સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ નથી. મારી પાસે એક પૈસો પણ નથી.”

ટૉલ્સ્ટૉયે હળવાશથી કહ્યું, “હં…તારી વાત સમજ્યો, તારે ધન મેળવવું છે. તારે સંપત્તિ જોઈએ છે. ખરું ને?” યુવાને હકારમાં માથું હલાવ્યું.

ટૉલ્સ્ટૉયે કહ્યું, “જો તને એક સરસ ઉપાય બતાવું. હું એક વેપારીને ઓળખું છું. એ માણસની આંખો ખરીદે છે. એની પાસે જા. તારી બે આંખના એ તને વીસ હજાર રૂપિયા આપશે.”

યુવાન ગભરાઈ ગયો. એણે કહ્યું, “અરે! આંખો તે કોઈને વેચાતી અપાતી હશે?”

ટૉલ્સ્ટૉયે કહ્યું: “કંઈ વાંધો નહિ. એ વેપારી હાથ પણ ખરીદે છે. તારા બે હાથ આપીશ તો એ તને રોકડા પંદર હજાર રૂપિયા આપશે. તું ધનવાન બની જઈશ.”

“હાથ! હાથ તે અપાતા હશે? હાથ જાય પછી શું રહે?”

ટૉલ્સ્ટૉયે હળવેકથી કહ્યું, “જો ભાઈ, તારે આંખો આપવી નથી, તો એ માણસ પગ પણ ખરીદે છે. તારા બે પગ આપશે તો પણ તારી ગરીબી દૂર થઈ જશે.”

યુવાન ટૉલ્સ્ટૉયની વાત સમજી શક્યો નહિ. એણે અકળાઈને કહ્યું: “અરે, આપ કેવી વાતો કરી રહ્યા છો?”

ટૉલ્સ્ટૉયે કહ્યું, “હું સાવ સાચી વાત કરું છું. જો તારે ખૂબ પૈસા જોઈતા હોય તો આખું શરીર વેચી નાખ! એ વેપારી માણસના શરીરમાંથી કંઈ કંઈ કીમતી દવાઓ બનાવે છે. તારા શરીરના બદલામાં એ તને એક લાખ રૂપિયા આપશે!”

યુવાનની ધીરજ ખૂટી. એ બોલી ઊઠ્યો, “અરે, આપ કેવી વિચિત્ર વાત કરો છો? એક કરોડ રૂપિયા મળે તો ય હું મારા શરીરને – મારા પ્રાણને વેચવાનો નથી!”

ટૉલ્સ્ટૉયે હસતાં હસતાં કહ્યું, “જે માણસ એક લાખ રૂપિયા લઈને પણ પોતાના શરીરને વેચવા તૈયાર નથી, એ જો એમ કહે કે મારી પાસે એક પૈસા જેટલીય સંપત્તિ નથી, તો એ વાત કેવી વિચિત્ર ગણાય!

ટૉલ્સ્ટૉયે યુવકનો આત્મવિશ્વાસ જગાડતાં કહ્યું: “હે નવજુવાન, આ આંખો, આ હાથ, આ પગ, આ શરીર અને પ્રાણ – એ ધનના અખૂટ ભંડાર છે. એને ઓળખ અને પરિશ્રમ કર. પોતાની નજરમાં જ પોતાનું મૂલ્ય ઓછું ન કર. જે પોતાનું મૂલ્ય સમજે છે, એને માટે ચાંદી, સોનું જ નહિ પણ ચાંદો અને સૂરજ પણ એના પોતાના બની જાય છે.

આજે માનવીએ પુષ્કળ સુખસગવડ મેળવ્યાં છે, પરંતુ એનો આત્મવિશ્વાસ એ ગુમાવી બેઠો છે. વ્યસનથી વિશ્વાસ જાળવવા એ કોશિશ કરે છે. ક્યારેક જ્યોતિષ કે પાંગળી કૃપાના સહારે પોતાનો આત્મવિશ્વાસ ટકાવે છે.

આત્મવિશ્વાસ એ માનવીના હૃદયમાં પડેલી એક અદ્‌ભુત શક્તિ છે. એ અશક્યને શક્ય કરી શકે છે. મુશ્કેલને આસાન બનાવી શકે છે. વિપત્તિને સંપત્તિમાં પલટાવી શકે છે.

પોતાની જાતને ભૂલીને પારકાને ખોળવા નીકળેલો માનવી બીજાની નિંદામાં મેળવતો તો કશુંય નથી, પણ વધારામાં પોતાનો અમૂલો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.