વૈદિક પરંપરાના ગુરુઓ અથવા શિક્ષકો પોતાના શિષ્યોને પદવીદાન સમારંભ વખતે સૂચિત કરતાઃ

मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो इतराणि। यान्यस्माकं सुचरितानि। तानि त्वयोपास्यानि। नो इतराणि।
(તૈત્તિરીય ઉપનિષદ ૧.૧૧.૨)

‘માતાને દેવ (તરીકે) માનો. પિતાને દેવ (તરીકે) માનો. આચાર્યને દેવ (તરીકે) માનો. અતિથિને દેવ (તરીકે) માનો. અમારાં જે નિર્દોષ કાર્ય હોય તેનું જ આચરણ કરજે, બીજાનું નહીં. જે અમારાં સારાં કાર્ય હોય, તેને આચરણમાં મૂકજે, અન્યને નહીં.’

આપણા દૈનંદિન વ્યવહારો અન્ય પ્રત્યેના શ્રદ્ધા-વિશ્વાસ પર આધારિત છે. જો વ્યક્તિ અ-સત્યનિષ્ઠ બને તો સમગ્ર સામાજિક માળખું ભાંગી પડશે. તેથી સત્યનિષ્ઠા માનવજીવનનો પાયો છે. વેદોની વાણીમાંઃ

सत्येनोत्तभिता भूमि:
(અથર્વવેદ ૧૪.૧.૧)

અર્થાત્‌ પૃથ્વી સત્ય પર ટકેલી છે.

આમ યુવા વ્યક્તિને સત્યનિષ્ઠ બનવા પ્રશિક્ષિત કરવી એ શિક્ષણનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે. વૈદિક સિદ્ધાંત અનુસારઃ

ॠतस्य पथा प्रेत। (યજુર્વેદ ૭.૪૫)

અર્થાત્‌ સત્યના પથ પર ચાલો.

ॠतस्य पन्थामनु पश्य साध्वङ्गिरस:
सुकृतो येन यन्ति।
(અથર્વવેદ ૧૮.૪.૩)

અર્થાત્‌ આત્મજ્ઞાનીઓ જે માર્ગ પર ચાલ્યા છે તે સત્યના માર્ગનું અનુસરણ કરી તેમના પગલે પગલે ચાલો.

વધુમાં વેદો દાવો કરે છેઃ

ॠतस्य गोपा न दभाय सुक्रतु:।
(ઋગ્વેદ ૯.૭૩.૮)

અર્થાત્‌ સત્યના પથનું અનુસરણ કરનાર ઉમદા વ્યક્તિ કદાપિ હાર પામતો નથી કે નિષ્ફળ જતો નથી.

સત્યનિષ્ઠા ત્યારે સદ્‌ગુણ કહેવાય કે જ્યારે તે અન્યને હાનિકર્તા કે પીડાદાયક ન હોય. સત્યનિષ્ઠાનો ઉદ્દેશ છે અન્યનું સર્વાંગી કલ્યાણ. જ્યારે આ ઉદ્દેશ ફળીભૂત ન થાય ત્યારે મૌન રહેવું. જે સત્ય છે તે શુભ જ હોવું જોઈએ, જે શુભ છે તે સત્ય જ હોવું જોઈએ. તેથી વેદોના મતાનુસાર વ્યક્તિએ મધુર વાણી બોલવાની ઉત્કંઠા રાખવી કે જે શાંતિ અને સમૃદ્ધિની ખાતરી આપે છેે.

जिह्वाया अग्रे मधु मे जिह्वामूले मधूलकम्‌।
(અથર્વવેદ ૧.૩૪.૨)

અર્થાત્‌ મારી જીભના અગ્રભાગે મધુરતા રહો, મારી જીભનું મૂળ મધુરતાથી ભરપૂર રહો.

वाचा वदामि मधुमद्‌। (અથર્વવેદ ૧.૩૪.૩)

અર્થાત્‌ હું મારી વાણીમાં મધુર શબ્દોનો ઉપયોગ કરું.

પોતે જે કંઈ કરી રહ્યો છે તેને અલ્પ મહત્ત્વ આપીને, વિદ્યાર્થીએ બીજાઓની ટીકા કરવામાં જોતરાવું જોઈએ નહીં. બીજાઓની ટીકા કરવાની પ્રવૃત્તિ અંતે તો ટીકાકારને હાનિ પહોંચાડે છે કારણ કે બીજાઓના દોષને ગ્રહણ કરીને ટીકાકારનું જ મન દૂષિત થાય છે. તેથી વેદો ચેતવણી આપે છેઃ

निन्दितारो निन्द्यासो भवन्तु। (ઋગ્વેદ ૫.૨.૬)

અર્થાત્‌ જેઓ બીજાને બદનામ કરે છે તેઓ સ્વયં બદનામી પામે છે.

સાચા શિક્ષણે વ્યક્તિઓને પોતાના વ્યવહારોમાં સદાચારી બનવાનું શીખવવું જોઈએ. સત્યનિષ્ઠાની જેમ સદાચાર પણ મહત્ત્વપૂર્ણ ગુણ છે જે સામાજિક સ્થિરતાની ખાતરી આપે છે. સાચું કહીએ તો સદાચાર એ સત્યનિષ્ઠાનું જ અન્ય રૂપ છે. તેથી વેદો માનવજાતને ફરમાન કરે છે કે સદાચારથી ધનનું ઉપાર્જન કરવુંઃ

या मा लक्ष्मी: पतयालूरजुष्टाऽ-
भिचस्कन्द वन्दनेव वृक्षम्‌
अन्यत्रास्मत्‌ सवितस्तामितो धा
हिरण्यहस्तो वसु नो रराण:।।
(અથર્વવેદ ૭.૧૧૫.૨)

‘વંદના નામની વેલ જેવી રીતે વૃક્ષ પર ચઢીને તેને સૂકવી નાખે છે, તેવી જ રીતે આ અલક્ષ્મી અમારા ઉપર આરોપિત થઈને અમને સૂકવી રહી છે. હે સૂર્યદેવ! આપ આ અલક્ષ્મીને અમારાથી દૂર કરો અને અમને સુવર્ણ આપો.’

વેદો સૂચવે છે કે મનુષ્યે પોતાને માટે જે ન્યાયયુક્ત માલિકીપણું ધરાવતી હોય એ સંપત્તિના સંપાદન માટે ચેષ્ટા કરવી. અન્યની ધનસંપત્તિની લાલસા ન રાખવી.

मा गृध: कस्य स्विद्धनम्‌। (યજુર્વેદ ૪૦.૧)

અર્થાત્‌ અન્યનાં ધન-સંપત્તિની લાલસા કે કામના ન રાખો.

શિક્ષણે વ્યક્તિને બૌદ્ધિક અને વૈજ્ઞાનિક અભિગમથી સુસંપન્ન બનાવવી જોઈએ. વૈદિક પશુયાગમંત્રો જો કે પશુ-બલિદાન માટે યોજિત છે છતાંય તે આપણા માટે જ્ઞાન-સંશોધનની નૂતન ક્ષિતિજોનો આવિષ્કાર કરે છે.

समुद्रं गच्छ स्वाहाऽन्तरिक्षं गच्छ स्वाहा।
(યજુર્વેદ ૬.૨૧)

અર્થાત્‌ સમુદ્ર પર્યંત વિસ્તાર કરો, આકાશ પર્યંત વિસ્તાર કરો અને કૃતાર્થ થાઓ.

પ્રતિકૂળતા આપણા સામર્થ્યને ચકાસવાની અને આપણા સ્વરૂપને ઉદ્‌ઘાટિત કરવાની તક પૂરી પાડે છે. વેદો આપણને શીખવે છે કે આપણા નિર્ધારો એટલા દૃઢ હોવા જોઈએ કે આપણે બહાદુરીપૂર્વક પ્રતિકૂળતાઓનો સામનો કરી શકીએ. આપણે પ્રતિકૂળતાથી જેટલા દૂર ભાગતા જઈશું, તેટલી વધુ તે આપણો પીછો કરશે. ઉકેલ છે ઊભા રહી જવું અને બહાદુરીપૂર્વક અનિષ્ટનો સામનો કરવો. માત્ર બહાદુરી આપણને સફળતાના દ્વારે દોરી જાય છે.

ध्रुवस्तिष्ठाविचाचलि:। (ઋગ્વેદ ૧૦.૧૭૩.૧)

અર્થાત્‌ દૃઢ અને અચલ બનો.

सबलो अनपच्युत:। (અથર્વવેદ ૨૦.૪૭.૩)

અર્થાત્‌ (અમારી વાણી) પ્રભાવશાળી અને અજેય બનો.

Total Views: 478

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.