યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેના એક અલગ ઓરડામાં સંન્યાસી અને તેમની સાથેના પરિક્રમાવાસીઓએ આસન લગાવ્યાં. સ્મશાનની બાજુમાં આવેલ નર્મદા ઘાટે સ્નાન કરવા પહોંચી ગયા. પાણી થોડું ઊંડું હતું તેથી તરવાનું ન જાણતા સંન્યાસીએ ઘાટ પાસે બેસી સ્નાન કર્યું. યાત્રાનો બધો થાક ઊતરી ગયો અને શરીર હળવું ફૂલ જેવું થઈ ગયું. સંધ્યા ઉપાસના પછી યોગાનંદ આશ્રમમાં આવેલ મંદિરની સંધ્યા આરતી તેમજ ધૂન-ભજનનો અનેરો લહાવો લીધો. આ યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટે રહેવાની તથા અન્નક્ષેત્રની સુંદર વ્યવસ્થા છે.

રામપુરાથી નર્મદામૈયાનું વહેણ ઉત્તરવાહિની છે. તે ૧૦ કિ.મી. સામેના તટે આવેલ તિલકવાડા સુધી ઉત્તર તરફ જ વહે છે. આ ઉત્તરવાહિની નર્મદામૈયાની પ્રત્યેક ચૈત્ર માસમાં પરિક્રમા કરવાનો મહિમા છે. આ પરિક્રમા લગભગ ૨૧ કિ.મી.ની છે, ગુજરાતના નર્મદામૈયાના ભક્તો સહેલાઈથી આ પાવન પરિક્રમાનો અનેરો આનંદ લઈ શકે છે. કહેવાય છે કે ચૈત્ર મહિનામાં થતી આ પરિક્રમા જો કોઈ સતત ત્રણવાર કરે તો તેને નર્મદામૈયાની આખી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. યોગાનંદ આશ્રમમાં રાત્રીવાસ કરી બીજે દિવસે “નર્મદે હર”ના નાદ સાથે પરિક્રમાવાસીઓ આગળ વધ્યા. રામપુરામાં રણછોડરાયજીનું સુંદર મંદિર આવેલું છે. મોહિની સ્વરૂપે વિષ્ણુજીએ અહીં લીલા કરી હતી તેથી તટ પર (વિષ્ણુ) રણછોડજીનું સ્થાન પણ બન્યું. અહીં રણછોડરાયના સુંદર સ્થળે ‘દશાવતાર’ની શ્યામવર્ણી, નયનરમ્ય અને મનોહર મૂર્તિના દર્શન કર્યાં.

શ્રીપ્રભુના આશીર્વાદ લઈ ૧ કિ.મી. દૂર આવેલ ધનદેશ્વર પહોંચ્યા. અહીં પ્રાચીન તીર્થ ધનદેશ્વર અને જટેશ્વર મહાદેવનાં મંદિરો આવેલાં છે.

કુબેરે લંકાપ્રાપ્તિ માટે અહીં તપશ્ચર્યા કરી ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા. વરદાન આપી, શિવજીએ અહીં નિત્યવાસ કરવાનું વચન પણ આપ્યું. આ સ્થળે કુબેરે ધનદેશ્વર શિવજીની સ્થાપના કરી. ચૈત્રી શુક્લ ત્રયોદશીનું અહીં માહાત્મ્ય છે. આ તીર્થ સર્વ પાપોનો નાશ કરનારું છે.

ભસ્માસુર પાછળ દોડ્યો ત્યારે ભગવાન શિવજી દોડીને નર્મદાજીમાં છૂપાઈ ગયા હતા. નાસતી વખતે એમની જટા છૂટી ગઈ હતી. તેથી પાર્વતીજીએ અહીં જટેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. વળી શિવજી કમંડલ-તૂંબડું અહીં છોડી ગયા હતા એટલે અહીં ચોતરા પર કમંડલેશ્વર-તૂંબડેશ્વરતીર્થ આવેલું છે.

મંદિર પાસે આવેલ એક અતિસુંદર આશ્રમમાં પ્રવેશ કર્યો. બે હૃષ્ટપુષ્ટ બંગાળી મહાત્માઓ ચૂલા ઉપર રસોઈ પકાવતા હતા. બંનેનો સૌમ્ય અને સરળ સ્વભાવ હતો. અમોને પ્રેમપૂર્વક એક દિવસ રોકાઈ જવા માટે આગ્રહ કર્યો. આમાંના એક બંગાળી મહાત્માએ મૌન વ્રત ધારણ કરેલું હતું. તેઓ બંગાળના નદિયાના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ હતા તે બંને પણ પરિક્રમાવાસી જ હતા. આશ્રમના કારભારી મહાત્મા આ બંનેને યોગ્ય-વિશ્વાસુ મહાત્મા જાણી થોડા દિવસ માટે યાત્રાએ ગયા હતા. પરિક્રમાવાસી માટેના ઓરડાની સફાઈ કરી સંન્યાસીની મંડળીએ આસન લગાવ્યાં. નર્મદા તટ પર આવેલ આશ્રમો અને ગામડાંની આસપાસના વગડાઓમાં કેટલાય પ્રકારની ઔષધિઓ હોય છે. જાણકાર વ્યક્તિઓને ઘણું પ્રાપ્ત થાય છે. અમારી મંડળીમાં આવી ગયેલ મરાઠી બ્રહ્મચારીને શારીરિક દુર્બળતા રહેતી હોવાથી દર્શનાર્થે આવેલ સ્થાનિક માણસે આશ્રમની પાસે ઊગેલ ઔષધિનો ઉપચાર બતાવ્યો. આશ્રમમાંથી નર્મદામૈયાનાં સુંદર દર્શન થતાં હતાં. બંને બંગાળી મહાત્માઓ અને સંન્યાસી એક જ દિવસમાં સ્નેહ અને પ્રેમથી બંધાયા. નાછૂટકે બીજે દિવસે સવારે પરિક્રમામાં આગળ વધ્યા. ૨ કિ.મી. દૂર આવેલ માંગરોળ ગામમાં પ્રાચીનતીર્થ મંગલેશ્વર મહાદેવનાં દર્શન થયાં.

નર્મદાજીના કાંઠે મંગળ ગ્રહે તપશ્ચર્યા કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા અને મંગળે અહીં મંગલેશ્વર શિવની સ્થાપના કરી હતી. મંગલેશ્વર શિવજીનું યથાવિધિ દર્શન-પૂજન કરવાથી માનવીને મંગળ ગ્રહ પીડતો નથી એવું અહીંનું માહાત્મ્ય છે.

Total Views: 474

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram