ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વમાંથી કયો સંદેશ પ્રસારિત થયો હતો? સિંહ- હૃદયધારી વિવેકાનંદે વિશ્વને જે વક્તૃત્વથી હચમચાવવાનો પ્રયત્ન કર્યો હતો તે વક્તૃત્વનું હાર્દ શેનાથી ઘડાયું હતું? તે આ છે કે, આ ત્રીસ કરોડ માનવીઓમાંના દરેકમાં, સિંહાસને બેસતા રાજાથી માંડીને મહેનત-મજદૂરી કરતા મજૂરમાં, સંધ્યાવંદન કરતા બ્રાહ્મણથી માંડીને મનુષ્યોથી અળગા તરીને ચાલતા પરિહાર (અછૂત)માં, દરેકે દરેકમાં, ઈશ્વર વસે છે. આપણે બધા દેવો છીએ અને સર્જનહાર છીએ, કારણ ઈશ્વરની શક્તિ આપણી અંદર રહેલી છે, અને સમગ્ર જીવન એ સર્જન છે; માત્ર નવો આકાર આપવો એ જ સર્જન નથી, પરંતુ (જૂનાનું) જતન અને જાળવણી એ પણ સર્જન છે, વિનાશ પોતે પણ સર્જન છે. આપણે શેનું સર્જન કરવું તે આપણા હાથની વાત છે; કારણ આપણે, એમ થવાનું પસંદ કરીએ તો જુદી વાત છે. બાકી, પ્રારબ્ધ અને માયાના હાથનું રમકડું હરગીઝ નથી; આપણે સર્વશક્તિમાન ઈશ્વરનાં જ સ્વરૂપો અને આવિર્ભાવો છીએ.

ભારત નાશ પામી શકે નહીં, આપણી જાતિનો અંત આવી શકે નહીં, કારણ માનવજાતના બધા જ વિભાગોમાં માત્ર ભારત પાસે જ માનવવંશના ભાવિ માટે અત્યંત આવશ્યક એવી સર્વોચ્ચ અને અતિ ભવ્ય નિયતિ (દૈવ) રહેલી છે. તેણે જ પોતાની અંદરથી સમગ્ર વિશ્વના એક ભાવિ ધર્મને, એક શાશ્વત ધર્મને જન્મ આપવાનો છે, જે ધર્મે વિજ્ઞાન અને દર્શનો વચ્ચે સુસંવાદિતા સાધવાની છે તથા માનવજાતને એક આત્મારૂપ બનાવવાની છે. તે જ રીતે નૈતિકતાના ક્ષેત્રમાં પણ તેનું કાર્ય માનવતામાં રહેલી જંગાલિયત (મ્લેચ્છત્વ)ને સાફ કરી શુદ્ધ કરવાનું અને વિશ્વનું ‘આર્યીકરણ’ કરવાનું છે. (પરંતુ) આમ કરવા માટે તેણે પહેલાં પોતાનું જ પુનઃ આર્યીકરણ કરવું પડશે.

આ મહાન કાર્ય, કોઈ પણ જાતિને ક્યારેય સોંપાયા હોય તેવા સૌથી મહાન અને સૌથી ભવ્ય કાર્યની શરૂઆત કરવા માટે જ ભગવાન શ્રીરામકૃષ્ણે અવતાર ધારણ કર્યો હતો, અને વિવેકાનંદે ધર્મોપદેશ કર્યો હતો. જો આ કાર્ય, એક સમયે તેની પાસેથી અપેક્ષા રખાતી હતી તે રીતે, આગળ ધપી શકતું ન હોય તો તેનું કારણ એ છે કે, આપણે ફરી એક વખત આપણા આત્મા ઉપર ભય, શંકા, અનિશ્ચિતતા, જડતા, વગેરેનાં તામસિક વાદળો છવાવા દીધાં છે. આપણે, આપણામાંના કેટલાકે, પહેલામાંથી પ્રાદુર્ભાવ પામેલી ભક્તિને અને બીજાએ આપેલા જ્ઞાનને સ્વીકાર્યાં છે, પરંતુ શક્તિના અભાવ, તથા કર્મના અભાવને કારણે આપણે આપણી ભક્તિને એક જીવંત વસ્તુ બનાવી શક્યા નથી.

તો પછી ભારતે વિશ્વમાં પ્રથમ સત્તા શા માટે ન બનવું? વિશ્વ ઉપર આધ્યાત્મિક અમલ પ્રસરાવવાનો નિર્વિવાદ અધિકાર બીજા કોની પાસે છે? આ હતી સ્વામી વિવેકાનંદની ઝુંબેશની વ્યૂહરચના. ભારતને ફરી એક વખત તેની આધ્યાત્મિકતાની શ્રેષ્ઠતાની પ્રભુત્વપૂર્ણ લાગણી દ્વારા તેની મહાનતા વિષે સભાન બનાવી શકાય તેમ છે. મહાનતાની આ ભાવના જ સઘળી દેશભક્તિનું મુખ્ય પોષક તત્ત્વ છે. માત્ર આ ભાવના જ સઘળા આત્મ-અવમૂલ્યનનો અંત લાવી શકે અને ગુમાવેલો લાભ પુનઃ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખનાને જન્મ આપી શકે તેમ છે.

(ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ)

(All India Magazine, Sep.-Oct. 1993માંથી સાભાર સંકલિત)

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.