકુરે કહ્યું, ‘એ તો બાઉલ છે, એણે શું શું ન કર્યું હોય? એણે એવાં તે કેવા સુકર્મ કર્યાં છે કે તમારી સાથે ભોજન મેળવે? તમે બધા શુદ્ધ છો, એની સાથે બેસીને કેવી રીતે ખાશો?’ ત્યારે સ્વામીજી સમજી શક્યા કે કેમ ઠાકુરે એને બધાની સાથે ખાવાની ના પાડી. ત્યારે અમે ‘સંગ-ગુણ’નો અર્થ શું એ સમજ્યા. સાધનાના સમયે જેની-તેની સાથે હળવું-મળવું કે ખાવું-પીવું ઠીક નથી. એ ભાવને હાનિ કરે. ઠાકુર આ વિષયે ખૂબ નિયમ માનીને ચાલતા અને અમને બધાને સતર્ક કરી દેતા. ઠાકુર અવતાર છે, એ તો સ્વામીજીએ જ કહ્યું છે, હું બીજું શું કહું? તેઓ અમારા ગુરુ અને પિતા છે. સ્વામીજી જ એમને સમજ્યા હતા કે તેઓ કોણ. શું મેં તેમને જાણ્યા છે, સમજ્યા છે, કે હું કંઈ કહું! તેઓ સ્વામીજીને પોતાનો પ્રચાર કરવા માટે લાવ્યા હતા અને તેમને શક્તિ પણ આપી હતી. માટે જ તો સ્વામીજી તેમનો પ્રચાર કરી શક્યા હતા. જેઓ ઠાકુરને કાય-મનો-વાક્યે પોકારશે તેમની ઉપર ઠાકુર અવશ્ય દયા કરશે એ હું ભાર દઈને કહું છું. (સત્કથા, પૃ.1)
Your Content Goes Here