(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને એમના સંન્યાસી શિષ્ય શશી મહારાજ એટલે સ્વામી રામકૃષ્ણાનંદે નિત્યસેવાનું દાયિત્વ ગ્રહણ કર્યું. એ સમયની એક સ્મૃતિ સ્વામી અદ્‌ભુતાનંદજી વર્ણવે છે. -સં)

શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) એવી આરતી કરતા કે ઠાકુરઘર ઝમઝમાટ (આધ્યાત્મિકભાવે પરિપૂર્ણ) થઈ જતું. આરતીના સમયે બધાએ ઠાકુરઘરે જવું જ પડતું. આરતીના સમયે ગુરુસ્તોત્રનો પાઠ થતો. ભોગના સમયે બજારમાંથી ઉત્કૃષ્ટ ફળ આવતાં, પણ એ વખતે મઠમાં કશી આવક ન હતી. લોકો કહેતા કે અમને કેટલાક ઘડા સોનામહોર મળી છે, નહિતર તો આટલો આનંદ કરીને ભોગ કેવી રીતે લગાવી શકે! શશી મહારાજ દિનરાત પૂજામાં વ્યસ્ત રહેતા અને બધું જ કામ પોતે કરતા. ઠાકુરને શું ભોગ ધરાવશે એ જ ચિંતામાં તેઓ રહેતા. અમને કહેતા કે તમે ભોજનની ચિંતા કરતા નહીં.

સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) અહોરાત્ર ધ્યાન કરતા. કાલી મહારાજ (સ્વામી અભેદાનંદ) ક્યારેક ધ્યાન કરતા તો ક્યારેક વાંચતા. ઠાકુરે આપેલ ઉપદેશ પુસ્તક સાથે મેળવી લેતા. ધ્યાન, જપ, ભજન-કીર્તન કરતાં કરતાં કેટલીયે રાતો વીતી જતી.

ઠાકુર પોતાનાં સંતાનોને (ત્યાગી શિષ્યોને) રાત્રે ઓછું ખાવા આપતા. રાત્રે વધુ ખાવાથી જપ-ધ્યાન કેવી રીતે કરી શકે? વધુ ખાવાથી જ નિંદર આવે. તેઓ કહેતા—દિવસના સમયે પેટભરીને ખાવું અને રાત્રે સામાન્ય. ઠાકુરે યોગેન મહારાજને (સ્વામી યોગાનંદને) પૂછ્યું—રાત્રે શું ખાય છે? તેઓએ કહ્યું—અડધા શેર લોટની રોટલી અને પા શેર બટાકાનું શાક. ઠાકુરે આ સાંભળી કહ્યું—તારે મારી સેવા કરવાની જરૂર નથી, તું જતો રહે. તારા માટે આટલી વ્યવસ્થા કરી શકીશ નહીં.

યોગેન મહારાજ દિવસે ઠાકુરની સેવા કરી રાત્રે ઘરે જતા રહેતા. જેમ ઠીક ઠીક ગુરુ મળવા મુશ્કેલ છે, એમ જ ઠીક ઠીક શિષ્ય મળવા પણ મુશ્કેલ છે. ઠાકુર જેવા ગુરુ મળવા તો મુશ્કેલ જ છે. તેઓ કહેતા, ‘તમારે કેટલા મહાન થવું છે, થાઓ ને. ખૂબ મહાન થવું હોય તો એક અવતાર જેટલા મહાન થાઓ. એનાથી વધુ કેટલા મહાન થાશો?’

તેઓની ખૂબ દયા. તેઓ ભારપૂર્વક કહેતા, ‘લગ્ન કરીશ નહીં. લગ્ન ન કરવાથી ધર્મ એકના એક દિવસે તો સમજી જ શકીશ.’ જેને ધર્મલાભ થવાનો હતો તેનો ઠાકુર ખૂબ આદર કરતા. અને ગરીબને જોતાં જ ખાવાનું આપતા.

(ઠાકુરના દેહત્યાગના થોડા જ દિવસો બાદ ઠાકુરે પોતાના એક ધની ગૃહસ્થ શિષ્ય સુરેશ મિત્રને સ્વપ્નમાં આવીને કહ્યું કે મારા સંન્યાસી શિષ્યો દર-દર ભટકી રહ્યા છે, તું એને રહેવા માટે એક મઠની વ્યવસ્થા કર. માટે જ સુરેશ મિત્ર વરાહનગર મઠનું ભાડું આપતા. અહીં તે કહે છે, ઠાકુર દયા કરીને ભાડું અપાવે છે, માટે આપું છું. તમે આને દાનના રૂપમાં કે મારા અહંકારના રૂપમાં ન જુઓ. સ્વામી વિવેકાનંદ પોતે સુરેશ મિત્રનું આ ઋણ સ્વીકાર કરીને બેલુર મઠમાં પોતાના શિષ્ય શરદ્‌ચંદ્ર ચક્રવર્તીને કહેતા કે હાલનાે આપણો વિકાસ સુરેશ મિત્રના દાન પર જ અવલંબિત છે. -સં.)

વરાહનગર મઠે અમે લોકો (સંન્યાસી શિષ્યો) ક્યારેક ખૂબ હસીમજાક કરતા. એ વખતે જો સુરેશ મિત્ર આવીને હાજર થતો તો સ્વામીજી ઝટપટ અગાશી ઉપર જતા રહેતા. સુરેશ મિત્ર કહેતો, ‘તમે આટલો સંકોચ કેમ કરો છો? તેઓ દયા કરીને અપાવે છે, માટે આપું છું. તમે આને અલગ દૃષ્ટિથી કેમ જુઓ છો?’

જુઓ સુરેશ મિત્ર કેટલો નિરહંકારી હતો અને ગુરુભાઈઓ પર તેનો કેટલો સ્નેહ હતો! સામાન્ય રીતે આવું જોવા મળતું નથી.

સ્વામીજી કહેતા, ‘આ તું જે મઠ-ફઠ જુએ છે એ સુરેશ મિત્રના લીધે જ તો થયો.’

(અહીં અદ્‌ભુતાનંદજી પોતાના ગુરુભાઈ યોગેન એટલે સ્વામી યોગાનંદનો એક પ્રસંગ વર્ણવે છે. – સં.)

ભૂપતિભાઈનું જીવન પવિત્ર છે. તે ત્યાગી, લખવું-વાંચવું ખૂબ સારી રીતે જાણે, અને ગણિતમાં ખૂબ કુશળ છે. કાશીમાં યોગેનની સાથે રહેતો અને સાધન-ભજન કરતો. કાશીમાં રીંગણાં ખૂબ સારાં મળે છે એ જોઈ એક દિવસ ભૂપતિભાઈ રીંગણાં માટે પૈસાની ભિક્ષા માગી રહ્યા હતા, એમની પાસે એક પણ પૈસો ન હતો માટે. પાછળ યોગેન હતો. એણે ધમકાવીને ભૂપતિને કહ્યું, ‘ઓય, તારે સાધુ નથી થાવું?’ કાશીમાં ખૂબ કઠોર તપસ્યા કરી હતી.

(ઠાકુર અને સ્વામીજી બંને આળસુ લોકોને પસંદ કરતા ન હતા. આ વિશેનો એક પ્રસંગ. -સં.)

ઠાકુર તો કામિનીકાંચન ત્યાગી હતા, પરંતુ જો એક દીવાસળી પણ વધુ વેડફાઈ જાય તો કેવો ઠપકો આપતા, એ હું તમને કેવી રીતે સમજાવું? તમાકુમાં ચિનગારી પેટાવવા માટે જો દીવાસળી સળગાવતા તો તરત જ ગાળો આપતા. કહેતા, ‘ભોજન તો રંધાય છે, ત્યાંથી ચિનગારી પેટાવી આવ. આળસ કેમ કરે છે? બેદરકારીથી શું ધર્મલાભ થાય? બેદરકારને કોઈ કાળે ધર્મલાભ થાય નહીં.’ સ્વામીજી સરસ કહેતા, ‘કામમાં કુડો, ભોજનમાં રૂડો, વચનમાં રૂઢો. માત્ર લાંબી લાંબી વાતો કરે, કામનો સમય નહીં, પાછો ધર્મલાભ કરવા આવ્યો છે! ધર્મલાભ આટલો સહેલો છે રે!’

Total Views: 367

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram