(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રાખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માં છપાયેલ આ નોંધનું ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.)

૨ જુલાઈ, ૧૯૨૦

સ્વામી તુરીયાનંદ: આજે વેદાંત (પાઠ) થયો?

ભક્ત: જી હા.

સ્વામી: શું થયું? ‘तत् तु समन्वयात्?’ (બ્રહ્મસૂત્ર નામક વેદાંતગ્રંથમાં આ સૂત્ર આવેલ છે.)

ભક્ત: જી હા. ‘પરિણામી નિત્ય’ અને ‘કૂટસ્થ નિત્ય’ આ સૂત્રો ઉપર વિચાર વિમર્શ થયો.

સ્વામી: ‘પરિણામી નિત્ય’ આ વાત જ સંપૂર્ણરૂપે અસાર છે. આ સાંખ્ય દર્શનની જેમ જ, સમજ્યો? સત્ત્વ, રજઃ તમઃ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. (સત્ત્વ, રજ, તમ વિકારનું નામ જ સૃષ્ટિ.) ડૉ. સુરેશ ભટ્ટાચાર્યે એક દિવસ આ જ વાત પૂછી હતી, ત્રણ ગુણોથી પ્રકૃતિ, ગુણોનો જો વિકાર થાય તો પ્રકૃતિનું પ્રકૃતિત્વ ક્યાં રહ્યું? મેં કહ્યું, ‘બધાંનો તો વિકાર નથી થતો, કેટલાંકનો વિકાર થાય છે. પ્રકૃતિ અને વિકૃતિ-પ્રકૃતિ. જેવી રીતે દૂધનું દહીં થઈ જાય પણ બધું દૂધ તો દહીં ન થઈ જાય, ક્યાંકને ક્યાંક તો દૂધ રહે જ.’

વેદાંત પુરુષ અને પ્રકૃતિને અભિન્ન કહે છે. (પોતાનું શરીર બતાવીને) અહીં જ જુઓને, પ્રકૃતિ અને પુરુષ બન્ને રહેલાં છે. જેવી રીતે એક ચણાની અંદર બે દાણા. ‘પુરુષઃ પ્રકૃતિસ્થો હિ’ વગેરે શ્લોક ‘ય એવં વેત્તિ પુરુષં’ વગેરે. સાધના એટલે બીજું શું? આ પ્રકૃતિને શુદ્ધ કરવી. વૈષ્ણવો કહે છે, એક કૃષ્ણ જ પુરુષ છે, બાકી બધા પ્રકૃતિ. મહાપ્રભુ કહેતા, ‘પ્રકૃતિ થઈને કરે પ્રકૃતિ સાથે વાતચીત.’ પ્રકૃતિ શું ક્યારેય પ્રકૃતિને ચાહે? પ્રકૃતિને પુરુષગામી કરવી પડે. મીરાંબાઈ વૃંદાવન જઈને સનાતન (ગોસ્વામી)ને મળવા માગતાં હતાં. પરંતુ તેઓ સ્ત્રી હોવાથી સનાતન તેમને મળવા માટે અસંમત થયા. તેઓ મહાન વૈરાગી હતા ને! તે સાંભળીને મીરાંબાઈએ કહ્યું, ‘વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે એવી ખબર હતી. બીજા કોણ પુરુષ આવ્યા? તેને જોવા જ પડશે.’

ત્યારબાદ બન્નેનો મેળાપ થયો. બન્ને ઉચ્ચ સાધક હતા ને, ખૂબ આનંદ થયો. સનાતને એમ કહીને તેમને પ્રણામ કર્યા, ‘શ્રીકૃષ્ણનું લીલાસ્થાન જ મારું જન્મસ્થાન.’ પોતાના અનુભવ સાથે સરખામણી ન કરી શકીએ તો વેદાંત વાંચવાથી કોઈ લાભ ન થાય.

આ બધી વાતચીત થતી હતી તે સમયે એક યુવકે ત્યાં આવીને ભૂમિષ્ઠ થઈને પ્રણામ કર્યા. યુવક બાંગ્લાદેશના કુમીલ્લા શહેરનો. ત્યાંના કોઈ મહાપુરુષ પાસેથી બ્રહ્મચર્ય અને મંત્રદીક્ષા મેળવીને ૧૧ વર્ષ ચિત્તાગોંગમાં કેટલાક ગુરુભાઈઓ સાથે રહીને ભજન અને સત્સંગમાં સમય પસાર કરતો હતો.

સ્વામી: (યુવક પ્રત્યે) તારામાં વૈરાગ્યનાં ચિહ્ન દેખાય છે. તારો કયા પ્રકારનો વૈરાગ્ય છે? સાચો વૈરાગ્ય કે ‘કારણ’ વૈરાગ્ય? કોઈ કારણથી વૈરાગ્ય આવ્યો હોય તો તે કારણ પૂરું થતાં વૈરાગ્ય પણ જતો રહે. શું તને Intern કર્યો હતો (શિષ્યના રૂપમાં રાખ્યો હતો)?

યુવક: જી ના.

સ્વામી: ભલે, વૈરાગ્ય થવો તે તો સૌભાગ્યની વાત છે. વૈરાગ્ય એટલે શું? આત્મ-અનાત્મ-વિવેક, પ્રકૃતિ-પુરુષ-વિવેક—આ બધા synonimous terms (સમાનાર્થી શબ્દ) છે.

યુવકને કાશીમાં રહેવાની વાત પૂછતાં તે બોલ્યાે, ‘સુવિધા થશે તો કાશીમાં જ રહીશ.’

સ્વામી: સદ્‌ભાવ રહે તો ભારતવર્ષની તો વાત જ નથી, બધા દેશમાં રહી શકાય.

સભી ભૂમિ ગોપાલકી જહાઁ મેં અટક કહાઁ।
જાકે મનસે અટક હૈ તાકે અટક રહા॥

(બધી ભૂમિ ગોપાલની છે, જગતમાં અવરોધ ક્યાં છે? જેના મનમાં અવરોધ છે એને જ અવરોધ નડે છે.)

એક ખૂબ મોટા માણસે આ વાત કહી હતી. કોણે ખબર છે? રણજીતસિંહ (પંજાબના રાજા)ના સેનાપતિ હરિસિંહે. અફઘાનીઓ Frontier (દેશની સરહદના પ્રદેશ)1 માં વિભિન્ન ઉત્પાતો કરતા. તેમનો પીછો કરતાં તેઓ સીમા પાર ભાગી જતા. સીમા પાર કરવાથી ધર્મ નષ્ટ થાય એ ભયે એમને સજા આપવી એ એક સમસ્યા થઈ પડી. ત્યારે હરિસિંહને બોલાવીને તેના ઉપાય માટેની સલાહ માગતાં તેમણે આ વાત કહી હતી. હરિસિંહ સીમા પાર કરીને અફઘાનીઓને બરાબરની સજા આપી આવ્યા.

હરિસિંહ વૈષ્ણવ હતા, પરંતુ કેવી જ્ઞાનની વાત, પરમહંસ જેવી વાત! સદ્‌ભાવ લઈને જ્યાં પણ રહો, ત્યાં સારી રીતે રહી શકશો. તેઓ (ઈશ્વર) જ સત્‌—તેમના સિવાય બીજું કાંઈ સત્‌ છે?

બીજી એક નાની વાર્તા તમને કહું છું. યાદ છે ને, દંડકારણ્યમાં સીતાહરણ પછી ભ્રમણ કરતાં કરતાં રામ-લક્ષ્મણે એક મનોરમ્ય સ્થાન જોયું. ત્યાં જ ચતુર્માસ વિતાવવા ઇચ્છુક રામે લક્ષ્મણને કહ્યું, ‘લક્ષ્મણ, જોઈ આવ અહીંયાં કોઈ રહે છે કે નહિ? જે રહે છે તેમની અનુમતિ વિના કેવી રીતે રહી શકાય?’

શોધતાં શોધતાં લક્ષ્મણને વનની વચમાં એક શિવમંદિર જોવા મળ્યું, પરંતુ કોઈ રહેવાસીનું ચિહ્ન જોવા મળ્યું નહિ. પાછા ફરીને રામને કહેતાં રામ આનંદ સાથે બોલ્યા, ‘સારું થયું, શિવ જ આ સ્થાનના અધિષ્ઠાતા! તેમની અનુમતિ લઈ આવ.’

લક્ષ્મણે રામના આદેશથી મંદિરમાં જઈને અનુમતિ માગતાં લિંગમાંથી એક જ્યોતિર્મય પુરુષ પ્રકટ થયા અને એક વિશેષ મુદ્રામાં થોડી ક્ષણો નૃત્ય કરીને અંતર્ધ્યાન થઈ ગયા. લક્ષ્મણે અવાક થઈને પાછા ફરીને રામને બધી વાત કરતાં રામે કહ્યું, ‘કુટિર બાંધ, અનુમતિ મળી ગઈ છે.’ લક્ષ્મણે જાણવા માગ્યું કે ‘તે કેવી રીતે?’ રામે ઉત્તર આપ્યો, ‘જિહ્વાનો લોભ (સારું ખાવાની ઇચ્છા) અને કામવાસના વશમાં રાખીને અહીં જ કેમ, જ્યાં ઇચ્છા થાય ત્યાં આનંદથી રહી શકાય.’

પૃથિવ્યાં યાનિ ભૂતાનિ જિહ્વોપસ્થનિમિત્તક।
જિહ્વોપસ્થ પરિત્યાગે પૃથિવ્યાં કિં પ્રયોજનમ્॥
– ઉત્તરગીતા ૩/૫

જે કંઈ ગોલમાલ છે તે આ જિહ્વાના લોભ અને કામવાસનાને લીધે છે. હિમાલયમાં નિર્જન સાધનાને અનુકૂળ કેટલાંય સ્થાનો છે, કેમ સાધુઓ ત્યાં નથી રહી શકતા? જિહ્વાને કારણે ખાવાના લોભથી તેઓને તે બધાં સ્થળોનો ત્યાગ કરીને આવતા રહેવું પડે છે. અને જોને, સાધુઓ એક જ સ્થાને ઉપદ્રવ વિના નથી રહી શકતા, તેનું કારણ શું? ક્યાં તો જિહ્વાના દોષથી લોકો સાથે ઝઘડો કરી બેસે, ક્યાં તો ખાવાનો લોભ, ક્યાં તો કામવાસનાના આવેશથી લોકો સાથે ઝઘડે.

તે માટે જ સાધુ જો નિરુપદ્રવે એક જ જગ્યાએ ૧૨ વર્ષ રહી શકે, ત્યારે તે ‘આસન સિદ્ધ’ કહેવાય. ૧૨ વર્ષનો સંયમ શું નાની વાત છે! ઇન્દ્રિયજય કરવો ખૂબ કઠિન છે.

‘મરશે નારી ઊડશે રાખ, ત્યારે ગાઈએ નારીનાં ગુણગાન.’ એક વાર્તા છે. અકબર બાદશાહે એક દિવસ બીરબલને કહ્યું, ‘તારી માની કામ-વાસના ગઈ છે કે નહિ તે પૂછી આવ.’ બીરબલની માની ઉંમર ત્યારે ૮૦ વર્ષથીયે વધુ હતી. બીરબલ કેવી રીતે માને આ વાત પૂછી શકે? આ બાજુ સ્વયં બાદશાહનો હુકમ હતો. બીરબલ મહામુશ્કેલીમાં પડી ગયો. આહાર-નિદ્રા બધું છૂટી ગયું. બીરબલની મા મહાબુદ્ધિમતિ હતાં—કારણ કે તેઓ બીરબલનાં મા હતાં. માટે જ તેઓ પણ બધું સમજી ગયાં. તેઓએ બીરબલને કહ્યું, ‘ચિંતાની કોઈ વાત નથી. તું શાંતિથી ભોજન કરી લે. જ્યારે દરબારમાં જા ત્યારે મારી પાસેથી જવાબ લઈ જજે.’ દરબારમાં જવાના સમયે માએ બીરબલના હાથમાં એક ડબ્બો આપીને તે બાદશાહને આપવા કહ્યું. ડબ્બો મળવાથી બાદશાહે તે ખોલ્યો. તેની અંદરમાં એક બીજો ડબ્બો હતો, જેની અંદરમાં ત્રીજો ડબ્બો મળ્યો. ડબ્બા સિવાય કાંઈ જ ન હતું. સૌથી છેલ્લા ડબ્બામાં થોડી રાખ મળી. સમજ્યા તો? (મૃત્યુ પામ્યા પછી શરીરની રાખ ઊડે ત્યારે જ નિશ્ચિતરૂપે કહી શકાય કે તમે પવિત્ર જીવન ગાળ્યું છે. કારણ કે ભૂલ તો વૃદ્ધાવસ્થામાં પણ થઈ શકે છે.)

Footnotes

  1. આ વાત ૧૯૨૦ બ્રીટીશરાજના સમયની છે કે જ્યારે પાકિસ્તાન અને ભારત એક જ હતા અને અફઘાનીસ્તાન આપણી સરહદ પર હતું.
Total Views: 444
By Published On: March 1, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram