(ગતાંકથી આગળ)

સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ એને ઝીલી લઈ બચાવ્યો હતો. ઉપરાંત મહેર કરી એક મણિ પણ આપ્યો. પછી રાજાએ અહીં નર્મદાજીની મૂર્તિ સ્થાપી હતી. તેથી આ તીર્થ નર્મદાતીર્થ કહેવાયું. નર્મદાજીનું અહીં યથાવિધિ સ્નાનપૂજન કરનારને સમૃદ્ધિનો વિયોગ થતો નથી; તે પાપથી મુકત થાય એવો મહિમા છે.

શિવજીના ગણે પાર્વતીજીની સેવામાં શિથિલતા કરી તેથી તેને શિવજીએ કોપ કરી શાપ આપ્યો. એ મૂંડગણને શિવજીએ કૈલાસ પરથી પૃથ્વી પર ફેંકી દીધો. અહીં નર્મદાતટે મૂંડે શિવારાધના કરી શિવજીને પ્રસન્ન કર્યા અને ફરી શિવલોક પામ્યો. શિવજીએ અહીં નિત્ય વાસ કરવાનું અને અહીં આવનારની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. મૂંડે આ સ્થળે મૂંડેશ્વર શિવજીની સ્થાપના કરી. અહીં સ્નાનપૂજનથી સર્વ પાપથી મુક્ત થવાય છે. આઠમ અને ચૌદશે સ્નાનપૂજનનું વિશેષ માહાત્મ્ય બતાવ્યું છે.

સંન્યાસી આનંદથી મા નર્મદાનાં દર્શન કરતાં કરતાં કેડી પર ચાલતા હતા. આશરે ૩૦૦ મીટર આગળ ચાલનારા બે પરિક્રમાવાસીઓ અમારી તરફ જોર જોરથી કંઈ કહેતા અને કંઈક ઇશારો કરતા હતા. મારી સાથે ચાલતા પરિક્રમાવાસી સમજી ગયા અને મને કીધુંઃ ‘આ કેડી છોડી ઉપરની બાજુ બીજી કેડી પર ચાલવાનું કહ્યું કારણ કે કિનારે બે મોટા મગરમચ્છ આરામ ફરમાવતા હતા.’ મગરમચ્છ મા નર્મદામૈયાનું વાહન હોવાથી તેનાં દર્શન થવાં એને ઘણા પરિક્રમાવાસીઓ શુભ માને છે. સંન્યાસી મજાના ભાવમાં વિચારવા લાગ્યા, ‘મા’નું વાહન અહીંયાં છે તો નર્મદામૈયા પણ આટલામાં જ હોવાં જોઈએ. આમ, ફૂલવાડીથી ૫ કિ.મી. ચાલી લગભગ સાંજે ૫ વાગ્યે રામપુરામાં યોગાનંદ આશ્રમે પહોંચી ગયા.

રામપુરા પહોંચતા પહેલાં માર્ગમાં આનંદેશ્વરતીર્થ, માતૃતીર્થ, મૂંડેશ્વરતીર્થ વગેરે આવેલાં છે. એ તીર્થો અતિપ્રાચીન અને પવિત્ર ગણાય છે.

રામપુરા પાસે અનડવાહી અને નર્મદાજીનું સંગમસ્થાન છે. દૈત્યોથી ઘેરાયેલા રુદ્રના વૃષભે દૈત્યોને રોક્યા હતા. ત્યારે નંદીએ પગની ખરી અને શિંગડાંથી જમીન ખોદી મોટો ખાડો પાડી દીધો હતો. નંદીની શાંતિ માટે દેવોએ વૃષ્ટિ કરી હતી. તે ખાડો નદી બની વહેવા લાગ્યો. આમ તે અનડવાહી નદી કહેવાઈ અને તે નર્મદાજીને જઈ મળી. એ અનડવાહી કીડીમંકોડા નામે પણ ઓળખાય છે. કહેવાય છે કે પાંડવોએ એને કિનારે યજ્ઞ કર્યો હતો.

સંગમ પાસેના ઊંચા ટેકરા પર સહસ્રાર્જુને તપ કર્યું હતું. અહીં અર્જુનેશ્વરતીર્થ આવેલું છે. આ તીર્થમાં આઠમ, ચૌદશના પૂજનથી વધુ ફળ મળે છે. અહીં કરેલાં સ્નાન, દાન, તર્પણનું અગ્નિષ્ટોમ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. અહીંથી આગળ ધર્મેશ્વરતીર્થ આવેલું છે. પ્રાચીનકાળમાં ધર્મરાજે અહીં તપ કરીને ધર્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી.

અનડવાહી-નર્મદાસંગમથી બે માઈલ દૂર આવેલા ગોપાસેશ્વર સુધીનો જળવિસ્તાર લુકેશ્વરતીર્થ નામે પ્રસિદ્ધ છે. કાળપૃષ્ઠ દાનવની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને શિવજીએ એને વરદાન આપ્યું. ‘જેના પર હાથ મૂકું તે ભસ્મ થઈ જાય,’ એવું વરદાન દાનવે મેળવ્યું. આથી તે દાનવ ભસ્માસુર કહેવાયો. પછીથી અસુર ખુદ શિવજી પર હાથ મૂકવા તૈયાર થઈ ગયો. પણ હવે શું થાય? શિવજી નર્મદાતટ પર આવ્યા અને નર્મદાજીમાં લપાઈ ગયા. શિવજીની વહારે ભગવાન વિષ્ણુ આવ્યા. ભસ્માસુરના નાશ માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું. અતિસુંદર મોહિનીને જોઈ ભસ્માસુર મોહિત થઈ ગયો અને સુંદરી સાથે લગ્ન કરવાની ઇચ્છા જણાવી. ‘માથે હાથ મૂકીને મારી સાથે નૃત્ય કરે તો લગ્ન કરું,’ એવો સુંદરીનો પ્રસ્તાવ સાંભળી કામવશ ભસ્માસુરે એ મુજબ નૃત્ય કર્યું અને તરત જ ભસ્મ થઈ ગયો. શિવજી આ સ્થળે નર્મદામાં છૂપાયા હતા તેથી આ ક્ષેત્ર લુકેશ્વરતીર્થ નામે પ્રસિદ્ધ થયું. અહીં બંને પક્ષની આઠમ કે ચૌદશે ઉપવાસ કરીને બ્રહ્મભોજન કરાવનારના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. થોડાક દાનનું પણ અહીં વધુ પુણ્ય મળે છે.

ઉત્તરવાહિની નર્મદાજી ફક્ત નવ જગ્યાએ વહે છે. તેમાંની એક યોગાનંદ આશ્રમ પાસેથી વહે છે.

ઉત્તરવાહિની નર્મદા યોગાનંદ આશ્રમથી પણ શરૂ થાય છેે અને દક્ષિણમાં તે કીડીમંકોડા એટલે કે અનડવાહી નદી બાજુ જાય છે અને ત્યાંથી દક્ષિણતટ પરના સીતારામ આશ્રમથી નર્મદા નદીના કાંઠે ચાલતાં ચાલતાં તિલકવાડાની સામેથી હોડી દ્વારા નર્મદા પાર કરી ઉત્તરતટ પર તિલકવાડા થઈ ફરી રામપુરાની સામે ઉત્તરતટથી હોડીમાં ફરી નર્મદા પાર કરી હવે પાછી ફરીને યોગાનંદ આશ્રમ પાસે આવે એટલે અહીં રામપરા આવે ત્યારે આશરે 21 કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમા પૂરી થાય છે. આ ઉત્તરવાહિની પરિક્રમા કરવાનું કારણ એ છે કે ગંગાજી સ્વર્ગલોકમાં હતાં ત્યારે રાજા ભગીરથે તપ કર્યું અને એ તપ દ્વારા ગંગાજીએ પૃથ્વી પર અવતરણ કર્યું. પછી ગંગાજીએ કહ્યું કે આટલા બધા પાપીઓ મારા જળમાં સ્નાન કરશે તો હું કેટલી અશુદ્ધ થઈ જઈશ! એટલે ગંગાજીને વિષ્ણુ ભગવાને આશીર્વાદ આપ્યા કે જ્યાં જ્યાં ઉત્તરવાહિની નર્મદાજી વહે છે ત્યાં ત્યાં તમે સૂક્ષ્મ સ્વરૂપે ચૈત્ર માસમાં તમે જશો તો તમે જેવાં છો તેવાં ને તેવાં વિશુદ્ધ થઈ જશો. એટલે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પરિક્રમા કરવાનું મુખ્ય કારણ આ છે. નર્મદાખંડના આ પ્રદેશમાં લોકવાયકા એવી છે કે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પરિક્રમા સતત ત્રણ વખત કરવામાં આવે તે સાધકને સમગ્ર નર્મદા પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે.

યોગાનંદ આશ્રમ પહેલાં વ્યાસપીઠ પર હતો. ૧૯૬૨માં જ્યારે પૂર આવ્યું તે વખતે સમગ્ર આશ્રમ નર્મદા મૈયામાં ગરકાવ થઈ ગયો. એક વાર લલીતાબા ફરતાં ફરતાં રામપરા આવ્યાં અને રામપરા આવીને ત્યાં એકાદ-બે ભક્તોની સાથે રહેવા લાગ્યાં. તે વખતે લલીતાબા અને શારદાબા સાથે બીજાં પણ અન્ય બહેનો ત્યાં રહેતાં હતાં. અત્યારે જે યોગાનંદ આશ્રમ છે તે જમીન એ લલીતા બાની હતી.

યોગાનંદ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત છે. રામપુરામાં યોગાનંદ આશ્રમની સ્થાપનાના થોડા સમય પછી બન્યું એવું કે ત્યાં પૂર આવ્યું. જ્યારે વ્યાસપીઠ ઉપરથી પાંચ-સાત ભક્તો આવ્યા અને એમણે કહ્યું કે યોગાનંદ સ્વામીજીની મૂર્તિ ત્યાં વ્યાસપીઠના અમુક કિનારા પર પડી છે. ઘણા બધા વખત પછી જ્યારે ઓસરી ગયું ત્યારે છએક મહિના પછી જ્યારે વાત કરી તો બધા ટ્રસ્ટીઓ જોવા ગયા. યોગાનંદ સ્વામીજીની મૂર્તિ સહેજ પણ, કોઈ પણ જાતની ઈજા વગર મૂળ સ્થિતિમાં બેઠેલી જોવા મળી. ત્યાંથી પછી યોગાનંદ સ્વામીજીની મૂર્તિ લાવવામાં આવી અને અત્યારના યોગાનંદ આશ્રમમાં પુનઃસ્થાપિત કરવામાં આવી.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram