(1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ ગૃહસ્થ ભક્તોના સાદર આહ્‌વાને તેઓ સમયે સમયે કોલકાતા આવી કેટલોક સમય વિતાવતાં તેમજ ભક્તોને આશીર્વાદ અને દીક્ષા આપતાં. શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને માના પ્રધાનસેવક સ્વામી શારદાનંદ અર્થાત્‌ શરત્‌ મહારાજે માના રહેઠાણ માટે કોલકાતામાં ઉદ્‌બોધન ગૃહનું નિર્માણ કર્યું હતું. 23 મે, 1909ના રોજ માએ ઉદ્‌બોધનમાં શુભ પદાર્પણ કર્યું હતું. ત્યાંથી જ બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ પણ પ્રકાશિત થતી અને સાધુ-બ્રહ્મચારીઓ પણ રહેતા. એ સમયે શરત્‌ મહારાજ રામકૃષ્ણ સંઘના સચિવ હતા અને ત્યાંથી જ સંઘનો વહિવટી કાર્યભાર સંભાળતા. ‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ સ્મૃતિકથા સાભાર સ્વીકારવામાં આવી છે. બંગાળીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે અમે અંજુબહેન ત્રિવેદીના આભારી છીએ. -સં.)

પહેલી વાર જ્યારે માનાં દર્શન કરવા ઉદ્‌બોધન ગયો હતો ત્યારે મા ગામડે હતાં, માટે જ માનાં દર્શનનું સૌભાગ્ય એ વખતે મળ્‍યું નહીં. પૂજનીય ગોલાપ મા એ વખતે ઉદ્‌બોધનમાં હતાં. તેમનાં દર્શન અને પ્રણામ કર્યાં. અમે આટલા દૂરદેશથી કષ્ટ કરીને આવ્યા છીએ એ સાંભળીને તેઓએ વિશેષ સ્નેહ અને સહાનુભૂતિ પ્રગટ કર્યાં અને અમે માનાં દર્શન કરી શક્યા નહીં માટે દુઃખ કરવા લાગ્યાં. અમે એમના દર્શનથી જ આનંદ પ્રગટ કર્યો એટલે ગોલાપ મા હસીને બોલ્યાં, ‘મધ્વભાવે ગુડં દદ્યાત્’ —મધ ન હોય તો ગોળ!

ત્યારે હું મા વિશે ઝાઝું કંઈ જાણતો ન હતો. સાંભળ્‍યું હતું કે ઠાકુરનાં સહધર્મિણી હજી જીવિત છે અને ઉદ્‌બોધનમાં નિવાસ કરે છે. ભક્તો તેમનાં દર્શન કરે છે અને તેઓ કોઈ કોઈ ભક્તોને દીક્ષા પણ આપતાં રહે છે. પરંતુ ઉદ્‌બોધનમાં જ ગોલાપ માની વાતોથી સમજ્યો કે મા થોડી ભિન્ન પ્રકૃતિનાં છે અને તેઓનાં દર્શન કરવાં એ ખૂબ સૌભાગ્યની વાત છે. પછીથી પૂજનીય શરત્‌ મહારાજને બોલતા સાંભળ્‍યા હતા, ‘મા અને ઠાકુર શું ભિન્ન છે?’ આ વાત સાંભળ્‍યા પછી માનાં દર્શન કરવા માટે મારા મનમાં વિશેષ આગ્રહ ઉત્પન્ન થયો.

ત્યાર બાદ એક દિવસ માનાં દર્શન કરવા માટે ગાડી કરી હાવડા સ્ટેશન સુધી તો પહોંચ્યો, પરંતુ જે મિત્ર ગાડી સુધી મૂકવા આવ્યો હતો તે અચાનક પડી ગયો અને તેનો એક હાથ ભાંગી ગયો. ત્યારે તેને લઈને ઘરે પાછા આવતું રહેવું પડ્યું.

આ ઘટનાનાં લગભગ બે વર્ષ પછી મારા એક મિત્રે પત્ર લખીને જણાવ્યું કે જયરામવાટીમાં જઈને માનાં દર્શન અને કૃપાલાભ મેળવવાની વિશેષ સુવિધા છે. એ મિત્ર તે વખતે નવાસન ગામમાં રહેતા હતા અને તેઓ પછીથી સ્વામી જ્ઞાનાનંદ બન્યા.

આ દરમિયાન મારા બે શુભચિંતક મિત્રોએ માની કૃપા મેળવી હતી—એક જણે ઉદ્‌બોધનમાં અને બીજાએ જયરામવાટીમાં. તેઓની પાસેથી માની વાતો સાંભળી. એક દિવસ સ્વપ્નમાં માનાં દર્શન થયાં. આકસ્મિક રીતે માના ત્રણ ફોટા પણ મળ્‍યા. ત્યારે માના ફોટા મેળવવા ખૂબ મુશ્કેલ હતું.

જયરામવાટીમાં ઉપરોક્ત મિત્ર સાથે પહેલી વાર જ્યારે સવારે ઉપસ્થિત થયો તે દિવસે મા કાલીમામાના ઘરે હતાં. માના ઘરના દરવાજા પાસે સામાન રાખી, ઠાકુરને પ્રણામ કરી અમે કાલીમામાના ઘરના દરવાજા પાસે આવ્યા. મા પણ ત્યારે એ જ ઘરમાંથી બહાર નીકળતાં હતાં. અમને જોઈને જ મા દરવાજાની સામે જે મોટો પથ્થરનો ટુકડો છે તેની ઉપર પગ ઝુલાવી, હાથ ખોળામાં રાખી બેસી ગયાં. તેઓએ લાલ રંગની પાતળી કિનારીવાળી સફેદ સાડી પહેરી હતી. માથા પર અડધો ઘૂમટો અને ડાબી બાજુ અનાવૃત. તેમના વાળ થોડા વાંકડિયા હતા અને તે ડાબી બાજુના ખભા પર ઝૂલતા હતા. હાથમાં કડાં, પગના અંગુઠામાં લોખંડના વિછીયા (અંગુઠી), ગળામાં બારિક રુદ્રાક્ષની માળા, ઉન્નત દેહ. એ વખતે મને લાગ્યું હતું કે તેઓ ખૂબ સ્વસ્થ અને સબળ છે.

માએ પ્રસન્નવદને, મૃદુ હસીને, મારી સામે જોઈને મિત્રને પૂછ્યું, ‘આ છોકરો કોણ છે, રે?’

મિત્રએ જવાબ આપ્યો, ‘મા, તમારો જ પુત્ર, મારો બાળપણનો મિત્ર.’

અમે બન્નેએ માને પ્રણામ કર્યા. માએ અમને સ્નેહાશીર્વાદ આપ્યા અને બોલાવીને ઘરમાં લઈ ગયા. માનું રૂપ જોયું, વાત સાંભળી—મા સાચે જ મા. યાદ આવી ગયો સ્વપ્નમાં જોયેલ એ ચહેરો. અજાણી, અપરિચિત જગ્યાએ આવી પડ્યો છું એવું બિલકુલ મને લાગ્યું નહીં. એક ક્ષણમાં જ માનો પોતાનો થઈ ગયો. માએ ભય-ભાવના-સંકોચને છિન્ન કરી નાખ્યા. પ્રસાદ મેળવવાના સમયે માએ પોતાના હાથે પીરસીને ખવડાવ્યું. વિવિધ વાતો થઈ.

મારા મિત્રએ વાતવાતમાં કહ્યું, ‘એની (લેખકની) પાસેથી જ મેં ઠાકુરની વાત પહેલીવાર સાંભળી હતી.’

મેં પણ કહ્યું, ‘પાછો એ જ મને આપની પાસે લઈ આવ્યો છે.’

મા એ સાંભળી ખૂબ ખુશ થઈ મિત્રને બોલાવીને કહ્યું, ‘સારું થયું. એણે તારી પર ઉપકાર કર્યો હતો, તેં ફરીથી એની ઉપર ઉપકાર કર્યો.’

સંન્યાસી અને ગૃહસ્થ બધા સંતાનની ઉપર માની સમાન મમતા હતી. ગૃહસ્થ સંતાનો પણ જ્યારે માની પાસે આવતા ત્યારે એમના મનમાં ક્યારેય થયું ન હતું કે એમના પ્રત્યે માના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે કે મમતામાં કોઈ કમી છે. માની સહાનુભૂતિ અને અનુકંપા તેમની સુખદુઃખસમાવિષ્ટ સંસારયાત્રાની આંતરિક દુઃખવેદના લાઘવ કરતી અને આનંદ-ઉત્સાહમાં વૃદ્ધિ કરતી. મા ઘણાનાં ઘરની, પરિવાર-પરિજનની, નોકરી-ધંધાની, અને સાંસારિક અવસ્થાની ખબર લેતાં. ભક્તો કોઈ સમસ્યાની વાત જણાવતાં તો મા તે ધ્યાનપૂર્વક સાંભળતા અને કર્તવ્યબોધ આપતાં અને જરૂરી ઉપદેશ આપતાં.

શું આશ્ચર્યજનક તીક્ષ્ણ દૃષ્ટિ હતી માની, વિચારીને અવાક થઈ જાઉં છું. જયરામવાટીમાં વિભિન્ન જગ્યાએથી ભક્તોનો સમાગમ થતો ત્યારે મા રસોઈ કરનાર માસીને બરાબર કહી દેતાં, કોણ શું ખાશે અને કેટલું ખાશે—ત્યાં સુધી કે રોટલીની સંખ્યા પણ કહી દેતાં! તેથી જ માના ઘરમાં, માની પાસે, ભોજન કરીને દીકરા-દીકરીઓને આટલી તૃપ્તિ મળતી! જેમ ઠાકુર કહેતાઃ ‘મા બરાબર જાણે, કયા દીકરાના પેટને શું માફક આવશે!’

જયરામવાટીમાં જોવા મળતું, બધા પુરુષ ભક્તોને ભોજન કરાવીને પછી સ્ત્રી ભક્તોને લઈ મા નિશ્ચિંતે આહાર કરવા બેસતાં. સંજોગવશાત્‌ કોઈ કારણસર કોઈ દીકરાને બહાર જવું પડ્યું હોય, તો એ પાછો ન ફરે ત્યાં સુધી, ભલે ગમે તેટલું મોડું થાય, મા એની રાહ જોતાં, રસ્તાની સામે તાકી રહેતાં, આગળ જઈ ઊભાં રહેતાંઃ ‘આટલું મોડું થઈ ગયું, દીકરાએ હજુ ખાધું નથી, ભૂખથી કેટલું કષ્ટ થતું હશે.’

ઉદ્‌બોધનમાં પરંતુ મુશ્કેલ પરિસ્થિતિ! દીકરાઓને ભોજન કરાવ્યા વિના મા ભોજન કરતાં નહીં વળી ગુરુગતપ્રાણ નિષ્ઠાવાન ભક્ત સારદાનંદ ઇષ્ટદેવીના આહાર પહેલાં કેવી રીતે આહાર કરી શકે! માટે એવી વ્યવસ્થા થઈ કે મા દીકરીઓની સાથે એક ઓરડામાં આહાર કરવા બેસે અને શરત્‌ મહારાજ દીકરાઓને સાથે લઈને બેસે અન્ય ઓરડામાં—એક જ સમયે. મા ગામડા-ગામની દીકરી, મોડેથી જમવાનો અભ્યાસ. માટે જ શરત્‌ મહારાજને હાથમાં લીધેલું કામ પૂરું કરતાં કરતાં સમય થઈ જતો!

શ્રીશ્રીઠાકુરનો પ્રસાદ પહેલાં માની થાળીમાં પીરસવામાં આવ્યો. માએ જલદી જલદી મુખે ગ્રહણ કરીને શરત્‌ મહારાજ માટે મહાપ્રસાદ કર્યો. ગોલાપ માએ પ્રસાદ લાવી આપ્યો મહારાજને. ભાગ્યવાન સંગીઓ પણ એ પ્રસાદથી વંચિત રહ્યા નહીં.

એક વખત જયરામવાટીમાં માના જન્મદિને ભક્તગણની ઇચ્છા થઈ કે મા પ્રથમ ભોજન કરે અને સંતાનો ત્યારબાદ પ્રસાદ મેળવે. એક ભક્તનો (લેખકનો પોતાનો) ઉત્સાહ વધુ. આગેવાની લઈ માને આ આકાંક્ષાની વાત જણાવી. માએ આજે કોઈ આપત્તિ ઉઠાવી નહીં, નિરવે સંમતિ આપી. ઠાકુરના ભોગ પછી થાળીમાં સમસ્ત પ્રસાદી વાનગીઓ સજાવીને, આસનની સામે રાખીને, માને બોલાવતાં મા ધીરે ધીરે યંત્રચાલિતની જેમ આસને આવીને બેઠાં. કરુણાપૂર્ણ દૃષ્ટિએ માએ બધી વાનગીઓ જોઈ, આ-તે થોડું-ઘણું મુખે ગ્રહણ કર્યું. ત્યાર બાદ સામે જે સંતાન હતું તેની સામે જોઈને અતિ કાતરભાવે બોલ્યાંઃ ‘દીકરાઓના ભોજન પહેલાં ખાવાનું ગળા નીચે ઊતરે નહીં, જલદી જલદી તમારા ભોજનની વ્યવસ્થા કરો.’ આમ કહી હાથ-મુખ ધોઈ ઊઠી ગયાં અને પોતાના ઘરમાં આવી દરવાજાની ચોકઠમાં બેસી દીકરાઓનું ભોજન જોવા લાગ્યાં. બધી વ્યવસ્થા કરી દેવામાં આવેલી જ હતી, થોડી ક્ષણોમાં જ દીકરાઓ ભોજન કરવા બેઠા. માના પ્રાણે હાશકારો થયો.

જે મૂર્ખ સંતાને આગેવાની લઈને માને આજે પહેલાં ભોજન કરવા માટે રાજી કર્યાં હતાં અને એનો વિશેષ આનંદલાભ કર્યો હતો, એ આટલા સમયે હોંશમાં આવ્યો, અને વિચાર્યું, ‘આ તો વળી હું શું કરી બેઠો! આજે માનું ભોજન બગાડ્યું! રોજની જેમ દીકરાઓના ભોજનની વ્યવસ્થા પહેલાં કરીને, પછીથી દીકરીઓની સાથે તેમને બેસાડ્યાં હોત તો સારું થાત. તેઓ નિશ્ચિંત મને શાંતિથી ભોજન કરી શકત.’

હાય! ઐશ્વર્યના દાસ આપણે, આ માધુર્યલીલા કેવી રીતે સમજી શકીએ? માને દેવ-સ્વરૂપ સજાવી, પૂજા-ભોગરાગની વ્યવસ્થા કરી, અને પોતાની ઐશ્વર્ય-લીપ્સાનું રસાસ્વાદન તો કર્યું, પરંતુ માએ સમસ્ત ઐશ્વર્યનું આવરણ ભેદ કરીને શુદ્ધ માધુર્યમય મનુષ્યદેહ ધારણ કર્યો છે, અને પોતાનું સ્નેહામૃતનું પાન કરાવવા માટે આપણાં મા બનીને આવ્યાં છે—આ વાતનો આપણે ક્યાં વિશ્વાસ કરી શક્યા અને ક્યાં સમજી શક્યા?

Total Views: 5,958

3 Comments

  1. Mallika March 30, 2022 at 1:55 pm - Reply

    ખુબ સુંદર ભાષાંતર કર્યું છે. સામાન્યતઃ મને અંગ્રેજી વાંચવાનું વધારે ગમેછે પણ આ વાંચતા ભષાંતર વાચુછું એવું પ્રતીત નથી થતું. ખુબ ખુબ આભાર . ?

  2. Nagar Hiteshkumar Babulal April 1, 2022 at 8:07 pm - Reply

    માં

  3. Rajesh Trivedi April 3, 2022 at 2:49 pm - Reply

    ખૂબ સરસ રીતે ભાષાંતર થયું છે, મૂળ લેખક નાં ભાવ વાંચનાર ને અનુભવાય છે, માં ના સ્વરૂપ નું વર્ણન વાંચતાં તે સ્વરૂપ નજરે તરી આવે છે, ખૂબ આભાર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram