ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ જાણવું જરૂરી છે કે એ બંને વચ્ચે સામાજિક ધારણા વિશે થોડું ઘણું પાર્થક્ય પણ હતું.

સ્વામીજી દાયિત્વહીન ધ્વંસાત્મક સમાજ-સંસ્કારનું જેમ સમર્થન કરતા નહીં તેવી જ રીતે આપણી ધરોહરની દોહાઈ આપીને અમંગલકર પ્રથા બળજબરીપૂર્વક ચાલુ રાખવાના પ્રયાસ પર પણ આઘાત કર્યા વિના રહી શકતા નહીં. ધ્યાન આપવાથી સમજમાં આવશે કે એમની પ્રતિક્રિયા મુખ્યત્વે સમાજ-સંસ્કારકોની પદ્ધતિ વિરુદ્ધે હતી, ઉદ્દેશ્ય વિરુદ્ધે નહીં.

સામાજિક ચિંતન વિશે ટિળક પહેલવહેલા સ્વામીજીની જેમ પ્રગતિશીલ ન હતા. જાતિભેદ, બાલ્યવિવાહ, વગેરે જે બધી કુપ્રથાની વિરુદ્ધે સ્વામીજી ખડ્‌ગહસ્ત તો ટિળક હતા દ્વિધાન્વિત. હા, ટિળક મુખ્યત્વે બાહ્ય-હસ્તક્ષેપ (એટલે કે કાયદા દ્વારા કુપ્રથા નિવારણ) ઉચિત નથી એ વાત પ્રત્યે જ દૃષ્ટિ-આકર્ષણ કરે છે, છતાં આપણે જોઈ શકીએ છીએ કે એ વિશે એમની ધારણા થોડી સંકુચિત તો હતી જ. 1897, 7 માર્ચ ‘મરાઠા’ પત્રિકાના એક સંપાદકીયમાં તેઓએ સમાજ-સંસ્કારકો વિરુદ્ધે સ્વામીજીની ઉક્તિ ઉદ્ધૃત કરી હતી. પરંતુ સાથે જ જાતિભેદ વગેરે વિષયે સ્વામીજીની આગઝરતી વાણી ઉદ્ધૃત કરતા એમને જોવામાં આવ્યા નથી.

સામાજિક વિષયે ટિળક થોડા રૂઢિચુસ્ત છે એ જોયા પછી પણ સ્વામીજીએ એમનું ચરિત્ર કોઈ પણ પ્રકારે લાંછિત સમજ્યું ન હતું.

ટિળકની મનુષ્ય પ્રત્યે કરુણાની દુર્લભ ક્ષમતા તેમણે નિહાળી હતી. સાથે જ જોયું હતું આદર્શ માટે ત્યાગ સ્વીકાર કરવાનું અપરિસીમ સાહસ. કોંગ્રેસ દ્વારા જન-આંદોલનની આવશ્યકતા ઉપર ટિળકે ભાર આપ્યો હતો. દુષ્કાળના સમયે તાંતીઓને સંગઠિત કરી, કે પ્લેગના

સમયે મૃત્યુભય ન રાખી સેવાકાર્ય કરી, ટિળકે બતાવી દીધું હતું કે તેમના દ્વારા માનવ-અધિકારના મૂળમાં આઘાત થવાની સંભાવના નથી. એ આશ્વાસન સ્વામીજીએ અવશ્ય અનુભવ્યું હતું.

સ્વામીજીના મરાઠી શિષ્ય સ્વામી નિશ્ચયાનંદના મતાનુસાર સ્વામીજીના સંપર્કમાં આવ્યા પછી ટિળકની સામાજિક ઉદારતા વધી ગઈ હતી. આ વિષયમાં અન્ય સમર્થન કે પ્રમાણ ન મળવા છતાં ટિળકના જીવનસૂત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક વિષયમાં ટિળકની દૃષ્ટિભંગીની ઉદારતા ક્રમે વધતી ચાલી છે. તે ટિળકના જન-આંદોલન કે અન્ય અનુભવ-વર્ધનને કારણે પણ હોઈ શકે છે. પરંતુ વિવેકાનંદ-ભાવધારા સાથેના પરિચયે એમને અવશ્ય પ્રભાવિત કર્યા જ હશે એમ આપણે કહી શકીએ, કારણ કે ટિળકે સ્વામીજીનો વર્તમાન ભારતવર્ષના આચાર્યરૂપે સ્વીકાર કર્યો હતો.

ધર્મ વિષયે ટિળક ઉપર સ્વામીજીનો પ્રભાવ ટિળકના મરાઠી જીવનચરિત્ર-રચયિતાઓ સ્વીકાર કરે છે. ટિળકના એક જીવનચરિત્ર-લેખક 1892ની સાલમાં ટિળક સાથે સ્વામીજીની ગીતા-આલોચના જોઈને તેમજ સ્વામીજીની ધારણા સાથે પોતાની ધારણાના મેળાપથી ટિળકનો સંતોષ જોઈને ટિળકના ગીતાભાષ્ય ઉપર સ્વામીજીના પ્રભાવનું અનુમાન કરે છે.

એ પ્રભાવ સિવાય અન્ય વિષયમાં પણ સ્વામીજીનો પ્રભાવ ટિળક ઉપર પડ્યો હતો. ટિળક જ્યારે અજ્ઞેયવાદ તરફથી આસ્તિકવાદ તરફ વળતા હતા એ સમયે જ સ્વામીજી સાથે એમનું મિલન થયું હતું. સ્વામીજીનું જીવનદર્શન ટિળકને પણ રુચિકર હતું એ ટિળક દ્વારા લિખિત ‘મરાઠા’ પત્રિકાના સંપાદકીય લેખો વાંચીને આપણે જોઈ શકીએ છીએ. 6, જુલાઈ 1896 ‘મરાઠા’માં સ્વામીજીની રચનાનો એક અંશ ઉદ્ધૃત કરી લખવામાં આવ્યું છેઃ ‘પૃથ્વી સંબંધિત સ્વામીજીનો આ દૃષ્ટિકોણ અવશ્ય પ્રત્યેક ચિંતનશીલ મનુષ્યને આકર્ષિત કરશે.’ શો હતો એ દૃષ્ટિકોણ? આ જીવન સારું પણ નથી અને ખરાબ પણ નથી—એ વેદાંતીક તત્ત્વ.

13, સપ્ટેમ્બર 1896ના સંપાદકીયમાં ટિળક સ્વામીજીની વાણીનું સમર્થન કરીને લખે છેઃ ‘યથાર્થ ધર્મ ક્યારેય કોઈ એક પયગંબરની શિક્ષાના પિંજરામાં જ આબદ્ધ હોઈ શકે નહીં કે એક વિશેષ સમયે એક શ્રેણીના મનુષ્ય દ્વારા પ્રાપ્ત સત્ય-સાધક ગ્રંથમાં પણ એ બદ્ધ હોઈ શકે નહીં. અન્ય ધર્મોની તુલનામાં હિંદુધર્મનું શ્રેષ્ઠત્વ અહીં જ છે—અજ્ઞેયપ્રાપ્તિ (ઈશ્વરદર્શન કે આત્મજ્ઞાન) માટેના વિભિન્ન ઉપાયોના અસ્તિત્વનો આપણે સ્વીકાર કરીએ છીએ.’

એ સંપાદકીયમાં લખાયું છે કે સ્વામીજીની વાણી ‘શ્રેષ્ઠ દાર્શનિક ભાષામાં’ પ્રકાશિત થઈ છે. ‘કેસરી’ પત્રિકાના 16, ફેબ્રુઆરીના સંપાદકીયમાં ટિળક આ જ પ્રકારની વાત કહે છેઃ

‘વિવેકાનંદ અન્ય ધર્મ સંબંધે એક ત્રુટિ જુએ છે—વ્યક્તિવિશેષના (અવતાર કે પયગંબરના) ઉપદેશો ઉપર એ ધર્મનું અવલંબન. બાઇબલમાંથી જો આપણે ઈશુ ખ્રિસ્તને બાકાત કરીએ તો ખ્રિસ્તીધર્મ લય પામે. કુરાનમાંથી જો મહંમદને સરાવી લઈએ તો કાજી સહિત કોઈ પણ શોધી શકે નહીં કે ક્યાં છે ઇસ્લામધર્મ. … વ્યક્તિવિશેષ ઉપર નિર્ભર ન કરી વેદાંત શુદ્ધ-સત્યભંડોળ જ એકત્ર કરે છે. … હિંદુધર્મના દેવતાઓ કેવળ આપણા જ દેવતા નથી… તેઓ તો છે બધાંના દેવતા. અન્ય ધર્મસમૂહના દેવતાઓ પણ હિંદુધર્મની પરિસીમાની બહાર નથી. કારણ કે હિંદુઓ એ બોધ આપવા સમર્થ છે કે પ્રમાણિત હિંદુધર્મનીતિ હેઠળ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સમગ્ર જગતસંસાર સમાવિષ્ટ છે. પ્રત્યક્ષ પૃથ્વી ઉપર આધિપત્ય સ્થાપિત કરનાર પાશ્ચાત્યવાસીઓ સાથે અંતર્ગત આત્માનો પરિચય કરાવવાનું કામ હિંદુઓએ કર્યું છે. આપણે સહજે કહી શકીએ કે મનુષ્ય જો પ્રત્યક્ષ પૃથ્વીના જ્ઞાન સાથે આત્મજ્ઞાનને મીલિત ન કરાવી શકે તો એ યથાર્થ સભ્યતાના માર્ગે પ્રગતિ કરી રહ્યો નથી.’

ઉદ્ધૃત અંશમાં સ્વામીજીની ચિંતાધારાની શબ્દશઃ રજૂઆત થઈ છે એમ હું કહીશ નહીં પણ આપણે એ અવશ્ય જોઈ શકીએ છીએ કે ટિળકે કેવી રીતે સ્વામીજીની ભાવધારાને ગ્રહણ કરી અને તેનો પ્રચાર કર્યો હતોે.

ટિળક સંપાદીત ‘કેસરી’ પત્રિકામાં 20, ઑગસ્ટ 1900ના રોજ સ્વામીજીના કર્મયોગ, ભક્તિયોગ અને રાજયોગના મરાઠી અનુવાદ અંગે લખવામાં આવ્યું છેઃ

‘એમ કહેવાની આવશ્યકતા નથી કે સ્વામી વિવેકાનંદ વૈદિક તત્ત્વ અને નીતિને નવભાવે પ્રકાશિત કરવામાં સવિશેષ પારંગત છે. યુરોપ અને અમેરિકામાં વેદાંતમત-પ્રચારનું ગૌરવ અવશ્ય વિવેકાનંદને જ આપવું પડે. નૈયાયિક કે મીમાંસકોની ચિંતનધારા અને તેમની દૃષ્ટાંતયોજના પદ્ધતિ સાથે પાશ્ચત્ય જગતના મનુષ્યનો પરિચય નહિવત્‌ છે. જેમ પ્રાચીન સ્વર્ણાલંકારને ગાળીને નવો આકાર આપવામાં આવે તેમ જ વેદાંતમતને વર્તમાન યુગમાં નવો આકાર અવશ્ય આપવો પડશે. વિવેકાનંદે એ કાર્ય કર્યું છે સર્વોચ્ચ સંભવ ઉપાયે.

રાજયોગ, કર્મયોગ અને ભક્તિયોગની વ્યાખ્યા ભગવદ્‌ગીતામાં થઈ છે. પરંતુ એને કેવી રીતે ભિન્ન આકારે પીરસી, જનસાધારણ સામે આકર્ષકરૂપે પ્રસ્તુત કરી શકાય એ વિવેકાનંદનાં પુસ્તક ન વાંચીએ તો ક્યારેય સમજમાં ન આવે.

નવ્યપદ્ધતિએ શિક્ષિત મનુષ્ય સંસ્કૃત પુસ્તકની શૈલીને વિચિત્ર માને… તેઓને અનુરોધ—તેઓ વિવેકાનંદનાં પુસ્તકો અંગ્રેજીમાં વાંચે, … ત્યારબાદ પ્રાચીન તત્ત્વ અને પ્રમાણપદ્ધતિ સાથે નવપદ્ધતિનું સામંજસ્ય કરે, તથા માત્ર મરાઠી જાણનાર લોકો સામે મરાઠી ભાષામાં તેને પ્રસ્તુત કરે. આ પ્રકારે જો આપણા પ્રાચીન સ્વર્ણાલંકારને પેટીમાં બંધ ન રાખી, જો ગાળીને નવરૂપે પ્રસ્તુત કરવામાં આવે તો આપણે અનેકરૂપે ઘણી રીતે લાભાન્વિત થઈશું. [આને જ સ્વામીજીએ ‘વનના વેદાંતને બધાની વચમાં હાજર કરવો’ એમ કહ્યું હતું.]

જેઓએ પ્રાચીન પદ્ધતિએ વેદાંત-અભ્યાસ કર્યો છે તેઓને એક વાર તો આ મરાઠી અનુવાદ વાંચવાની આવશ્યકતા જણાવી રાખું છું.’

પ્રધાન અને ભાગવત—ટિળકના બે જીવનચરિત્ર લેખકો—જણાવે છે કે 1897-98ની સાલમાં 11 મહિના કારાગૃહમાં બંદી રહેવાના સમયે ટિળક ગંભીર અધ્‍યયનમાં મગ્ન હતા. એ સમયે ગીતા અને વેદ ઉપર એમણે વિશેષ અનુધ્‍યાન કર્યું હતું. ટિળકના ગીતાચિંતનના પ્રારંભમાં, અર્થાત્‌ 1892માં સ્વામીજી સાથે એમની એ વિષયે આલોચના; 1897-98ની સાલમાં જ્યારે તેમનું ગીતાચિંતન ગહનતર થઈ રહ્યું હતું ત્યારે દેશમાં ફરી વળેલ સ્વામીજીની ધર્મવિવેચનાનો જુવાળ; તેમજ પોતાનાં પત્ર-પત્રિકામાં ટિળકની એ વિષયે સ્વીકૃતિ વગેરે ટિળકની ધર્મધારણા ઉપર સ્વામીજીની ચિંતાધારણાના પ્રભાવનાં સ્પષ્ટ પ્રમાણો છે.

ઉપરોક્ત બે જીવનચરિત્રકારોના મતાનુસાર 1897-98ની સાલના કારાવાસકાળ પછીનાં 2-3 વર્ષમાં જ ટિળકની ધર્મધારણા સુગઠિત થઈ તેમજ એ વિષયમાં મેક્સ મૂલરના ગ્રંથ અને સ્વામીજીની વાણી અને વ્યક્તિત્વનો સર્વાધિક પ્રભાવ એમના અંતરમનમાં વિસ્તારિત થયો. અમારી ધારણાનુસાર મેક્સમૂલરની તુલનામાં વિવેકાનંદનો પ્રભાવ જ મહત્ત્વનો સાબિત થાય કારણ કે મેક્સમૂલરે ‘ધર્મગ્રંથ’નું શોધન કર્યું હતું જ્યારે સ્વામીજીએ ‘ધર્મ’નું શોધન કર્યું હતું.

Total Views: 138
By Published On: January 1, 2022Categories: Shankari Prasad Basu, Pro0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram