સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું.

સ્વામીજીનાં પદચિહ્નો અનુસરી તેઓ બંને ભારત આવ્યાં હતાં. માર્ચ, 1898માં સ્વામીજીએ નિવેદિતાને બ્રહ્મચર્યની દીક્ષા આપી ભારતના ઉત્થાન માટે જીવન ‘નિવેદિત’ કરવાં પ્રેર્યાં હતાં. 1898ના અંતમાં સારા બુલ જ્યારે ભારત છોડી અમેરિકા રવાના થતાં હતાં ત્યારે સ્વામીજીએ એક પત્રમાં એમને લખ્યું હતું:

‘આ પહેલાં મને તમારા પ્રત્યે કેવળ સ્નેહ હતો; પરંતુ તાજેતરમાં જે પરિવર્તન થયું છે તેથી સાબિત થઈ ચૂક્યું કે જગદંબાએ તમને મારા જીવન પર નજર રાખવા માટે નિયુક્ત કર્યાં છે. તેથી સ્નેહમાં શ્રદ્ધાનો ઉમેરો થયો! હવેથી હું માનું છું કે મારા માટે અને મારા કાર્ય માટે, તમે ઈશ્વરી પ્રેરણા પામેલ છો. હું મારા પરથી બધી જવાબદારી ખુશીથી ઉતારી નાખીશ અને જગદંબા તમારી મારફત જે આજ્ઞા આપશે તે અનુસાર હું ચાલીશ.’

લગભગ એક વર્ષ બાદ—ઓગસ્ટ થી નવેમ્બર, 1899 દરમિયાન સ્વામી વિવેકાનંદ નિવેદિતા, સારા બુુલ, તથા અન્ય કેટલાક શિષ્યો સહિત ન્યૂયોર્કની પાસેના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત એક રમણીય ભવન ‘રિજલી મેનર’માં રોકાયા હતા. આ દિવસો દરમિયાન તેઓએ નિવેદિતા તથા સારા બુલને પ્રચાર કાર્ય માટે તૈયાર કર્યાં હતાં.

મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, p.139-143ના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

15 ઓક્ટોબરના એક પત્રમાં નિવેદિતા સ્વામીજી સાથેના સાયં ભ્રમણની વાત કહે છે:

‘મેં સ્વામીજીને હળવેકથી કહ્યું કે “આ ગભીર રાત્રીમાં હું આપણાં પગલાંનો અવાજ પણ સહી શકતી નથી.” એ અદ્‌ભુત ચાંદની રાત હતી અને અમે સંપૂર્ણ નિરવતામાં ચાલ્યા જતાં હતાં. થોડો અવાજ પણ આ પવિત્રતા ભંગ કરી દેત. ત્યારે તેમણે કહ્યું, “ભારતમાં એક વાઘ જ્યારે રાત્રીમાં શિકારનો પીછો કરી રહ્યો હોય ત્યારે જો એનો પંજો કે પૂંછડી થોડો પણ અવાજ કરે તો એ એને એટલા જોરથી બચકું ભરે કે લોહી નીકળવા લાગે.”’

નવેમ્બરની ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. એક દિવસ સવારે નાસ્તાના સમયે સ્વામીજી એકાએક નારાજ થઈ પૂછવા લાગ્યા, નિવેદિતા કેટલા દિવસ સુધી એમને વળગીને રહેશે? સ્વામીજી અને નિવેદિતાએ નક્કી કર્યું હતું કે ભારતમાં શ્રેષ્ઠ કાર્ય છે બાલિકાઓ માટે શાળા સ્થાપી તેઓને આધુનિક પાશ્ચાત્ય વિજ્ઞાન અને ભારતીય આધ્યાત્મિકતાના સુમેળ-સમું જ્ઞાન આપવું. આ શાળાની સ્થાપના માટે ધનસંગ્રહ કરવા જ નિવેદિતા સ્વામીજી સાથે અમેરિકા આવ્યાં હતાં. સ્વામીજીની ઇચ્છા હતી કે નિવેદિતા તરત જ પ્રવચન આપવાનું શરૂ કરી દે કે જેના માધ્યમે ધનસંગ્રહ થઈ શકે. પણ નિવેદિતા રિજલી મેનરમાં સ્વામીજીનો દિવ્ય સત્સંગ ત્યાગ કરી ક્યાંય જવા માગતાં ન હતાં, જેથી સ્વામીજીએ નારાજ થવું પડ્યું હતું. નિવેદિતા એક પત્રમાં આ પ્રસંગ વર્ણવી લખે છે:

‘સ્વામીજીએ કહ્યું કે જો એમનામાં થોડાં પણ સ્વાસ્થ્ય અને શક્તિ બચ્યાં હોત તો તેઓએ જગત જય કરી લીધું હોત. હું ક્ષત્રિય છું. શું મને ખબર નથી કે હું તેમના પરિવારની સદસ્યા છું? હું બ્રાહ્મણ નથી. મારો માર્ગ તપસ્યાનો માર્ગ છે. આ ઠપકો એક અદ્‌ભુત પ્રસંગ હતો, જેનો અંત તેઓએ મને આશીર્વાદ આપીને કર્યો હતો. જ્યારે એમણે મને કહ્યું કે એમની એકમાત્ર ઇચ્છા છે કે હું બહાર દુનિયામાં જઈ એમના માટે યુદ્ધ કરું ત્યારે “ગુરુ”રૂપી સ્વામીજી લુપ્ત થઈ ગયા અને માત્ર “પિતા”રૂપી સ્વામીજી જ રહ્યા. આ જગતને ત્યાગી મૃત્યુની શાંતિમાં ભળી જતાં પહેલાં તેઓ મને કાર્યરત જોવા માગે છે.’

એ સમયે જ નક્કી થયું કે નિવેદિતા પ્રચાર કરવા માટે શિકાગો જવા રવાના થશે અને સાથે જ સ્વામીજી ન્યૂયોર્ક જવા રવાના થશે. પરંતુ વિદાયની ક્ષણ પહેલાં એક અદ્‌ભુત ઘટના ઘટી ગઈ. સ્વામીજીએ એક દિવસે બપોરે નિવેદિતા અને સારા બુલને પોતાના ઓરડામાં બોલાવ્યાં. આ ઘટનાનું વર્ણન કરતાં નિવેદિતા લખે છે:

‘રવિવારે બપોરે સ્વામીજીએ આગ્રહ કર્યો કે હું એમના ઓરડામાં જઈ સામાન બાંધવામાં મદદ કરું. તેઓએ મિસિસ બુલ માટે ગેરુઆ રંગનાં બે કપડાં નીકાળ્યાં, ત્યાર બાદ તેઓએ મને પોતાના ઓરડામાં બોલાવી. મિસિસ બુલ ત્યાં બેઠાં બેઠાં લખી રહ્યાં હતાં. પહેલાં સ્વામીજીએ દરવાજો બંધ કર્યો ત્યાર બાદ તેઓએ એક ગેરુઆ કાપડ સ્કર્ટની જેમ મિસિસ બુલની કમરે બાંધ્યું અને બીજું ચાદરની જેમ એમના શરીરે વીંટાળ્યું. તેઓએ તેને “સંન્યાસિની” કહી સંબોધ્યાં.

‘મારા અને મિસિસ બુલના માથા ઉપર હાથ રાખી તેઓએ કહ્યું, “શ્રીરામકૃષ્ણ પરમહંસે મને જે આપ્યું છે એ બધું જ હું તમને અર્પી દઉં છું. એક નારી (જગદંબા) પાસેથી અમને જે (આશીર્વાદ) મળ્યા છે એ હું તમને બે નારીઓને સોંપી દઉં છું. તમારી ઇચ્છા મુજબ તમે આનો સદુપયોગ કરી શકો છો. હું મારી જાત ઉપર વિશ્વાસ નથી રાખતો. મને ખબર નથી કે આવતીકાલે હું શું કરી બેસીશ અને કામ બગાડી મૂકીશ. એક નારી (જગદંબા) પાસેથી જે મળ્યું છે એ બીજી નારીના હાથમાં જ સુરક્ષિત રહી શકે.

‘“તે (જગદંબા) કોણ છે અને કેવાં છે તે હું જાણતો નથી, મેં એમને ક્યારેય જોયાં પણ નથી. શ્રીરામકૃષ્ણે જ એમને જોયાં હતાં અને સ્પર્શ્યાં હતાં જેમ કે હું તમને સ્પર્શું છું. (આમ કહી સ્વામીજીએ મારા વસ્ત્રની બાંય સ્પર્શી.) તેઓ (જગદંબા) મહાન અશરીરી આત્મા પણ હોઈ શકે છે—મને શું ખબર! હું મારો ભાર તમારા માથા પર ઠાલવી દઉં છું. હવે હું શાંતિથી પ્રસ્થાન કરી શકીશ.

‘“હું આજે સવારથી જ ઉન્મત્તપ્રાય હતો અને સતત વિચારી રહ્યો હતો કે હું (તમારા માટે) શું કરી શકું છું. ભોજન પહેલાં મેં મારા ઓરડામાં આવી થોડો વિશ્રામ કર્યો ત્યારે મને આ વિચાર આવ્યો અને હું કેટલો ખુશ થઈ ગયો હતો. જાણે કે મારો કેટલો ભાર હળવો થઈ ગયો છે! આટલા દિવસો સુધી આ જવાબદારી મારા માથા પર વહી અને હવે તમને આપી દીધી છે.”

‘શું તેઓએ બરાબર આ જ શબ્દો વાપર્યા હતા? હું ધારું છું કે હા. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી બપોરના ૩ વાગ્યાનો કે એના થોડા પછી જ આ પ્રસંગ બન્યો હતો કારણ કે સૂરજ ત્યારે પણ પ્રકાશી રહ્યો હતો. ત્યાર બાદ હું એમને સામાન બાંધવામાં મદદ કરવા ગઈ. ઘણા સમય બાદ જ્યારે મેં એમને કહ્યું કે તેઓ નીચે, જ્યાં (ઠંડીથી બચવા માટે) અગ્નિ પેટાવ્યો છે ત્યાં, જઈ શકે છે, બાંધવાનું કામ હું એકલી કરી લઈશ, ત્યારે તેઓ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને એક નિશ્ચિંત બાળકની પેઠે ચાલ્યા ગયા. “વસ્ત્રદાન”ના આ વિધિમાં બોલાવતાં પહેલાં તેઓએ મને કહ્યું હતું, “ઓહ! હું કેટલી ઉત્ફુલ્લતા અનુભવું છું.”

‘અને આ રીતે બન્યો “મારા જીવનનો સર્વોચ્ચ પ્રસંગ.” મારા જીવનનો અને સેન્ટ સારા (મિસિસ બુલ) ના જીવનનો મહત્ત્વનો વળાંક આવ્યો.’

સ્વામીજી જ્યારે કહે છે કે ‘મને ખબર નથી કે આવતીકાલે હું શું કરી બેસીશ અને કામ બગાડી મૂકીશ.’ એનો અર્થ કે ત્યાગના ઝંઝાવાતમાં સપડાઈને તેઓ બધું જ કાર્ય છોડીને ક્યાંક હિમાલય ન ચાલ્યા જાય.

Total Views: 709

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.