ચૈતન્યનો સ્વભાવ છે કે ક્રિયાશીલ રહેવું. એ પણ હકીકત છે કે એ ક્રિયા બહુધા રચનાત્મક હોય છે…માનવી તો ઘડવૈયો છે. તે કંઈકને કંઈક ઘડ્યા જ કરે છે. શિલ્પી આરસ કોતરીને મૂર્તિ ઘડે છે. કુંભાર માટી ગુંદીને મનગમતાં વાસણો ઘડે છે…સોની સોનું તાવી તાવીને – ટીપી ટીપીને સુંદર ઘરેણાં ઘડે છે…લુહાર લોઢું ઘડે છે – સુતાર લાકડું ઘડે છે. એમ માનવી અચેતન વસ્તુને વધુ સુંદર અને વધુ ઉપયોગી બનાવી તેને ચેતનાના સહવાસમાં લાવ્યા કરે છે…

પરંતુ, માનવી માટે ઘડતરની ક્રિયા ત્યાં અટકતી નથી. માનવી દ્વારા માનવીનું ઘડતર પણ થાય છે. અવતારી પુરુષો અને પયગંબરોથી માંડીને માનવકુળના સંતો, સાધુપુરુષો, ગુરુજનો, શિક્ષકો અને સમજણાં માતા-પિતાઓ તેમજ સમસ્ત સમાજનું તંત્ર સમાજની અંગભૂત વ્યક્તિઓનું ઘડત૨ કરતા આવ્યા છે. અને એ ક્રિયા અવિરત ચાલુ છે.

માનવીના ઘડતરમાં વિશેષતા એ છે કે માનવીનું ઘડતર ફક્ત નર્યું બહા૨થી કે તેના અન્ય ઘડવૈયા દ્વારા જ થાય છે તેવું નથી. અહીં ઘડવાની વસ્તુ નિર્જીવ કે આરસ નથી કે નથી તે માટી, સોનું, લોઢું કે લાકડું. પરંતુ તે એક ચૈતન્યની ચિનગારી છે. ઘડવૈયાને ઘડવું છે તો વ્યક્તિને ઘડાવું છે. તેને તો માત્ર માર્ગદર્શન – દિશાસૂચન જોઈએ છે. વ્યક્તિ પોતે જ ઘડાઈ ઘડાઈને સ્વયંને ઘાટ આપવા માગે છે.

વિચારો, લાગણીઓ અને વૃત્તિઓનું સંકલન અને સુમેળ સાધી પોતાપણું વિકસવા દેવું, અને જીવનની સમગ્ર શક્તિને કામે લગાડી જીવનને પાંગરવાની તક આપવી એનું નામ વ્યક્તિત્વ ઘડતર…

અલબત્ત ગુરુ અથવા ગુરુસ્વરૂપ આત્મજનો માર્ગદર્શન આપી શકે – દિશાસૂચન કરી શકે, પણ સાચું ઘડત૨ તો દરેક વ્યક્તિએ સ્વયં કરવાનું છે. સતત ઘડત૨ દ્વારા પોતાના જીવનનો વિકાસ કરવો એ માનવ માત્રની બુનિયાદી ખ્વાહિશ છે…એ તેનો ધર્મ છે.

પ્રથમ તો માનવીએ પોતાના આત્મતત્ત્વને ઓળખવું જરૂરી છે. મારામાં એક એવું તત્ત્વ છે – જે અવિનાશી છે, જે ૫૨મ ચૈતન્ય છે, જે મારા પ્રાણોનો પ્રાણ છે, જે સત્યમ્ – શિવમ્ સુંદરમ્ સ્વરૂપે મારા જીવનમાં પ્રગટ થવા માગે છે… તેવો આત્મસ્વીકાર કરવો અને પુરુષાર્થ કરીને હું મારા જીવનને સભર અને સાર્થક બનાવીશ એવો દૃઢ સંકલ્પ ક૨વો જરૂરી છે. વ્યક્તિઘડતરનો આ પાયો છે. આવો પાયો નાખ્યા પછી જીવનને ઘાટ આપવા માણસે પોતાના જીવનનું ધ્યેય નક્કી કરી લેવું જોઈએ. વિચારો, લાગણીઓ, વૃત્તિઓ અને ઈન્દ્રિયો ઉ૫૨ મનોબળની આણ પ્રવર્તે ત્યારે જીવનનું ધ્યેય આપોઆપ પ્રગટ થતું જાય છે… અને એક વાર જીવનનું લક્ષ્ય નક્કી થયું કે નિર્ણય શક્તિ સબળ બનીને જીવનની સમગ્ર શક્તિને એ દિશાએ વાળે છે અને માણસનું આગવું વ્યક્તિત્વ ઉપસી આવે છે અને ઉચિત ઘાટ મળે છે.

માણસે પોતાના વ્યક્તિત્વના ઘડતરમાં અમુક બાબતોથી ખૂબ સજાગ રહેવું જોઈએ. કોઈ પૂર્વગ્રહ જીવનના સર્વાંગી ઘાટની કોઈ રેખાને સંકુચિત કે વિકૃત ન કરી બેસે, કોઈ લાગણી કે વૃત્તિ સંયમ અને સંકલનની મર્યાદા બહાર જઈને જીવનને ઓશિયાળું કે પરાધીન ન કરી દે તે જોવાનું છે. વ્યક્તિ ઘડતરમાં સતત જાગૃતિ અપેક્ષિત છે અને તેમાં ઝોલું આવે તે ન પાલવે.

પોતાની જાતનું સુયોગ્ય ઘડતર કર્યા વિના કોઈ માનવીને જીવનમાં ઝૂઝવાની યોગ્યતા પ્રાપ્ત થતી નથી અને જીવનને સોહાવવાનો લ્હાવો મળતો નથી. ઘાટઘૂટ વિનાનું જીવન એ જીવન નથી. માટે ધર્મ સમજીને આપણે આપણું ઘડતર કરીએ. એટલે કે પોતાને પિછાણીને, આત્મવિશ્વાસથી આગળ જઈએ. મન-હૃદયનો મેળ બેસાડીએ. સંયમથી ઈન્દ્રિયોનો સહકાર મેળવીએ. પોતાનું અને માનવસમાજનું ધ્યેય સિદ્ધ કરવા બધી શક્તિઓનો સદુપયોગ કરીએ અને પોતાની જાતને ટીપીટીપીને એવા ઘાટ આપીએ કે કોઈ ટકોરા મારે તો તેમાંથી સંગીત રણકી ઊઠે. કશુંક ભટકાય કે અથડાય તો તેમાં ઘોબા ન પડે. અને બાહ્ય વાતાવરણ ધૂંધળું હોય છતાં પણ આપણું જીવન સોહામણું અને ઉજ્જવળ રહે.

અને એમ પણ યાદ રાખીએ કે વ્યક્તિઘડતરનું કાર્ય એક સતત પ્રક્રિયા છે. તે કદી પૂરું થતું નથી. માણસે ઘડાયા જ કરવાનું છે. અને પોતાનો ઘાટ સુંદરતમ ક૨તા જ જવાનો છે અને ઘડાતાં ઘડાતાં પોતે પ્રાપ્ત કરેલો ઘાટ નમુનારૂપે ધરીને અન્ય વ્યક્તિઓના ઘડતરમાં સહભાગી થવાનું છે.

Total Views: 104
By Published On: April 22, 2022Categories: Akbar Ali jasdanwala0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram