શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ 2 થી 6 જાન્યુઆરી સુધી રાજકોટ આશ્રમની મુલાકાતે આવ્યા હતા.
૩ જાન્યુઆરીના રોજ તેઓશ્રીએ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો—સ્વામી સુબોધાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી અદ્ભુતાનંદ, સ્વામી અખંડાનંદ અને સ્વામી અદ્વૈતાનંદનાં સંક્ષિપ્ત જીવનચરિત્રનાં કુલ છ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
તદુપરાંત તેઓએ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત એપ’ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા વાચકો બે ભાગમાં પ્રકાશિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના 52થી વધુ ખંડો ઓનલાઈન વાંચી શકશે, કોઈ પણ શબ્દ સર્ચ કરી શકશે, તથા પોતાના મિત્રો સાથે કોઈ પણ અધ્યાય કે ફકરો સોશ્યિલ મીડિયા પર શેર કરી શકશે. ગુગલ પ્લે સ્ટોર પર આ એપ આપ સહુ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ જ દિવસે મહારાજશ્રીએ પોતાના વરદ હસ્તે આશ્રમ પ્રાંગણમાં નવનિર્મિત વિદ્યાર્થીભવનના ત્રીજા માળનું ઉદ્ઘાટન કર્યું.
3 જાન્યુઆરીએ સાંજે તેમણે આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું. 4 અને 5 જાન્યુઆરીએ મહારાજશ્રીએ આધ્યાત્મિક સાધકોને મંત્રદીક્ષા આપી હતી.
5 જાન્યુઆરીએ સાંજે સ્વામી ગુણેશાનંદજી મહારાજ દ્વારા આખ્યાયિત ભાગવત સપ્તાહના શુભારંભ પ્રસંગે ગૌતમાનંદજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા.
રાષ્ટ્રીય યુવા દિવસ અને આઝાદીના અમૃત-મહોત્સવની ઉજવણી – ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨
૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ૪ થી ૬ દરમિયાન રાષ્ટ્રીય યુવા દિવસ અને આઝાદીના અમૃત-મહોત્સવની ઉજવણીના સંદર્ભે ‘સ્વામી વિવેકાનંદ – આધુનિક યુવાઓના આદર્શ’ વિષય પર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા એક રાષ્ટ્રિય વેબિનારના આયોજનનું જીવંત પ્રસારણ કરાયું હતું. અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રાસ્તાવિક વક્તવ્યમાં સ્વામી વિવેકાનંદની હાલના સમયમાં સુસંગતતા વિષે સમજણ આપી હતી.
સ્વામી ગુણેશાનંદ, સેક્રેટરી, રામકૃષ્ણ વેદાન્ત સેન્ટર, લુસાકા(ઝામ્બીયા), સ્વામી બોધમયાનંદ, નિર્દેશક, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન એક્સેલન્સ, હૈદરાબાદ, શ્રી શરદ સાગર, Dexterity Globalના સ્થાપક અને સી.ઇ.ઓ., Student Government at Harvard Graduate School of Educationનાં અધ્યક્ષ કુ. સાચી સોની, યુરોપનું સૌથી ઉચ્ચતમ શિખર માઉન્ટ એલ્બ્રસ સર કરનાર સૌથી યુવા નારી, કુ. મીરા એરડા, ફોર્મ્યુલા 4નાં રેસર-ડ્રાઇવર-કોચ તેમજ આંતર્રાષ્ટ્રીય સ્તરે પ્રથમ મહિલા વિજેતા; કુ. ઝીલ મરાઠે, ૨૦૧૪ના રાષ્ટ્રીય બહાદુરીનો રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વગેરે આ વેબિનારના વક્તાઓ હતા.
૧૯ રાજ્યોના ૩૮૯ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું. ૨૧૦૦ લોકોએ આ કાર્યક્રમને યુ-ટ્યૂબ ચેનલ પરથી જીવંત માણ્યો હતો. વેબિનારનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને સમાપન સ્વામીજીના સ્વદેશમંત્ર અને આભારદર્શનથી થયું હતું.
૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રદર્શન અને પુસ્તક વેચાણનું નીચે મુજબ આયોજન કરાયું:
રાજકોટની એમ. જે. કુંડલીયા મહિલા કૉલેજમાં આશરે ૮૦ વિદ્યાર્થિનીઓ અને ૫ અધ્યાપકો હાજર હતાં. મોરબી જીલ્લાના એલાઈટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટૅકનો., એન્ડ મૅનૅજમૅન્ટ ખાતે આશરે ૪૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાજકોટની ગારડી વિદ્યાપીઠમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
રાજકોટ આશ્રમ પ્રાંગણમાં ઉત્સવોની ઉજવણી
26 ડિસેમ્બરે શ્રીમા શારદાદેવીની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી હતી. 30 ડિસેમ્બરે સ્વામી શિવાનંદજી મહારાજની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 2022ના રોજ કલ્પતરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રીરામકૃષ્ણ મઠ, અમદાવાદ
26 ડિસેમ્બરે શ્રીમા શારદાદેવીની તિથિપૂજાના પાવન દિને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી પ્રભુસેવાનંદજીને શ્રીરામકૃષ્ણ મઠ, અમદાવાદનો કાર્યભાર સોંપ્યો હતો. આમ શ્રીરામકૃષ્ણ મઠ, અમદાવાદ શ્રીરામકૃષ્ણ મઠ, બેલુરના સ્વતંત્ર શાખાકેન્દ્રના રૂપમાં અસ્તિત્વમાં આવ્યો.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ અને આઝાદીના અમૃત-મહોત્સવની ઉજવણીના સંદર્ભે પોરબંદર આશ્રમ દ્વારા યુવાશિબિર અને યોગાસનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક સમાચારપત્રો તથા ટીવી ચેનલો દ્વારા આ ઉત્સવની નોંધ લેવામાં આવી હતી.
2022 થી 2023 સુધી પોરબંદર આશ્રમની રજતજયંતી મહોત્સવની ઉજવણી થશે, જેની શરૂઆત 12 જાન્યુઆરીએ એક ઓનલાઈન જાહેરસભાથી થઈ હતી. આ સભામાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી મહારાજ, સ્વામી ચિરંતનાનંદજી મહારાજ, સામાજિક કાર્યકર કુ. રૂષિકા હાથી, અને લેખક ભદ્રાયુ વછરાજાનીએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. તદુપરાંત ચાર છાત્રોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સ્વદેશમંત્રનું પઠન કર્યું હતું.
Your Content Goes Here