મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ એનો કોઈ ઈતિહાસ નહિ કે નહિ કોઈ પ્રાચીન ઈમારતનાં ખંડેરબંડેર.

એટલે નિશાળમાં ભણતાં ભણતાં સાહિત્ય, ઈતિહાસ કે ભૂગોળ ભણતી વખતે નદીઓની રમ્યતાની વાત આવે કે પર્વતોની ઊંચાઈની વાત આવે કે જંગલમાં ઊગેલ અડાબીડ ઝાડઝાડીનાં વર્ણન આવે, તે માત્ર કલ્પનાનો જ વિષય. સાગર એટલે બહુબહુ તો અમારા ગામના આંબા તળાવ કરતાં ઘણું ઘણું મોટું તળાવ, જેનો સામો કાંઠો દેખાય નહિ – એટલી સીમા સુધી કલ્પના દોડે.

પ્રેમાનંદની ‘વૈદર્ભી વનમાં વલવલે’ એ નળાખ્યાનમાંથી લીધેલી પંક્તિઓ વાંચી જંગલ એટલે જાતજાતનાં વૃક્ષો, વેલીઓ, કાંટાળા થુવેર વગેરે, વગેરે – એવી છબી મનમાં ચિતરાય. અરે, રેલગાડી જેવી રેલગાડી પણ કલ્પનાથી ઘડી કાઢેલી.

કાકાસાહેબનો ‘શ્રીનગર’ કે ‘તાજમહાલ’ નિબંધ વાંચી થયેલું કે આવું ખરેખર હશે? એ હશે કે નહિ હોય, પણ એવા બધા દેશાટનના નિબંધો વાંચવાનું બહુ મન થાય. જોવાની લાલસા વાચનથી સંતૃપ્ત કરવા જતાં તો લાલસા વધી જતી. ભટકવાની – દૂર દૂર દેશાવરોમાં રઝળપાટ કરવાની ઇચ્છા વધતી જાય.

પહેલી વાર નદી જોઈ સાબરમતી. આજના ગાંધીનગરની પાસે આવેલા એક તીર્થસ્થાન ધોળેશ્વર મહાદેવ પાસે કંઈ કેટલાંય પગથિયાં ઊતરી જ્યારે વહી જતી સ્વચ્છતોયા સાબરમતીને પહેલી જોઈ કે મને થયું કે આહ! આ નદી! અમને નિશાળમાંથી લઈ ગયેલા. અમારા શિક્ષક આત્મારામ પટેલ દૃષ્ટિસમ્પન્ન હશે, એવું આજે હું વિચારું છું. એમણે અમને નદીમાં નાહવાની રજા પણ આપી! કહ્યું – આ બાજુ ઊંડું પાણી છે, ત્યાં ન જતા. સવારથી અમારું સ્નાન શરૂ થયું તો બપોર સુધી. એ પછી તો કંઈ કેટલીય નદીઓમાં સ્નાન કર્યાં છે, પણ સાબરમતીના એ સ્નાનની તોલે ન આવે.

એ નાનકડા પ્રવાસે નાનકડા નિશાળિયાને જે રોમાંચકર અનુભવ કરાવ્યો, એવા રોમાંચો પછી તો જીવનમાં અનુભવવાના અવસરો મળ્યા અને એ અવસરોની વાતો લખવાનો પણ અવસર મળ્યો.

ચાર દીવાલોમાંના શિક્ષણની ગમે તેટલી ઉપયોગિતા હશે, એ શિક્ષણ તેજસ્વી છાત્રો તૈયાર કરાવતું હશે, ઉત્તમ પરિણામો લાવતું હશે, પણ અ-પૂર્ણ છે એ શિક્ષણ. શાળા જ્યારે જંગમ બને છે, ત્યારે એના છાત્રો એક નવી દિશાદૃષ્ટિ પામે છે.

રવીન્દ્રનાથે શિક્ષણનો જે પ્રયોગ કર્યો, તેમાં શિક્ષણ સાથે હતી પ્રકૃતિની સન્નિધિ. એમ કહીએ કે પ્રકૃતિ જ મોટામાં મોટો શિક્ષક. સ્વયં રવીન્દ્રનાથ, જે જીવનના શરૂઆતનાં કેટલાંક વર્ષ માત્ર કલકત્તા જેવા નગરમાં જ રહ્યા. તે જ્યારે પિતાની સાથે હિમાલયની યાત્રા કરવા ભાગ્યશાળી થયા – તેનો કેટલો બધો મહિમા કરે છે! પછી તો એ વિશ્વકવિ વિશ્વપ્રવાસી પણ થયા.

ખરેખર તો નાનામોટા પ્રવાસો શિક્ષણનો એક અનિવાર્ય અંશ ગણાય તે જરૂરી છે. એ ખ્યાલ એકદમ સાચો નથી કે પ્રવાસો ખર્ચાળ હોય છે અને ગરીબ માબાપોને તે પરવડે નહિ. સ્લેટપેનના પૈસાનાં ફાંફાં હોય ત્યાં પ્રવાસો! પરંતુ પ્રવાસો એટલે માત્ર દૂર દૂરની રેલગાડીના પ્રવાસો એવું નથી. શાળાનું કામ તો બાળકોમાં એક પ્રકારની રઝળપાટની વૃત્તિ કેળવવાની છે, અંગ્રેજીમાં જેને કહે છે Wander lust- વૉન્ડર લસ્ટ. નિશાળમાંથી પગપાળા નાના મોટા પ્રવાસ થાય. પછી સાઈકલ પ્રવાસ.

હૉલૅન્ડના આમસ્ટરડામ શહે૨ની બહાર પહોળી સડકોની પડખે પડખે સાઈકલ માટેના વૃક્ષોછાયા રસ્તાઓ જોઈ થયેલું કે આવા રસ્તાઓ આપણે ત્યાં પણ હોવા જોઈએ. રજાઓ પડે કે સાઈકલ પર ખાસ કરીને મોટી વયના છાત્રો નીકળી પડે. એક એક કરીને ગુજરાતના પ્રદેશો જુએ, ભારતના પ્રદેશો જુએ. એક વખતે ભ્રમણવૃત્તિ જાગી, એટલે પછી તો સ્વયં અવસર મળતાં ઘરની સીમાઓ છોડી પથ પર આવી જવાનું ગમવા લાગશે.

ઘરમાંથી જે પથ પર ચાલતો નથી, એ જીવનનો સમૃદ્ધ અનુભવ પામતો નથી. પથ પર ચાલવું એટલે આપણા દેશને જોવો, આપણી દુનિયાને જોવી. જ્યાં સુધી આપણા દેશને જોતા નથી, ત્યાં સુધી તેને પૂરો ચાહી પણ શકતા નથી. વિદેશોમાં તો શાળા મહાશાળાનું ભણતર પૂરું થાય ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ પગે ચાલીને, સાઈકલો ૫૨ કે પછી રસ્તે જતી મોટર ગાડીઓની લિફટ મેળવીને છાત્રો પોતાના દેશને જોઈ લેતા હોય છે. આ કંઈ અઘરી વસ્તુ નથી. આપણી નિશાળો રજાઓમાં આવાં આયોજનો કરવાનું ઉત્સાહી શિક્ષકોની મદદથી વિચારી શકે. આપણે જાણીએ છીએ કે નાની મોટી રજાઓમાં આપણું વિદ્યાર્થીધન ગામમાં ગલીને નાકે પાનના ગલ્લે કે ટી.વી. રેડિયો આગળ બંધ બારણે પોતાના ફુરસદના સમયનો વ્યય કરે છે. પરીક્ષાના દિવસો પછીની લાંબી નવરાશ કેટલાકને કુટેવોના બંધાણી પણ બનાવી દે છે. એવે વખતે ગરીબ ખિસ્સાંને પણ પોષાય એવાં પરિભ્રમણો યોજી શકાય.

પ્રવાસ ક૨વો એટલે બસમાં, રેલગાડીમાં કોઈ એક સ્થળે પહોંચી જવું એટલું નથી. પ્રવાસ તો ત્યાંથી શરૂ થાય, જ્યાંથી એનો સંકલ્પ કરીએ. પ્રવાસનું સ્થળ માત્ર નહિ, પ્રવાસનો માર્ગ પણ પ્રવાસનું અંગ છે. આંખો ખુલ્લી રાખી રેલગાડીની બારીએ કે બસની બારીએ જે જોવાય, તે પેલા સ્થળ કરતાં ઓછું સુંદર નથી હોતું!

કાકાસાહેબે એવા અર્થનું કહ્યું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. બસમાં જતા હોય તે રાતે સડક પર બસના પૈડાને પંક્ચ૨ પડી જાય, પહાડ પર ચઢ્યા હોઈએ અને ધર્મશાળા કે પાંથશાળામાં સુવાની જગ્યા ન મળે, રસ્તે ચાલતા હોઈએ અને ભૂખ લાગી ગઈ હોય – કોઈ સાથી અચાનક માંદો પડી જાય – આવે વખતે અણીસમયે પ્રકટ થતી સુષુપ્ત શક્તિઓ પ્રકટ થાય છે. એટલું જ નહિ એવી અગવડો મુસાફરીના આનંદને બેવડાવે છે. આપણા સ્મરણમાં એવો પ્રસંગ પણ ચિરંજીવ બની રહે છે.

આપણો દેશ કેટલો વિશાળ છે? કેટલાં બધાં પહાડો, નદીઓ, નગરો છે? કેટલી જાત જાતની પ્રજાઓ છે? જાત જાતની ભાષાઓ છે? લાંબો સાગરતટ છે. આપણે બહાર નીકળીએ એટલે એક નવું વિશ્વ આપણી સામે ખુલે છે. ચાર દીવાલો વચ્ચેના શિક્ષણની અધૂરપો પ્રવાસ દ્વારા પુરાતી હોય છે, એટલે “ચાલતા રહેવાનો” મહિમા શાળાઓએ કરવો જોઈએ. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં આવતા એક શ્લોકમાં એવો ભાવ છે કે જે માણસ સૂવે છે, તેનું ભાગ્ય પણ સૂવે છે, જે બેઠો રહે છે, તેનું ભાગ્ય બેઠું રહે છે, જે ઊભો રહે છે, તેનું ભાગ્ય ઊભું રહે છે, પણ જે ચાલે છે, તેનું ભાગ્ય ચાલે છે. એ શ્લોકનો આ ગુજરાતી અનુવાદ બધી શાળાઓની દીવાલો પર સુંદર અક્ષરે લખાય તો કેવું?

બેઠેલાનું રહે બેઠું,
ઊભું ઊભા રહેલનું
સૂતેલાનું રહે સૂતું,
ચાલે ભાગ્ય ચલંતનું.

Total Views: 105
By Published On: April 22, 2022Categories: Bholabhai Patel Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram