વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે. તમારે ઉચ્ચતમ દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જીવનના ચરમ ઉદ્દેશ્યને ઉપલબ્ધ કરવું જોઈએ.

જ્ઞાનને માટે ચિત્તશુદ્ધિ અને પ્રજ્ઞા જરૂરી છે અને એના વિના કોઈ ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી અને નિઃસ્વાર્થ કર્મ તથા નૈતિક સાધનાઓ એનાં ઉપાયો તથા સોપાન માત્ર છે. પણ લક્ષ્ય તો પરમ-ચૈતન્ય અને આનંદની ઉપલબ્ધિ છે. આનંદ તથા ચૈતન્ય આપણી અંદર હાજર છે, તેઓ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. તે ચિત્તની અપવિત્રતાથી આવૃત માત્ર છે. અપવિત્રતા દૂર થવાથી આત્મસ્વરૂપ પ્રકાશિત થઈ જાય છે.

અપવિત્રતાનો અર્થ કેવળ અશુભ વાસનાઓ અને ખરાબ વિચારો જ નથી. કહેવાતી શુભ વાસનાઓ અને વિચારો પણ ધ્યાન અને આત્મસાક્ષાત્કારમાં બાધક છે, અને એટલા માટે અપવિત્ર માનવામાં આવે છે. નૈતિકજીવન અશુભ વિચારો અને સંસ્કારોના નાશ અથવા ઉદાત્તીકરણ ઉપર ભાર દે છે. પરંતુ આધ્યાત્મિક જીવનનો આગ્રહ, શુભ વિચારો અને વાસનાઓનો નાશ અથવા અતિક્રમણ છે. ભાવનાઓ વ્યક્તિને માનસિક અને ભૌતિક સ્તર પર પણ આબદ્ધ કરે છે. આધ્યાત્મિક જીવનનો અર્થ આ બન્નેથી પર જવાનો છે. એટલા માટે સાધકે તથાકથિત પરંપરાગત શુભ-આચરણની પણ ઉપર જવાનો નિર્દેશ આપવામાં આવે છે.

ભાવનાત્મક સ્તર પર કોઈ સુરક્ષા થઈ શકતી નથી. માણસે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવી જોઈએ અને એનું તીવ્ર આધ્યાત્મિક પિપાસાનાં રૂપમાં ઉદાત્તીકરણ કરવું જોઈએ.

વાસ્તવિક લક્ષ્ય

મનને આત્મગ્લાનિ અથવા વ્યર્થ અનુશોચના જેવી કોઈ વાતોથી ક્યારેય દુર્બળ ન બનાવો. જો આપણે સંતુલન બનાવી રાખીને આપણી હલકટ ભાવનાઓ અને વિચારોનો સામનો કરી શકીએ તો આપણે નવા રસ્તેથી કોઈ સકારાત્મક કાર્યનો આરંભ કરી શકીશું અને ઉત્સાહપૂર્વક આગળ વધી શકીશું. ભૂતકાળનું ચિંતન એક રોગ છે, જેનો દરેક સાધકે એનાં લક્ષણો પ્રગટ થતાં જ ઉપચાર કરવો જોઈએ. ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરતાં પહેલાં પણ આપણે મિથ્યા અને અપવિત્ર વિચારો અને ભાવનાઓથી પોતાને મુક્ત કરી લેવા જોઈએ.

એના પછી આપણે પ્રાર્થના અને જપ કરીએ, જે ધ્યાનની તરફ લઈ જાય છે. જપ પોપટની માફક ભગવાનના નામનું આવર્તન માત્ર નથી, પણ મનમાંથી ઊઠી રહેલાં ભગવાનના નામનો બોધ હંમેશાં થતો રહેવો જોઈએ. જપ અને પ્રાર્થનાનો નિર્દીષ્ટ પદ્ધતિથી અભ્યાસ કરવાથી એક નવી સમરસતા પેદા થાય છે, જે આપણાં ચિંતન, સંવેદન અને સંકલ્પોને શુદ્ધ કરે છે, અને જે ધ્યાનની દિશામાં એક મોટું કદમ છે.

અમારા ગુરુદેવ સ્વામી બ્રહ્માનંદજીનો ઉપદેશ સાંભળોઃ

‘મનને શાંત અને શુદ્ધ કરવાનો સૌથી સહેલો ઉપાય એકાંતવાસ, સંયમ તથા ધ્યાન-ધારણા છે. જેટલાં શુભ ચિંતનમાં મનને લગાવશો એટલો જ તમારો આધ્યાત્મિક વિકાસ થશે. જે રીતે સારો ખોરાક ખાવાથી ગાય વધારે દૂધ આપે છે, એ જ પ્રમાણે મનને જ્યારે આધ્યાત્મિક આહાર આપવામાં આવે છે, તો તે વધારે શાંતિ આપે છે. ધ્યાન, ધારણા, પ્રાર્થના, જપ, વગેરે આધ્યાત્મિક આહાર છે.

મનને સ્થિર કરવાનો બીજો ઉપાય છે, એને ભટકવા દેવું, પરંતુ એની ગતિવિધિઓ ઉપર કડક નજર રાખવી. થોડાક સમય પછી મન પોતે જ થાકીને પાછું આવે છે, અને ભગવાનમાં શાંતિ પ્રાપ્ત કરે છે. જો તમે મન ઉપર નજર રાખશો, તો મન એના બદલે તમારા પર નજર રાખશે.’

(ધ ઇટર્નલ કંપેનિયન, પૃ. ૨૫૧-૫૨)

પરંતુ, આવું અહંકેન્દ્રિત પરમાત્માનું ધ્યાન પર્યાપ્ત નથી. પરમાત્માનું ધ્યાન કરવાની સાથે આપણે આંતરિકતાપૂર્વક પોતાને પરમાત્માને સમર્પિત પણ કરવા જોઈએ. ધ્યાનના નિરંતર અભ્યાસથી એક આંતરિક જ્યોતિ, એક પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય છે, જેની સહાયતાથી જીવ પરમાત્માની સાથે પોતાના સંબંધને જાણે છે અને એમાં લીન રહે છે. પરિણામ સ્વરૂપ થનારી દિવ્ય સમાધિ જીવને પૂરી રીતે રૂપાંતરિત કરી દે છે.

દેવમાનવ દિવ્ય અનુભૂતિના ઉત્કર્ષ પછી જ્યારે નીચે આવે છે, ત્યારે તે પોતાની સાથે એક નવી દૃષ્ટિ લઈને આવે છે અને સ્વયં તથા બધાં પ્રાણીઓ અને વસ્તુઓમાં પરમાત્માનાં દર્શન કરે છે. એનું મન સુખ-દુઃખથી અવિચલિત અને શાંત બની જાય છે. વિતરાગ-ભય-ક્રોધ, એનું હૃદય બધાં પ્રાણીઓ પ્રતિ પ્રેમ અને કરુણાથી પૂર્ણ થઈ જાય છે. તે સુદૃઢ દિવ્ય ચેતના પર આધારિત શાંતિનો અનુભવ કરી લે છે અને સંસારની કોઈ પણ વસ્તુથી પ્રભાવિત થતો નથી, પણ પોતાની શાંતિ અને આંનદને બીજાને વહેંચવાને માટે લાલાઈત રહે છે.

Total Views: 584

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.