(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.)

માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના મૂળમાં સાધના રહેલી છે – તપસ્યા સમાયેલી છે. સાધના કે તપસ્યા વિના કોઈ ઉલ્લેખનીય પ્રાપ્તિ શક્ય નથી.

ભિન્ન ભિન્ન પ્રકારની સફળતાઓ માટે જુદી જુદી સાધના-પદ્ધતિઓ હોય છે. કિન્તુ આ સઘળી પદ્ધતિઓમાં એકસૂત્રતા રહેલી છે. મણિ-માણેકના રંગ અને આકાર ભલે અલગ અલગ હોય, પરંતુ તેમાં પરોવાયેલો દોરો એક જ હોય છે ને? આ દોરો જ એને એક નિશ્ચિત સુદૃઢ ઘાટ આપીને અલંકાર બનવાની સાર્થકતા પ્રદાન કરે છે. આ રીતે તપસ્યાઓ અને સાધનાઓના મૂળમાં રહેલી એકસૂત્રતા જ સાધકને સાર્થકતા અપાવે છે – પૂર્ણકામ કરે છે.

કયું છે એ સૂત્ર? એ સૂત્ર છે સાડા ત્રણ અક્ષરોનો બનેલો મહામંત્ર – ‘અભ્યાસ’. ભૌતિક અને આધિભૌતિક બંને રીતે જીવનના તમામ આયામોની સફળતા, પૂર્ણતા અને ઉચ્ચતા માટે અભ્યાસ નિતાંત આવશ્યક છે. એ જ સફળતાની ચાવી છે – ઉપલબ્ધિનું રહસ્ય પણ એ જ છે. ચાલો, આપણે અભ્યાસ વિશે કંઈક વિશેષ વિચારીએ ને જોઈએ કે જીવનમાં, વ્યવહારમાં અને આચરણમાં અભ્યાસને કાર્યાન્વિત કરવા શું શું કરવું જરૂરી છે?

શબ્દકોશમાં જોઈએ તો અભ્યાસનો અર્થ છે કોઈ એક જ કાર્યમાં એ કાર્યને એના વિકાસની ચરમ-સીમાએ પહોંચાડવા વારંવાર લગાતાર મથતાં રહેવું – કરતાં રહેવું. અર્થ જેટલો સરળ છે તેટલી તે અર્થની અન્વિતિ સરળ નથી. માત્ર પુનરાવર્તન કરવાથી જ કોઈ કાર્યમાં સફળતા મળી શકે ખરી? બિલકુલ નહીં.

પુનરાવૃત્તિ અભ્યાસનું એક આવશ્યક તત્ત્વ છે એની ના નથી. પરંતુ કોઈ પણ મહાન લક્ષ્યની પ્રાપ્તિ માટે “અભ્યાસ” શબ્દના વ્યાપક અર્થને સમજવો અતિ આવશ્યક છે. જીવનને સફળતા અને સાર્થકતા પ્રદાન કરતો અભ્યાસ વરેણ્ય છે.

અભ્યાસ શરૂ કરતાં પહેલાં અભ્યાસનો હેતુ સ્પષ્ટ કરી લેવો જરૂરી છે. સાધકને ખ્યાલ હોવો જ જોઈએ કે આ અભ્યાસ દ્વારા તેનું અંતિમ પ્રાપ્તવ્ય શું છે? ઉદ્દેશ્ય જ અભ્યાસને સાર્થક કે નિરર્થક બનાવી દે છે. દેખીતું જ છે કે જીવનમાં પરિપૂર્ણતા અને પરમ તૃપ્તિ લાવે તે અભ્યાસ જ સાર્થક ગણી શકાય.

અભ્યાસનું પ્રતિફલન અપૂર્ણતાની નિવૃત્તિમાં છે. જીવનમાં કોઈ અભાવનો બોધ થાય ત્યારે આપણે તે અભાવને દૂર કરવાના ઉપાયો શોધવા માટે અભ્યાસ કરીએ છીએ. અભાવ-મુક્તિનો પ્રયત્ન એટલે અભ્યાસ. અભ્યાસ પછીયે અભાવ-બોધ બાકી રહે તો માનવું કે અભ્યાસમાં કોઈ ખામી રહી ગઈ છે. અભ્યાસ હજુ પૂરો નથી સધાયો. ચરૈવેતિ! આગળ ચાલો, પ્રયત્ન ચાલુ રાખો. અભ્યાસ હજુ પૂરો નથી થયો તેથી તે સાર્થક પણ નથી થયો.

માનો કે લાંબા સમયના અભ્યાસ પછી યે એની પરિણતિ પૂર્ણતામાં ન અનુભવી શકાય તો શું? તેવે વખતે સાધકે અટકી જવું અને પોતે શરૂ કરેલા અભ્યાસની નીતિ-રીતિ વિષે પરીક્ષણ કરી લેવું. એક વિશેષ શોધન-પરિશોધન દ્વારા સમજી લેવું જોઈએ કે પોતાના અભ્યાસમાં કંઈક વધુ સતર્કતા આવશ્યક છે.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અભ્યાસની એક સુંદર પરિભાષા આપી છે. એ પરિભાષા એક માપદંડ છે. આ કસોટી દ્વારા અભ્યાસને સાચી દિશામાં મૂલવી શકીએ.

હે કૌન્તેય! નિઃસંદેહ આ ચંચલ મનને વશીભૂત કરવું અત્યંત દુષ્કર છે, તેમ છતાંયે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. (શ્લોક: ગીતા ૬/૩૫)

આ આખી યે સમસ્યા મનને લીધે જ છે ને? જ્યાં એને કેન્દ્રિત કરવું છે ત્યાં તે થતું નથી ને આમથી તેમ ભટક્યા કરે છે. અને જ્યાં મન ન ડૂબે ત્યાં કામની સફળતાની વાત જ કેવી રીતે કરી શકાય? અભ્યાસ સફળ થશે અથવા તો અભ્યાસી પોતાના ગન્તવ્ય સ્થાને પહોંચી શકશે તેનો આધાર મન શક્તિને નિયંત્રિત અને કેન્દ્રિત ક૨વા ઉ૫૨ છે. મન પૂર્ણપણે સ્વાધીન બની જાય – આપણી ઈચ્છા વિરુદ્ધ ક્યાંયે ચલિત ન થાય તો જ અભ્યાસ સફળ અને સાર્થક બને. આ પ્રકારના અભ્યાસમાં વૈરાગ્યની ભાવના ભળે ત્યારે જ મનની દૃઢતા અને એકાગ્રતા કેળવી શકાય.

આ વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એનો શ્રેષ્ઠ ઉપાય છે – વૈરાગ્યવાન સંત-મહાપુરુષોનો સંગ કરવો. તેમની જીવનશૈલી જોઈને, તેમના ઉપદેશોનું આચમન કરીને આપણા જીવનને ઘડવાનો પ્રયત્ન કરવો. ચિંતન, મનન અને અધ્યયન દ્વારા આપણા પોતાના અંતઃકરણનું શોધન અને પરિવર્તન કરવું. આવા મહાત્માઓનો સંગ સુલભ ન બને તો શું કરવું?

તો જે સાધકો આવા પૂર્ણવૈરાગ્યના ઈચ્છુક હોય અને એ દિશામાં પૂરી લગનથી – પરિશ્રમથી પ્રયત્નશીલ હોય તેવા સાધકોના સંગથી પણ વૈરાગ્યપ્રાપ્તિમાં સહાયતા મળી રહે છે. આવા સત્સંગની સાથે સાથે સત્ શાસ્ત્રોનું અનુશીલન – પરિશીલન પણ કરતા રહેવું જરૂરી છે. શાસ્ત્રોક્ત સિદ્ધાંતોને આચરણમાં ઉતારવાની સાધના-તિતિક્ષા એથી યે વધુ જરૂરી છે.

લક્ષ્ય-પ્રાપ્તિમાં બાધક તેવી તમામ બાબતોનો પરિત્યાગ પણ આ રસ્તે અગ્રસર બનનાર માટે અતિ મહત્ત્વપૂર્ણ પદ્ધતિ બની રહે છે. જે વાતો અને વિચારોનું ચિંતન કે આચરણ આપણા માનસ પર વિપરીત અને પ્રતિકૂળ અસર જગાવે તેનાથી સત્વરે વિરક્ત બની જવું જોઈએ. સંક્ષેપમાં કહીએ તો આ જ એ ઉપાયો છે જેનાથી વૈરાગ્યમય અને અભ્યાસમગ્ન થઈ શકાય.

સારાંશરૂપે આપણે કહી શકીએ કે અભ્યાસની સ્થિરતા અને સાર્થકતા માટે વૈરાગ્યને પરિપુષ્ટ અને સુદૃઢ કરવાનો પ્રયાસ કરવો. જૂની આદતો એમાં અવરોધક બનશે પરંતુ એ તરફ બેફિકર રહીને અભ્યાસમાં મન પરોવવા કોશિશ કરતાં રહેવું. કુટેવોથી થતા નુકસાનની ચિંતા કરવા કરતાં એ આદતોને છોડવાથી થતા લાભ વિષે વિચારવાનું વધુ વિધાયક અને ધ્યેયલક્ષી બની રહેશે. આમ સતત વિચાર અને આચારના પ્રયાસો દ્વારા મન પર ઊંડી આધ્યાત્મિક છાપનું અંકન કરતાં રહેવું તેનું જ નામ અભ્યાસ છે.

‘અભ્યાસ’નો સતત અભ્યાસ કરવાથી મન ધીરે ધીરે વૈરાગ્યના લાભ અને તેની ગુણવત્તાથી આકૃષ્ટ થશે તથા વૈરાગ્યવિરોધી ભાવો પ્રત્યે ઉદાસીન થતું રહેશે. એ ભાવોની ઉપેક્ષા કરતું થઈ જશે. આ પ્રકારની ઉપેક્ષા દીર્ઘ અભ્યાસ દ્વારા સહજ રીતે જ પૂર્ણ ઉદાસીનતામાં પર્યવસાન પામશે. એક વખત કોઈ વસ્તુ પ્રત્યે ઉદાસીનતા આવી જાય તો પછીથી વિવેકપૂર્વકનો વૈરાગ્ય લાવવાનું અઘરું નથી. એવો વૈરાગ્ય જ સ્થાયી બની રહે છે. આધ્યાત્મિક જીવનમાં આ વૈરાગ્ય સ્વયં એક સહજ અને અમૂલ્ય ઉપલબ્ધિ છે.

અભ્યાસની સાર્થકતા માટે બીજું મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે આત્મ-વિકાસ અને આત્મોન્નતિની અનંત સંભાવનાઓમાં દૃઢ વિશ્વાસ! કવચિત વિશ્વાસ ચલિત થાય ત્યારે સાધકે પ્રયત્ન અને સમજણપૂર્વક એ આત્મવિશ્વાસને ટકાવી રાખવો પડશે. આત્માની અસીમ શક્તિમત્તા પ્રત્યે રહેલી અતૂટ આસ્થા તેના રોમેરોમમાંથી પ્રસ્ફુટિત થતી રહેવી જોઈએ. આ અપરિમેય ક્ષમતા આપણા વ્યક્તિત્વની અક્ષય નિધિ બની રહે. અન્તહીન ઊંચાઈઓને સર કરવાનું સાધન બની રહે – આપણે આસ્થાનાં ઝરણાંમાં આકંઠ ડૂબતાં રહીએ, ભીંજાતાં રહીએ ને નવપ્રસ્થાનને શ્રદ્ધાથી – વિશ્વાસથી થનગનતું બનાવી દઈએ – પછી બાકી શું રહે?

આ ઉન્નત ભાવોને અવગત કરવા માટે દીર્ઘકાલીન અભ્યાસની આવશ્યક્તા છે. એ માટે વ્યક્તિએ પોતાની સઘળી મર્યાદાઓ અને ક્ષુદ્રતાઓનો અવિરામ સામનો કરવો પડે છે. “અંતિમ વિજય મારો જ છે.” એ વિશ્વાસ સાથે ખેડાતા અન્તહીન સંઘર્ષનું બીજું નામ છે ‘અભ્યાસ.’

મોટે ભાગે આપણે અવ્યવસ્થિત અને અનિયમિત રીતે અભ્યાસ કરવાના પ્રમાદથી ટેવાઈ જતા હોઈએ છીએ. પરંતુ કોઈક ખાસ તબક્કે જાગવું જરૂરી છે ને? જીવનની સાર્થકતાને પ્રતીત ક૨વા જાગવું જરૂરી છે. આ કામ શરૂમાં અપ્રિય અને કષ્ટપ્રદ લાગશે પરંતુ અથક-અનવરત અભ્યાસની ટેવ પડતાં, ક્રમશઃ તે સહજ બની રહેશે. આ માર્ગે જ આપણે આપણી દુર્બળતાઓ વિજય મેળવી શકીશું. આપણી અનન્ત સંભાવનાઓની અનુભૂતિ અને અભિવ્યક્તિ પામી શકીશું.

બોલો મિત્રો, આપણે ક્યાંથી અને ક્યારે શરૂઆત કરીશું આવા અભ્યાસની? આજે આ ક્ષણે જ આરંભ કરીએ. આવો, આ મંગળ પળે જ આપણે આપણી દુર્બળતાઓ અને દરિદ્રતાના વિરોધમાં શંખનાદ ફૂંકીએ. ઈન્દ્રિયોની દાસતાના વિરોધમાં વજ્રનાદ જેવી ઘોષણા કરીએ: “હું મારા મન અને ઈન્દ્રિયોનો સ્વામી છું. ઈશ્વરત્વ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું તે મેળવીને જ જંપીશ.”

ભાષાંતર: શ્રીમતી જ્યોતિબહેન ગાંઘી

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.