(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ લખ્યો હતો. આ લેખનો એક અંશ અહીં પ્રસ્તુત છે.-સં.)

સંગત—પછી એ સારી હોય કે ખરાબ—ચારિત્ર્યના વિકાસ માટે અત્યંત ગુરુત્વપૂર્ણ છે. શાળામાં અપાતી માળખાગત શિક્ષા કરતાં પણ સંગતનું મહત્ત્વ વધુ છે. માટે જ સ્વામીજીએ કહ્યું હતું, ‘માણસનું વ્યક્તિત્વ બે તૃત્યાંશ જ છે અને તેનાં શબ્દો કે બુદ્ધિ છે તે માત્ર એક તૃત્યાંશ છે.’1

શિક્ષકનું ચારિત્ર્ય જ વિદ્યાર્થીઓ માટે એક જ્વલંત આદર્શરૂપ થાય, અને એ ચારિત્ર્યની અગ્નિશિખા વિદ્યાર્થીઓનો માર્ગ પ્રકાશિત કરે અને હકારાત્મક કેળવણી આપે, એમ સ્વામીજી ઇચ્છતા. ચારિત્ર્યગઠન માટે એક આદર્શ ચારિત્ર્યનું અનુસરણ અત્યંત આવશ્યક છે. આ આદર્શ ચારિત્ર્યવાન વ્યક્તિ જો શિક્ષક હોય તો પછી જોઈએ જ શું! અને સાથે જ જરૂરી છે સંસ્કૃતિના મૂલ્યબોધની કેળવણી આપે એવાે એક સંપૂર્ણ પાઠ્યક્રમ તૈયાર કરવાની.

ચારિત્ર્યગઠનની શિક્ષા જેમ ‘સારી કેળવણી’ અને ‘ખરાબ કેળવણી’નો તફાવત સમજાવે છે તેમ જ અન્ય રૂપે શું સારું અને શું ખરાબ એની પણ પરીક્ષા લેતાં શીખવે છે. આપણે સહુ જાણીએ છીએ કે નૈતિકતા સંબંધે હજારો ઉપદેશો સાંભળવાને બદલે નૈતિક કેળવણી સંબંધિત ચર્ચા-વિચારણામાં ભાગ લેવો વધુ શિક્ષાપ્રદ છે. પાઠ્યકક્ષ તેમજ વિદ્યાલય જો નૈતિક કેળવણીનાં ગર્ભગૃહ બની શકે તો શિક્ષકો બને નીતિશિક્ષાનાં ઉજ્જવળ ઉદાહરણો. વિદ્યાર્થીઓ એક એવા પરિમંડળમાં, કેટલાક એવા લોકોના સંસર્ગમાં રહે કે જેથી તેઓ સ્વત: સ્ફુર્ત રૂપે માનસિક અને નૈતિક મૂલ્યબોધ શીખે.

વર્તમાન શિક્ષાપ્રણાલી બૌદ્ધિક વિકાસ ઉપર વધુ ભાર આપવા જતાં જનસાધારણનું કલ્યાણ સાધવાની ઉપેક્ષા કરે છે. આ સંકટજનક પરિસ્થિતિના પ્રતિકારરૂપે સ્વામીજી મનુષ્યના સર્વાંગીણ વિકાસની વાત કહે છે. એક વક્તૃતામાં તેઓ કહે છે: ‘જે વ્યક્તિમાં આ ત્રણેનો- જ્ઞાન, ભક્તિ અને યોગનો – સુંદર સમન્વય થયો હોય, તે વ્યક્તિનું ચારિત્ર્ય સર્વાેત્તમ છે.’2

સ્વામીજી હતા દરિદ્રના, હતા દુર્બળના, હતા ભારતના અસંખ્ય અસહાય મનુષ્યોના સાચા બંધુ. કેળવણીના માધ્યમે આ અસહાય લોકોની દુર્દશા કેવી રીતે મોચન થાય—એ જ હતી તેઓની ચિંતનધારા. કેળવણી અને સંસ્કૃતિનો પ્રકાશ જનસાધારણ સુધી કેટલો પહોંચ્યો એ જ હતો તેઓના મતે એક પ્રજાની ઉન્નતિનો માનદંડ. જ્યાં સુધી આ પ્રકાશ સહુના સુધી ન પહોંચે ત્યાં સુધી કોઈ પણ પ્રજા ઉન્નત મસ્તકે ઊભી રહી શકે નહીં. સ્વામીજી ભાર આપીને કહેતા કે, ‘દરિદ્રોના ભોગે શિક્ષણપ્રાપ્ત સમાજના અગ્રણીઓએ આગળ આવવું પડશે અને શિક્ષણની સહાયતાથી દરિદ્રોનું દુ:ખમોચન કરવું પડશે.’ સ્વામીજીનું ‘મિશન’ જ હતું આ દરિદ્રોનું દુ:ખમોચન.

એક વાર તેઓએ કહ્યું હતું, ‘કુદરતમાં અસમાનતા હોય તો પણ તક દરેકને માટે સમાન હોવી જોઈએ અને જો કેટલાકને માટે વધારે અને કેટલાકને માટે ઓછી તક હોય તો બળવાન કરતાં નિર્બળને વધારે તક આપવી જોઈએ.’3

આજે તો શિક્ષણનું મહત્ત્વ પરિવારથી માંડીને ધાર્મિક સંસ્થાઓ, વ્યક્તિગત દાન-ધ્યાન, જનપ્રશાસન, રાષ્ટ્ર-વ્યવસ્થા બધે જ ફેલાઈ ગયું છે. આમ છતાં શિક્ષણનો પ્રકાશ અતિદરિદ્ર અને શ્રમજીવીઓ સુધી પહોંચ્યો નથી. વિષમય અને અસ્વાસ્થ્યકર પરિસ્થિતિના શિકાર આ દરિદ્રો શિક્ષણની સુયોગ-સુવિધાના કણમાત્રને કામે લગાડી શકતા નથી.

વિવેકાનંદે અનુભવ કર્યો હતો કે લોકોમાં રહેલ શિક્ષણ, સંપત્તિ, કે બાહુબળની અસમાનતા દેશ કે પ્રજાના Spiritને (ઓજસને) નિર્બળ કરી દે છે. માટે જ ભારતવર્ષના પુન:જાગરણ માટે જનસાધારણને શિક્ષિત કરવા તેમજ તેમના લુપ્ત ગૌરવ અને સન્માનને પુન:સ્થાપિત કરવા અતિ આવશ્યક છે.

માત્ર સ્વનિર્ભરતાની કેળવણી પૂરતી નથી. એવું શિક્ષણ જનસાધારણ સુધી પહોંચાડવું જરૂરી છે કે જેથી તેઓ પોતાનાં ધ્યાન-ધારણા અને માનસિક પ્રશિક્ષણ સહાયે પોતાનું ભાગ્ય પોતે જ ઘડી શકે. સાથે જ જો સુદીર્ઘ ઉન્નતિ જોઈતી હોય તો સંસ્કૃતિનો પ્રકાશ પણ તેમના સુધી પહોંચાડવો જરૂરી છે.

ભારતીય નારીની દુર્દશા અને અવનતિ વિશે સ્વામીજી સવિશેષ દુ:ખી હતા. તેઓ વારંવાર નારીશિક્ષણ વિશે ચર્ચા કરતા. કારણ કે નારીજાતિ જ ભવિષ્યની પ્રજાનું ઘડતર કરી દેશની ભાગ્યવિધાતા બનશે. સ્વામીજીની શૈક્ષણિક ચિંતનધારામાં નારીજાગરણ અને જનજાગરણનું મહત્ત્વ સર્વોચ્ચ છે.

Footnotes

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 1, પૃ.399
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 3, પૃ. 4
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 6, પૃ.363
Total Views: 854

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.