રામ સમર તો કાંઈ ફિકર નઈ
તેરા પંડના પ્રાછત જાવે રે,
તેરા સબ દુખડા મિટ જાવે રે, રામ સમર ૦

આ કાયા મેં પાંચ પુરુષ એમાં, તત્ત્વ નજરે ના’વે,
સતગુરુ મિલે તો ભેદ બતાવે, અજ્ઞાની અથડાવે. – રામ૦

વીંધ્યા એટલા મોતી રામ, બીજાં પથર કહાવે,
સમજુ નર તો સમજી બેઠા, ગાફલ ગોથાં ખાવે. – રામ૦

સાત સાયર વચમાં બેટ, લખ આવે લખ જાવે,
હરખે હરખે રામ સમર તો, પલકમાં પહોંચાવે. – રામ૦

ભૂલીશ ને ભૂલાવીશ મા, તારા મન ધંધે વળગાવે,
સતને શબદે ગુરુને વચને, મીઠો કીરનિ ગાવે –
રામ સમર તો કાંઈ ફિકર નઈ.

રામનું સ્મરણ કર તો તારે કંઈ ચિન્તા નહિ રહે, તારા પંડનું પ્રાયશ્ચિત થઈ જશે. પાપ પ્રજળી જશે તારું બધુંય દુઃખ મટી જશે. દાદુ કહે છેઃ

‘જેતા પાપ સબ કોઈ કરે, તેતા નાવ વિસારૈ હોઈ;
દાદુ નામ સંભારિયે, તો ઐતા ડારે ધોઈ.’

‘આ કાયામાં પાંચ પુરુષ’ – આ કાયામાં પાંચ ઈન્દ્રિયો છે. અને સદા બહિર્મુખ રહે છે, તેથી અંદરનું તત્ત્વ નજરમાં આવતું નથી. સતગુરુ મળે તો તેનો ભેદ બતાવી આત્મદર્શન કરાવે. પણ અજ્ઞાની મળે તો માત્ર શબ્દ જાળમાં અથડાવી મારે.

‘વીંધ્યા એટલાં મોતી’ – જેણે આત્મા વડે પરમાત્માને પિછાણ્યા એનું જીવન જ બહુમૂલ્ય અને સાર્થક બની ગયું. બાકી બીજાઓનું જીવન નિષ્ફળ સમજવું. જેને આવી સમજણ છે એ તો પોતાની અંદર જ પરમાત્માનું દર્શન કરીને શાંત થઈ ગયા છે. ‘વીંધ્યાં એટલાં મોતી’ – એટલે જેનો અહંકાર વિંધાઈ ગયો, ભેદાઈ ગયો એ જ સાચા સંત, બીજા તો ફટકિયાની જેમ પથ્થર તોલે એવો અર્થ પણ થઈ શકે, આત્મા દ્વારા પરમાત્માને પામવાને ગોરખનાથ હીરા દ્વારા હીરાને વીંધવો એમ કહે છે :

‘રે મન હીરે હીરા બેધિબા, તૌ કાયા કેણ જાઈ?’

‘હે મન, જ્યારે હીરાથી હીરો વીંધી લીધો અથવા આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ ગયું પછી કાયામાં – બહિર્વૃત્તિમાં કોણ જાય?’

‘સાત સાયર વચમાં બેટ’ – સાત સાત સાગર વચ્ચે એકાકી બેટ હોય એવું માયાના વિસ્તારમાં આ જીવન છે. લાખો માણસો આવે ને જાય છે પણ આ દુસ્તર માયાનો કોઈ પાર પામી શક્યું નથી. તું આનંદથી રામનું સ્મરણ કર તો આ સીધું સાદું રામનામ તને ઘડીકમાં પાર પહોંચાડી દેશે.

‘હરિ નરા: ભજન્તિ યેતિ દુસ્તરં તરન્તિ તે.’

‘ભૂલીશ ને ભુલાવીશ મા’ – તારા જીવનનું એકમાત્ર ધ્યેય રામનું સ્મરણ કરી ભવસાગર પાર કરવાનું છે તે કદી તૂં ભૂલીશ નહીં અને બીજાઓને પણ આડી અવળી વાતો કરી આ સારવસ્તુ ભુલાવા દઈશ નહીં. તારું પોતાનું મન પણ આ મુખ્ય કાર્યમાંથી તને ચળાવીને બીજે ધંધે વળગાવવા માટે ધમપછાડા મારશે, પણ રામને તું વીસરી ન જઈશ. સતના શબદમાં અને ગુરુના વચનમાં અપાર ભક્તિ રાખીને મીઠો રામનામનું કીર્તન કરે છે.

-મકરંદ દવે

Total Views: 173
By Published On: April 21, 2022Categories: Makrand Dave0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram