ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના બધા સાચા ધર્માે નિષ્ઠાવાન સાધકને પૂર્ણતા તરફ લઈ જાય છે. પ્રત્યેક ધર્મ ભગવાનની પ્રાપ્તિનો એક સાચો માર્ગ છે. ધર્મના વિષયમાં આવી ઉદારતા તથા સાર્વભૌમિક ધારણા હિંદુ સ્ત્રી-પુરુષોએ પોતાનાં શાસ્ત્રોમાંથી શીખી છે.

હિંદુઓનો વિશ્વાસ છે કે ઈશ્વરદ્રષ્ટા ઋષિઓ તથા અવતારોના ઉપદેશોથી ધર્માેને જે રૂપ મળ્યું છે, એમાં કોઈ ભૂલ ન હોઈ શકે. મહાપુરુષોનો મૂળ ઉપદેશ જગતની અમૂલ્ય સંપત્તિ છે. એનાથી જ મનુષ્યને આગળ વધવાનો નિશ્ચિત અને સાચો માર્ગ મળે છે. આ જ જગતના સાચા ધર્માે છે.

પણ દુઃખની વાત આ છે કે સંસારમાં ધર્માેના નામ પર જે કંઈ ચાલી રહ્યું છે, એમાં ધર્મના સાર ભાગની અપેક્ષાએ અસાર ભાગ જ વધારે છે. મહાપુરુષોની વાણીનો મર્મ કાલાન્તરે થોડાક બુદ્ધિહીન મતવાદો તથા રૂઢિઓના ઢગલાની નીચે દબાઈ જાય છે. આ મહાપુરુષોના તિરોધાનના ઘણા સમય પછી અયોગ્ય લોકો ઉપર ધર્મના સંરક્ષણનો ભાર આવી પડે છે અને આ કારણે કાલાન્તરે ધર્મની આવી દુર્દશા થાય છે. કારણ કે ત્યારે અપવિત્ર મનના લોકો જ ધર્માચાર્ય તથા પુરોહિતોનું આસન ગ્રહણ કરી લે છે. સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિઓની તો શું વાત કરીએ, તે લોકો મહાપુરુષોના મૂળ ઉપદેશોનું તાત્પર્ય પણ સમજી શકતા નથી. આ કારણે બીજાને ધર્મ સમજાવવાના ચક્કરમાં તેઓ ધર્મના યથાર્થ તત્ત્વને વિકૃત કરી નાખે છે. એમની વ્યાખ્યા તથા પ્રચારના પરિણામે ધર્મના આચાર-વિચાર કટ્ટરતામાં પરિણત થઈ જાય છે. એમના શિષ્યો ધર્માન્ધ તથા ઉદ્ધત બની જાય છે અને ત્યારે ધર્મના નામ પર ઝઘડા તથા અશાંતિનું સર્જન થવા લાગે છે. પોતાની ચિત્તશુદ્ધિને માટે ધર્મનું આચરણ ન કરીને, તે લોકો ધર્મના નામ પર એકબીજાને મારી નાખવા તૈયાર હોય છે. હાય, અનધિકારી લોકોના હાથમાં પડીને ધર્મની કેવી ચિંતાજનક દશા થઈ જાય છે!

સ્વાભાવિકપણે ધર્મનું આ બીભત્સ રૂપ જોઈને બુદ્ધિમાન લોકો નારાજ થઈ જાય છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે નારાજ થઈને એ લોકો ધર્મનો જ ત્યાગ કરી દે છે. બીજી તરફ જગતમાં સર્વદા એવા કોઈક વિવેકશીલ માણસો પણ હોય છે, જે અજ્ઞાની પુરોહિતોની ચડામણીમાં આવતા નથી. સમગ્ર વાત પર વિચાર કરીને તેઓ સમજી જાય છે કે અજ્ઞાની પુરોહિતો તથા ધર્મ-પ્રચારકો દ્વારા પેદા કરવામાં આવેલી ભ્રાંતિઓ ધર્મના બહારના સ્તર સુધી જ સીમિત છે અને એનું અંદરનું સ્તર હંમેશાં અમૂલ્ય સંપત્તિથી પરિપૂર્ણ રહે છે.

હિંદુ ધર્મના અધ્યયનથી એ સમજાય છે કે યથાર્થ ધર્મ અને ગ્લાનિગ્રસ્ત ધર્મની વચ્ચે કેટલું અંતર છે. હિંદુ શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે અનધિકારી ધર્મગુરુઓ પાસેથી ધર્મનું શિક્ષણ લેવું એ દુઃખનું મૂળ છે. ધર્મને એના મૂળ- મહાપુરુષોની અમર વાણીમાં શોધવો પડશે. વ્યાખ્યાની જરૂર પડે ત્યારે ફક્ત ઈશ્વરદ્રષ્ટાઓ ઉપર જ નિર્ભર રહેવું પડશે. કેવળ આટલું જ નહિ, હિંદુ શાસ્ત્રોનું વિધાન છે કે કેવળ સિદ્ધ વ્યક્તિની જ ગુરુરૂપે પસંદગી કરવી જોઈએ.

આ વાત યાદ રાખવી પડશે કે ધર્મ સાધનાની બાબત છે. ફક્ત વાતોનાં વડાં કરવાથી કંઈ નહીં વળે. સાચા મનુષ્ય બનવા માટે આપણે પોતાના મનને પવિત્ર કરવું પડશે. આ જ આપણું પ્રથમ અને મૂળ કર્તવ્ય છે. કેવળ હિંદુ, મુસલમાન અથવા ખ્રિસ્તી કહીને પોતાનો પરિચય આપવાથી અથવા કોઈ ધર્મમતમાં આસ્થા બતાવવા કે પછી પોતાનાં ધર્મ-શાસ્ત્રોમાં વિશેષ પંડિતાઈ મેળવી લેવાથી જ કોઈ માણસ ધાર્મિક બની જતો નથી. ધાર્મિક બનવા માટે પોતાના ધર્મના અવતારો તથા મહાપુરુષોએ આપેલ ઉપદેશો પ્રમાણે આચરણ કરવું પડે છે, સમગ્ર જીવનને નિયંત્રિત કરવું પડે છે. ઇચ્છિત પ્રાપ્તિનો આ જ એકમાત્ર ઉપાય છે. પોતાના અંતરના દૈવી ભાવનો વિકાસ કરીને આપણે સાચા માનવ બનવું પડશે અને એ માટે આપણે પ્રાણના ભોગે પણ પ્રયત્નો કરવા પડશે.

ખરેખર તો ધર્મલાભ એટલે કે યથાર્થ માનવતાનું સ્ફુરણ ત્યારે થાય છે, જ્યારે ભગવાન અંતરમાં પૂર્ણરૂપે પ્રગટ થઈ જાય છે. માનવજીવનની આ ચરમ સાર્થકતા પ્રાપ્ત કરવા માટે સજગ સાધનાની આવશ્યકતા છે.

વર્તમાન અધ્યાયની મૂળ વાતો આ પ્રમાણે છે- ઈશ્વર વિશ્વમાં સર્વત્ર વિરાજે છે. (છાંદોગ્ય ઉપ. ૩.૧૪.૧) એકમાત્ર મનુષ્ય જ એમને પોતાનામાં પ્રકટ કરીને સંપૂર્ણ દિવ્ય બની શકે છે. (મુંડક ઉપનિષદ, ૩.૨.૯) ત્યારે એના જીવનમાં ચરમ સાર્થકતા આવે છે, ત્યારે તે વિશ્વના બાકીના જીવોથી અલગ યથાર્થ મનુષ્યના પદ ઉપર આરુઢ થાય છે; ત્યારે તે સહજ સ્વાધીનતા, અસીમ આનંદ, અસીમ ક્ષમતા તથા અનંત જ્ઞાનનો અધિકારી બને છે. આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા પ્રાપ્ત એમની અમોઘ વાણી સામાન્ય જનને કર્મપથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. માનવજીવનના આ ચિરકાલીન લક્ષ્ય સુધી પહોંચવાનો પથ બતાવવો એ જ ધર્મનું કાર્ય છે. વિભિન્ન અવતારો દ્વારા પ્રવર્તેલા ધર્મમતોમાંથી દરેક આ ઉદ્દેશ-પ્રાપ્તિ માટેનો સાચો રસ્તો છે. અને આ કારણે ધર્મ સાધન-સાપેક્ષ છે. ધર્માેપદેશ પાલન કરવાને માટે નિષ્ઠાપૂર્વક સાધનાની જરૂર છે. આપણે ધર્મના નિર્દેશો અનુસાર પોતાના જીવનની ગતિને નિયંત્રિત કરવી પડશે, આચાર તથા વ્યવહાર સુધારવા પડશે. નહીં તો જો આપણે આપણા મનના કીચડમાં જ પડ્યા રહીશું, તો નક્કી જ પશુના સ્તર પર આવી જઈશું.

ધર્મથી હિંદુઓનું શું તાત્પર્ય છે, એને સમજાવવાને માટે આ અધ્યાયમાં હિંદુ ધર્મની થોડીક મુખ્ય વાતો સંક્ષેપમાં બતાવવામાં આવેલ છે.

Total Views: 444

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.