હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે.

ઈશ્વર કોણ છે? તે ક્યાં રહે છે? તેમનું સ્વરૂપ કેવું છે? એમની સાથે આપણો શું સંબંધ છે? એમને જાણવાની શું જરૂર છે? એમને મેળવવાના શું ઉપાયો છે?- આ બધા પ્રશ્નોના જવાબ શાસ્ત્રોમાંથી મળે છે. પોતામાં અંતર્નિહિત રહેલા ઈશ્વરને કેવી રીતે પ્રકટ કરી શકાય? એમાં કયાં વિઘ્નો છે? અને એ વિઘ્નોને પાર કરવાના શું ઉપાયો છે? આપણું આચરણ કેવું હોવું જોઈએ? કયાં કયાં કર્માે યોગ્ય છે અને કયાં કયાં અનુચિત છે?- આ બધો શાસ્ત્રીય શિક્ષણનો વિષય છે.

હિંદુઓ હજારો વર્ષાેથી ધર્મપથ પર ચાલતા આવ્યા છે. આ લાંબા કાળ દરમ્યાન અસંખ્ય ધર્મ-પિપાસુ સાધક શ્રીભગવાનનાં દર્શન પામીને ધન્ય થયા અને એમાંથી અનેક લોકો ઈશ્વરપ્રાપ્તિના નવા નવા પથો ચીંધી ગયા છે. આ પ્રમાણે પુણ્ય ભૂમિ ભારતમાં અનેક સાધન-પથોની શોધ થઈ છે. આ કારણે બીજા ધર્માેની જેમ હિંદુ શાસ્ત્રો કેવળ એક નહીં, પણ સંખ્યામાં અનેક તથા વિવિધતાપૂર્ણ છે. વિભિન્ન માનસિક સ્તરોના લોકોને અલગ અલગ પદ્ધતિથી ધર્મનું શિક્ષણ આપવું જોઈએ, આ કારણે પણ હિંદુઓના ધર્મ-ગ્રંથોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થયેલી છે.

વેદ

આ અનેક તથા વિવિધ હિંદુ શાસ્ત્રોનું મૂળ વેદ છે. અનુભૂતિ પર આધારિત હોવાને કારણે એમને શ્રુતિ પણ કહે છે અને એટલા માટે એની પ્રામાણિકતાના વિષયમાં કોઈ સવાલ જ ઊઠતો નથી. જો કે શ્રુતિની ઉપર જ બીજાં બધાં હિંદુ શાસ્ત્રોની પ્રામાણિકતા નિર્ભર રહે છે.

સંસારના સમસ્ત ધર્મગ્રંથોમાં વેદ પ્રાચીનતમ છે. હિંદુઓના કેટલાક વિશેષ ધર્મગ્રંથોને વેદ કહેવાનું એક કારણ છે. સંસ્કૃત ભાષામાં ‘વિદ્‌’ ધાતુનો અર્થ છે- જાણવું. એટલે ઈશ્વર, જીવ તથા જગત વિષેના પારમાર્થિક જ્ઞાનને જ વેદ કહે છે. જેવી રીતે સૃષ્ટિ અનાદિ અને અનંત છે, તેવી જ રીતે ઈશ્વર-સંબંધી જ્ઞાન પણ અનાદિ અને અનંત છે. ઈશ્વરના વિષયમાં આ ‘શાશ્વત તથા અસીમ જ્ઞાનરાશિ’ જ વેદ શબ્દનો મુખ્ય અર્થ છે. આ અસીમ જ્ઞાનરાશિનો થોડોક અંશ હિંદુ ઋષિઓને મળ્યો હતો અને તે જ લિપિબદ્ધ થઈને ‘વેદ’રૂપે પ્રચલિત છે. જે લોકોએ આ જ્ઞાનનો આવિષ્કાર કર્યો, એમને વૈદિક ઋષિ કહેવાય છે. અહીં ધ્યાન દેવાની વાત એ છે કે એ આવિષ્કર્તા ઋષિઓની અપેક્ષાએ એમના તત્ત્વજ્ઞાનને જ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખરેખર તો અનેક ઋષિઓએ પોતાનું નામ સુધ્ધાં પ્રગટ કરવાની કોઈ જરૂર સમજી નથી.

વેદ ચાર છે- ઋક્‌, સામ, યજુઃ તથા અથર્વ. આમાંથી દરેકના બે ભાગ છે- સંહિતા તથા બ્રાહ્મણ. સંહિતા ભાગમાં મંત્ર અથવા સ્તોત્ર છે, અને બ્રાહ્મણ ભાગમાં એનું તાત્પર્ય તથા એમના ઉપયોગ વિશેની જાણકારી છે.

અતિ પ્રાચીન સમયમાં હિંદુ લોકો આજની માફક મૂર્તિપૂજા કરતા ન હતા. મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં પવિત્ર અગ્નિમાં આહુતિ આપવી એ જ એમનું પૂજા-વિધાન હતું. આ જાતના વૈદિક કર્મને યજ્ઞ કહેવવામાં આવતો હતો. વેદોના બ્રાહ્મણ ભાગમાં વિવિધ જાતના યજ્ઞોનું વર્ણન છે. યજ્ઞ કરતી વખતે વેદના સંહિતા-ભાગના મંત્રોની આવૃત્તિ કરવામાં આવતી હતી અને બ્રાહ્મણ-ભાગમાંથી એ જાણી શકાતું હતું કે કયા યજ્ઞમાં, કયા મંત્રોની, કયા વિધિથી આવૃત્તિ કરવાની આવશ્યકતા રહેશે.

ઉપનિષદ

વેદોના જ કેટલાક અંશોનું નામ ઉપનિષદ છે. વેદોના અંતમાં હોવાથી અથવા વેદોનો સારાંશ હોવાને કારણે આનું બીજું એક નામ ‘વેદાંત’ પણ છે.

વેદોનો મોટો ભાગ યજ્ઞ સંબંધિત છે. આ લોક અને પરલોકનાં સુખોની પ્રાપ્તિને માટે વેદોમાં યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે, પરંતુ યજ્ઞ નામના વૈદિક કર્મનો વાસ્તવિક ઉદ્દેશ છે- એના દ્વારા ક્રમશઃ ચિત્તને શુદ્ધ કરીને તેને ઈશ્વરપ્રાપ્તિ માટે યોગ્ય બનાવવું. વેદોના જે ભાગોમાં આ યાગ-યજ્ઞોની વાતો છે, એને કર્મકાંડ કહે છે. પણ એના ઔપનિષદિક અંશોનું મૂળ (આલોચ્ય વિષય) છે પારમાર્થિક જ્ઞાન. એટલા માટે ઉપનિષદોને જ્ઞાનકાંડની ઉપમા આપવામાં આવી છે.

ઈશ્વર ક્યાં તથા કયા રૂપમાં છે? મનુષ્ય તથા જગતની સાથે એમનો શું સંબંધ છે? એમને જાણવાની શું જરૂરિયાત અને શું ઉપાય છે? વગેરે વાતો ઉપનિષદમાંથી જાણવામાં આવે છે. ઉપનિષદો અનેક છે. દરેક વેદમાં કેટલાંય ઉપનિષદ છે. એમાંથી ૧૧ મુખ્ય છે- ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂકય, ઐતરેય, તૈત્તિરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને શ્વેતાશ્વતર.

Total Views: 589

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.